અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોહામણું શિકાગો, કેલ્લોગ્સ સ્કૂલ અને અન્ય મ્યુઝિયમો

દર્શા કિકાણી

૨૨/૦૬/૨૦૧૭ – ૨૬/૦૬/૨૦૧૭

અમે રાતના હોટલ પર જઈ સામાન ગોઠવી સૂઈ ગયાં. સવારે વહેલાં અર્પણ ગોલ્ડન ગેટ જવા અમને લેવા આવ્યો. રાજેશ અને દિલીપભાઈ તૈયાર જ હતા. તે લોકો સવાર-સવારમાં ગોલ્ડન ગેટ પર સરસ ચાલી-દોડી આવ્યા. એમની વાતો સાંભળીને અમને પણ બહુ આનંદ થયો. અમે પણ સવારમાં વોક લઈ સીધાં સ્વાતિને ઘરે પહોંચી ગયાં હતાં. નાસ્તો કરી શિકાગો જવા તૈયાર થઈ ગયાં. હેતા, અર્પણ અને સ્વાતિ લગ્ન માટે બોસ્ટન જવાનાં હતાં અને અમે શિકાગો જવાનાં હતાં એટલે એક મોટી વાન બોલાવી હતી જેથી બધાં સાથે જ એરપોર્ટ જઈ શકીએ. વાનવાળો સમયસર આવી ગયો હતો. સાત જણનો સામાન હતો એટલે ગોઠવતાં થોડી વાર લાગી પણ ડ્રાઈવર-ભાઈ  અનુભવી હતા એટલે સામાન  સરસ ગોઠવી દીધો. અમે સમયસર સાન ફ્રાન્સીસ્કો એરપોર્ટ પહોંચી ગયાં. અર્પણના કહેવા મુજબ સાન ફ્રાન્સીસ્કોમાં ૩ એરપોર્ટ છે. આ એરપોર્ટ પણ મોટું હતું. બહુ સરળતાથી ચેક-ઇન પતી ગયું. અમારી ફ્લાઈટ સમયસર હતી. ફ્લાઈટમાં નાસ્તો અને વાતો કરતાં કરતાં અમે શિકાગો આવી ગયાં.

કોઈ પણ મોટા એરપોર્ટ જેવું જ  શિકાગોનું એરપોર્ટ છે. અમે હવે બહુ એરપોર્ટ જોઈ લીધાં છે એટલે ખાસ કંઈ નવીન લાગતું નથી. પુલિનભાઈ સાથે વાત થતી જ હતી એટલે તેઓ પણ એરપોર્ટની નજીક જ હતા. અમે કોઈ પણ તકલીફ વગર એરપોર્ટની બહાર નીકળ્યાં. અને તેમને શોધી કાઢ્યા. પુલિનભાઈનું ઘર એરપોર્ટથી લગભગ ૩૫ માઈલ દૂર છે. રસ્તામાં નવું શહેર જોતાં જોતાં અમે ઘેર પંહોચી ગયાં. મોટા મોટા બંગલાઓની સુંદર ગેટેડ ટાઉનશીપ છે. રાત પડી ગઈ હતી એટલે આજે ટાઉનશીપ જોવા જવાય તેવું ન હતું. પણ તેમના મહેલ જેવા બંગલાના પાછલા વરંડામાં અમે બેઠાં. સરસ હીંચકો, ખુરશીઓ અને બાંકડાથી બેસવાની સુંદર વ્યવસ્થા કરી હતી. સરસ ખાણીપીણી બાદ મોનાએ અમને ઘર બતાવ્યું. બહુ મોટું અને ટેસ્ટફુલ્લી સજાવેલું ૩ લેવલનું ઘર છે. પુલિનભાઈએ ઘરમાં જ ઓફિસ રાખી છે. મોના સ્પેશિયલ બાળકો માટે કામ કરે છે પણ અમે પહોંચ્યાં ત્યારે તેને રજા હતી એટલે તે પણ ફ્રી હતી. વર્ષોથી પુલિનભાઈ-મોના શિકાગોમાં જ રહે છે એ જાહોજલાલી દેખાય છે.દીકરો વિશાલ ડૉક્ટર છે અને આગળ ભણી રહ્યો છે. અત્યારે ત્રણ મહિના શિકાગોમાં છે. દીકરી પૂજા પણ ડૉક્ટર છે, પી.જી. પતાવી ન્યુ જરસીમાં કામ કરી રહી છે. મોનાએ અમને પહેલે માળ લઈ જઈ અમારા રૂમ બતાવ્યા. અમારા માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે. અમને દીકરી પૂજાનો રૂમ ફાળવ્યો છે અને દિલીપભાઈ-રીટાને બાજુનો રૂમ આપ્યો છે. અમે સામાન મૂકી નીચે જમવા માટે આવ્યાં.

