ચંદુ મહેરિયા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવ જેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ કાયદાનો ૧૬મી જૂન ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મ પરિવર્તનનો હોય તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવ જેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું , તે માટેના સામુહિક પ્રયાસો કે ષડયંત્રો થતા હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.
એકાદ દાયકાથી કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમી ઉત્તરપ્રદેશ ઉપરાંત કેટલાંક બીજેપીશાસિત રાજ્યોમાં લવ જેહાદની બુમરાણ જોવા મળે છે. કર્ણાટકના રામ સેનાના નેતા અને ‘લવ જેહાદ : રેડ એલર્ટ ફોર હિંદુ ગલ્સ’ના લેખક પ્રમોદ મુત્તાલિકે ૨૦૦૯માં સૌ પ્રથમ વાર લવ જેહાદ શબ્દ પ્રયોજ્યો હોવાનું ઈતિહાસકાર ચારુ ગુપ્તાએ ‘મિથ ઓફ લવ જેહાદ” પુસ્તકમાં નોંધ્યું છે. અન્ય અભ્યાસીઓ કેરળમાં ખ્રિસ્તી ચર્ચે આ શબ્દ પ્રથમવાર પ્રયોજ્યો હોવાનું જણાવે છે. જોકે હવે લવ જેહાદનો મુદ્દો સાંપ્રદાયિક રાજકીય એજન્ડા અને મતોની ફસલ લણી આપનાર બની ગયો છે. તેથી જ પચીસ વરસથી જ્યાં ભાજપાનું શાસન તપે છે તે ગુજરાતમાં પણ આવો કાયદો ઘડવો તે દીર્ઘ રાજવટની નિષ્ફળતા અને નાલેશી ગણાય તે વાતની લગીરે ફિકર વિના લવ જેહાદ વિરોધી કાયદો ઘડાયો છે.
લવ જેહાદ વિરોધી વર્તમાન કાયદા અને અભિયાનને અદાલતોનું પણ પીઠબળ મળ્યું હતું. ૨૦૧૭માં ઉત્તરાખંડની વડી અદાલતે લગ્ન માટે ધર્મ પરિવર્તનને અટકાવવાનો કાયદો ઘડવા રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના સિંગલ જજની એક બેન્ચે ૨૦૧૪માં મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરવાને લીધે અસલામતી અનુભવતી પાંચ હિંદુ યુવતીઓની પોલીસ રક્ષણની માંગ નકારી હતી. અદાલતે તેના ચુકાદામાં માત્ર લગ્નના હેતુ માટે કરવામાં આવતા ધર્મ પરિવર્તનને અસ્વીકાર્ય ગણ્યું હતું. આસ્થા અને વિશ્વાસમાં વાસ્તવિક પરિવર્તન સિવાયના ધર્મ પરિવર્તનને અદાલતે અમાન્ય ઠેરવ્યું હતું. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટને લવ જેહાદના આરોપોમાં તથ્ય જણાયું હતું.
કર્ણાટક હાઈકોર્ટની ડિવિજન બેન્ચે તો ૨૦૦૨ થી ૨૦૦૯ દરમિયાન રાજ્યભરમાંથી ગુમ થયેલી ૨૧,૮૯૦ છોકરીઓના કેસો લવજેહાદની શંકાવાળા ગણી તેની તપાસ સીઆઈડી ને સોંપી હતી. જોકે ગુમ થયેલી છોકરીઓમાંથી ૨૨૯ના જ આંતરધાર્મિક લગ્નો થયા હતા અને તેમાંથી માત્ર ત્રેસઠે જ ધર્મપરિવર્તન કર્યાનું સીઆઈડી તપાસમાં ખૂલ્યું હતું. વળી આ તપાસમાં પોલીસને લગ્નના બહાને ધર્મપરિવર્તનનો કોઈ સામુહિક પ્રયાસ કે ષડયંત્ર ન જણાતાં ૨૦૧૩માં અદાલતે આ કેસનો વીંટો વાળી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે પણ લવ જેહાદના આરોપોની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એન આઈ એ) ને સોંપી હતી. તે પછી સર્વોચ્ચ અદાલતે કેરળના હાદિયા કેસમાં લવ જેહાદના આરોપો નકાર્યા હતા અને ધર્મ પરિવર્તન મંજૂર રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે અને અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરના ચુકાદાઓમાં પુખ્ત ઉમરની કોઈપણ વ્યક્તિને ધર્મ કે જ્ઞાતિના બાધ સિવાય પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્નનો અધિકાર હોવાનું અને આવો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧નું અભિન્ન અંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.
વર્તમાન લોકસભામાં કેન્દ્રીય ગ્રુહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કોંગ્રેસના કેરળના સાંસદ બેન્ની બેહનાનના લોકસભા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે લવ જેહાદ જેવો કોઈ શબ્દ કાયદામાં પરિભાષિત નથી. કેન્દ્રીય તપાસ સંસ્થાઓની તપાસના આધારે તેમણે જણાવ્યું હતું કે લવ જેહાદનો કોઈ મામલો કેન્દ્ર સરકારની જાણમાં નથી. સરકારી સંસ્થા ‘ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફૉર પોપ્યુલેશન સાયન્સિઝ’નો ૨૦૧૩નો સર્વે ભારતમાં આંતરધાર્મિક લગ્નો બહોળા પ્રમાણમાં થતા હોવાના આરોપોનો છેદ ઉડાડે છે. આ અભ્યાસમાં જણાયું છે કે ૧૫ થી ૪૯ વરસના વિવાહિત મહિલાઓમાંથી માત્ર ૨.૨૧ ટકાએ જ ધર્મ બહાર લગ્નો કર્યા છે. શહેરોમાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ૨.૯ ટકા અને ગામડાંઓમાં ૧.૮ ટકા જ છે. સૌથી વધુ ૩.૫ ટકા આંતરધાર્મિક લગ્નો ખ્રિસ્તી મહિલાઓ કરે છે. તે પછીના ક્રમે શીખ ૩.૨ ટકા અને હિંદુ ૧.૫ ટકા છે. માત્ર ૦.૬ ટકા મુસ્લિમ મહિલાઓ જ ધર્મ બહાર લગ્ન કરે છે. જે બીજેપી રાજ્યોમાં લવ જેહાદની ઝુંબેશો ચાલે છે ત્યાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ઘણું ઓછું છે. દેશમાં સૌથી વધુ ૭.૮ ટકા આંતરધાર્મિક લગ્નો પંજાબમાં થાય છે. પંજાબની શીખ-હિંદુ લગ્ન પરંપરાનું આ પરિણામ છે. તે પછીના ક્રમે ઝારખંડમાં ૫.૭ અને આંધ્રમાં ૪.૯ ટકા મહિલાઓ આંતરધાર્મિક લગ્નો કરે છે.
રાજ્યોના લવ જેહાદ વિરોધી કાયદા અને જમણેરી બળોનું અભિયાન મહિલા વિરોધી પણ છે. તે મહિલાઓની વ્યક્તિગત અને સંસ્થાગત સ્વતંત્રતાને તો અવરોધે જ છે, પ્રેમના દાયરાને પણ સાંકડો કરે છે. લવ જેહાદ શબ્દ જ પરસ્પર વિરોધી છે. બે જુદા જુદા ધર્મોની વ્યક્તિઓ લગ્ન કરે તો તેમને સાંકળતી સમાન બાબત પ્રેમ હોય કે ધર્મ ? મહિલાઓને નાદાન, નબળી અને અણસમજુ સમજીને તેને કસાઈઓના હાથમાં જતી બચાવવાનો દાવો કરનારા ખરેખર તો તેમને વસ્તુ કે ચીજ ગણે છે.શાયદ એટલે જ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુર આવા કાયદાઓને લોકશાહી સરકારોનું ખાપ પંચાયત કે જાતિ પંચાયત જેવું વલણ ગણે છે. નિવ્રુત ન્યાયાધીશ એ પી શાહના મતે મહિલાઓની સ્વતંત્રતા પિત્રુસત્તા અને પુરુષોને ડરાવે છે. લવ જેહાદના કાયદા જાણે કે મહિલાઓ પોતાનું સારુંનરસું જાતે વિચારી શકતી નથી તેમ ઠસાવી તેમની સ્વતંત્ર ઓળખ પર પ્રહાર કરે છે.
૧૯૫૪નો સ્પેશ્યલ મેરેજ એકટ અલગ અલગ ધર્મોમાં માનતા યુગલોને તેમની ધાર્મિક માન્યતા અકબંધ રાખીને લગ્નની અનુમતી આપે છે. ઈન્ડિયન પિનલ કોડની ઘણી જોગવાઈઓ હેઠળ બળજબરી, લોભ, લાલચ કે છેતરપિંડીથી થતા લગ્નો સામે મહિલાને પર્યાપ્ત કાનૂની રક્ષણ મળેલું છે. એ સંજોગોમાં લવ જેહાદ વિરોધી અલગ કાયદાઓમાં રાજકીય હેતુની બૂ આવવી સ્વાભાવિક છે.જુદા ધર્મ કે જ્ઞાતિના કે એક જ ધર્મ કે જ્ઞાતિના પણ વડીલોની સંમતિ વિના પ્રેમ લગ્ન કર્યા બાદ અસલામતી અનુભવતા અને પોલીસ તંત્ર સમક્ષ રક્ષણની માંગમાં નિષ્ફળ રહેતા અનેક યુગલો હાઈકોર્ટમાં પોલીસ રક્ષણ માટે ધા નાંખે છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ એપ્રિલ ૨૦૧૯માં આવા કેસો અંગેના ચુકાદામાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરી તેમની ફરિયાદોનો નિકાલ કરવા આદેશ કર્યો હતો.પરંતુ ગુજરાત સરકાર પ્રેમ લગ્નોને કારણે પોલીસ રક્ષણ માંગતા યુગલોને તુરત રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે ભર કોરોને લવ જેહાદ વિરોધી કાયદો લઈ આવી છે. !
ભારતમાં અલ્પ છતાં આંતરધાર્મિક લગ્નોની એક દીર્ઘ પરંપરા છે. તે દેશના બિનસાંપ્રદાયિક પોતને મજબૂત કરે છે અને ધાર્મિક-સાંસ્ક્રુતિક વિવિધતા છતાં દેશની એકતાના દર્શન કરાવે છે. મહિલા સ્વાતંત્ર્યને અવરોધતા લવ જેહાદ જેવા અભિયાનોને બદલે આંતરધાર્મિક અને આંતરજ્ઞાતિય લગ્નોનું પ્રમાણ વધે તો દેશ ખરા અર્થમાં સમરસ બની શકશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.