નિસબત – રંગભેદ : ચામડીના ગણવેશને ભેદભાવના વાઘા

ચંદુ મહેરિયા

ગત વરસના મે મહિનામાં  કાળા અમેરિકી નાગરિક જ્યોર્જ ફ્લોઈડને સામાન્ય ગુના બદલ ગોરા પોલીસ અધિકારીએ જાહેર રસ્તા પર મારી નાંખ્યા હતા.. ફ્લોઈડની વરસી પૂર્વે જ  બાર જજોની ગ્રાન્ડ જ્યુરીએ ગોરા પોલીસ અધિકારી ડેરેક ચૉવિનને દોષિત ઠેરવતો ચુકાદો આપી દીધો છે. ફ્લોઈડની હત્યાનો અને રંગભેદી અત્યાચારોનો  વિશ્વભરમાં ભારે વિરોધ થયો હતો. પોલીસે તેના પગનો ઘૂંટણ ફ્લોઈડની ગરદન પર મૂકીને તેમના શ્વાસ રુંધી નાંખ્યા હતા. તે સમયે “મારો શ્વાસ રુંધાય છે “તેમ સતત બોલતાબોલતા ફ્લોઈડે અંતિમ શ્વાસ લીધા હતા.. એટલે ફ્લોઈડના આ આખરી શબ્દો વિરોધ આંદોલનનો નારો બની ગયા હતા.. કાળી પ્રજા ગોરી દુનિયામાં રોજબરોજ જે રુંધામણ, અત્યાચાર અને ભેદભાવ અનુભવે છે તેનો પડઘો તેમાં જોવા મળતો હતો. ચૉવિનને દોષિત ઠેરવતા અમેરિકી કોર્ટના ચુકાદાને  આવકારતા, રાષ્ટ્રપતિ જો બાઈડને વાજબી રીતે જ ફ્લોઈડની હત્યા પછીના વિરોધ આંદોલનને સિવિલ વોર પછીનું સૌથી મજબૂત આંદોલન ગણાવ્યું છે. ફ્લોઈડની હત્યાને અમેરિકાના આત્મા પરનો ડાઘ કહી , આવી ઘટનાઓના પુનરાવર્તનને  અટકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

કોઈ પણ માનવીની ચામડીનો રંગ જૈવિક પ્રક્રિયા માત્ર છે. પરંતુ ચામડીનો રંગ અને વંશ ભેદભાવનું કારણ બન્યા છે. કાળી ચામડીના  લોકો ગુલામ, નોકર, હલકા, નીચા અને ધોળી ચામડીવાળા માલિક, ઉંચા અને શ્રેષ્ઠ ગણાય છે. ઈ.સ.૧૪૯૫માં કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યારે ત્યાં રેડ ઈન્ડિયનો વસતા હતા. પછી તેમાં યુરોપના ગોરી ચામડીંના લોકો આવી વસ્યા અને તેમણે મૂળ નિવાસી કાળાઓનો નરસંહાર કર્યો. જે બચ્યા તેમને ગુલામ બનાવ્યા અને બીજા ગુલામો આફ્રિકાથી મંગાવ્યા.

કાળા-ગોરાના ભેદથી મુક્તિ માટે અમેરિકામાં સતત આંદોલનો અને સંઘર્ષો થતાં છેક ૧૯૬૫માં કાળાઓને સમાનતાનો અધિકાર મળ્યો. પણ હજુ ભેદભાવ અને અત્યાચારો મટ્યા નથી. અમેરિકાની કુલ વસ્તીમાં ૧૩. ટકા આફ્રો-અમેરિકન કાળાઓ , ૧૫ ટકા લેટિન અમેરિકીઓ અને ૭૨ ટકા ગોરા યુરોપિયન્સ છે. ૨૦૦૭માં અમેરિકાને પહેલા કાળા રાષ્ટ્રપતિના રૂપમાં બરાક ઓબામા મળ્યા  હતા. કોલિન પાવેલ, કોન્ડાલિસા રાઈસ કે આજે કમલા હૈરીસ જેવા આફ્રિકી-એશિયાઈ મૂળના બિનગોરાઓ દેશના જાહેરજીવનમાં મહત્વના સ્થાને હોવાનો જેમ ઈતિહાસ છે તેમ બે ગોરા રાષ્ટ્રપતિઓ અને માલ્કમ એક્સ અને માર્ટિન લ્યુથર કિંગ જેવા કાળા નેતાઓની હત્યાઓ તથા કાળાઓ પર રોજબરોજ હિંસા અને અત્યાચારોથી અમેરિકાનો ઈતિહાસ રક્તરંજિત પણ છે. ગરીબી, બેકારી, સુવિધાહીન આવાસો અને પરિણામે ગુનાખોરી, શોષણ  અને અત્યાચારો અમેરિકાની કાળી પ્રજાની જાણે કે નિયતિ છે.

રંગભેદ પર એકલા અમેરિકાનો જ ઈજારો નથી. બ્રિટન , આફ્રિકા અને ભારત પણ તેનાથી મુક્ત નથી. બ્રિટનના શાહી પરિવારના સભ્ય એવા પ્રિન્સ હેરી અને  તેમના પત્ની મેગન મર્કલે તાજેતરમાં શાહી મહેલમાં તેમના પ્રત્યે કેવો ભેદ રખાતો હતો તે જાહેર કર્યો છે. આફ્રિકી મૂળના કાળા માતા અને ગોરા અમેરિકી પિતાનું સંતાન એવા મેગન મર્કલે બ્રિટનના શાહી પરિવારના પ્રથમ મિશ્ર લોહી ધરાવતા સભ્ય છે. શાહી મહેલથી આ દંપતી મુક્ત થઈ ગયું છે પણ ભેદભાવથી મુક્ત થયું નથી. મેગનના ખુલાસા પછી આવકાર્ય તો એ બન્યું કે બ્રિટનના શાહી પરિવારે  પેલેસમાં કોઈ રંગભેદ છે જ નહીં અને તેમના વહુ જૂઠ્ઠાં છે તેવું વલણ લેવાને બદલે સત્તાવાર બયાનમાં મેગનની ભેદભાવની વાતને ગંભીરતાથી લીધી પ્રિન્સ હેરી અને તેમનો પરિવાર શાહી પરિવારને અત્યંત પ્રિય છે અને તેમણે પડકારરૂપ વરસો પસાર કર્યાં તે અંગે ચિંતા વ્યક્ત કરી, બઘિંગહામ પેલેસમાં રંગભેદના અંશો પણ હશે તો તેનું સમાધાન શોધાશે તેવી ખાતરી આપી છે.

કાળાઓની બહુમતી ધરાવતા દક્ષિણ આફ્રિકામાં ૧૯૯૪ સુધી કાયદેસરનો રંગભેદ અસ્તિત્વ ધરાવતો હતો. સત્તાવીસ વરસ જેલમાં વીતાવ્યા પછી એ વરસે નેલ્સન મંડેલા પ્રમુખ તરીકે ચૂંટાતા વિશ્વમાંથી કાયદેસરના રંગભેદના આખરી અવશેષો નાબૂદ થયા . તેમ છતાં ગોરી શ્રેષ્ઠતા હજુય મોજૂદ છે. માર્ટિન લુથર કિંગે અમેરિકામાં અને મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં ગાંધી ચિંધ્યા માર્ગે રંગભેદમાંથી મુક્તિ મેળવવા આંદોલનો કર્યા હતા. પરંતુ ગાંધીભૂમિ ભારત આજેય રંગભેદથી મુક્ત નથી.

ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક જાતિવાદ છે., જેની ભારતીયોને લગીરે શરમ નથી. રંગભેદનું ભારતીય સ્વરૂપ લિંગભેદમાં બહુ વરવા રૂપે જોવા મળે છે. ભારતમાં આફ્રિકી અને બીજા દેશોના કાળા લોકો પ્રત્યે તો ભેદભાવ અને હિંસા આચરાય છે. ખુદ ભારતમાં પણ કાળા રંગના લોકો, ખાસ તો મહિલાઓ પ્રત્યે ધિક્કાર જોવા મળે છે. સઘળા ભારતીય પુરુષોની લગ્ન માટેની પસંદ ગોરી ચામડીની સ્ત્રી જ હોય છે. બધા ભારતીયોને ગોરા દેખાવું છે.એટલે ગોરા દેખાવાની ફેરનેસ ક્રીમનો અબજોનો વેપાર ચાલે છે. મેટ્રો શહેરોના અંગ્રેજી અખબારોની લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી ચામડીની કન્યાઓની માંગ હોય છે. મેટ્રિમોનિયલ વેબસાઈટ પર સ્કીન કલર ફિલ્ટર હોઈ શકે છે. બીજેપી સાંસદ તરુણ વિજય ભારતમાં રંગભેદ  ન હોવાની સાબિતી તરીકે દક્ષિણ ભારતના કાળાઓ સાથે દેશના બાકીના ઘઉંવર્ણાઓના સમરસતાભર્યા સહજીવનનો દાખલો આપે છે. છે ને કમાલનો ભારતીય રંગભેદ ? !

