લુત્ફ-એ-શેર: મણકો # ૫૭

ભગવાન થાવરાણી

ચાલો, વધુ એક બદાયૂનીનો સાક્ષાત્કાર કરી લઈએ. સૌથી વધુ જાણીતા બદાયૂની એટલે કે શકીલ બદાયૂની. 

સંગીતકાર નૌશાદ સાથેના એમના એક ગીત વિષે વિચારીએ અને સો ગીતો યાદ આવે. કયા ગીતને સ્મરીએ અને કયાને નહીં ! એમણે લખેલી ફિલ્મી ગઝલોની વાત કરીએ તો બસ  ‘ કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં અને  ‘ ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે જ કાફી છે. બેગમ અખ્તર સાહેબા અને ગયા વર્ષે જ અવસાન પામેલા શાંતિ હીરાનંદે એમની અનેક ગૈર-ફિલ્મી ગઝલો ગાઈ. મોહમદ રફી, તલત મહેમૂદ વગેરેએ તો ખરી જ.

એક તરફ એમના ફિલ્મી ગીતોમાં પ્યાર – મુહબ્બત અને હુસ્નો-ઈશ્ક પૂરી નજાકત સાથે છલકાય તો બીજા છેડે એમની અનેક ગઝલોમાં જીવનની ફિલસુફી પૂર્ણ નિખાર સહિત હાજર હોય ! જૂઓ :

સબ કરિશ્માત-એ-તસવ્વૂર હૈ  ‘ શકીલ ‘
વરના  આતા  હૈ  ન  જાતા  હૈ  કોઈ…

અથવા આ શેર :

તર્ક – એ – મય હી સમજ ઈસે નાસેહ
ઈતની  પી  હૈ  કે  પી  નહીં  જાતી ..

એમની લાંબી બહરની ગઝલોની વળી એક અલાયદી જ દુનિયા છે. આવી એક ગઝલ આશા ભોંસલે અને અન્ય કેટલાક ગાયકોએ ગાઈ છે. એ ગઝલનો મત્લો:

મેરી  ઝિંદગી  પે  ન મુસ્કુરા મુજે ઝિંદગી કા અલમ નહીં
જિસે તેરે ગમ સે હો વાસ્તા વો ખિઝાં બહાર સે કમ નહીં

આ ગઝલનો આ શેર તો છેવટ લગી મારી સાથે રહેશે :

વહી  કારવાં  વહી  રાસ્તે  વહી  ઝિંદગી  વહી  મરહલે
મગર અપને અપને મકામ પર કભી તુમ નહીં કભી હમ નહીં

બધું એ જ છે જે હતું અને રહેશે. ફરક બસ એટલો પડશે કે પોતપોતાની જગ્યાએ ક્યારેક હું નહીં હોઉં તો ક્યારેક ..

‘ મેલા ‘ ફિલ્મના એમના એક ગીતમાં એમણે આ જ વાત દોહરાવેલી :

યે  ઝિંદગી  કે  મેલે
દુનિયા મેં કમ ન હોંગે
અફસોસ હમ ન હોંગે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.