એને પ્રેમ અને લાગણીથી જીતી શકાય, પૈસાના આડંબરથી ખરીદી ના શકાય
નલિન શાહ
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ માનસી ને પરાગ વચ્ચે મૈત્રીનું બંધન ગાઢ થતું ગયું. પરાગના વર્તનમાં હેતુપૂર્વક સાધેલી નિઃસ્વાર્થ ભાવનાએ બંને વચ્ચેનું સંકોચનું આવરણ હટાવી દીધું. સમયે સમયે એણે માનસીના મનમાં સીધી કે આડકતરી રીતે ઠસાવ્યું હતું કે પૈસાની બાબતમાં એણે કોઈ ચિંતા ના રાખવી. જો માનસી એ પૈસા દેવું સમજીને જ સ્વીકારવા માંગતી હોય તો એ દેવું જિંદગીમાં ગમે ત્યારે સગવડે ચૂકવી શકે. જો કે, એવો કોઈ પ્રસંગ ખાસ આવ્યો નહીં પણ પરાગ કોઈ પણ બહાને એને ભેટસોગાદ પ્રદાન કરતો રહ્યો- ખાસ કરીને એવી વસ્તુઓ જે એને ઉપયોગી હોય.
માનસીને આકર્ષવા પરાગે બહુ ધીરજથી કામ લીધું. માનસી ગરીબ ભલે હતી, પણ સ્વાભિમાની હતી. એને પ્રેમ અને લાગણીથી જીતી શકાય, પૈસાના આડંબરથી ખરીદી ના શકાય. માનસીને આંજવા પરાગ એની ઉદારવૃત્તિનું પ્રદર્શન નહોતો કરતો. જ્યારે જરૂર લાગે ત્યારે જ એ એની લાગણીને સંવેદનશીલતાના પ્રતીકરૂપે રજૂ કરતો અને તે પણ ડરતાં ડરતાં- જાણે કોઈ ગુનો કરતો હોય. પૈસાપાત્ર હોવા છતાં એ પોતાના માટે પણ પૈસા એવી રીતે ખરચતો કે ક્યાંય એ માનસી કરતાં એક તસુ પણ ઉપર ના દેખાય. એની આ જ અદા માનસીને સ્પર્શી ગઈ.
એવું નહોતું કે માનસીએ આસિતને વિસારી દીધો હતો. એ તો એનો પહેલો પ્રેમ હતો. સાચા ને નિર્મળ પ્રેમની વ્યાખ્યા એ એના સંપર્કમાં શીખી હતી. લાગણીની તીવ્રતા બંનેએ અનુભવી હતી. આસિત પ્રત્યે અનુભવેલી સંવેદનાની તીવ્રતા માનસીના મગજમાં તામ્રપત્ર પરના લખાણની જેમ કોતરાઈ ગઈ હતી. સમય જતાં પ્રેમનો ઉત્કટ આવેગ વેદનામાં પરિણમ્યો હતો, પણ ગ્લાનિ ક્યારે પણ અનુભવી નહોતી. માનસી જાણતી હતી કે આસિત લગ્નનાં બંધનથી મુક્ત હોત તો પણ ઉંમરનો તફાવત એની આડે આવત. સમય જતાં ઉંમરનો તફાવત દુઃખદાયક થઈ પડે એ આસિતની કલ્પના માત્ર હતી; વાસ્તવિકતાનું પ્રમાણ નહીં. માનસી સારી રીતે સમજતી હતી કે આસિતનું એના પ્રત્યે દુર્લક્ષ એની અવહેલના નહીં, પણ એના ઉન્નત ભવિષ્ય માટે સ્વેચ્છાએ આપેલો ભોગ હતો. માનસિક બીમારીથી પીડાતી પત્નીની જવાબદારી પણ એણે સ્વેચ્છાએ સ્વીકારી હતી. ‘શું ત્યાગમાં જ એની આકાંક્ષાઓ સમાઈ ગઈ હતી?’ આ વિચારે માનસીએ વ્યથા અનુભવી.
માનસી કદી ભૂલી નહોતી શકી કે ફુરસદની પળોમાં કુદરતના સાન્નિધ્યમાં ફરતા આસિતનું સાચું ને આકર્ષક વ્યક્તિત્વ બહાર આવતું હતું. બંનેએ સાથે ગુજારેલી એ પળો ટૂંકી પણ કેટલી આહલાદક હતી, જ્યાં ઉંમરનો તફાવત પણ વીસરાઈ ગયો હતો.
સૌથી વધુ અફસોસ માનસીને એ વાતનો હતો કે ઉંમરના તફાવતની સમસ્યાનું નિવારણ પણ જો શક્ય હોત તો પણ આસિતનો અંતર આત્મા અને એના લગ્નનાં મોજુદા બંધનમાંથી મુક્ત થવા ના દેત. તો પછી વીતેલી પળોને વાગોળવાથી શું પ્રાપ્ત થવાનું હતું! ભૂતકાળનો પડછાયો કદાચ ભવિષ્યને પણ અંધકારમય કરી દે! શક્ય છે કે ભવિષ્યમાં એને માટે જીવનસાથીની પસંદગી અનિવાર્ય બને અને સાહજિક લાગણીનું ખેંચાણ સંજોગવશાત લગ્નના બંધનમાં પરિણમે તો…તો…! ત્યાં જ દરવાજો ખોલીને સીમા દાખલ થઈને માનસીની તંદ્રા તૂટી. ‘કેમ આજે સન્ડે પણ રૂમમાં ભરાઈને બેઠી છે?’ આવતાંવેંત એણે પૂછ્યું ને હાથમાંથી પર્સ એક બાજુ ફેંકીને બેડ પર આડી પડી.
‘ક્યાંથી આવી?’
‘રખડવા ગઈ હતી. ભૂખ લાગી હતી તે લંચ માટે કાફેટેરિયામાં જવા વિચાર કરતી હતી ને પરાગનો ભેટો થઈ ગયો. કહેતો હતો કે મોડી રાત સુધી જેન ઓસ્ટિનની કોઈ નવલકથા વાંચી રહ્યો હતો, તે ફ્રેશ થવા બહાર નીકળ્યો હતો. મને નવાઈ લાગી કે ક્યાં હાર્ટ સર્જરી ને ક્યાં ક્લાસિક કહેવાતું આ લિટરેચર. એ પણ મારી સાથે આવ્યો લંચ માટે. મેં ચીકન સેન્ડવિચીઝ અને બિયરનો ઓર્ડર આપ્યો. એણે કેવળ વેજીટેબલ બર્ગર ને કોક લીધાં. મને નવાઈ લાગી. એણે કહ્યું કે એ નોનવેજને, દારૂને નહોતો અડતો. મેં કહ્યું બિયર દારૂ ના કહેવાય તો કહે કે એ પણ નશો કરે. ‘મારા સંસ્કાર મને આ વસ્તુઓથી દૂર રાખે છે’ એણે કહ્યું. મને સાચે જ અચરજ થયું કે પૈસાપાત્ર હોવા છતાં પરદેશમાં પણ દેશી સંસ્કારની વાત કરતો હતો.’ મને તું યાદ આવી ગઈ. તું પણ એની જેમ સંસ્કારનું પૂછડું પકડીને બેઠી છે ને?
માનસીનો એવો કોઈ વિચાર ના આવ્યો કે પરાગ જાણતો હતો કે સીમા અને માનસી ગાઢ મિત્રો હતાં ને એણે કરેલી વાતો સીમા માનસીને રિપોર્ટ કર્યા વગર નહીં રહે.
માનસી પ્રત્યે એના વધતા જતા આકર્ષણને કારણે પરાગ હંમેશાં એવા મોકાની શોધમાં રહેતો, જેના થકી માનસીની નજરમાં એ સૌજન્યશીલ અને સંસ્કારી વ્યક્તિ ગણાય ને જ્યારે જીવનસાથીની પસંદગીનો પ્રસંગ ઉદ્ભવે ત્યારે સુપાત્રમાં એની ગણના થાય. એના વાક્ચાતુર્યથી તો એણે માનસીને પ્રભાવિત કરી જ હતી. હવે શ્રીમંત હોવા છતાં એક વિનયશીલ પાત્ર તરીકે એના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયો.
આસિતની બાબતમાં હતાશ થયેલી માનસી માટે બીજો કોઈ વિકલ્પ નહોતો.