નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૨

ગરીબ પર જુલમ થાય સતયુગ કહેવાય ને ગરીબ માથું ઊંચકે એને કળીયુગ કહેવાય!

નલિન શાહ

રાજુલે એકવીસ વર્ષ પૂરાં કર્યાં હતાં. હજી એક વર્ષની તાલીમ બાકી હતી. સાગર ડિગ્રી હાંસલ કરીને પ્રેક્ટિકલ અનુભવ મેળવવા એક વિખ્યાત આર્કિટેક્ટની ફર્મમાં જોડાયો હતો. સુનિતા ઇચ્છતી હતી કે જરૂરી અનુભવ પ્રાપ્ત કર્યા પછી જ સાગર એનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરે, પણ ઘરમાં વહુ લાવવાના જે કોડ હતા એ પૂરા કરવા વાટ જોવાની જરૂર નહોતી. એ જાણતી હતી કે હકીકતમાં બધો નિર્ણય શશીના હાથમાં હતો. એટલે એણે શશીને વિસ્તારથી કાગળ લખીને ઓફિસના પ્યૂન સાથે રવાના કર્યો, જેથી જવાબ આપવામાં વિલંબ ન થાય. ગામમાં હજી ટેલિફોનની સગવડ નહોતી, જેનો સૌથી વધુ અફસોસ સુનિતા ને રાજુલને હતો.

લગ્નની તારીખ નક્કી થઈ અને સુનિતાએ ઓફિસના ચુનંદા માણસોનો સ્ટાફ રતિલાલની સાથે સવલત કરવા પાલણ મોકલી આપ્યો. એમના રહેવાની ને ગામમાં જવા-આવવાની સગવડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે કરી હતી. શશી પણ પાલણ આવી પહોંચી હતી. રસોઈ કે મંડપને લગતી જે સૂચના અપાતી એ બધી રતિલાલ મારફત અપાતી હતી. સુનિતાની સૂચના મુજબ એ વાતની ખાસ તકેદારી રાખવામાં આવતી કે ગામમાં કોઈને અણસાર સુવિધા ના આવે કે વ્યવસ્થાનો દોર રતિભાઇ સિવાય બીજા કોઈના હાથમાં એ નહોતો.

જાનમાં નજદીકનાં ગણ્યાંગાંઠ્યાં લોકો જ આવવાનાં હોવાથી લગ્નની કંકોતરી સુનિતાએ કેવળ રતિલાલ ને સવિતાના નામની બનાવડાવી. સાગરની ઓળખ પેઢીના ને માતા-પિતાના નામથી કરવામાં આવતી. શશીના વિરોધના કારણે એના નામનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હતો. રાજુલે એક કલાત્મક અને ઉડીને આંખે વળગે એવું કાર્ડ પસંદ કર્યું હતું. કારણ એટલું જ હતું કે ગામમાં એના પિતાની ઈજ્જત વધે ને એની મુંબઈમાં રહેતી સૌથી મોટી દીકરીને વિચારમાં મુકી દે.

પહેલી કંકોતરી રતિલાલે મોટી દીકરી ધનલક્ષ્મીને મુંબઈ રવાના કરી ને બીજી એના શેઠને. શશીએ તાકીદ કરી હતી બાપુ શેઠને તમે જાતે આપવા ના જતા. તમારી આર્થિક નબળાઈના કારણે છાશવારે તમારું અપમાન કરતા આવ્યા છે. આ કંકોતરી જોઈને વધુ એક ટોણો મારવાનો મોકો મળશે. એટલે એમના મુનિમ મારફત જ પહોંચાડજો.

