આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૮

પ્રવાસી યુ. ધોળકિયા

આપણી લેખમાળાના સાત મણકાઓમાં આપણે મહાભારત કાળ પહેલાંના, એટલે કે દ્વાપર યુગના અંત સુધીના, ઇતિહાસની માત્ર ઝાંખી જ મેળવી. સ્થળ સંકોચને કારણે, અને પોતાના પ્રાચીન, કિંમતી, વારસાને જાણવામાં ભારતીય પ્રજાના ઓછો રસ હોવાથી, બાકીના બે ત્રણ હપ્તાઓમાં રામાયણ અને મહાભારતને લક્ષમાં રાખી આપણી લેખમાળાનું સમાપન કરીશું.

સૂર્યવંશ – ઇક્ષ્વાકુ કુળ

ઇક્ષ્વાકુ કુળમાં રઘુ, દશરથ, રામ અને ભરતે જ મુખ્ય ભાગ ભજવ્યો. રઘુએ અયોધ્યાને કેન્દ્ર સ્થાને બનાવી સુમંત, બંગાળ, ઓરિસ્સા, કલિંગ, દક્ષિણ ભારતના પાંડ્ય, કેરળ, પશ્ચિમ ઘાટ અને કોંકણ પ્રદેશ જીત્યા.  તેણે સિંધ જઈ અફઘાનિસ્તાન, ઈરાન, મુળ પ્રદેશો (મધ્ય એશિયા), હિમાલયના પ્રદેશો, આસામ અને તિબેટમાં ઈક્ષ્વાકુઓની આણ ફેલાવી. તેના પૌત્ર દશરથે સિંધ, સૌવિર, રાજગૃહ, કાશી, મગધ, બંગાળ અને ડેક્કન પ્રદેશો પર ઈક્ષ્વાકુઓનો કબજો કાયમ રાખ્યો. રઘુ અને દશરથ એટલા શક્તિશાળી હતા કે સ્વર્ગલોકના અસુરો અને સ્વર્ગલોકના જ શત્રુઓનો પરાજય કરવા સારુ, તે સમયના ઈન્દ્રે તેઓની મદદ લીધેલ. અહીં એક વાતની ખાસ નોંધ લેવી જોઈશે કે આપણી પ્રણાલી અનુસાર આવા દિગ્વિજયો વખતે પરાજિત રાજાના રાજ્યને વિજેતા રાજવી પોતાના પ્રદેશમાં ભેળવી દેતો ન હતો. વિજય માત્ર સાંકેતિક રહેતો. તેથી  જ, પ્રાચીન સમયમાં, ભારતમાં ક્યરેય પણ એકીકૃત સામ્રાજય સ્થપાયું ન હતું. તે સમયના પ્રાચીન પ્રદેશો બેબિલોનિયા અને ઈજીપ્તમાં પરાજિત રાજવીઓને મારી નાખીને,કે પદચ્યુત કરી નાખીને, વિજેતા રાજવીઓ જીતેલાં રાજ્યને પોતાના પ્રદેશમાં ભેળવી દેતા હતા, તેથી અહીં સાર્વત્રિક સામ્રાજ્યોની સ્થાપના શકય બની.

