અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ફીલી, એલેનટાઉન અને અસીશ ગામ


દર્શા કિકાણી

૨૭/૦૬/૨૦૧૭

સવાર વહેલી પડી ગઈ. નાહીધોઈને બધાં સમયસર નીચે આવી ગયાં. મોનાને રસોડામાં થોડી મદદ કરી. ઝટપટ સરસ નાસ્તો કરી એરપોર્ટ જવા નીકળ્યાં. પુલિનભાઈ, મોના અને વિશાલ સાથે બહુ મઝા કરી. દરેક સારી વસ્તુનો અંત તો આવે તે મુજબ અમારી શિકાગોની સુખદ મુલાકાતનો પણ અંત આવ્યો. જો કે આધુનિક સગવડોને લીધે અમે સતત સંપર્કમાં રહી શકીશું અને આ તો માત્ર શરૂઆત છે એમ માની અત્યારે તો મન મનાવ્યું! શિકાગોમાં પણ ૩ કે ૪ એરપોર્ટ છે. અમારે મિડવે  એરપોર્ટથી વિમાન લેવાનું છે. બહુ ભીડ છે અને ટર્મિનલ ઓછાં સોફિસ્ટિકેટેડ છે. ચેક ઇન કરતાં વાર લાગી પણ બીજી કોઈ તકલીફ પડી નહીં. વાઈફાઈની સગવડ સારી મળી ગઈ. અમદાવાદ મમ્મી,  ભાઈ અને નણંદ સાથે વાત કરી. મારા મેટ્રિક્ષના ફોનની વેલીડીટી ૩૦ દિવસની હતી જે આજે પૂરી થઈ ગઈ હતી.પુલિનભાઈનું માનવું હતું કે અમે કોઈ ને કોઈ મિત્રની સાથે જ હોઈશું એટલે રીન્યુ કરવાની જરૂર નથી. જોઈએ કેવી રીતે ચાલે છે!

આજે તો મોદીજી પણ યુએસમાં છે. છાપાં તેમનાં જ સમાચારોથી ભરાઈ ગયાં છે! એક ભારતીય પ્રધાનમંત્રી કે નેતા દુનિયાભરમાં ભારતનું નામ આટલું ગાજતું કરી શકે એવું પહેલી વાર બન્યું છે. લોકો તેમની પ્રસંશા કરતાં થાકતાં નથી. સ્વાભાવિકપણે જ અમે ભારતીય હોવાનું ગૌરવ અનુભવીએ છીએ !

ફ્લાઈટ સમયસર ઊપડી. શરૂઆત તો શાંત હતી પણ પછી થોડી થોડી વારે ફ્લાઈટ બમ્પી બનતી. બીક લાગે પણ કોઈ ઉપાય નહીં! સમય પસાર કરવા નાસ્તો કર્યો, ચોપડી વાંચી, ફિલ્મ જોઈ….. પણ જયારે ફિલાડેલ્ફીઆ ઊતર્યાં ત્યારે જ શાંતિ થઈ! ફિલાડેલ્ફીઆ શહેર પેન્સીલવેનિયાના રાજ્યનું મોટામાં મોટું શહેર છે. ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેરમાં લિબર્ટી બેલ, ઈન્ડીપેન્ડન્સ હોલ, ફિલાડેલ્ફીઆ આર્ટ મ્યુઝિયમ જેવું જોવાલાયક ઘણું છે. જો કે અમારે ફિલાડેલ્ફીઆમાં વધુ રોકાવાનું હતું નહીં એટલે આ માહિતી વાંચીને જ સંતોષ માન્યો.

ફોન વગર એરપોર્ટની બહાર અમારે અમરીશભાઈને શોધવાના હતા. લોકલ ફોન વગર અમેરિકામાં રહેવાની આ અમારી પહેલી કસોટી હતી! વાઈફાઈની સગવડ અને મિત્રોની મદદથી તેમને સમાચાર તો મળી ગયા હતા કે અમે ફિલાડેલ્ફીઆ એરપોર્ટ પહોંચી ગયાં છીએ. થોડી જ વારમાં અમરીશભાઈ આવી ગયા. તેમની સાથે સમય ઓછો છે અને જોવાનું ઘણું છે તેની તેમને ખબર છે અને અમને પણ ખબર છે, એટલે જે સમય મળ્યો તેનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ચીલાચાલુ વસ્તુઓ અને જગ્યાઓ નહીં પણ કંઈક નવીન બતાવવું છે એવો  અમરીશભાઈનો વિચાર અમને બહુ ગમી ગયો. તેઓ અમને એરપોર્ટથી સીધાં જ અહીનાં ગામડાં  (Country side) જોવાં લઈ ગયાં. ભારતના ગામડાની કલ્પના કરતાં અહીંનું ગામડું અલગ પડે છે.સ્વચ્છતા અને જગ્યાની મોકળાશને લીધે લોકો શહેરો કરતાં ગામડાં વધુ પસંદ કરે છે અને એટલે જ અમેરિકન ગામડાંઓ વધુ સુખ-સગવડવાળા છે.હવે તો ટેકનોલોજીને લીધે શહેર અને ગામડા વચ્ચેનું અંતર સાવ ભૂંસાઈ ગયું છે. મકાઈ, બાર્લી અને ઘઉંના મબલખ પાકથી લહેરાતાં વિશાળ ખેતરો પાસેથી પસાર થતાં કુદરતે બક્ષેલી જાહોજલાલીના દર્શન થાય. ખેતરોમાંથી જતાં રસ્તા પરથી અમે એક ડેરીફાર્મ પાસે આવ્યાં. દરવાનને પૂછ્યું કે અમે ડેરીફાર્મ જોઈ શકીએ ? દરવાને અંદર ઓફિસમાં ફોનથી વાત કરી અમને રસ્તો બતાવ્યો. આશરે ૯૦૦ ગાય પાળતું આ ડેરીફાર્મ એકદમ સ્વચ્છ હતું. તેમની દેખરેખ કેવી રીતે થાય છે અને તેમની સંભાળ કેવી રીતે લેવાય છે તે બતાવ્યું. ગાયોને દિવસમાં ૩ વાર દોહવામાં આવતી હતી – મશીનની મદદથી, બિલકુલ ઓટોમેટિક! એક ગાય રોજનું ૭૦-૮૦ પાઉન્ડ દૂધ આપે! દૂધ સીધું વાતાનુકૂલિત ટેન્કમાં ભેગું થાય અને સમય થતાં ગાડી આવી તે ટેંક લઈ જાય, દિવસમાં ત્રણ વાર. આટલા મોટા ડેરીફાર્મનું સંચાલન કરતાં હતાં એક બહેન! ટેકનિકલ અભ્યાસ કર્યો હતો અને થોડો અનુભવ હતો. અમે તેમને મળીને બહુ ખુશ થયાં.

થોડું આગળ જતાં ૫-૬ દુકાનો અને થોડી ઘોડાગાડીઓ (બગી) દેખાઈ. ટુરીસ્ટ પ્લેસ જેવું લાગે. આ ‘અમીશ’ ગામ જોવા માટે અને તે લોકોને મળવા માટેની ફોર્મલ વ્યવસ્થા માટેનું સ્થળ હતું.’અમીશ’ લોકો તેમની સાદગીભરી જિંદગી અને સાદા વસ્ત્રો માટે જાણીતાં છે. તેઓ ફોટા પડાવતાં નથી. તેઓ આધુનિક ટેકનોલોજી,વીજળી અને બીજી સગવડોનો ઉપયોગ કરવાનું ટાળે છે. બહુ જરૂરી હોય તો બેટરીથી ચાલતાં સાધનો અને ટ્રેક્ટર જેવા વાહનનો ઉપયોગ કરે છે. અત્યારે અમેરિકા-કેનેડામાં થઈ આશરે  ૨૫૦,૦૦૦ અમીશ લોકો છે. તેમની પોતાની અલગ શાળાઓ છે. તેઓ પોતાના સમાજમાં જ લગ્ન કરે છે. પરણેલા પુરુષો દાઢી રાખે છે અને પરણેલી સ્ત્રી સફેદ બોનેટ કે ટોપી પહેરે છે. આવા અલગ સંસ્કાર વાળા  લોકોને જોવા-મળવાનો કાર્યક્રમ અમને બહુ રોમાંચક લાગ્યો. અમીશ લોકોના જીવનની શાંતિ અને સંસ્કૃતિનો પરિચય મેળવવા અમરીશભાઈએ અમને પોતાની ગાડીમાં લઈ જવાનું નક્કી કર્યું જેથી દૂર અને જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકાય. રસ્તા પરના એક અમીશ ગામના ચોકઠામાં ગાડી ઊભી રાખી. બાળકો રમતાં હતાં પણ કોઈ વડીલ દેખાયું નહીં. આજુબાજુ ફરી ગાડી આગળ ચલાવી. દૂરથી બે સુંદર યુવતીઓ આવતી દેખાઈ. ગાડી ઊભી રાખી અમરીશભાઈએ તેમનાં વસ્ત્રોના વખાણ કર્યાં.  ફોટો પડાવવાની વિનંતી કરી પણ એ સાંભળીને તેઓ દોડીને જતી રહી. એક નાનું ડેરીફાર્મ આવ્યું.૮૦-૧૦૦ ગયો હતી. વીજળીનો ઉપયોગ બિલકુલ ન હતો  પણ ડીઝલના ઉપયોગથી બધું કામ ઓટોમેટિક થઈ રહ્યું હતું. એક જ ભાઈ તેમના કુટુંબ સાથે આખું ફાર્મ સંભાળી રહ્યા હતા. બાજુમાં જ તેમનું મોટું અને સુંદર ઘર હતું. ઝાડપાનથી સુશોભિત ઘર બહુ સુંદર હતું. મોટું સંયુક્ત કુટુંબ હોય તેવું લાગ્યું. બાળકો, વડીલો, મહિલાઓની હાજરીથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું.

