લ્યો, આ ચીંધી આંગળી : ધીરુભાઇ પરીખ, કુમાર અને મારી કેટલીક સ્મરણરેખાઓ

(કુમારના ધીરુભાઈ પરીખે ૯ મે, ૨૦૨૧ના રોજ લીધેલી ચિરવિદાય નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપતો લેખ)

રજનીકુમાર પંડ્યા

ધીરુભાઇ પરીખના નામ સાથે ‘કુમાર’ની સત્તાણુ વર્ષની પ્રલંબ યાત્રાના વિવિધ રંગ સાથે મારી અંગત એવી કેટલીક સ્મૃતિઓ પણ સજીવન થાય છે, જેનો સંબંધ મારા પોતાના ભાવજગત સાથે ઋણભાવે જોડાયેલો હોય.

પહેલાં હું મારી અંગત સ્મૃતિકથા જ કહું.

તેમની સાથે મારી અંગતતાનો ઉદભવ લગભગ ૧૯૮૫ માં મારા અમદાવાદ રહેવા આવ્યા પછી થયો,  પણ અમારી વધુ નિકટતા સાહિત્ય ઉપરાંત જૂની હિંદી ફિલ્મો અને એના સુવર્ણકાળના સોનેરી સંગીત પરત્વેની અમારી એક સરખી રુચિના દોરે રચાઇ આવી. એમનાં પત્ની કવયિત્રિ બહેન કમળાબહેન પણ એમાં જોડાયાં ત્યારે એમાં ઔર એક સૌમ્ય રંગ ભળ્યો. અને એ રસાયણમાંથી જ એક ચમત્કાર સર્જાયો.

(ધીરુભાઈ પરીખ)

‘કુમાર’માં લખવાનું તો મારે કવચિત બનતું જ હતું. પરંતુ એમાં એક મહત્વનો મુકામ ૨૦૦૧ માં આવ્યો. ૨૦૦૦ ની સાલના નવેમ્બરમાં નામાંક્તિ ફિલ્મદિગ્દર્શક (સ્વ) હૃષિકેશ મુકરજીને રાષ્ટ્રીય કક્ષાનું એક મોટું સન્માન એનાયત થયું અને એ જાણીને ફિલ્મરસિયા ધીરુભાઇએ મને એમના વિષે ‘કુમાર’માં એક લેખ કરી આપવાનું કહ્યું. મને ગમતો અને રસનો વિષય એટલે મેં એ તરત કરી આપ્યો અને એનાથી એ એટલા બધા રાજી થયા કે પછી હિંદી ફિલ્મો વિષે એક લેખમાળા લખવાનું તેમણે મને સૂચન કર્યું. મેં એ ઝીલી લીધું. પણ એનું કયું સ્વરૂપ હોઇ શકે એ વિષે મારા મનમાં કોઇ પૂર્વધારણા (કન્સેપ્ટ) નહોતી. એ પહેલાં મેં હિંદી ફિલ્મ સંગીતના કેટલાક ઉત્તમ ગાયકો-સંગીતકારોની મારી અંગત મુલાકાતો પર આધારિત વિસ્તૃત ચરિત્રચિત્રો, બલકે જીવનચિત્રોનું એક ગુજરાતી પુસ્તક ‘આપ કી પરછાંઇયાં’ આપ્યું હતું, જે આગળ જતાં હિંદીમાં પણ એ જ નામે ઉતરીને બહુ આવકાર પામ્યું હતું. એટલે ધીરુભાઇની ઇચ્છા પણ ‘કુમાર’માં હું એવાં થોડાં વધુ ચિત્રો આપું તેવી હતી. પરંતુ એ દુષ્કર કામ હતું. કારણ કે એ માટે મારે એવા રહી ગયેલા કલાકારોની વધુ પ્રત્યક્ષ મુલાકાતોનો દોર આગળ ચલાવવો પડે અને એ  માટે વારેવારે મુંબઇ જવું પડે. એ બધું શક્ય નહોતું એટલે મારે ધીરુભાઇને ક્યો વિકલ્પ સૂચવવો એની મુંઝવણમાં હતો. ત્યાં રસજ્ઞ એવા ધીરુભાઇ પોતે જ એનો રસ્તો સૂઝાડ્યો. એમણે કહ્યું કે ભારતમાં સવાક ફિલ્મો ૧૯૩૧ની સાલથી શરુ થઇ એ પ્રાથિમક તબક્કા પછી એમાં ઉત્તરોત્તર નવા નવા મનોહારી મુકામો આવતા ગયા. તો મારે એની વર્ષવાર ક્રમિક યાત્રાનો આલેખ દર પ્રકરણમાં આપતા રહેવું.   તેમનું આ સુચન મારે ગળે તરત ઉતરી જાય તેવું હતું, કારણ કે મેં મારા શોખથી એને લગતા સાહિત્યની સારી એવી અંગત લાયબ્રેરી તૈયાર કરી હતી, જે મારા ઘરની કવચિત લેવાતી મુલાકાતે ધીરુભાઇએ બહુ રસથી અને અહોભાવથી જોઇ હતી. મારે એને માટે બહારના સૂત્રો પર બહુ નજર દોડાવવી પડે તેમ નહોતું. વળી તે ઉપરાંત તે વિષયના જાણકારો કહેવાય તેવા કાનપુરના હરમંદિરસિંગ ‘હમરાઝ’થી માંડીને મુંબઇના નલિન શાહ, સુરતના હરીશ રઘુવંશી, મહેમદાવાદ- વડોદરા વસતા ઉર્વીશ અને બીરેન કોઠારી જેવા મિત્રો મારા અંગત મિત્રવર્તુળમાં હતા. એટલે આ ધીરુભાઇનું આ અઘરું  તો નહિં  પણ પુષ્કળ સમય, ઝીણો ઝીણો ખંત અને મહેનત માગી લેતું  એવું આહ્વાન મેં સ્વીકારી લીધું.

