નલિન શાહ
{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}
અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

તા. ૧૮ સપ્ટેમ્બર,૧૯૩૫ના ‘ટાઈમ્સ ઑવ ઈન્ડીયા’માં એક સમાચાર છપાયા. એમાં મુંબઈના ઈમ્પિરીયલ સીનેમામાં પ્રદર્શિત થવા જઈ રહેલી બોમ્બે ટૉકીઝ નીર્મિત ‘જવાની કી હવા’ નામની ફિલ્મ સામે ૩૦૦ જેટલા પારસીઓએ કરેલા દેખાવોનો ઉલ્લેખ હતો. એમનો વિરોધ એ ફિલ્મમાં કશુંયે બિભત્સ હોય એ પ્રકારનો નહોતો. તે સમયે ખુબ જ બદનામ ગણાતા ફિલમોદ્યોગ સાથે બે પારસી યુવતીઓનાં નામ જોડાય એ સામે એમને વાંધો હતો. બોમ્બે ટૉકીઝ લીમિટેડના બોર્ડ ઑવ ડાયરેક્ટર્સ તરીકેના બાર પૈકી ચાર સભ્યોએ( એમાંના એક સર કાવસજી જહાંગીર હતા) પણ પોતાનો વિરોધ નોંધાવ્યો. ‘જવાની કી હવા’ એ નવસ્થાપિત કંપનીની પહેલી જ ફિલ્મ હતી અને જેનો વિરોધ થઈ રહ્યો હતો એ બે સન્નારીઓ હતી ખુરશીદ હોમજી અને માણેક હોમજી.

એ ફિલ્મમાં શેરધારકોની રૂ. એક લાખ જેટલી જંગી રકમ રોકાયેલી હતી. આથી કંપનીના મુખ્ય સંચાલક હિમાંશુ રાયે દબાણને વશ થવાની ના પાડી દીધી. જો કે અગમચેતીના પગલા રૂપે એમણે એ બેય પારસી યુવતીઓનાં નામ બદલી નાખ્યાં. એ નામો હતાં, અનુક્રમે સરસ્વતી દેવી અને ચન્દ્રપ્રભા. હિમાંશુ રાય એ વખતે આંદોલનકારીઓની માંગને વશ થઈ ગયા હોત તો હિન્દી ફિલ્મ સંગીતનો ઈતિહાસ જુદો જ હોત. કેમ કે સરસ્વતીદેવી કે જે મૂળે ખુરશીદ હતાં, એ હિન્દી ફિલ્મ સંગીતનાં પહેલાં મહિલા સંગીતનિર્દેશક બની રહ્યાં. એ પાસાના વિકાસમાં એમનું મહત્વનું પ્રદાન રહ્યું છે.
શાસ્ત્રીય સંગીતનાં ઉપાસક એવાં સરસ્વતીદેવીએ એમનાં બનાવેલાં ગીતોમાં રાગોની શુધ્ધી જાળવી રાખી હતી. એમનું વાદ્યવૃંદ સાદું રહેતું, જેમાં સારંગી, સીતાર, ઓર્ગન, તબલાં અને એકલ વાયોલીનનો સમાવેશ થતો હતો. વાયોલીન ઉપર સાથ આપતા એમના હોનહાર સહાયક એસ.એન. ત્રીપાઠી કે જે આગળ જતાં સંગીતનિર્દેશક તરીકે જાણીતા થયા. જલતરંગનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારાં કદાચ એ એકમાત્ર સંગીતકાર હશે. એ જમાનામાં અભિનેત્રી/તાએ જાતે જ ગીતો ગાવાનાં રહેતાં. આથી દેવીકા રાણી { ‘અછૂત કન્યા’(૧૯૩૬)નું ઉડી હવા મેં જાતી હૈ, }, અશોક કુમાર { ‘બંધન’(૧૯૪૦)નું ચલ ચલ રે નૌજવાન} અને લીલા ચીટનીસ {‘કંગન’(૧૯૩૯)નું સૂની પડી હૈ સિતાર્} જેવાં અનિયત ગાયકો પાસેથી ધાર્યું પરિણામ મેળવવામાં સરસ્વતીદેવીને ખાસ્સી જહેમત ઉઠાવવી પડતી હતી.
સરસ્વતીદેવીનું શાસ્ત્રીયતાકેન્દ્રીત સંગીત ૧૯૩૦ના દાયકામાં સારું એવું પ્રસ્તુત હતું. ૧૯૪૦ના દાયકાના આરંભે શરૂ થયેલો નવો જમાનો એમના સાંગીતિક શુધ્ધીના ખ્યાલોથી વિમુખ હતો. ૧૯૪૦માં હિમાંશુ રાયનું અચાનક અવસાન થતાં બોમ્બે ટૉકીઝના માહોલમાં આવેલા ફેરફારો એમને અનુકૂળ ન આવ્યા. કોઈ અગમવાણી જેવા શબ્દો ધરાવતા ગીત ‘ન જાને કીધર આજ મેરી નાવ ચલી રે’ની તરજ બનાવ્યા પછી સરસ્વતીદેવીએ બોમ્બે ટૉકીઝ છોડી દીધું. આ એ સંસ્થા હતી, જેને એ પારાવાર ચાહતાં હતાં. એમને અન્ય કોઈ નિર્માણસંસ્થા સાથે કામ કરવાનું રાસ ન આવ્યું અને એમણે ૧૯૫૦માં જરાય કડવાશની કે પસ્તાવાની લાગણી વગર સાહજિકતાથી ક્ષેત્રસન્યાસ સ્વીકારી લીધો.
સરસ્વતીદેવીએ લગ્ન ન કર્યું. પોતાના અંતિમ દિવસો સુધી એ આર્થિક વળતરની પરવા કર્યા વિના સંગીતનું શિક્ષણ આપતાં રહ્યાં ૧૦ ઑગસ્ટ – ૧૯૮૦ના રોજ ૬૮ વર્ષની ઉમરે અવસાન પામ્યાં ત્યારે એ લગભગ એક ભૂલાઈ ગયેલી હસ્તિ હતાં. હા, એમનો નાનકડો એવો જ્ઞાતિસમૂહ એમાં અપવાદ હતો, જેને એમણે (એ સમૂહમાંથી બહાર આવેલાં) પ્રથમ મહિલા સંગીતનિર્દેશકા તરીકે ગૌરવાન્વિત કર્યો હતો.
પણ, ફિલ્મી સંગીતની તવારીખના દસ્તાવેજોમાં એવો સવાલ ઘણી વાર ઉઠતો આવ્યો છે કે ખરેખર એ પહેલવહેલાં મહિલા સંગીતકાર હતાં? અભિનેત્રી નરગીસનાં માતા જદ્દનબાઈએ આ ક્ષેત્રે સરસ્વતીદેવી પહેલાં પદાર્પણ કરેલું એવી માન્યતા છે.