રાજુલના લગ્નની ઉડતી ઉડતી વાતો ધનલક્ષ્મીના કાને જરૂર આવતી. કેવળ કંકોતરી આવવાની બાકી હતી. એને માટે આ લગ્ન એની મોટાઈનું પ્રદર્શન કરવાનો એક અનેરો મોકો હતો. એની મોંઘીદાટ મોટર એ જર્જરિત ઘરના મામૂલી મંડપ પાસે ઊભી રહેશે ત્યારે લોકોની નજર એની મોટર ને એના ચમકતા દાગીના પર હશે. લોકો કહેશે કે ત્રણે દીકરીઓમાં આ એકે જ રંગ રાખ્યો. ‘એક નીચલી નાતમાં પરણેલી, મારા ડ્રોઈંગરૂમને લજાવે એવી ને બીજી ગામડાની સ્કૂલમાં ભણેલી ને થીંગડાવાળાં ફ્રોક પહેરતી. એ બંને મારી આજુબાજુમાં ઊભી રહીને ફોટા પડાવશે-પોતાની મહત્તા વધારવા, ભલે ખુશ થતી; મારે શું?’ આ વિચારે એ મલકાઈ. પણ એના રંગમાં ભંગ પડ્યો જ્યારે એને સમાચાર મળ્યા કે મંડપ વડોદરાના કોઈ મોંઘા ડેકોરેટર્સ બાંધવાના છે અને બેન્ડ સુરતથી આવવાનું છે ને આખી નાતને જમવા નોતરી છે ને બહારથી આવેલા સર્કિટ હાઉસમાં ઊતરેલા મહેમાનો માટે મોટરોનો કાફલો છે – ત્યારે એને આંખે અંધારા આવ્યાં. આવું હોય જ નહીં. નક્કી કોઈએ અફવા ફેલાવી છે. પણ જ્યારે કંકોતરી હાથમાં આવી ત્યારે એને ચક્કર આવી ગયા. જે મા-બાપ પરબીડિયાનો ખર્ચો બચાવવા મામૂલી પોસ્ટકાર્ડથી કામ પતાવતાં એ આજે આવી કિંમતી કંકોતરી મોકલે ને તે પણ મુંબઈમાં છપાવેલી! ને વરની મા આ સુનિતા શેઠ કોણ છે? એની સહેલીઓમાંથી કોઈ નહોતું જાણતું. એ લોકોના વર્તુળની બહારની દુનિયાનું એ લોકો માટે કોઈ મહત્ત્વ નહોતું. ધનલક્ષ્મીને વિચાર આવ્યો કે નક્કી કોઈ દાટેલું ધન બહાર કાઢ્યું હશે. ને આટલો ભપકો કરતા હોય તો દહેજ પણ તગડું આપ્યું હશે નહિતર રાજુલ જેવી ગામડિયણ મુંબઈમાં પરણે! હશે કોઈ ખોડખાંપણવાળો; મારે શું?’

રાજુલે ભાખેલું તેમ ધનલક્ષ્મી સાચે જ અંદરથી બળીને ખાક થઈ ગઈ. લગ્નમાં એની મોટાઈ બતાવવાની તક સરી ગઈ. એણે જવાનું માંડી વાળ્યું.

જ્યારે રાજુલનાં લગ્નની કંકોતરી મુનિમ મારફત મળી ત્યારે રતિલાલના શેઠને અપમાનજનક લાગ્યું, ‘મારો નોકર જાતે કંકોતરી આપવાને બદલે….’ શેઠ ગુસ્સામાં વધુ બોલી ના શક્યા. પણ કિંમતી લાગતી કંકોતરી ખોલીને જોવાનું કુતૂહલ શમાવી ન શક્યા. આવી કંકોતરી એમની કલ્પના બહારની વસ્તુ હતી. એમનાથી કટાક્ષમાં બોલ્યા વગર ના રહેવાયું, ‘નક્કી કોઈ ચરુ હાથ લાગ્યો હશે, કાં તો બાપ-દાદાનું દાટેલું ધન બહાર કાઢ્યું હશે. માળાં, બધાં આવા જ હોય, ગરીબાઈનો દેખાડો કરે એટલું જ, બાકી હોય અંદરથી ઊંડા.’ જ્યારે એમણે વાંચ્યું કે રાજુલનાં લગ્ન માધવજી ત્રિકમલાલની પેઢીના વારસ સાથે થવાનાં હતાં ત્યારે એમણે સજ્જડ આંચકો અનુભવ્યો. માધવજી ત્રિકમલાલની પેઢીની વગ એ જાણતા હતા ને સુનિતા શેઠ પોતે પણ કોઈ જેવી તેવી વ્યક્તિ નહોતાં. એમના જેવા કેટલાય વેપારીઓ એમનાં આશ્રિત હતા. એમનાં થકી જ એ લોકોના ધંધામાં બરકત આવતી. ત્યાં જ મુનીમે આવી ખબર આપ્યા કે ગામમાં પોલીસ પણ જોવા મળી છે. ધારાસભાના સભ્ય અને કલેક્ટર પણ પધારવાના હતા. ‘આ તો ચમત્કાર કહેવાય!’ શેઠે વિચાર્યું, ‘જે રતિલાલનો અત્યાર સુધી કોઈ ભાવ નહોતું પૂછતું એ આજે ગામમાં સૌથી મહત્ત્વના વ્યક્તિ બની ગયા હતા. ને આ છોકરી થીંગડાવાળું ફ્રોક પહેરીને મારી દીકરી સાથે ધિંગામસ્તી કરતી હતી! કેટલું દીકરીને વઢતા’તા કે આવા ગરીબ ઘરના છોકરાઓ સાથે બહુ ના ભળાય. પણ એ કાંઈ સાંભળે?’ શેઠ વિચારમગ્ન વદને બેસી રહ્યા. ત્યાં જ ઘરઆંગણે ટાંગો આવીને ઊભો રહ્યો, ને સુરત પરણાવેલી એમની દીકરી બેગ લઈને ઊતરી.