એ વખતે મારી પાસે કમ્પ્યુટર નહોતું. બધું જ નીચી ગરદન કરીને અને આંગળા દુઃખાડી દુઃખાડીને લખવાનું રહેતું અને માત્ર સડસડાટ લખ્યે જવાનું નહોતું, પણ મારી પાસેના એ વિષયના અનેક પુસ્તકોમાંથી માહિતી સારવી-ક્યારેક તો બે-ત્રણ જગ્યાએથી પ્રાપ્ત થતી પરસ્પર વિરોધાભાસી એવી માહિતીને માપી-તોલી-ચકાસીને,એનું દોહન કરીને, મારું અધ્યયન એમાં ઘોળીને એ (મહિનાઓ સુધી સતત) લખવાનું હતું. અને વળી દરેક પ્રકરણે ધીરુભાઇની તીક્ષ્ણ પરીક્ષક દૃષ્ટિમાંથી પણ પસાર થવાનું હતું. આ બધું બહુ કઠીન હતું, પણ મારાથી પીછેહઠ કરાય એમ નહોતું. મારા નાનકડા ફ્લેટના મારા નાના લેખનખંડમા ચોતરફ સંદર્ભગ્રંથોનો મોટો ફેલાવ કરીને હું ભોંય પર બેસીને લાકડાના એક ઢાળીયા ઉપર કાગળો પાથરીને કલાકો સુધી બેસતો અને એનું દોહન કરીને બે કાગળ વચ્ચે કાર્બન પેપર મૂકીને લખતો. પ્રારંભમાં હજુ તો નમૂનાના બે જ લેખો ધીરુભાઇને એનું સ્વરૂપ (ફોર્મેટ) જોવા મોકલ્યા કે તરત જ એમનો ફોન આવ્યો. એમને આ ઉપક્રમ એટલો બધો પસંદ પડી ગયો કે એમણે મને કોઇ એક મુકામ પર અટક્યા વગર અવિરત લખતા રહેવાનું કહ્યું.એ લેખમાળાનું શિર્ષક પણ એમણે જ આપ્યું ‘ફિલ્માકાશ’.  અને પછી તો ૧ લી જાન્યુઆરી ૨૦૦૧ ના અંકથી ‘કુમાર’ના પાને એ પ્રગટ થવા માંડી અને એની સાથે જ વાચકોનો પણ જબ્બર પ્રતિસાદ મળતો ગયો. આમ બોલતી ફિલ્મોના આરંભની ૧૯૩૧ની સાલથી શરુ કરીને હિંદી ફિલ્મસંગીતની ઓળખમાં આવેલા બદલાવની સાલ ૧૯૪૧ સુધીના  દસ વર્ષ કરતાંથોડા વધુ સમયગાળાને મેં ૭૮ પ્રકરણોમાં આવરી લીધો. ૨૦૦૧થી શરુ થયેલી આ લેખમાળા ‘ફિલ્માકાશ’ કુમારના પાને એના ૭૮ મા પ્રકરણ સાથે જુલાઇ ૨૦૦૭માં સમાપન પામી. સામાન્ય રીતે એક વિશિષ્ટ અને શિષ્ટ  ગણાતા સંસ્કાર-સામયિક માટે અગરાજ ગણાતા ફિલ્મ જેવા વિષયને ધીરુભાઇએ ‘કુમાર’ના પાને સ્થાન આપીને પોતાની સંમાર્જિત રુચિનો પરિચય આપ્યો. જો કે ધીરુભાઇએ ‘કુમાર’ને આ  ઉપરાંત પણ ઘણાં બધા નવા રંગ આપીને એની યુગાનુસારિતાનો અને પોતે વયની રીતે જૂની પેઢીના હોવા છતાં પોતાની અધુના દૃષ્ટિનો પરિચય આપ્યો.