મોનાએ સ્વાદિષ્ટ બિરિયાની બનાવી છે, સાથે સાથે રાઈતું, પાપડ, સલાડ અને બીજી ઘણી વસ્તુઓ છે. અમે થાક્યાં તો હતાં પણ વાતો કરવી હતી એટલે મોડે સુધી દિવાન ખંડમાં બેઠાં અને જાતજાતની વાતો કરતાં રહ્યાં, જો કે વિષય હરીફરીને ભારત, અમેરિકા કે શાળાનાં મિત્રોનો જ હોય! અમેરિકન ભારતીયોનો વિશ્વાસ ભારતમાં અને ભારતની ઈકોનોમીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણો વધ્યો છે.

૨૩/૦૬/૨૦૧૭

આજે તો બહુ મોડાં ઊઠ્યાં. બરાબર થાક ઊતાર્યો. એક વાર કૉફી પીધી અને નહાવાનો પ્રોગ્રામ પડ્યો. વળી પાછી બીજી વાર કૉફી પીધી અને સરસ નાસ્તો કર્યો. કપડાં ધોવાં માટે મશીનમાં નાખ્યાં. આજે આખો દિવસ શિકાગો ડાઉન ટાઉનમાં ગાળવાનો પ્લાન હતો.

અમે સૌથી પહેલાં લેક મિશિગન ગયાં. બહુ મોટું તળાવ છે (લગભગ ૨૨,૩૦૦ ચો. માઈલ). ઘણી નદીઓ આ તળાવને આવી મળે છે અને  તે બીજા બે તળાવો સાથે જોડાયેલું છે. તળાવનો એક  ફાંટો મીસીસીપી નદીમાં થઈ ઈલીઓનીસ  વોટરવે અને શિકાગો નદી સાથે જોડાયેલ છે. પાણી એકદમ વાદળી રંગનું છે.આટલા મોટા લેકની આસપાસ મોટાં મકાનો અને રસ્તાઓ આવેલાં છે જેમનાં પ્રતિબિંબ તળાવમાં પડતાં વધુ સુંદર લાગે છે. તળાવ ઉપર સુંદર વોક-વે બનાવ્યો છે જેનો અમે લાભ લીધો. એક સરસ ચર્ચ આવેલું છે પણ અંદર જવા માટે ઘણો સમય લે તેવું હતું એટલે અમે બહારથી જ જોઈને સંતોષ માન્યો.

કલાક અહીં ગાળ્યાં બાદ અમે રીવર ક્રુઝ માટે ગયાં. પુલિનભાઈ પણ પહેલી જ વાર આ ક્રુઝ લઈ રહ્યા હતા. કહેવાય છે કે તમારી પાસે શિકાગોમાં જો બે જ કલાક હોય તો તમારે આ ૯૦ મિનિટની આર્કિટેક્ચરલ રીવર ક્રુઝ લેવી જોઈએ ! શિકાગો શહેરના જોવાલાયક બધાં જ બિલ્ડિંગ તેની જરૂરી માહિતી સાથે તમને આ રીવર ક્રુઝમાં બહુ સારી રીતે જોવા મળે છે. ફક્ત ૯૦ મિનિટમાં શિકાગો શહેરના ઈતિહાસ અને ભૂગોળનો સરસ પરિચય તમને મળી જાય!

શહેર વિસ્તારમાં ગાડી પાર્ક કરવાની તકલીફ તો રહેવાની જ એટલે પુલિનભાઈએ ગાડી મિલિનિઅમ પાર્ક પાસે મૂકી દીધી અને અમે ચાલીને નેવી પીઅર થઈ રીવર ક્રુઝ માટે ગયાં. ઓનલાઈન ટિકિટ બુક કરી હતી એટલે ટિકિટ લેવાં અને ચેક-ઇન કરવા અમે ઓફિસમાં ગયાં. નદી કિનારે બહુ સરસ ઓફિસ હતી. પચાસેક માણસો માટે બેસવાની વ્યવસ્થા કરી હતી અને નદી કિનારે સુંદર વૃક્ષની નીચે ઊભા રહેવાની વ્યવસ્થા પણ હતી. જગ્યા હતી એટલે અમે ઉપરના ડેકમાં છેક આગળની સીટો પસંદ કરી.