‘અરે ચંદન, તું આમ અચાનક ખબર આપ્યા વગર?’

‘ખબર શું આપવાના? રાજુલનો ફોન હતો કે કંકોતરીની વાટ જોયા વગર સમયસર આવી જજે. આવતી કાલે મહેંદી પણ મૂકાવવાની છે. એટલે આવી ગઈ.’

‘તે અહીં તને મહેંદી કોણ મૂકવાનું હતું?’ ટાંગાનો અવાજ સાંભળી બહાર આવેલી એની બા બોલી. કંકોતરીથી ને રાજુલનાં લગ્નની થઈ રહેલી તૈયારીથી એ સાવ અજાણ હતાં.

‘અરે, વડોદરાથી કોઈ ખાસ બહેનો આવવાની છે મહેંદી મૂકવાને અને મુંબઈથી કોક આવવાની છે રાજુલના વાળ સેટ કરવા.’

‘લે કર વાત. મેંદી તો હમજ્યા હજી પણ રાજુલને વાળ ઓળતાંયે નથી આવડતું, તે મુંબઈથી કોકને બોલાવવું પડે?’

‘ઈ તમે ગામડીયા ના સમજો. રાજુલને તું સમજે છે શું? અરે, એની નોકરડીઓ પણ તારા કરતાં વધારે ભણેલી હશે.’

‘હાય મા! જેને કેટલીયે વાર ધમકાવી હશે, ધુત્કારી હશે ઈ રાજુડીની તું વાત કરે છે? હવે તો સાચે જ કળિયુગ આવ્યો લાગે છે.’

‘અરે વાહ વાહ. ગરીબ પર જુલમ થાય એ સતયુગ કહેવાય ને ગરીબ માથું ઊંચકે એને કળીયુગ કહેવાય! મારે શશીબેનને કહેવું પડશે કે ગામડાંને સુધારવાનું કામ મેલીને મારી બા જેવાં લોકોને સુધારો.’

‘બસ હવે, બહુ બોલતાં શીખી ગઈ છે સુરત જઈને.’

‘ઈ તો તારી આગળ બોલાય નહીં એટલે, નહીં તો ખબર પડત કે સુરતની ભાષા કેટલી અલંકારવાળી હોય.’

‘બહુ થયું હવે, ચાંપલી થા મા. જા, અંદર જઈને હાથ મોં ધોઈ ચા-બા પી.’

રાજુલનાં લગ્ન ગામ માટે કદી ના ઊજવાયેલો એવો અવસર બની ગયો. રતિલાલ શેઠ પણ સુનિતાને પ્રણામ કરવા આવ્યા ને જૂના સંબંધોની યાદ આપી સંબંધ યથાવત્‍ ચાલુ રાખવાની વિનંતી કરી ગયા.