પરંતુ એ પછીની પણ થોડી વાર્તાત્મક ઘટના છે.

આ લેખમાળાએ હજુ તો અર્ધી મજલ કાપી હતી તે દરમિયાન જ ૨૦૦૪ના આરંભના મહિનામાં એક સાંજે મારા વાચકમિત્ર અને મુંબઇના વૈજ્ઞાનિક ઉદ્યોગકાર (હવે તો સ્વર્ગસ્થ) નવનીતરાય આર. ત્રિવેદી મારે ત્યાં ગપ્પાંગોષ્ઠી પર બેઠા હતા એ જ વખતે ધીરુભાઇનો ફોન આવ્યો. એમના અવાજમાં રાજીપો છલકાતો હતો. કહેતા હતા : -૨૦૦૩ ની સાલનો ‘કુમાર’ચંદ્રક તમારી ‘ફિલ્માકાશ’ લેખમાળા માટે તમને આપવાનું ચંદ્રક સમિતીએ ઠરાવ્યું છે. (એ સમિતીમાં ધીરુભાઇ જેવા જ ફિલ્મ-ઘાયલ સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત શેઠનો પણ સમાવેશ થયેલો હતો કે જે આમ દુરારાધ્ય ગણાય છે.) સામે જ બેઠેલા નવનીતલાલ ત્રિવેદી સાથે આ હરખના આ સમાચારની મેં હિસ્સેદારી કરી કે એ વેપારી માણસે તરત પૂછ્યું કે અભિનંદન તો ખરા જ, પણ એ ચંદ્રક શાનો બનેલો હોય છે? હું તો એનો ઉત્તર જાણતો જ હતો, પણ એનો જવાબ અધિકૃત વ્યક્તિ આપે એ જ સારું એ વિચારે મેં ‘લો, તમે જાતે જ ધીરુભાઇ સાથે વાત કરી લો’ બોલીને ફોન એમને પકડાવી દીધો. એ પછી જે સંવાદો એ બેઉ વચ્ચે થયા તે શબ્દશ: અહીં મૂકવાને બદલે એટલું લખું કે એ  વાતચીતના પરિણામે એ ચંદ્રક એ સાલથી પંચ ધાતુને બદલે સુવર્ણનો બની ગયો. નવનીતભાઇની મારા પ્રત્યેની લાગણી જેટલો જ ફાળો એમાં ધીરુભાઇની સલુકાઇભરી સમજાવટનો હતો એ વાત મને ખુદ નવનીતભાઇએ કરી.

જો કે, નવનીતભાઇ ત્રિવેદીએ કરી આપેલી એ આર્થિક જોગવાઇ ઘણા વરસ ચાલી. અથવા એમ પણ બન્યું હોય કે હું ન જાણતો હોઉં એમ ધીરુભાઇએ બીજી પણ કોઇ રીતે એ ‘રોડવી’ લીધું હોય, પણ ગમે તેમ એ ચંદ્રક સુવર્ણનો જ રહ્યો. પણ ૨૦૦૩માં સોનાના ભાવ દસ ગ્રામના છ હજાર હતા તે પછી છેક અગીયાર વર્ષે ૨૦૧૪ માં આસમાને પહોંચીને બત્રીસ હજાર થયા ત્યારે ફરી ધીરુભાઇએ મને ફોનમાં ફૂંક મારી : ‘નવનીતભાઇને કહો ને ! તેમનાં માતાને નામે ચંદ્રકને સુવર્ણનો જ રાખવો હવે શક્ય નથી તે મૂળ  ડોનેશનની રકમમાં  ઉમેરીને એ આપણને સોનાનો ખર્ચ પરવડે એવું કરી આપે.’