ટુર ગાઈડ એક મોટી ઉમરનાં બહેન હતાં. બહુ શાલીન રીતે તૈયાર થઈ આવ્યાં હતાં. અમારી સાથે વાતો કરીને અને શાળાનાં મિત્રો અમદાવાદથી આટલાં બધાં વર્ષો પછી અમેરિકન દોસ્તોને મળવા આવ્યાં છે તે જાણીને તે બહુ ખુશ થઈ ગયાં. અમારી સાથે બીજું પણ એક ગ્રુપ શાળાનાં જૂનાં મિત્રોનું હતું. તેમણે ક્રુઝની શરૂઆતમાં જ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. અને અમારી ક્રુઝ તો ચાલી. એક પછી એક બિલ્ડિંગની કહાણી તે અમને  રસથી કહેતાં ગયાં અને તેની લાક્ષણિકતા અમને સમજાવતાં ગયાં.

રીવર ક્રુઝમાં અમને બહુ મઝા આવી. નેવી પીઅરમાંથી ચાલતાં ચાલતાં બહાર નીકળી અમે મિલિનિઅમ પાર્ક પહોંચ્યાં. પાર્કમાં આગળ એક મોટું ઓપનએર થિયેટર બનાવ્યું છે, જે શાળા / કોલેજનાં વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય નાગરીકો માટે વાપરવામાં આવે છે. આજે અહીં શાળાનાં બાળકોનો સંગીતનો પ્રોગ્રામ હતો. પાંચસો જેટલાં બાળકો પોતપોતાનાં વાલીઓ સાથે પ્રોગ્રામમાં ભાગ લેવાં આવ્યાં હતાં. બાળકો પુરજોશમાં તૈયારી કરી રહ્યાં હતાં અને તેમનાં વાલીઓ વિશાળ ખુલ્લા બગીચાનો આનંદ માણી રહ્યાં હતાં. બહુ ખુશનુમા વાતાવરણ હતું. આટલી આઝાદી અને મોકળાશમાં રહેલાં બાળકોના વિચારો ચોક્કસ મુક્ત અને આઝાદ જ હોવાના. થિયેટરની બીજી બાજુ એક મોટું બિન બનાવ્યું છે – કાચનું અથવા પ્રતિબિંબ દેખાય તેવા મટીરિયલનું. એક સામાન્ય આઈડિયાનો અસામાન્ય રિસ્પોન્સ! હજારો લોકો તે બિનની આસપાસ ટોળે વળ્યાં છે. તમે દૂરથી આવો એટલે તમારું પ્રતિબિંબ તમારી સામે ચાલતું આવે! બહુ મઝાનું અને નવીન લાગે!અમે પણ ત્યાં બહુ ધમાલ-મસ્તી કરી! જાતજાતનાં મોઢાં કર્યાં અને હાથપગ ઉછાળ્યા! અને ઘણા ફોટા પાડ્યા. ત્યાંથી નજીકમાં જ ચાલીને ગાર્ડનમાં જવાનું હતું. રસ્તામાં સાવ જુદી જાતના ફુવારા જોયા. લગભગ ૪૦ ફૂટ ઊંચા અને ૨૦*૨૦ ફૂટના ઘનચોરસ ઉપરથી પાણી નીતરતું આવતું હતું અને તેની એક મોટી સપાટી પર (૪૦*૨૦ ફૂટની) એક સુંદર યુવતીની આકૃતિ દેખાતી હતી જે વારે-વારે બદલાતી હતી. સામસામે આવા બે ઘનચોરસ ફુવારા હતા. લોકો તે જોવાં ભેગાં થયાં હતાં અને બાળકો તો છબછબિયાં કરી લહેરથી ભીનાં થતાં હતાં! ખાસ્સી મોટી ખુલ્લી જગ્યા હતી અને યાત્રીઓ માહોલનો ભરપૂર આનંદ ઊઠાવી રહ્યાં હતાં.

ત્યાંથી અમે મિશિગન એવેન્યુ ચાલીને ગયાં. રસ્તામાં ઘણાં બધાં યાદગાર બિલ્ડિંગો આવતાં હતાં, ટ્રમ્પ ટાવર (Trump Tower) જેમાનું એક હતું!. રીવર ક્રુઝમાં જે વાર્તાઓ સાંભળી હતી તે બધાં બિલ્ડિંગો એકદમ નજીકથી જોયાં. રસ્તા પર તો શું ભીડ હતી! દોઢ-બે કિમી. ચાલતાં ચાલતાં અમને કલાકથી વધુ થઈ ગયો પણ બહુ મઝા આવી ગઈ. જરાય થાક લાગ્યો નહીં. ભીડથી ભરપૂર એવા આ અંતરને લોકો  મેજિક માઈલ ( Magic Mile) તરીકે  ઓળખે છે. આવી ભીડવાળા રસ્તા પર થઈને અમે ક્યાં જવાનાં હતાં તે અમને ખબર ન હતી. પુલિનભાઈએ અમારા માટે એક સરસ સરપ્રાઈઝ રાખી હતી. તેઓ અમને જોહ્ન હેન્કોક ટાવરના ( John Hancock Tower) ૯૬મા માળે ચા-નાસ્તા માટે લઈ ગયા!  આ ટાવર ૧૧૨૮ ફૂટ ઊંચું છે અને તેને ૧૦૦ માળ છે. જયારે બન્યું ત્યારે દુનિયાનું બીજા નંબરનું ઊંચું મકાન હતું! નીચે એન્ટ્રીમાં પાંચેક મિનિટ ઊભા રહેવું પડ્યું પણ લીફ્ટ મળી એટલે બે મિનિટમાં ૯૬મા માળે પહોંચી ગયાં. અમને બારી વળી સીટ જ જોઈતી હતી એટલે થોડી વાર રાહ જોવી પડી પણ બહારનો નઝારો એટલો સુંદર હતો કે બે કલાક રાહ જોવી પડે તો પણ વાંધો ના આવે! મોનાએ અમને આગળથી કહી રાખ્યું હતું એટલે અમે (હું અને રીટા) લેડીઝ વોશરૂમમાં ખાસ ગયાં. બહારની બાજુ પડતી દસ ફૂટની આખી દિવાલ કાચની હતી. નીચે લેક મિશિગન, નાનાં મોટાં ટાવરો, બાગ-બગીચાઓ વગરે રમકડાંના લાવીને મૂક્યાં હોય તેવાં સુંદર દેખાતાં હતાં ! કહેવાય છે કે ચોખ્ખું વાતાવરણ હોય ત્યારે ૧૦૦ કિમી. દૂર સુધી જોઈ શકાય છે! બારી પાસેની સીટ ખાલી થતાં અમે ત્યાં જમાવ્યું. નાસ્તો, કૉફી વગેરે મંગાવ્યું અને તે આવતાં સુધીમાં અસંખ્ય ફોટા પડ્યા! નજર પહોંચે ત્યાં સુધી આસપાસ અનેક મકાનો, બાગ-બગીચા, લેક મિશિગન….. સૂર્યાસ્તનો સમય હતો અને અમે સાચા સમયે સાચી જગ્યાએ હતાં. અદ્ભુત અને અકલ્પનીય દ્રશ્ય હતું! લગભગ કલાક અમે તેની મઝા માણતાં બેસી રહ્યાં.

નીચે ઊતરી પાછી અમારી સવારી મિશિગન એવેન્યુ થઈ ગાડી પાર્ક કરી હતી ત્યાં પહોંચી. પાર્કિંગના પેમેન્ટ માટેના મશીનમાં કંઈક ટેકનીકલ તકલીફ હતી. પુલિનભાઈએ ઘણી દોડાદોડી કરી અને ફાઈનલી ગાડી પાર્કિંગમાંથી નીકળી. હું અને રીટા તો થાકી ગયાં હતાં. ગાડીમાં બેસતાં જ સૂઈ ગયાં. અમને ખબર જ ન હતી કે ઘરે તો અમારા માટે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન રાહ જોતું હતું ! મોનાએ કેરીનો રસ અને ઢોકળા સાથે આખું ભાણું બનાવ્યું હતું. ગાડીમાં આરામ થઈ ગયો હતો એટલે અમે પાછાં તાજાં માજાં થઈ ગયાં હતાં! પેટ ભરીને જમ્યાં અને પછી તો મોડે સુધી અલકમલકની વાતો કરી.