શ્રી રામ

દશરથ પછી શ્રી રામે સૂર્યવંશને જ નહીં, પરંતુ આપણી સંપૂર્ણ અસ્મિતાને અજવાળી. વાલ્મીકિ રામાયણના સાતમાંથી પાંચ અધિકૃત કાંડોમાં શ્રી રામને ભગવાન કરતાં મર્યાદા પુરુષોત્તમ તરીકે જોવા મળે છે. તેથી જ રામ આદર્શ પુરુષ, આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, અને શત્રુ તરીકે પણ આદર્શ વ્યક્તિત્ત્વ તરીકે ઉભરી રહે છે. રાજવી તરીકે પણ રામમાં અનેક સદ્‍ગુણો હતા. અહિંસા, દયા, સુસ્વભાવ, ઈન્દ્રિયનિગ્રહ, અને મનોનિગ્રહનો તેઓમાં અજોડ સુમેળ જોવા મળે છે. તેઓ અતિ ચારિત્ર્યશીલ, બુદ્ધિવાન અને નીતિવાન હતા. તેમનો દેહ મોહક હતો અને તેઓ અજાનબાહુ હતા. આવું અનોખું વ્યક્તિત્ત્વ હોવા છતાં સીતા ત્યાગ મટે રામની ભર્ત્સના કરવામાં આવે છે. પરંતુ હવે એ વાત સાબિત થઈ ચુકી છે કે સાતમા ઉત્તરકાંડમાં સીતાનો ત્યાગ રામ દ્વારા કરવામાં આવ્યો છે તે પ્રસંગ પાછળથી રામાયણમાં ઉમેરાયો છે. તે જ રીતે આ કાંડમાં જ, વેદાભ્યાસ કરવા માટે કરીને શંબૂક નામના શૂદ્રનો રામ વધ કરે છે એમ દર્શાવાયું છે. રામ સીતાનો ત્યાગ કરે, કે શંબૂકની હત્યા કરે તે માની ન શકાય, મૂળ રામાયણ ફક્ત અયોધ્યા, આરણ્યક, કિષ્કિંધા, સુદર અને યુદ્ધ એમ પાંચ કાંડમાં સમાપ્ત થતું હતું. બાલકાંડ રામનું દૈવીકરણ કરવા અને સાતમો ઉત્તર કાંડ સ્ત્રીઓ અને શૂદ્રોને નીચાં બતાવવા માટે પુરોહિતોએ પાછળથી ઉમેરેલ છે. રામાયણ વાંચતાં રામને જે છબી ઉપજે છે તેને લઈને તુલસીદાસની રામચરિત માનસમાં રામને પરબ્રહ્મ કહેવા સિવાય છૂટકો નહીં રહ્યો હોય ! આમ થવાથી બે પરિસ્થિતિઓ નિર્માણ પામી – એક , રામ આપણને ભગવાનના અવતાર રૂપે મળ્યા. જ્યારે સામી તરફ, તેમનાં વ્યક્રિત્ત્વનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય ધુંધળું બન્યું.

રામકથાથી સર્વ પરિચિત છે, જે શિવધનુષ તે ઘોડો કરીને રમતી તેને તોડનાર રામ સાથે સીતાનાં લગ્ન, કૈકેયીને કારણે રામનો સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ,રાવણ દ્વારા સીતાનું હરણ અને લંકાગમન, વાનરોની મદદથી રામનું સમુદ્ર ઓળંગીને લંકા પહોંચવું, અને અંતમાં  રાવણને મારી સીતાની પુનઃપ્રપ્તિ કરવી એ બધી વાતો આજે હવે નાનું બાળક પણ જાણતું થઈ ગયું છે. પરંતુ, ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો રામ-રાવણ સંઘર્ષ એ આર્ય અને રાક્ષસ એમ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સંઘર્ષ હતો. રામની સત્તા અને સામર્થ્યની સરખામણીમાં રાવણની સત્તા અને સામર્થ્ય સરખાવવામાં આવે તો રાક્ષસ સમ્રાટ બધી રીતે વધારે સામર્થ્યવાન અને શક્તિશાળી હતો. રામ ફકત અયોધ્યા અને આસપાસના આર્યાવર્તના વિસ્તારોના અનેક રાજવીઓમાં એક રાજવી હતા. રાવણ સાથેનાં યુદ્ધમાં આર્યાવર્તના રાજવીઓમાંથી એકાદ રાજવીએ તેમને મદદ કરેલી. તેમને ખરી મદદ તો અર્ધા આર્યસંસ્કારપ્રાપ્ત હનુમાન, સુગ્રીવ અને વાનર પ્રજાએ કરી હતી.

રામની સરખામણીએ રાવણનું સામ્રાજ્ય અતિ વિશાળ હતું.  આચાર્ય ચતુરસેન શાસ્ત્રી – જન્મ: ૧૬ ઓગસ્ટ, ૧૮૯૧|અવસાન: ૨ ફેબ્રુઆરી, ૧૯૬૦ –  તેમની પ્રશિષ્ટ નવલકથા  वयं रक्षाम માં રાવણને સાત દ્વિપો- ઓસ્ટ્રેલીયા(સુંદ), સુમાત્રા, મેડાગાસ્કર, આફ્રિકા, માલદીવ, જાવા અને લંકાદ્વિપ-ના સમ્રાટ તરીકે વર્ણવે છે. દક્ષિણ ભારતના મોટા ભાગના ભૂપ્રદેશો પર તેની આણ પ્રવર્તતી હતી. રામે લંકા પહોંચતાં પહેલાં દક્ષિણ ભારતના ખર, દુષણ, બિર્હદ અને કબંધ રાક્ષસનો નાશ કરવો પડ્યો હતો. વાલ્મિકીએ રામાયણમાં રાવણની ભારે પ્રશંસા કરી છે. શક્તિ, સામર્થ્ય, પાંડિત્ય, બુદ્ધિમતા અને ગરિમામાં તે બેજોડ હતો. તે કુશળ રાજવી અને કાર્યદક્ષ સમ્રાટ હતો. તેનો પુત્ર ઇન્દ્રજીત પણ ભારે બળવાન અને તંત્રવિદ્યામાં વિશારદ હતો. તેના ભાઈઓ કુંભકર્ણ અને વિભિષણ પણ ભારે શાણા અને શક્તિશાળી હતા. પરંતુ સ્ત્રી લોલુપતા અને સત્તાનો બેહદ ઘમંડ એ રાવણની મોટી નબળાઈઓ હતી. તેણે (સીતાનો પૂર્વ અવતાર) વેદવતી, રંભા, તક્ષક નાગની પત્ની અને ઈંદ્રની અપ્સરા કુંજિકસ્થલા સાથે બળાત્કાર કરેલો. સીતાનાં  વ્યક્તિત્ત્વનાં પ્રખર (સતી સ્વરૂપ) તેજે જ રાવણને તેમના પર બળાત્કાર કરતાં રોક્યો હતો.