વૈશ્વિક કાળી ચેતનાનો ‘બ્લેક ઈઝ બ્યૂટી ફુલ’ ના નારા સાથેનો પુખ્ત અને સમજદારીભર્યો દ્રઢ અહિંસક વિરોધ બેમિસાલ છે. ભારતના અગ્રણી સમાજવાદી નેતા ડો.રામ મનોહર લોહિયા અમેરિકાની યાત્રાએ ગયા હતા. ૨૬મી મે ૧૯૬૪ના રોજ રંગભેદના ગઢ ગણાતા મિસીસિપી રાજ્યના જૈકશન શહેરની તૌગુલૂ કોલેજમાં વ્યાખ્યાન પછી તે યજમાનો સાથે નજીકની હોટલમાં લંચ માટે ગયા કાળી ચામડીના ભારતીય સાંસદ લોહિયાને હોટલના ગોરા મેનેજરે ભોજન આપવાનો કે હોટલમાં પ્રવેશવા દેવાનો ઈન્કાર કર્યો. થોડા સંઘર્ષ પછી લોહિયાને જમ્યા વિના નીકળી જવું પડ્યું. બીજા દિવસે તે વધુ મોટી સંખ્યામાં ફરી ગયા. ફરી ઈન્કાર થયો અને લોહિયાની ધરપકડ.થઈ હતી.  કાળાઓના નાગરિક અધિકારોની વાત ગૂંજતી હતી તે દિવસોમાં અમેરિકાની ધરતી પર લોહિયાએ રંગભેદનો અહિંસક વિરોધ કર્યો હતો.

થોડા વરસો પહેલાં બ્રિટનના કાળી માલિકણ  માર્થાના કાફેમાં કોઈ ગોરા ગ્રાહકો આવતા નહોતા. એટલે માર્થાએ તેના કાફે બહાર એક જાહેરાત લટકાવી. જેમાં લખ્યું હતું  “ હું કાળા રંગની છું અને કાયમ કાળી જ દેખાવાની છું. જો તમે કાળા લોકોથી દૂર રહેવાનો હો તો મહેરબાની કરીને મારા કાફેમાં ના આવતા.” અમેરિકાના વર્જિનિયાના ધોળા યુગલે કાળી વેઈટ્રેસને ટિપ  ના આપીને અપમાનિત કરી. પણ તેણે કોઈ નફરત દેખાડ્યા વિના તેમને ફરી આવકારવાની તૈયારી દેખાડી. રંગભેદનો ભોગ બનેલા તેના સમર્થકોને શર્મિંદગી મહેસૂસ કરાવવા કેવા નવતર પ્રયોગો કરે છે.તેના આ ચંદ ઉદાહરણો છે.

પુખ્ત લોકશાહી છતાં અમેરિકાનું વર્ણઘમંડ પૂર્ણપણે ગયું નથી.તો  એક મોજણીના તારણ પ્રમાણે દુનિયામાં  સૌથી ઓછો રંગભેદ ધરાવતો દેશ બ્રિટન છે, ભારત નહીં. ઓબામાને લાગલગાટ બે ટર્મ પ્રેસિડન્ટ તરીકે ચૂંટનાર અમેરિકામાં આજેય રંગભેદની તરફેણમાં સભા-સરઘસો અને આંદોલનો યોજાય છે. અમેરિકી કાળાઓની નાગરિક ચળવળના નેતા કર્નેલ વેસ્ટે કહ્યું હતું, “ આપણે કાળાઓ પ્રત્યેની વર્તણૂકને કાળાઓની સમસ્યા માની બેઠા છીએ. તેને અમેરિકી તરીકે દેશની સમસ્યા માનતા. નથી. તે સૌથી મોટી સમસ્યા છે.” ભારતની દલિત સમસ્યાને પણ દેશની નહીં  દલિતોની સમસ્યા માનવામાં આવે છે. એટલે રંગ, જાતિ, લિંગના નામે આચરાતા ભેદભાવોને  સમગ્ર દેશ કે આખા સમાજની સમસ્યા માનતા થઈશું તો જ તેને ઉકેલી શકાશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *