બાળવાર્તાઓ : ૨૬ – ભૂલનો પસ્તાવો

પુષ્પા અંતાણી

એક પોપટ અને એક પોપટી  એમનાં બચ્ચાં સાથે એક ઝાડ પર માળામાં રહેતાં હતાં. બચ્ચાં હજી નાનાં હતાં. એમને બરાબર ઊડતાં આવડતું નહોતું. પોપટ અને પોપટી રોજ સવારે ખોરાકની શોધમાં બહાર જાય. બંને બચ્ચાં માળમાં રમ્યા કરે અને મમ્મી-પપ્પા પાછાં આવે તેની રાહ જુએ. 

એક દિવસ બચ્ચાં માળમાં રમી રમીને થાક્યાં, પણ એમનાં મમ્મી-પપ્પા આવ્યાં નહોતાં. રોજ કરતાં આજે એમને મોડું થયું હતું. બંને બચ્ચાં ચિંતા કરવા લાગ્યાં. માળામાંથી ડોકું કાઢીને રાહ જોવા લાગ્યાં.

થોડી વાર પછી એક બચ્ચું માળાની બહાર નીકળ્યું. બીજું બચ્ચું પણ માળાની બહાર આવી બોલ્યું: “ભાઈ, બહુ આગે જતું નહીં, આપણને હજી બરાબર ઊડતાં આવડતું નથી.” પેલું બચ્ચું માળામાં પાછું આવવા જતું હતું ત્યાં બંને ભટકાયાં અને નીચે પડવા લાગ્યાં. એ તો સારું થયું કે નીચે આવેલી ઝાડની એક જાડી ડાળી પર બંને લટકી ગયાં તેથી તેઓ બચી ગયાં. બંનેને થોડું વાગ્યું. બચ્ચાં રડવા લાગ્યાં.

એ ડાળી પર એક ચકલી બેઠી હતી. એણે પોપટનાં બચ્ચાંને પડતાં જોયાં. ચકલી એમની પાસે આવી. એમને શાંત પાડ્યાં. બચ્ચાંએ ચકલીને કહ્યું: “અમે અમારાં મમ્મી-પપ્પાની રાહ જોઈએ છીએ. બહુ વાર થઈ, હજી તેઓ પાછાં આવ્યાં નથી.”

ચકલી એમને પોતાના માળામાં લઈ ગઈ. ચકલીને પણ બે બચ્ચાં હતાં. ચકલીનાં બચ્ચાં પોપટનાં બચ્ચાંને જોઈને આનંદમાં આવી ગયાં. ચારે બચ્ચાં રમવા લાગ્યાં. ચકલીએ બધાંને ખાવાનું આપ્યું અને કહ્યું: “તમે રમો, હું તમારાં મમ્મી-પપ્પા આવ્યાં હોય તો જોઈ આવું.”

આ બાજુ પોપટ-પોપટી ખૂબ દૂર નીકળી ગયાં હતાં તેથી એમને પાછાં વળતાં બહુ મોડું થઈ ગયું હતું. તેઓ ઝડપથી ઊડતાં ઊડતાં પાછાં માળામાં આવ્યાં. જોયું તો માળામાં બચ્ચાં નહોતાં. બંને વિચારવા લાગ્યાં, બચ્ચાં ગયાં ક્યાં? એમને હજી બરાબર ઊડતાં પણ આવડતું નથી. કોઈ ઉપાડી ગયું હશે?

પોપટી તો રડવા લાગી. પોપટે કહ્યું: “તું રડ નહીં. ચાલ, આપણે એમને શોધીએ.”

બંને ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેસીને બચ્ચાંને શોધવા ચારે બાજુ જોવા લાગ્યાં. એટલામાં ચકલી આવી. એ પોપટ –પોપટી પાછાં આવી ગયાં છે કે નહીં એ જોવા એમના માળામાં ગઈ. અંદર કોઈ નહોતું. પોપટ-પોપટીની નજર એમના માળામાંથી બહાર નીકળતી ચકલી પર પડી. એમને લાગ્યું કે આ ચકલી જ એમનાં બચ્ચાંને ઉપાડી ગઈ છે. પોપટ અને પોપટી બંને ઝડપથી ઊડ્યાં અને ચકલીને ચાંચથી મારવા લાગ્યાં. ચકલી તો એના પર અચાનક હુમલો થતાં ખૂબ ડરી ગઈ. એ શું બન્યું હતું એ કહેવાનો પ્રયત્ન કરતી હતી, પણ પોપટ અને પોપટી તો ચકલીની સામે જોયા વિના એને મારતાં જ રહ્યાં. અંતે ચકલી બેભાન થઈને નીચે પડી ગઈ.

પોપટ-પોપટી વિચારવા લાગ્યાં કે હવે શું કરવું. ત્યાં તો પોપટીના કાને રમી રહેલાં બચ્ચાંનો ખિલખિલાટ અવાજ સંભળાયો. બંને અવાજની દિશામાં ઝડપથી ઊડ્યાં. જોયું તો એમનાં બચ્ચાં ચકલીનાં બચ્ચાંની સાથે રમતાં હતાં. મમ્મી-પપ્પાને જોતાં જ બચ્ચાં એમને વળગી પડ્યાં અને રડતાં રડતાં બધી વાત કરી. પછી બોલ્યાં:

“ચકલી તમને શોધવા જ ગઈ છે. તમને મળી નહીં?”

બચ્ચાંની વાત સાંભળીને પોપટ અને પોપટી ખૂબ ઢીલાં થઈ ગયાં. એમને સમજાઈ ગયું કે એમણે ઉતાવળમાં કશું જાણ્યા-કર્યાં વિના બહુ મોટી ભૂલ કરી છે. જે ચકલીએ એમનાં બચ્ચાંને બચાવ્યાં, સહારો આપ્યો, એ જ ચકલીને એમણે માર માર્યો છે. અ…ર…ર…ર..! હવે શું કરવું?

એમને મૂંગાં થઈ ગયેલાં જોઈને ચકલીનાં બચ્ચાં બોલી ઊઠ્યાં:

“અમારી મમ્મી ક્યાં?”

પોપટે તરત જ કહ્યું:

“તમે રમો, અમે હમણાં જ તમારી મમ્મીને શોધી લાવીએ છીએ.”

બંને જમીન પર પડેલી ચકલી પાસે ગયાં. એની આંખો હજી પણ બંધ હતી. એ ખૂબ હાંફતી હતી. પોપટી જલદી જલદી એની ચાંચમાં પાણી ભરી આવી. ચકલી પર છાંટ્યું. પાણીના છાંટા પડતાં ચકલી ભાનમાં આવી.  એણે આંખો ખોલી. સામે પોપટ અને પોપટીને જોતાં જ એ ગભરાઈ ઊઠી. ચકલીની આંખમાં ગભરાટ જોઈને પોપટ બોલ્યો:

“ચકલીબેન, ગભરાશો નહીં. અમે તમને કંઈ નહીં કરીએ.”

પોપટી પણ બોલી:

“હા, ચકલીબેન, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારાં બચ્ચાંએ બધી વાત કરી. તમે તો અમારાં બચ્ચાંને મદદ કરી, એમને સહારો આપ્યો અને અમે એમ માની લીધું કે તમે જ અમારાં બચ્ચાંને ઉપાડી ગયાં છો… અમે તમારી આ દશા કરી…”

પોપટ અને પોપટી રડવા લાગ્યાં અને કહેવા લાગ્યાં:

“ચકલીબેન, તમારે અમને જે સજા કરવી હોય તે કરો… અમે તમારા ગુનેગાર છીએ.”

બંનેને આટલું બધું રડતાં જોઈને ચકલી સમજી ગઈ કે એમને પોતાની ભૂલ સમજાઈ છે અને બંને તે માટે પસ્તાવો કરી રહ્યાં છે. એ ધીરેધીરે ઊભી થઈ. પછી બોલી:

“તમે રડો નહીં. તમારાથી ભૂલ થઈ છે. તમે મને જાણી જોઈને મારી નથી. અને મેં તો મારી ફરજ બજાવી છે. આપણે પડોશી કહેવાઈએ. મુસીબતના સમયે તો પડોશી જ પડોશીને કામ આવેને!.”

ચકલીની આવી સરસ વાત સાંભળીને પોપટ અને પોપટી ખુશ થઈ ગયાં. બધાં ચકલીના માળામાં ગયાં. ચકલીનાં બચ્ચાં ચકલીની સોડમાં લપાઈ ગયાં અને પોપટ-પોપટીનાં બચ્ચાં એમનાં મમ્મી-પપ્પાની સોડમાં લપાઈને ગેલ કરવા લાગ્યાં.

 

Author: Web Gurjari

2 thoughts on “બાળવાર્તાઓ : ૨૬ – ભૂલનો પસ્તાવો

  1. બહુ જ સરસ બાળકોને બોધ આપતી બાળવાર્તા.્
    ગલઢેરાનો રસ છેવટે સુધી જળવાઈ રહે છે.્

Leave a Reply

Your email address will not be published.