સીતાજીનો જન્મ અદ્‍ભૂત રીતે થયો હતો. રાજા જનકે હળથી ભૂમિ ખેડી ત્યારે તેઓ પ્રગટ થએલાં. આમ સીતા પૃથ્વીનું પ્રતિક છે. રાવણે તેમને ભ્રષ્ટ કરવાનો ભારે અપરાધ કર્યો, જેનું પરિણામ રામ દ્વારા તેના વધ સ્વરૂપે આવ્યું. આ રીતે, આર્ય સંસ્કૃતિ રાક્ષસ  સંસ્કૃતિ કરતાં ચડિયાતી સાબિત થઈ. મહાબલિ કુંભકર્ણ અને અમોઘ શસ્ત્રોનો જાણકાર ઈન્દ્રજીત પણ રાવણને બચાવી ન શક્યા.

આ યુગ પરિવર્તનમાં માનવ સભ્યતાનાં સાત્ત્વિક મૂલ્યો દાવ પર હતાં. તેથી એમ કહી શકાય કે પ્રથમ, કૃત, યુગનાં  પરિવર્તન કરતાં ત્રેતા યુગનું પરિવર્તન માનવતા ઉચ્ચ મૂલ્યોના રક્ષણ કાજે થયું હતું. ભારતની પ્રજાએ પણ સૂર્ય-ચંદ્રવંશના પુરુરવા, યયાતી અને માંધાતા જેવા મહાન રાજવીઓનાં સ્મૃતિસ્મારકો બનાવ્યાં કે સાચવ્યાં નથી, જ્યારે રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીનં સ્મારકો (મંદિરો)થી આપણો દેશ પવિત્ર થયો છે.

રાવણના અંત સાથે ત્રેતા યુગનો પણ અંત આવ્યો. મધ્યકાલીન મહાન સંત મામૈદેવની કાળગણત્રી પ્રમાણે  આ યુગ, જે સૌથી વધારે દીર્ઘ હતો, તેનાં ૫૦,૦૦૦ વર્ષ પુરાં થયાં.

મહાભારત

ભારતનો પ્રાચીન ઇતિહાસ મહાભારતનાં યુદ્ધ સાથે સમાપ્ત થાય છે. રામ-રાવણનાં યુધ્ધ અને મહાભારતનાં યુદ્ધ વચ્ચેના સમયગાળાને આપણા ઋષિઓએ દ્વાપર યુગનું નામ આપ્યું છે. રામાયણ અને મહાભારતની સરખામણી કરવામાં આવે તો ૨૪,૦૦૦ જેટલા શ્લોકનાં રામાયણ કરતાં ૧ લાખ જેટલા શ્લોકોમાં વિવરણ થયેલ  મહાભારત ચાર ગણાથી વધારે લાંબું છે. શ્રી રામના જીવનનું ઐતિહાસિક મૂલ્યાંકન કરવું, તેમની જીવનકથા વર્ણવવી સહેલી છે. તેની સરખામણીએ શ્રીકૃષ્ણનાં બહુઆયામી જીવનનું મૂલ્યાંકન કરવું તેમજ  અનેક પાત્રો અને તે પાત્રોની સાથે વણાયેલી કંઇ ને કંઈ ઘટનાઓ સાથે સંકળાયેલી મહાભારતની કથા કહેવી અતિશય કઠણ છે. છતાં ટુંકમાં વર્ણવીએ તો મહાભારતની કથા નીચે પ્રમાણે છે –