પણ બિમાર થઇ ગયેલા નવનીતભાઇને ફરી કહેવાય તેવું નહોતું એ હું જાણતો હતો.એટલે મેં એ માટે મારી અશક્તિ જાહેર કરી  દીધી. પણ જોગાનુજોગ મારા એક બહુ સારા અમેરિકાવાસી વાચકમિત્ર પરેશ ગાંધી એ દિવસોમાં અમદાવાદ આવ્યા હતા અને મારા સતત સંપર્કમાં હતા. તેમણે મારા મારફત અનેક સંસ્થાઓને કરોડો રુપિયાની મદદ કરી હતી. મારા દ્વારા જ નવજીવન ટ્રસ્ટ પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયાના પુસ્તકો (નારાયણ દેસાઇ કૃત ગાંધીચરિત ‘મારું જીવન એ જ મારી વાણી’) ખરીદીને યોગ્ય વ્યક્તિઓ, શાળા, કોલેજો અને સંસ્થાઓને ભેટ અપાવ્યા હતા. એ મિત્ર પરેશ ગાંધી પાસે મેં આનો દાણો દાબી જોયો, પણ ત્યારે તો એમણે કાં હકારાત્મક પ્રતિભાવ આપ્યો નહીં. હું નિરાશ થયો. પણ પછી એક વાર હું તેમની સાથે કોઇ કામે નવરંગપુરા વિસ્તારમાં ફરતો હતો ત્યારે અચાનક મારા પરિચયની જૂની જગ્યાઓ તેમને બતાવવાની મિષે અમારે સેન્ટ ઝેવીયર્સ લેડીઝ હોસ્ટેલની સામેથી પસાર થવાનું બન્યું (૧૯૫૭ થી ૧૯૬૦ દરમિયાન એ એચ. એલ. કોમર્સ કોલેજની બોય્ઝ હોસ્ટેલ હતી ત્યારે હું એમાં રહેતો હતો.) ત્યારે અચાનક મને ધીરુભાઇનું ઘર યાદ આવ્યું, જે લગભગ સામેના ભાગે માત્ર બે ત્રણ મિનિટના રસ્તે જ હતું. મેં બિલકુલ સહજ ભાવે કહ્યું:  ‘ચાલો ને ! ધીરુભાઇ પરીખને ત્યાં જરા હાઉક કરતા આવીએ ! એ હમણાં બિમાર છે, તેમના ખબરઅંતર પૂછતા જઇએ.’ પરેશભાઇને એમાં વાંધો નહોતો અને અમે ધીરુભાઇને ત્યાં પહોંચ્યા. ત્યારે મને જોઇને એ રાજી થયા. મેં સાથે આવેલા પરેશભાઇની ઓળખાણ કરાવી અને એ વખતે મનમાં ફરકી ગયેલા વિચારની એક લહેરખીના માર્યા, પણ કંઇક સંકોચ સાથે ‘કુમાર’ચંદ્રક વિષે બે વેણ કહેવા કહ્યું. ધીરુભાઇ અસ્વસ્થ હતા છતાં આ વાત ઉખળતાં જ એમના મોં પર ચમક આવી ગઇ. એમણે ‘કુમાર’ અને એના સંઘર્ષો વિષે અને ચંદ્રક સુવર્ણનો જ બનેલો રાખવા અંગે હવે પેદા થયેલી સમસ્યા વિષે બહુ અસરકારક રીતે પેશકશ કરી. હવે કોઇ ચાર લાખ રૂપિયા આપે તો  જ ‘કુમાર’ ચંદ્રક કાયમી ધોરણે સુવર્ણનો જ બની રહે એવી વાત સીધી માગણીના કોઇ પણ શબ્દો વગર કરી અને મારા પોતાના પરમ આશ્ચર્ય સાથે એની એટલી તો પ્રભાવી અસર થઇ કે વાત પૂરી થયાની બીજી જ  મિનિટે પરેશભાઇએ બુશશર્ટના ગજવામાંથી ચેક બુક કાઢી અને એમાંથી એક ચેકમાં ‘ કુમાર ટ્રસ્ટ’  લખીને એમાં પૂરા રુપિયા ચાર લાખની રકમ ભરીને ધીરુભાઇના હાથમાં મૂકી દીધો ! એ તારીખ તે ૨૦૧૪ ના એપ્રિલની ૨૦મી તારીખ. આમ મને ફરી એક વાર ‘કુમાર’ ચંદ્રકને સોનાનો બનાવી રાખવાના કાર્યમાં માધ્યમ બનવાનો પરિતોષ પ્રાપ્ત થયો.

પણ એ પહેલાં ૨૦૦૮ ની સાલમાં પણ ધીરુભાઇની એક બહુ મોટી મદદ મને એક સત્કાર્યમાં મળી હતી. કોલકાતા વસતાં ભારતખ્યાત ભજનગાયિકા જુથિકા રૉયની બંગાળી આત્મકથા (આજ ઓ મોને પડે- એટલે કે આજે એ યાદ આવે છે.) જેવી બહુ વિરલ જણસ ગુજરાતીમાં અનુદિત થઇને અવતરે એવો એક વિચાર તેમના પ્રખર ચાહકો એવા ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારીએ મારા મનમાં રોપ્યો હતો, અને એ મારા મનમાં વસી ગયેલો. પરંતુ પહેલી વાર ૧૯૯૨માં એ માટે પ્રયત્નો કરવા છતાં તેનું પરિણામ ન નીપજ્યું, પણ એ પછી ૨૦૦૮માં એ એકદમ ભવ્ય રીતે કેમ થઈ શક્યું તેની થોડી મઝાની કથા છે.

