પુરુષોતમ મેવાડા
આમ સખત મહેનત અને લગનથી અભ્યાસ કરવાની સાથે એણે ફાઈનલ MBBSની પરીક્ષા આપી, અને પરીક્ષાનું પરિણામ આવી ગયા પછી ક્યાંક સારી નોકરી મળી જશે, પછી કેવા સારા દિવસો આવશે એના વિચારો એ કરવા લાગ્યો!
આખરે તે દિવસ આવી પણ ગયો. બપોરે સાઇકલ લઈને એ યુનિવર્સિટીની ઑફિસે પહોંચી ગયો, પણ બોર્ડ પર રિઝલ્ટ જોઈને એ ચોંકી ગયો!
જિંદગીમાં પહેલી વાર એ છોકરો ‘નપાસ’ જાહેર થયો હતો! પહેલો આંચકો સહન કરી લઈને એણે સ્વસ્થતા ધારણ કરી, અને આવું કેમ બન્યું હશે એનો વિચાર કરવા લાગ્યો. વિચારતાં-વિચારતાં પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે કૉલેજના સીનિયર ક્લાર્ક સાથેનો સંવાદ એને યાદ આવી ગયોઃ
“ભાઈ, તમે આ પરીક્ષામાં નપાસ થશો!”
“કેમ? હું તો ક્યારેય નપાસ થયો નથી!” છોકરાએ કહેલું.
“વાત એમ છે, કે મેં તમારી કૂંડળી જોઈ છે, અને મને જેવું દેખાયું એવું મેં તમને અત્યારે કહ્યું!”
એ વખતે તો એ છોકરાએ એ ક્લાર્કની વાત નહોતી માની, પણ હવે અત્યારે જ્યારે એની વાત સાચી પડી હતી, ત્યારે જરા પણ નારાજ કે દુઃખી થયા વગર એને પોતાનું ભવિષ્ય આટલું સચોટ રીતે ભાખવા બદલ એ ક્લાર્કને અભિનંદન આપવાની ઇચ્છા થઈ આવી!
મારતી સાઇકલે એ ક્લાર્કને મળવા જઈ પહોંચ્યો, અને એને કહેવા લાગ્યો,
“તમારી વાત સાચી પડી. હું નાપાસ થયો છું, Congratulations!”
પ્રશ્ન એ થાય છે, કે એ ભાઈએ એ છોકરાની કૂંડળી શા માટે જોઈ હશે, અને કોણે જોવડાવી હશે!? એ રહસ્ય આજ સુધી એક વણઉકેલ્યો કોયડો જ રહ્યું છે.
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે