ચાલ સખા..

રક્ષા શુક્લ

ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.
ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘના સરનામાં ધરીએ.

અટ્ટણની ઓલીપા, પટ્ટણનાં પાદરમાં, બાંધીને મ્હેલ અમે મ્હાલ્યા,
અચરજના કૂવેથી પાણી લઈ લોક બધા અણસારા પકડીને ચાલ્યા.
લીમડાની ડાળ અમે લીંબોળી ભૂલીને લૂમઝૂમ કેસર થઇ ફાલ્યા,
તીખાતમ તડકાઓ તેવર બદલે તો જીવ શ્રાવણમાં કેમ રહે ઝાલ્યા ?

લજ્જાને કૂંપળથી ચપટીક ઉઘરાવીને ઓચિંતું લીલુડાં પાને અવતરીએ.
ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.

જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બ્હાનુ ‘ને બ્હાનાંમા હું,
ટેરવેથી ટપકે ત્યાં લીલીછમ્મ ઘટના ‘ને ઘટનામાં ઉઘડતો તું.
લથબથ લાગણિયુંમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ ?
હાથોમાં હાથ અને શ્વાસોમાં શ્વાસ પછી ઓગળતા થાકોડો છૂ.

વરસાદી ફોરાંની જેમ ચાલ, ધૂળભરી ધરતીમાં રંગોળી કરીએ.
ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.


 કાવ્યાસ્વાદ

– નેહા પુરોહિત

 ‘ચાલ સખા આ એમનો મનપસંદ શબ્દસમૂહ છે. આ ગીત આવતી વેળા એ પોતાની જીવનયાત્રા, સંઘર્ષ અને પ્રેરક પરિબળો વિશે વિચારતા હતા.. અને આ ગીત અવતર્યું.

મધ્યમ લહેરમાં પ્રવાહીની માફક વહેતું આ ગીત રક્ષાબહેન શુક્લની રચના છે.

ચાલ સખા થી થયેલી શરુઆત જ આપણું મન મોહી લે. માંગણીમાં કોઈ જોર નહીં, છતાં સખા શબ્દ વાપરીને દોસ્તીના હકનો અછડતો ઉલ્લેખ પણ અહીં કવયિત્રી ખૂબ સહજતાથી કરી લ્યે છે.

હળવેથી પગલું ઉપાડવાની વાત જ આપણને નાજુક ઘટના બનવાનો અણસાર આપી જાય છે. હવે જે ઘટનામાં આપણે પ્રવેશવાનું છે, એમાં આપણું જવું પણ અડચણરૂપ બને એવી પુરી સંભાવના છે. અને પછી વાતને ઉઘાડતાં કહે છે કે વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ..’ ક્યા બાત! ફૂલને જોવું, અછડતો સ્પર્શ કરવો કે એને ડાળીથી તોડીને પોતાની સાથે લઈ જવા જેવી સામાન્ય વાત નથી. અહીં તો ફૂલનો જેની સાથે કાયમનો સાથ છે, જેનાથી ફૂલ પુરેપુરું પરિચિત છે એવા વાયરાનો સાથ લઈ, ફૂલનાં હ્યદયમાં સરીને જવાની કોમળ વાત છે.

કેટલે દૂરથી પણ વાતાવરણને મહેકાવી દેવા માટે સક્ષમ હોય એવાં ફૂલની ભીતર તો અત્તરનાં ઓરડા જ હશે ને ! ફૂલની ભીતર જવાનું કારણ આપતાં બીજી પંક્તિમાં રક્ષાબહેન કહે છે કે-

ફોરમ ચિક્કાર પછી પીવડાવી શ્વાસોને મઘમઘનાં સરનામા ધરીએ..

આજ સુધી જીવવા માટે શ્વાસમાં હવા તો ખૂબ લીધી, ક્યારેક સુવાસ તો ક્યારેક બદબૂ પણ ખરી ! આજે તો આ શ્વાસને મહેંક કેવી હોય એનું વર્ણન નથી કરવું , સીધા મઘમઘનાં સરનામા જ ધરી દેવા છે.. વાહ કવયિત્રી વાહ!