રતિલાલ હવે રતિલાલ શેઠ થયા હતા ને એ વાતનો સૌથી વધુ સંકોચ રતિલાલ પોતે અનુભવતા હતા.

લગ્નની બધી વ્યવસ્થામાં સુનિતાએ રતિલાલને જ આગળ રાખ્યા હતા. કોઈને અણસાર પણ ના આવ્યો કે આ ઉજવણીમાં સુનિતાએ કોઈ પણ ભાગ ભજવ્યો હોય.

રતિલાલના કુટુંબની મહત્તા વધારવા આ પ્રસંગ હજી પૂરતો ના હોય તેમ બીજે દિવસે, એટલે કે છવ્વીસ જાન્યુઆરીએ શશીને ‘પદ્મશ્રી’નો ઇલકાબ પ્રદાન થયાના સમાચાર છાપાંમાં આવ્યા ને તે પણ એના ફોટા સાથે. પચ્ચીસ વરસ પહેલાં થયેલી આઝાદીની જાહેરાત કરતાં રાજાપુર ને પાલણ માટે આ વાત વધારે ચોંકાવનારી હતી.

ધનલક્ષ્મી માટે લગ્નના અવસરની ચર્ચા જીરવવી અસહ્ય થઈ પડી હતી ને હવે શશીને મળેલા પદ્મશ્રીના સમાચારે તો એના હૃદયમાં અદેખાઈની આગની પ્રચંડ જ્વાળાઓ પ્રગટાવી.

‘પ્રલય આને નહીં તો બીજા કોને કહેવાતો હશે?’ એના સંકુચિત મનમાં વિચાર સ્ફુર્યો.

પદ્મશ્રીનો ઇલકાબ શશી માટે ચોંકાવનારો નહોતો, પણ વિસ્મયભર્યો જરૂર હતો.

શું એની ગ્રામસેવાની સર્વત્ર થયેલી ચર્ચા કારણભૂત હતી? શું ગ્રામજીવનની વાસ્તવિકતા શબ્દોમાં આલેખવાની એની કળાથી પ્રાપ્ત થયેલી લેખિકા તરીકેની એની ખ્યાતિ કારણભૂત હતી? કે સુનિતાબેને પોતાની શાખનો ઉપયોગ કર્યો હતો?

જ્યારે શશીએ સુનિતાને પૂછ્યું ત્યારે એમણે અજ્ઞાનતા જાહેર કરી. શશીની ઉલટતપાસમાં એણે નાછૂટકે એટલું જરૂર કબુલ કર્યું કે એમણે કેવળ કોઈ પણ અપેક્ષા વગર થઈ રહેલાં ગ્રામસેવાના કાર્ય પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. શક્ય છે કે આવાં પ્રશંસનીય કામને પ્રોત્સાહન આપવા સરકારે શશીને સત્તાવાર માન્યતા આપવાનું ઠરાવ્યું હોય! આના થકી તારી નહીં, પણ પદ્મશ્રીની મહત્તા વધી છે. રાજુલની પ્રતિક્રિયા કેવળ એટલી જ હતી, ‘દીદીને મળેલો એ ખિતાબ મારી વર્ષોની પ્રાર્થનાનું ફળ હતું.’

ગ્રામજનતા પર શશી-સુધાકરનો વધતો જતો પ્રભાવ જોઈ રાજકરણીઓ સમજી ગયા હતા કે વિશાળ પ્રદેશમાં પથરાયેલાં ગામડાંઓમાંથી મત પ્રાપ્ત કરવા જીપમાં ઊડતી મુલાકાતો કે ભાષણો નહીં, પણ શશી-સુધાકરના સહકારની આવશ્યક્તા હતી અને એ સહકાર રાજકારણીઓની કેવળ કાર્યક્ષમતા પર અવલંબતો હતો.

શશીને એના બહુમાનનું કોઈ ખાસ મહત્ત્વ નહોતું, પણ એણે નિખાલસતાથી કબુલ કર્યું કે ગ્રામજનતાને એની જરૂરિયાતો પ્રદાન કરવવા નિજી અને સરકારી ક્ષેત્રે એ કેટલીક હદે મદદરૂપ જરૂર હતું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.