ફિર દેખો યારોં : મીણબત્તીએ વાવાઝોડાને હરાવ્યું, પણ વાવાઝોડાએ મારેલી થપાટનું શું?

બીરેન કોઠારી

કોઈને નુકસાન થાય એથી રાજી થવાનો ગુણ સારો ન ગણાય એ ખરું, પણ એ ‘કોઈ’ કોણ છે અને તેનાં લક્ષણ કેવાં છે એની પર ઘણો આધાર હોય છે. ગયા પખવાડીયે બનેલી ઘટના આમ જોઈએ તો સાવ નાની અને સૂચક, છતાં તેનાથી થયેલું નુકસાન ઘણું મોટું છે. અલબત્ત, આ નુકસાન કામચલાઉ છે કે કાયમી એ કહી શકાય એમ નથી.

પોર્ચુગીઝ ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આખી ઘટનાના કેન્‍દ્રમાં છે. અત્યંત લોકપ્રિય એવા આ ખેલાડી હંગેરીના પાટનગર બુડાપેસ્ટ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ઉપસ્થિત હતા. 11 જૂનથી 11 જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી યુરોપીય દેશો વચ્ચેની ફૂટબૉલ સ્પર્ધા ‘યુરો 2020’ અંતર્ગત હંગેરી અને પોર્ટુગલ વચ્ચે યોજાનારી મેચ અગાઉ આ પરિષદ યોજાઈ હતી. સ્પર્ધાના મુખ્ય પ્રાયોજકો પૈકી કોકાકોલા કંપની પણ છે. આ પ્રકારની સ્પર્ધાઓ પ્રાયોજકોને પોતાની જાહેરખબર થકી લાખો લોકો સુધી પહોંચવા માટેની ઉત્તમ તક પૂરી પાડતી હોય છે. રોનાલ્ડો પત્રકાર પરિષદમાં આવ્યા ત્યારે તેમની સામે ટેબલ પર કોકાકોલાની બે શીશી અને પાણીની એક શીશી પહેલેથી મૂકાયેલાં હતાં. તેમજ બેઠકની પૃષ્ઠભૂમિ તરીકે પ્રાયોજકોનાં નામ હતાં. કોકાકોલાની બન્ને શીશીઓ એ રીતે મૂકાયેલી હતી કે તેની પર ધ્યાન ગયા વિના રહે જ નહીં. રોનાલ્ડોએ બન્ને શીશીઓ ઉપાડીને તેને એક પછી એક એ રીતે બાજુ પર સેરવી દીધી કે કેમેરામાં તે નજરે ન પડે. એ પછી તેમણે પાણીની શીશી ઉઠાવી અને શબ્દ ઉચ્ચાર્યો ‘એગ્વા’. પોર્ચુગીઝ ભાષામાં આ શબ્દનો અર્થ છે ‘પાણી’. એટલે કે તેમણે આ ચેષ્ટા થકી કોકાકોલાને બદલે પાણી પીવાની ભલામણ કરી. પોતાની શારિરીક ચુસ્તી માટે અત્યંત જાણીતા એવા આ પ્રસિદ્ધ ખેલાડીએ કદાચ સહજપણે આમ કર્યું હશે, પણ તેની સીધી અસરરૂપે કોકાકોલાના શેરની કિંમત મૂલ્ય તત્કાળ ૫૬.૧૭ ડોલરથી ઘટીને સીધી ૫૫.૧૨ ડોલર થઈ ગઈ. તેને પગલે કંપનીની ૪૦૦ કરોડની મૂડી ગણતરીની મિનીટોમાં ધોવાઈ. અલબત્ત, એ પછી તેની કિંમત ફરી વધીને 55.41 ડોલર થઈ ખરી. પણ આ ઘટના પ્રસાર માધ્યમોમાં બરાબર ચમકી. કોકાકોલા કંપનીના પ્રવક્તાએ પ્રતિભાવરૂપે કહ્યું, ‘પ્રત્યેક વ્યક્તિની પીણાંની આગવી પસંદ હોય છે. દરેકના સ્વાદ અને જરૂરિયાત જુદાં હોય છે. અમારી પત્રકાર પરિષદમાં આગમન ટાણે ખેલાડીઓ સમક્ષ પાણી, કોકાકોલા અને ઝીરો સુગરવાળું કોકાકોલા મૂકવામાં આવે છે.’

એ હકીકત હવે છાની નથી રહી કે કોકાકોલા, પેપ્સી કે એ પ્રકારનાં હળવાં પીણાં પીવાથી કશો લાભ થતો નથી, બલ્કે તેમાં રહેલા શર્કરા તેમજ અન્ય તત્ત્વોનાં વધુ પડતા પ્રમાણથી સ્વાસ્થ્ય માટે તે નુકસાનકર્તા છે. આમ છતાં, તેનું મોટું બજાર છે. લોકો સ્વાદથી કે પછી દેખાદેખીએ તે ગટગટાવે છે. અલબત્ત, સ્વાસ્થ્યને થતું નુકસાન દેખીતું છે, જ્યારે તેના થકી પર્યાવરણને થતું નુકસાન ઝટ ધ્યાને આવતું નથી. કેરળના પલક્કડ જિલ્લાના પેરુમટ્ટી ગ્રામ પંચાયત્ના વિસ્તારમાં આવેલા નાનકડા ગામ પ્લાચીમાડાનો ઘટનાક્રમ આ દિશામાં આંખ ઉઘાડનારો બની રહ્યો.

Image courtesy Killer Coke

આ નાનકા ગામમાં પાણીની ભરપૂર છત હતી. ગામમાં બોરકૂવાની જરૂર નહોતી. ઉનાળામાં સુદ્ધાં ગામના લોકોની જરૂરિયાત સંતોષાય એટલા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હતું. વર્ષ ૨૦૦૦થી આ સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. બહુરાષ્ટ્રીય એવી કોકાકોલા કંપનીએ આ ગામમાં પોતાનો બૉટલિંગ પ્લાન્‍ટ શરૂ કરવા માટે પોતાના ભારતીય એકમ ‘હિન્‍દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.લિ.’(એચ.સી.સી.બી.)ને લાયસન્‍સ આપ્યું. લગભગ ચોત્રીસ એકરમાં પથરાયેલી આ કંપની કાર્યરત થઈ અને થોડા વખતમાં ગ્રામજનોની કમબખ્તીનો આરંભ થયો. રોજના વીસ લાખ લીટર લેખે કુલ છ બોરવેલ અને બે તળાવમાંથી આ કંપનીએ ગામનું ભૂગર્ભજળ ખેંચવા માંડ્યું. ગામના તમામ જળસ્રોત ખાલી થવા લાગ્યા. એ હદે કે લોકોએ પીવાનું પાણી ભરવા માટે રોજ આઠ-નવ કિ.મી. દૂર જવું પડતું. આટલું ઓછું હોય એમ કંપની દ્વારા છોડવામાં આવતા રસાયણયુક્ત કચરાને કારણે જમીનની ગુણવત્તા કથળવા લાગી. આ કચરો ગામના ખેડૂતોને રાસાયણિક ખાતર તરીકે વેચવામાં આવતો. પછી તેમાં કેડમિયમ અને સીસું જેવી વિષયુક્ત ધાતુઓ હોવાનું માલૂમ પડેલું. [1]

આ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસતિ હતી. ગામ એટલું નાનું હતું કે તેની પોતાની પંચાયત પણ નહોતી. છતાં ગ્રામજનો સંગઠિત થયા અને આ રાક્ષસી કદની કંપની સામે તેમણે બાંયો ચડાવી. ક્યાં કોકાકોલા જેવી રાક્ષસી કદની, નાણાં થકી વગ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની અને ક્યાં કેરળના આ નાનકડા ગામના હજારેક ગ્રામજનો! માતેલા હાથી અને કીડી વચ્ચેનું આ યુદ્ધ હતું- જો એને યુદ્ધ કહી શકાય તો! પ્લાચીમાડાના ગ્રામજનોએ કોકાકોલાને તગેડવાનું રીતસર આંદોલન શરૂ કર્યું અને આ આંદોલને પ્રસાર માધ્યમોમાં મળેલી પ્રસિદ્ધિએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું. મામલો અદાલતે પહોંચ્યો. એની સીલસીલાબંધ વિગતો અહીં અપ્રસ્તુત છે, પણ આ વિરોધ સફળ થયો અને આખરે 2005માં કોકાકોલાએ પ્લાચીમાડાનો પ્લાન્‍ટ બંધ કર્યો. આ યુદ્ધ તો જીતાયું, પણ દરેક યુદ્ધમાં થાય છે એમ વિજેતાઓએ જે ગુમાવ્યું હતું એનો હિસાબ કોઈ રીતે સરભર થઈ શકે એમ નહોતો. ગામને થયેલા નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા નીમાયેલી સમિતિ દ્વારા આ કંપનીને 216 કરોડનું વળતર ચૂકવવાની તાકીદ કરવામાં આવી. કંપનીએ અદાલતમાં પોતાની જવાબદારીનો ઉલાળિયો કરી નાંખ્યો અને પોતે પ્લાચીમાડાના જળસ્રોતોને કશું ન કર્યું હોવાનો તેમજ સમિતિના અહેવાલો ગેરમાર્ગે દોરનારા હોવાનો નફ્ફટાઈભર્યો દાવો કર્યો.

એ ઘટનાને હવે તો દોઢ દાયકા ઉપરનો સમય વીત્યો. વિવિધ પક્ષની સરકાર કેરળમાં બનતી રહી. તમામ પક્ષના નેતાઓ પ્લાચીમાડાના ગ્રામજનોને વળતર અપાવવાના મુદ્દાને રમાડે છે. વાસ્તવિકતા એ છે કે હજી સુધી એ દિશામાં કશું થયું નથી. પ્લાચીમાડાનું જળસંકટ આજે પણ એમનું એમ છે. પંદર-સોળ વરસથી ૨૧૬ કરોડનું વળતર ન આપતી કોકાકોલા કંપનીની એનાથી બમણી મૂડી ગણતરીની મિનીટોમાં ફક્ત રોનાલ્ડોની એક નાનકડી ચેષ્ટાથી ધોવાઈ જાય ત્યારે કદાચ રાજી ન થઈએ તો પણ કાવ્યન્યાય થયો હોવાની લાગણી અવશ્ય અનુભવાય છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૬–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

[1]


સંપાદકીય નોંધ – તસવીરો અને વિડીયો, નેટપરથી સંદર્ભિત સ્રોતના સૌજન્યથી લીધેલ છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.