આ એક કવયિત્રીનું ભાવવિશ્વ છે. એમાં કલ્પનાનાં રંગો ન પૂરાય તો જ નવાઈ! પહેલા અંતરાની શરૂઆત કરતાં કહે છે કે પોતે અટ્ટણની ઓલી પા પટ્ટણનાં પાદરમાં મહેલ બાંધીને એમાં મહાલ્યા છે. જ્યારે કલ્પનાઓનું વિશ્વ ખડું કરવું હોય ત્યારે સહેજેય ઓછું શું રાખવું ? અને તરત જ એનો માહ્યલો સમાજની માનસિકતા તરફ અંગૂલીનિર્દેશ કરતાં કહી ઊઠે છે કે અચરજનાં કૂવેથી પાણી લઈ લોક બધા અણસારા પકડીને ચાલ્યાં ! અહીં અચરજનો કૂવો પણ કેવો ચપોચપ બેસી જાય છે એ જોવાનું છે. અચરજનો પહાડ ખડકાણો એવું પણ કહી શકાયું હોત, પણ અહીં કૂવો શબ્દપ્રયોગ કરીને કવયિત્રી રોજ નવાનવા તર્કની ફૂટતી સરવાણી પ્રત્યે છાનો ઈશારો કરી દે છે. સહુ માટે આમ પોતાના ભાવવિશ્વનું સામ્રાજ્ય ખડું કરી દેવું અને એમાં રમમાણ થઈ જીવવું સહજ હોતું નથી. એ કારણે જે આમ જીવી જાય છે એ ખૂબ નવાઈનો વિષય બની જાય છે. રોજ નવા તર્કો અને રોજ નવી ધારણાઓ બાંધવામાં લોકો પોતાનો સમય પસાર કર્યા કરે છે !

આવા કડવા લીમડા જેવા સમાજની ડાળેડાળે લીંબોળીનું રાજ હોય એની પરવા કર્યા વગર કેસર થઈને ફાલવાની વાત કેવી સૂચક છે ! આ જ હકારાત્મકતાને આગળ વધારતાં કહે છે કે શ્રાવણમાં તો તીખોતમ તડકો પણ એના તેવર બદલાવી નાખે છે, ત્યારે આ તો માણસનો જીવ! કેમ કરી જાલ્યો રહે ! લાલ કૂંપળને લજ્જાથી પર્ણનાં મોં પરની રતાશ સમું કલ્પન આપીને કવયિત્રી કહે છે કે આ જ સમાજમાં આપણે જીવવાનું છે તો આપણે લીલાછમ થઈને રહીએ!

બીજા અંતરામાં રૂપકો બદલાય છે. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો સંદર્ભ પણ બદલાય છે.. છતાં ગીતનો કેન્દ્રસ્થ ભાવ ઘૂંટાઈને ઘેરો થાય છે.

જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બહાનું ને બહાનામાં હું !

ફૂલ, વૃક્ષ અને કૂંપળ જેવા રૂપકો પરથી અચાનક જળ પર આવી જવું નવાઈ પમાડે છે, પણ એ જ પંક્તિ આગળ જતાં આ ભેદ ખોલી આપે છે. આ જળ તો ભીતરમાં વહી રહેલાં સ્પંદનો, અને કાંઠો એ જળનો વિસ્તાર ! આ કાંઠો જળને અટકાવતું પરિબળ ન બનતા પોતાના વિસ્તારનો ક્યાસ આપનાર બની જાય છે ! હુંઅહમ ન બનતા એક સભર અસ્તિત્વ બન્યાનો અહેસાસ અનુભવે છે. સ્વનો અહેસાસ થાય એ ક્ષણ કેટલી સત્વશીલ, કેટલી સભર અને કેટલી ફળદ્રુપ!