સરસ્વતીદેવીનું ‘જવાની કી હવા’ અને જદ્દનબાઈનું ‘તલાશ એ હક’ એક સાથે જ બની રહ્યાં હતાં. પણ ‘તલાશ એ હક’ બે મહિના વહેલું ૧૩ જુલાઈ – ૧૯૩૫ના રોજ પ્રદર્શિત થયું. જદ્દનબાઈએ ૧૯૩૫થી ૧૯૩૭ દરમિયાન પાંચ ફિલ્મોમાં સંગીત આપ્યું, જ્યારે સરસ્વતીદેવીના ખાતામાં ૧૯૩૫થી ૧૯૫૦ના સમયગાળામાં ત્રીશ ફિલ્મો બોલે છે. સ્પષ્ટ વાત કરીએ તો નોંધ લેવી જોઈએ કે પ્રથમ મહિલા સંગીતકાર ઈશરત સુલતાના હતાં. એમણે ‘અદલ એ જહાંગીર’(૧૯૩૪) અને ‘કઝાક કી લડકી’(૧૯૩૭) એ બે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ઈશરત સુલતાનાએ અને જદ્દનબાઈએ ફિલ્મ સંગીતના દોરમાં ખાસ નોંધનીય પ્રદાન નથી કર્યું, જ્યારે સરસ્વતીદેવીનાં સ્વરનિયોજનોને આજે પણ યાદ કરવામાં આવે છે. આ રીતે મૂલવતાં તે સમયના સંગીતની શૈલીમાં એમણે આપેલા મહત્વના પ્રદાનને ધ્યાને રાખીને સરસ્વતીદેવીને હિન્દી ફિલ્મ સંગીતનાં પ્રથમ મહિલા સંગીતકાર તરીકે યોગ્ય રીતે ઓળખાવી શકાય છે.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com