જુથિકા રોયના પુસ્તકના વિમોચન અને સન્માન કાર્યક્રમનું આમંત્રણપત્ર

જુથિકાજીનાં મુંબઈ રહેતાં પુત્રીવત્‍ સ્વજન સુશ્રી નીલાબેન શાહે બંગાળીમાં લખાયેલી જુથિકાજીની આત્મકથાના ગુજરાતી અનુવાદની જવાબદારી થોડા સમય પહેલાં અમદાવાદનાં પ્રા. સુજ્ઞાબેન શાહને સોંપી હતી અને સુજ્ઞાબેને એ બખૂબી પાર પણ પાડેલી. એની મેન્યુસ્ક્રીપ્ટ તૈયાર થઇ ગયા પછી તેનું પ્રકાશન પણ સુઘડ અને વ્યવસ્થિત થાય એ જરૂરી હતુ, અને એ કામ વ્યાવસાયિક ધોરણે ગુજરાતીમાં કોઇ પ્રકાશક હાથમાં લે એવું વિચારી શકાય એમ નહોતું. થોડા વિકલ્પો વિચારાયા પછી એક સંભવિત સૂત્ર તરીકે મારી સાથે વાત થઈ. અને એ પગલું સમયસરનું સાબિત થયું. કારણ કે હું એ વખતે મુંબઈના ‘હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશન’ના કેટલાક સાંસ્કારિક પ્રકલ્પો હાથ પર લેવાની તૈયારીમાં હતો. મારા મનમાં અગાઉ જુથિકાજીની આત્મકથાવાળી વાત રોપાયેલી તો હતી જ, એટલે મેં તરત જ એ ‘હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશનના સ્થાપક નવનીતલાલ શાહને કાને એ વાત નાખી અને બહુ જલ્દી એમણે  વિષે હામી ભરી દીધી અને પુસ્તક એમના નેજા હેઠળના એક પ્રકાશન તરીકે પ્રેસમાં ગયું. આમ એ પ્રકલ્પ સાથે મારે જોડાવાનું બહુ સહજ રીતે બની આવ્યું.

દીપપ્રાગટ્ય કરતાં જુથિકાજી, તેમની પાછળ સંગીતકાર, તુષાર ભાટિયા, રજનીકુમાર અને ધીરુભાઈ

એ પુસ્તકના પ્રકાશન અંગેના પ્રશ્નનો આ રીતે ઉકેલ આવી જતાં આર્થિક બાબતે તો નિશ્ચિંત થઇ જવાયું હતું અને નવનીતલાલભાઇની અપ્રતિમ ઉદારતાને કારણે થોડી વધુ આર્થિક મોકળાશ પણ ઉભી થઇ હતી. એટલે એક એવો વિચાર પણ સહજપણે ઉદ્‍ભવ પામ્યો કે આ આત્મકથાના ગુજરાતી પુસ્તકના વિમોચનની મિષે આપણે જુથિકાજીને ખુદને અમદાવાદ નિમંત્રીએ અને કશુંક માનધન અર્પણ કરીએ. આના અનુસંધાને મેં મારા બીજા મિત્રો ઉપરાંત ‘કુમાર’ના સંગીતરસિયા તંત્રી એવા ધીરુભાઇનો સાથ લેવાનું નક્કી કર્યું.

જુથિકાજીને પ્રાસંગિક વક્તવ્ય માટે વિનંતી કરતા રજનીકુમાર, છેક જમણે નીલાબેન શાહ

એમ આ મિષે, આ કામ માટે જે સમિતિની રચના કરવામાં આવી તેમાં ધીરુભાઈ સાથે મારે સંકળાવાનું બન્યું. એ વખતે મારા અને ધીરુભાઇના દિમાગમાં સંયુક્ત રીતે જ વિચાર સ્ફૂર્યો કે આટલી મોટી અને અપરીણિત એકલવાઇ રહેતી હસ્તીને આર્થિક વિટંબણા નડી રહી છે એવા સમાચાર અવારનવાર કાને પડે છે તો આપણે એ દિશામાં પણ કંઇક વિચારવું જોઇએ.. આ બે લીટીમાં અત્યારે લખીએ છીએ ત્યારે જણાય છે એવું સરળ કામ એ નહોતું. એને માટે મોટું સંગઠિત આયોજન અને પ્રચાર-પ્રસારનું બળ જોઇએ. આનો વિચાર કરતાં હું ક્યારેક પારોઠનાં પગલાં ભરવાનું કરતો હતો ત્યારે ધીરુભાઇ મારામાં હિમતનો સંચાર કરતા હતા. એટલે અંતે એ દિશામાં અમે મક્કમપણે આગળ વધ્યા. એ અગાઉ મુંબઇ રહેતાં અને જુથિકાજીના નિકટના સ્વજન સરખાં બહેન નીલાબહેન શાહ સાથે કોઠારીભાઇઓએ જ અમને જોડી આપ્યાં હતાં. એટલે આ આયોજનમાં એમને પણ સાથે લીધાં અને અમદાવાદ રહેતા એમના ભાઇ લલિત દલાલને પણ સાથે રાખ્યા. આ વિચારનું મૂળ બીજ રોપનારા ભાઇ ઉર્વીશ કોઠારીને પણ આ ‘જુથિકા રૉય સન્માન સમિતી’માં સાથે રાખ્યા અને લલિતભાઇને ત્યાં જ અમારી બેઠક થઇ. કાર્યક્રમની તડામાર તૈયારીઓના આરંભ સાથે જુથિકાજીને એ અર્પણ કરવાના માનધનનું ભંડોળ એકત્ર કરવા માટેની ગતિવિધીઓ પણ આરંભી દીધી. એને માટે મેં મારી ‘જન્મભૂમિ-પ્રવાસી’ અને ‘ફુલછાબ’ ની ‘શબ્દવેધ’  અને ‘કચ્છમિત્ર’ની  કટાર ઉપરાંત ‘ગુજરાત ટાઇમ્સ’(યુ એસ એ)માં  અને અન્યત્ર લેખો લખ્યા.

જુથિકાજીના સન્માન કાર્યક્રમમાં પ્રસંગોચિત વક્તવ્ય આપતા ધીરુભાઈ

‘અહા, જિંદગી’ જેવાં સામયિકમાં બીરેન કોઠારીએ અને અન્યત્ર પણ લેખો બીજા મિત્રોએ લખ્યા. ધીરુભાઇએ પણ ‘કુમાર’માં એની વિગતવાર નોંધ મુકી. અમારા પ્રયત્નોની પડછે ખુદ જુથિકાજીના નામે પણ જાદુ સર્જ્યો અને જોતજોતામાં નાણાં પ્રવાહ શરુ થયો.  જુથિકાજીની ૮૯ વર્ષની વયને અનુલક્ષીને અસલમાં મેં અને ધીરુભાઇએ એમને ૮૯,૦૦૦નું માનધન અર્પણ કરવાનું નિર્ધાર્યું હતું, પણ નાણાંનો પ્રવાહ સતત જારી રહેવાથી અમે એ રકમને ૧,૮૯,૦૦૦ સુધી લઇ જઇ શક્યા.

અંતે ૨૦૦૮ના મેની ૨૨  મીએ રાતે સવા આઠ વાગે સંગીતપ્રેમી સંત સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે  શ્રોતાઓની ચિક્કાર ઉપસ્થિતીમાં જુથિકાજીને એ ૧,૮૯,૦૦૦ નો ચેક માનધનરૂપે અર્પણ કરવામાં આવ્યો અને એમની આત્મકથાના મારા દ્વારા સંપાદિત ગુજરાતી પુસ્તક ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું વિમોચન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે એક ઊત્તમ કામ ધીરુભાઇના સાથમાં અને બીજા મિત્રોની મદદથી પાર પાડ્યાનો સંતોષ હું અનુભવી શક્યો.

જુથિકાજીને માનધન અર્પણ કરતા સ્વામી સચ્ચિદાનંદ અને રજનીકુમાર

**** **** ****

આવા અનન્ય વ્યક્તિત્વ અને પ્રતિભાના સ્વામી એવા ધીરુભાઇ પરીખની વિદાયના એક કારમા પ્રહાર સાથે ‘કુમાર’ કંઇ સાવ ઢંકાઇ નથી જવાનું એની પૂરી પ્રતીતિ છતાંય પણ તેજસ્વી બિંબ પરથી અચાનક એક કાળો ઓછાયો પસાર  થઇ ગયાનું અવશ્ય અનુભવાયું.

ધીરુભાઇનુ નામ લેતાંની સાથે જ ‘કુમાર’ના વિશિષ્ટ ઇતિહાસનો આખો સિલસિલો મનમાં તાજો થઇ ગયો. વર્તમાનની વયોવૃધ્ધ, વૃધ્ધ કે  મધ્યમ વયના સુરુચિપૂર્ણ અને ભદ્ર પેઢીના ભાગ્યે જ કોઇ સ્ત્રી કે પુરુષ ‘કુમાર’ના નામ અને કામ અને પ્રદાનથી અજાણ હશે. એણે ગુજરાતીઓની ત્રણ ત્રણ પેઢીઓમાં સંસ્કારસિંચનનું કામ અવિરતપણે જારી રાખ્યું. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું જતન જ નહિં, સંવર્ધન અને શિલ્પ બધું જ કર્યું. એની કૂખમાંથી અનેક ઉત્તમ લેખકો-કવિઓ-નાટ્યકારો, કલાકારો, તસ્વીરકારો,શિલ્પીઓ, સંપાદકો, મર્મજ્ઞો અને વૈજ્ઞાનિકો નિપજ્યા. જેઓ એના જન્મ પહેલાં જન્મી ચૂક્યા હતા તેવાઓને પણ ‘કુમાર’ની ગોદમાં વધુ નિખરવાની અને પછી આંતરરાષ્ટ્રીય ગગનમાં ચમકવાની ક્ષમતા પ્રાપ્ત થઇ.

(‘કુમાર’નો પ્રથમ અંક)

આવા ‘કુમાર’નું પ્રકાશન છેક ૧૯૨૪ની સાલથી આજ સુધી અડાબીડ વિટંબણાઓ વચ્ચે પણ (વચ્ચે થોડા વિરામ પછી) જારી રહ્યું. એ દરમિયાન અનેક વારાફેરા આવ્યા પણ ‘કુમાર’ની દડમજલ અટકી નહિં. એમાં મોટો ઝટકો ૧૯૮૦માં બચુભાઇનું બ્યાંસી વર્ષની વયે અવસાન થયું ત્યારે આવ્યો. હવે તંત્રીપદ કોને સોંપવું એ બહુ વિચાર માગી લેતો મુદ્દો હતો. પણ છેવટ સહતંત્રી તરીકે સેવાઓ આપતા બિહારીભાઇ ટાંક પર તંત્રીપદની જવાબદારી આવી. છેવટે ૧૯૮૭ની આસપાસ શ્રેષ્ઠીઓ બિહારીભાઇ પોપટલાલ શાહ, હીરાલાલભાઇ ભગવતી અને ભાલચંદ્રભાઇ શાહ કે જે નામાંકીત ધારાશાસ્ત્રી છે તેવા મહાનુભાવોએ બધું આટોપી લેવાનું નક્કી કર્યું. પણ મોટો સવાલ કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો તેમને ચૂકવવાના જંગી વળતરનો હતો. ભાલચંદ્રભાઇએ અને બીજાઓએ  કુનેહથી કામ લીધું. સમજાવટથી મામલો થાળે પાડ્યો. કર્મચારીઓ છૂટા થયા, કંપનીનું કામકાજ સમેટાઇ ગયું અને કુમારનું  પ્રકાશન જુલાઇ ૧૯૮૭થી બંધ થયું. જાણે કે એક દેદિપ્યમાન સાંસ્કૃતિક અધ્યાય પર પરદો પડ્યો.

પણ આ એના અંતનો નહીં, વિરામનો સંકેત સાબિત થયો.

આ વિરામને કારણે ગુજરાતી સામયિક જગતમાં ‘કુમાર’ વગર એક શૂન્યાવકાશ ઉભો થયો. આ આઘાત એના ઘરેડ વાચકો સહન કરી શક્યા નહિં. એને ફરી શરુ કરવા માટે વાચકોના પત્રોનો મારો શરુ થયો. અને અંતે ૧૯૯૦માં એ વખતે ગુજરાત યુનિવર્સીટીમાં ભાષાભવનના અધ્યક્ષ અને બચુભાઇ રાવતના પ્રીતિપાત્ર રહ્યા હતા  એવા કવિ ધીરુભાઇ પરીખને તેડું ગયું અને તેમને તંત્રીનું પદ સંભાળી લેવાની વિનંતી કરવામાં આવી. અને જરૂરી એવી થોડી મૂડીની જોગવાઇ કરવામાં આવી. ધીરુભાઇએ એ ઓફરનો માતબર પરંપરાની પોતે નિભાવવાની આવી પડતી જવાબદારીની પૂરી સભાનતા સાથે સ્વીકાર કર્યો. એમણે બચુભાઇ રાવતના પુત્ર અશોકભાઇ રાવત અને બિહારીભાઇ ટાંકને સાથે રાખીને કુમાર કાર્યાલયમાં રાતદિવસ જોયા વગર ‘કુમાર’ના ચાહકો અને શુભેચ્છકોને પત્ર લખવા માંડ્યા. રોજના સો કાગળો લખાતા. મોટા ભાગના પત્રો ધીરુભાઇ જાતે અને પોતાના સંબંના સંદર્ભ સાથે લખતા. આ અંગતતાની ત્વરિત અસર પણ દેખાવા માંડી. ગ્રાહકો નોંધાવા માંડ્યા અને ધીરુભાઇના આ જાદુના ભરોસે ઑગષ્ટ ૧૯૯૦માં-પૂરા ત્રણ વર્ષના મધ્યાંતર પછી-‘કુમાર’ ફરી શરુ થયું. જે હજુ આજ સત્તાણું વર્ષ પછી ૨૦૨૧ ના મધ્યમાં પણ એ જ કક્ષા અને એ  જ ધોરણો સાથે રાખીને ચાલી રહ્યું છે. એના ફોર્મેટ અને એના સામગ્રી સંયોજન(રેસીપી)ની રીતે હજુ એ અદ્વિતીય છે. પહેલો અંક જાન્યુઆરી 1924માં બહાર પડ્યો હતો ત્યારે મુખપૃષ્ઠ પર ઘોડા ઉપર અસવાર એવા હાથમાં ભાલા સાથેના નવયુવાનનું રેખાંકન હતું. અને મુદ્રાવાક્ય હતું-‘ઉગતી પ્રજા’નું માસિક- એ પછી વખત જતાં ‘આવતીકાલના નાગરીકોનું માસિક’ એમ છાપવામાં આવતું. અને પછી ધીરુભાઇના આગમન પછી માર્ચ ૧૯૯૧થી ‘પૂરા પરિવારનું સર્વલક્ષી અને સુરુચિપૂર્ણ સામયિક’ એમ લખવાનું શરુ થયું. એ તમામ વાક્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા ધીરુભાઇએ  જાતે પોતાનો પ્રાણ એમાં રેડીને પાળી બતાવી હતી.