મહાભારતનાં મુખ્ય પાત્રોમાં ભિષ્મપિતામહ, ધ્રૂતરાષ્ટ્ર-ગાંધારી, પાંડુ-કુંતિ, સો કૌરવો, કર્ણ, પાંચ પાંડવો-દ્રૌપદી, દ્રોણાચાર્ય-કૃપાચાર્ય, વિદુર, વેદવ્યાસ, અવતારપુરુષ શ્રી કૃષ્ણ અને અનેક યાદવો છે. કૌરવવંશનો કારોબાર પહેલાં પાંડુએ સંભાળ્યો. શારીરિક દુર્બળતાને કારણે તેઓનું અવસાન પાંચ જ વર્ષમાં થયું. તે પછી અંધ હોવા છતાં હસ્તિનાપુરની રાજગાદી ધૃતરાષ્ટ્રે સંભાળી. તેઓ કુશળ રાજવી હોવા છતાં પોતાના જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન માટે તેમને આંધળો પ્રેમ હતો. દુર્યોધનની ઈચ્છા વિરૂધ્ધ તે કંઈ પણ કરવાનું વિચારી જ ન શકતા. પ્રારંભે, ધૃતરાષ્ટ્રે પોતાના રાજ્યના બે સરખા ભાગ કૌરવો અને પાંડવોમાં વહેંચી આપેલ. પરંતુ દુર્યોધનને એ વાત પસંદ જ નહોતી પડી. તેણે દ્યુત રમવાની યુધિષ્ઠિરની લતનો લાભ ઉઠાવીને, પોતાના કપટી મામા શકુનિની મદદથી, યુધિષ્ઠિરને દ્યુતમાં હરાવ્યા. પરિણામે પાંડવોએ પોતાના વારસાનો અર્ધો હિસ્સો તો ગુમાવ્યો જ, પણ ચૌદ વર્ષના વનવાસને પણ વહોરી લીધો.

જ્યારે પાંડવોનો વનવાસ ચાલતો હતો ત્યારે, પાંડવોના માતૃપક્ષે સગા હોવાને નાતે, શ્રીકૃષ્ણ પાંડવોની પડખે ઊભા રહ્યા હતા. વનવાસનાં અંતિમ ચરણમાં પાંડવોને ખયાલ આવી જાય છે કે અવધિ પુરી થયા પછી તેમનું રાજ્ય પરત કરવાની દુર્યોધનની કોઈ જ દાનત નથી. બન્ને પક્ષના પિતરાઈ ભાઈઓ વચ્ચે આ બાબતે યુધ્ધ ન છેડાઈ પડે તે માટે શ્રીકૃષ્ણે અથાગ પ્રયત્નો કર્યા. આપણને બધાંને જાણ છે તેમ, આખરે, મહાભારતનું યુદ્ધ હકીકત બનીને જ રહે છે. આ મહાસંહારક યુદ્ધમાં બધા જ કૌરવો, પાંડવોના બધા જ પુત્રો અને અનેક યોદ્ધાઓ સહિત અકલ્પ્ય સંખ્યામાં માનવીઓએ પોતાના જીવ ખોયા. યુદ્ધ પુરું થયા પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરનો કારોબાર ૩૬ વર્ષ સુધી ચલાવે છે.

મહાભારત પ્રમાણે હવે કળિકાળનો દુષ્પ્રભાવ પોતાની અસર કરવા લાગે છે.અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજગાદી સોંપીને કુંતી અને દ્રૌપદી સહિત પાંડવો સ્વેચ્છામૃત્યુ અપનાવે છે. બલરામ અને આખા યદુવંશના બધાજ મહાનાયકો એકબીજાં સાથે લડીને ઇતિહાસમાંથી નામશેષ થઈ જાય છે. અવતારપુરુષ શ્રીકૃષ્ણ જરાને હાથે બાણથી વીંધાઈને વૈકુંઠગમન કરે છે. આમ મહાભારત યુગનો અંત થાય છે અને તે સાથે ભારતનો પ્રાચીન કાળ પણ સમાપ્ત થાય છે. અવતારપુરુષ શ્રીકૃષ્ણની વિદાય સાથે હવે ચાર યુગોમાંનો ચોથો યુગ, કળિ કાળ, પોતાનું પોત પ્રકાશે છે.

આપણે પણ આ સાથે દ્વાપર યુગનાં ૮,૪૦૦ વર્ષ અહીં પુરાં કરી છીએ.

રામાયણ અને મહાભારતનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો સામાજિક વ્યવસ્થાનાં વિશેષપણે સહિત મૂલ્યોનો જે વિરોધાભાસ દેખાય છે તે આંખે ઊડીને વળગે છે.

તેનું મુલ્યાંક્ન હવે પછી.


ક્રમશઃ….ભાગ ૯ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૮

  1. માહિતીસભર લેખ વાંચવાની ખરેખર મઝા આવે છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *