લુત્ફ-એ-શેર: મણકો # ૫૮

ભગવાન થાવરાણી

શહરયાર‘ નો અર્થ થાય બાદશાહ અથવા રાજકુમાર. આપણે જે શાયરને આ નામે ઓળખીએ છીએ એમનું આખું નામ હતું અખલાક મુહમ્મદ ખાન. એ ઉર્દૂના એ ગણ્યા-ગાંઠ્યા સાહિત્યકારોમાંના એક છે જેમને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત કરવામાં આવેલા. ‘ ઉમરાવ જાન ‘ અને  ‘ ગમન ‘ ફિલ્મોમાં એમણે લખેલી ગઝલો શોખીનો માટે અણમોલ વારસો છે.

કોઈકે લખેલું છે કે વિચાર – વિશ્વ, કલ્પના – જગત જ અસલી દુનિયા છે ! આપણને દેખાય છે એ તો છળ છે ! શહરયાર આ વાતનું સમર્થન કરે છે. એમનો શેર જૂઓ :

ઘર  કી  તામીર  તસવ્વૂર હી મેં હો સકતી હૈ
અપને નકશે કે મુતાબિક યે ઝમીં કુછ કમ હૈ..

(તામીર = સર્જન)

અને આ શેર પણ :

શહર – એ – ઉમ્મીદ હકીકત મેં નહીં બન સકતા
તો  ચલો  ઉસકો  તસવ્વૂર  હી  મેં  તામીર  કરેં ..

પરંતુ મારે આપને લઈ જવા છે ફિલ્મ  ‘ ગમન ‘ માં લેવાયેલી એ ગઝલ તરફ જેનો મત્લો છે :

અજીબ સાનેહા મુજ પર ગુઝર ગયા યારોં
મૈં અપને સાયે સે કલ રાત ડર ગયા યારોં ..

(સાનેહા = દુર્ઘટના)

અને ખાસ કરીને એ ગઝલનો આ શેર :

મૈં જિસ કો લિખને કે અરમાન મેં જિયા અબ તક
વરક – વરક  વો  ફસાના  બિખર  ગયા  યારોં ..

દરેક સર્જક પોતાની ભીતર એક રેખા-ચિત્ર, એક બ્લૂ-પ્રીંટ લઈને ફરતો હોય છે. એની મહેચ્છા હોય છે કે એક દિવસ એની અંદર ધરબાયેલી એ કાચી સામગ્રીમાંથી એ એક એવી મહાકૃતિ સર્જશે જે એની બેહતરીન રચના હશે અથવા Swan Song ( હંસ – ગીત ). ક્યારેક તો એ અજન્મી સર્વોત્કૃષ્ટ રચના જ એનું ચાલકબળ, સહારો અથવા આશ્રય બની રહે છે. કમનસીબે ક્યારેક કોઈક ભીતરી આંધી આવે છે, જીવનમાં કોઈક એવી ઘટના બને છે અને મહાન કૃતિ રચાવાની એ સંભાવનાઓને તહસનહસ કરી નાંખે છે. એ બીજ છિન્નભિન્ન થઈ જાય છે અને એ સાથે જ એની અંદરનો કલાકાર ‘ લગભગ ‘ મરી જાય છે..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૫૮

  1. હંસ ગીત વાળી વાત ખૂબ કહી… ક્યારેક એવી આંધી આવે કે અંદર નો કલાકાર કાં તો મરી જાય છે… કાં તો બમણાં વેગે બળવો કરી ને ભીંત ફાડી ને પીપળો ઉગી નીકળે એમ બહાર આવી જાય છે…

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published.