આજે હવે ધીરુભાઇ પરીખ નથી ત્યારે એમના ગુરુપદે જ તૈયાર થયેલા એમના હમવતન (સંદર્ભ વિરમગામ)ના સાહિત્યકાર, સંપાદક, સંશોધક એવા મિત્ર પ્રફુલ્લ રાવળ એ પ્રતિબધ્ધતાને જ પોતાનું કશુંક આગવું સત્વ એમાંઘોળીને પાળી બતાવશે એમાં શંકા નથી.


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : ધીરુભાઇ પરીખ, કુમાર અને મારી કેટલીક સ્મરણરેખાઓ

  1. I am not qualified to write about Shri Dhirubhai Parikh who have enriched not only skill and art of Editorial ship but have also enriched Gujarati literature . My Compliments to Shri Rajnikant Pandya

  2. અદભૂત… આપ એક જિંદગીમાં અનેક જિંદગી જીવ્યા છો.

  3. સરસ માહિતી, કશા પ્રશ્નો ન રહે તેવી.રજનીકુમારના હાથે પુષ્કળ સારાં કામો થયાં છે, સાહિત્યની ને સાહિત્યકારોની પણ દ્વેષ વગર સેવા કરી છે.સુવર્ણ ચંદ્રક બબ્બે વાર નામ મુજબ જ રહે તેવું ચમત્કારિક રીતે તેમના દિલના અવાજ મુજબ થયું છે.જ્યૂથિકા રોય અને જગમોહન જેવા ગાયકો કદાચ નવી પેઢી ને જાણતા ને માણતા થયા છે.જ્યુથીકા રોય માટે જે કર્યું તે પ્રશંશા ને પાત્ર છે.

  4. ધીરુભાઈ વિષે લખવા મારો પન્નો ટૂંકો પડે, છતાં ધીરુભાઈ સ્વર્ગસ્થ થયા જાણી મને એમના વિષે ની માહિતી પ્રમાણે મેં એક પથ દર્શક ગુમાવ્યા નું દુઃખ થયું ને મેં મેલ દ્વારા કુમાર ટ્રસ્ટ ને મારી લાગણી મોકલી. છતાં ધીરુભાઈ ના વ્યક્તિત્વ ના અજાણ્યા પાસા આપની પાસે જાણી ને, એ મહામાનવ અને સાહિત્ય કાર ને શત શત વંદન અને આપને પણ સલામ જે ઉમદા કર્યો એમની સાથે આપે પાર પાડ્યા

  5. Lyo aa aangali chindhi na episodes na prakashan ni rah joi ye. Suvarnachandrak wala pustak niprat koni pasethi male? +JAGDISH RAMANLAL VAKHARIA.

  6. કુમાર સામયિકને ચલાવવા માટે ધીરુભાઈ સહિત તમામ શબ્દ સાધકોએ કરેલા તપને વંદન.રજનીભાઈ ગમે તેવું કપરુ કામ હોય પણ એક વાર હાથમાં લે પછી પાર પાડીને જ જંપે.આજે રજનીભાઈના જન્મદિવસ નિમિત્તે એમની તંદુરસ્તી માટે અઢળક શુભેચ્છાઓ.એમની કલમ થાકયા વિના આમ જ અવિરત ચાલતી રહે એ જ પ્રાર્થના.

  7. Excellent work by Rajnibhai, I am happy to be associated as Director for documentary on Juthika Rey.I have witnessed emaculate detailing of each and every part of legendary singer.
    Credit goes to Rajnikumar Pandya.

Leave a Reply to Jagdish Ramanlal Vakharia Cancel reply

Your email address will not be published.