અંધારું થવા આવ્યું હતું અને ઘેર તોરલ તથા બીજા મિત્રો અમારી રાહ જોઈ રહ્યાં હતાં એટલે અમરીશભાઈના ઘેર એલેન ટાઉન જવા અમે ઊપડ્યાં. કલાકેકની ડ્રાઈવ કરી ઘેર પહોંચ્યાં તો તોરલની સાથે તુષારભાઈ અને મધુ તથા દિલીપભાઈના મિત્રો હાજર હતાં. તોરલે સરસ ગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો. તેને ન્યાય આપી અમે બધાં પાછાં ગાડીમાં ગોઠવાયાં અને નજીક આવેલ સુંદર ગુલાબના બગીચામાં ગયાં. બહુ જ સુંદર રોઝીઝ ગાર્ડન હતો. અનેક જાતનાં અને રંગબેરંગી ગુલાબ ખીલ્યાં હતાં. વેલીયા ગુલાબ હતાં, છોડનાં ગુલાબ હતાં, બોનઝાઈ ગુલાબ હતાં. આટલાં સુંદર ગુલાબો જોઈ અમે તો ગાંડા ગાંડા થઈ ગયાં. બહુ ફોટા પાડ્યા. બગીચામાં જ એક પાણીનો વહોળો હતો અને તેની ઉપર નાનો પુલ બાંધ્યો હતો.સૂર્યાસ્ત પછીના સમયમાં વાતાવરણ એકદમ રોમેન્ટિક થઈ ગયું હતું. જૂનાં હિન્દી ફિલ્મો ગાતાં ગાતાં બધાંએ બહુ ધમાલ કરી. થોડી વારે ઘેર આવ્યાં. તોરલે કંઈક નવીન સ્વાદિષ્ટ મેક્સિકન જમવાનું બનાવ્યું હતું. મધુ સરસ બંગાળી મીઠાઈ લાવ્યાં હતાં. બધાં ભેગાં થઈ જમ્યાં. વાતો કરતાં કરતાં આઇસક્રીમ ખાધો અને સૂવાની તૈયારી કરી. એક નજર આજની દિનચર્યા પર નાખી. કેવો વિશેષ દિવસ રહ્યો હતો આજનો !


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ફીલી, એલેનટાઉન અને અસીશ ગામ

 1. Dear Darsha, Rajesh, Pujara family,
  Thoroughly enjoyed your visit to our place and beyond. The time spent with you is a great lifetime memories! Just a small correction.
  આમીશ should be on the title.
  It is Amish community.
  Amrish and Toral Thaker

  1. Thanks, Amrishbhai! We remember each and every moment of that tour! Thoroughly enjoyed!
   Yes, the word should આમિશ….

Leave a Reply

Your email address will not be published.