મિત્રો, દરેકનાં જીવનના કોઇ ને કોઇ તબક્કે આ ક્ષણ સાંપડતી હોય છે. આ ક્ષણનો અહેસાસ થાય એ સોપાન સુધી પહોંચવા કોઈ ને કોઈ વ્યક્તિનું માર્ગદર્શન, હૂંફ તેમજ અસ્ખલિત લાગણી મળી જ હોય. ખૂબી તો એ કે એ વ્યક્તિ ક્યારેય પડઘમ નહીં વગાડતી હોય. ક્યારેક તો આપણેય અજાણ હોઈએ એવું બને. અને જ્યારે સ્વનો સાક્ષાત્કાર થાય એ વેળા આ નામ પણ ખૂલે.. અને કવયિત્રી લખે કે

ટેરવેથી ટપકે ત્યાં લીલીછમ ઘટના ને ઘટનામાં ઉઘડતો તું !
લથબથ લાગણિયુમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ?

આગળ કહે કે,

હાથોમાં હાથ અને શ્વાસોમાં શ્વાસ ઓગળતા, થાકોડો છૂ !

કોઈ પોતાના માટે ખુદને પડદા પાછળ રાખી, કરેલા ઉપકારનો સહેજે અહેસાસ ન થાય એ રીતે મદદગાર થયું છે એ વાત કોઇપણ વ્યક્તિ માટે શ્રેષ્ઠતમ હોય.. હવે એ સમજાય કે આ વ્યક્તિ જાણે બાળકનું જતન કરતી હોય એ રીતે મારો હાથ એના હાથમાં ઝાલીને મને અહીં સુધી લઈ આવી ! બેઉ એક જ હવા શ્વાસમાં ભરતા હતા, છતાં પોતાને લેવાની હવામાં સહેજે ઘટ ન પડે એ કાળજી પણ લેવાઈ હતી.. એ વ્યક્તિએ પોતાનો શ્વાસ માનો કે આપણા શ્વાસમાં ભેળવી દીધેલો! કોઇ પોતાનું આ હદે થઈ શકે એનો અહેસાસ માત્ર આખી સફરનો થાકોડો હણી નાખે છે, કોઈ જાદૂગરની જેમ જ !

હવે હૈયું વરસી પડે છે.. સૂરજના તાપથી તપેલી ધરતી પર વરસાદનાં ફોરાં પડે ત્યારે કોરી ધૂળ વચ્ચે ટીપાની છાપ ઉપસે છે. આ પ્રતિકના માધ્યમથી હવે કવયિત્રી સામાજિક સંદેશ આપતા કહે છે કે જો આપણને આટલું મળ્યું હોય તો તપ્ત, ધૂળભરી ધરતી જેવા આ સમાજમાં આપણા સ્નેહનાં ફોરાં વરસાવી રંગોળી કરીએ.. લાગણી અને કાળજીથી નૂતન સંવેદનશીલ સમાજનું નિર્માણ કરીએ.


નેહા પુરોહિતનો પરિચય-

ભાવનગરમાં રહેતા નેહા પુરોહિત સર્જન ક્ષેત્રે  કાર્યરત છે. તેમણે ‘પરપોટાની જાત’ કાવ્યસંગ્રહ આપ્યો છે તે ઉપરાંત વાર્તા, બાળવાર્તા લેખનમાં પણ માહિર છે. તેમની વાર્તાઓનું સમયાંતરે ટેલીવિઝન ચેનલ પર પ્રસારણ થાય છે અને લબ્ધ પ્રતિષ્ઠિત  સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થતી રહે છે.

નેહા પુરોહિતઃ મોબાઈલ નંઃ 91 88499 59795 .


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “ચાલ સખા..

  1. ‘ચાલ સખા’ રચના ખૂબ સરસ છે અને સરસ રસદર્શન. વાંચી, વાગોળી આનંદ થયો.
    સરયૂ પરીખ.

  2. શબ્દો જાણે સાહજીક સરળતા થી વહી જાય છે. ઘણી જ સુંદર રચના. અભિનદંનો !

  3. ચાલ સખા ખુબ જ સરસ.વાચવાની મઝા આવી ગયી ્

Leave a Reply

Your email address will not be published.