૨૪/૦૬/૨૭૧૭

અમે સવારે જરા મોડાં ઊઠ્યાં. ચા-નાસ્તો કરી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયાં. ઘરથી લગભગ ૧૫ કિમી. દૂર હશે. આમ પણ સ્વામિનારાયણ પંથનાં મંદિરો બહુ સુંદર અને નયનરમ્ય હોય છે. અહીંનું મંદિર પણ ભવ્ય હતું. આસપાસનો બગીચો પણ બહુ સરસ હતો. આરસના પથ્થરોમાં કોતરણી તો એવી કરી હતી જાણે પથ્થરોમાં કવિતા કોતરી હતી!  સુંદર મૂર્તિઓ અને અતિસુંદર શણગાર ! ક્યાંક તો દર્શન કરવા લાઈનમાં પણ ઊભા રહેવું પડ્યું ! પણ આસપાસનું વાતાવરણ એવું પવિત્ર હતું કે રાહ જોવાનું પણ ગમે! મંદિરમાં આજે એક લગ્ન લેવાયા હતા. ત્યાં જ રહેતાં ગુજરાતી પટેલ યુવક-યુવતીના લગ્ન હતા. કુટુંબની સ્ત્રીઓ સુંદર વસ્ત્રો અને દાગીનામાં સજ્જ થઈને આવી હતી. એકદમ આનંદનું વાતાવરણ હતું. સ્વામિનારાયણ મંદિરમાં નાસ્તો અને જમવાનું પણ સ્વાદિષ્ટ મળે. કેન્ટીનની નજીક પહોંચો કે જાતજાતની અને ભાતભાતની રસોઈની સુગંધથી તરબતર થઈ જાવ! અમે ત્યાંથી કોરો નાસ્તો અને પાપડીનો લોટ (ખીચું) લઈ આગળ પ્રસ્થાન કર્યું. હવે જૈન દેરાસરમાં જવાનો કાર્યક્રમ હતો. પરદેશમાં રહેતાં ભારતીયો વધુ ધર્મપ્રેમી અને દેશપ્રેમી હોય છે એવો મારો અનુભવ છે. તેઓ પોતાનાં બાળકોને પણ ધર્મ અને દેશ પ્રત્યે વધુ જાગૃત રાખે છે. આ મારું અંગત મંતવ્ય છે.

જૈન દેરાસર પણ સ્વામિનારાયણ મંદિર જેટલું જ સુંદર અને સ્વચ્છ હતું. પાર્કિંગની વ્યવસ્થા પણ સરસ હતી. રીટાની બહેનપણીની દિકરી તેને મળવા આવી હતી. પરદેશમાં ધાર્મિકસ્થાનો અને મંદિરો સામાજિક મેળાવડાના સ્થાન બની જતાં હોય છે! દરેકને મળવા જવાનો સમય હોય નહીં એટલે બધાંને એકસાથે મંદિરમાં મળી લેવાય અને દર્શન થાય તે નફામાં!  દરેક ધર્મની જેમ જૈન ધર્મમાં પણ અનેક ફાંટાઓ છે, પણ અહીં તો એક જ સ્થાનમાં અનેક ફાંટાઓ વણી લેવામાં આવ્યા હતા. દેરાસર અને ઉપાશ્રય ઉપરના માળે હતાં. નીચે ભોંયરામાં શ્રીમદ્નાં પુસ્તકોની સુંદર લાઈબ્રેરી હતી. અમે ત્યાં બેસીને આત્મસિદ્ધિનું પઠન કર્યું. બહુ સંતોષજનક અનુભવ હતો. બંને મંદિરોમાં દર્શન કરી અમે પવિત્ર થઈ ગયાં હતાં. બહુ આનંદમાં હતાં. ઘરે આવી જમીને બધાંએ  થોડો આરામ કર્યો.

હું અને મોના સાંજની પાર્ટીની તૈયારીમાં લાગી ગયાં. આશરે ૨૦-૨૫  મહેમાનો આવવાનાં હતાં. બધાંની ખાણીપીણીની વ્યવસ્થા કરવાની હતી. મોનાએ ઘણી બધી વાનગીઓ બનાવી રાખી હતી અને બાકીની ઘણી વસ્તુઓ ઓર્ડર આપી બનાવડાવી હતી. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. વિશાલ પણ કામે લાગી ગયો હતો. પુલિનભાઈ તો ક્યારથી વ્યવસ્થા માટે દોડાદોડ કરતા હતા. અમે પણ અમને ફાવે તેવી મદદ કરતાં હતાં. અહીં ઘરના પુરુષો અને બાળકો પણ સારી મદદ કરતાં હોય છે. બહારથી આવતાં મહેમાનો પણ યથાયોગ્ય મદદ કરે જ. જગ્યા અને પૈસા બંનેની છૂટ અને લોકોને ઉત્સાહ પણ ઘણો એટલે પ્રસંગો સારી રીતે જ ઊજવાય.ભોંયરાના મોટા હોલમાં બેસવાની ભારતીય બેઠકની વ્યવસ્થા કરી હતી. થોડી ખુરશીઓ પણ રાખી હતી. નાનું સ્ટેજ બનાવ્યું હતું અને કલાકારોની અલગ બેઠક કરી હતી.

સંગીત માણસોને નજીક લાવે છે. અને બોલીવુડનાં ગીતો તો દુનિયાભરનાં લોકોને નજીક લાવે છે. પુલિનભાઈનું બારેક કપલ્સનું એક ગ્રુપ છે. લગભગ દર મહિને એકવાર તેઓ મળે છે અને હિન્દી ફિલ્મનાં ગીતો ગાય છે અને આનંદ કરે છે. કોઈ તબલા વગાડે, કોઈ કી-બોર્ડ પર હોય, કોઈ ગીત-સંગીતને લગતી સરસ માહિતી આપે….. ભારતના કોઈ પણ પ્રાંતના માણસો હિન્દી ફિલ્મનાં ગીતો બહુ ભાવવિભોર થઈને ગાતાં હોય છે.

સાંજ પડતાં જ મિત્રો આવવાં લાગ્યાં. રાજેશના મિત્ર જૈમિનભાઈના મિત્ર વિજય અને મીના પણ આવ્યાં. તે લોકો થોડા સમય પહેલાં જ એલેન ટાઉન બાજુથી અહીં શીફ્ટ થયાં છે. મીનાબહેન સંગીત જાણે છે અને ગીતો સરસ ગાય છે. વળી તેઓ આજની મહેફિલમાં ગાવાના પણ છે. વિશાલની એક અરબી મિત્ર પણ આવી હતી. તેને હિન્દી ફિલ્મી ગીતોનો બહુ શોખ છે. બધી વ્યવસ્થા ભોંયરામાં હતી એટલે ઘરમાં આવી બધાં સીધાં ભોંયરામાં જ જાય. ઠંડા પીણાં, ડ્રાય ફ્રુટ્સ અને નાસ્તા સાથે બધાંનું સ્વાગત કર્યું. અમારી બધાં મિત્રો સાથે ઓળખાણ કરાવી. નવાં લોકોને મળવાની બહુ મઝા આવી. એકદમ ઉત્સાહી ગ્રુપ છે. વાતોચીતોમાં કલાક નીકળી ગયો. જમીને જ પ્રોગ્રામ શરુ કરીએ એવું બધાંને લાગ્યું. સરસ ભારતીય ખાણું ખાઈને બધાં ખુશ ખુશ થઈ ગયાં. ખાસ તો મોનાની અને થોડી અમારી મહેનત સફળ થઈ.

હિન્દી ગીતોની રમઝટ શરુ થઈ. શરૂઆત વિશાલે કરી, અરિજિત સિંઘના એક ગીતથી. એક પછી એક કલાકાર સ્ટેજ પર આવીને ગીત ગાય. પુલિનભાઈએ હેમંતકુમારનું ગીત ગાયું. બધાં કલાકારોને તબલા પર સંગત પણ તેઓ જ આપતા હતા. રાજેશ અને દિલીપભાઈએ ભેગા મળી ‘યે દોસ્તી હમ નહીં……’ ગીત ગાયું. કોઈ પણ જાતની તૈયારી વગર બહુ સરસ પરફોર્મ કર્યું. છેલ્લે મોનાએ પણ સરસ ગીત ગાયું. ચારેક કલાક સંગીતમાં તરબોળ થયાં બાદ રાતના બે વાગે મહેફિલ સમાપ્ત થઈ. બહુ મઝા આવી. અમને ઘણાં બધાં નવાં મિત્રોએ તેમના ઘરે આવવા ભાવભીનું આમંત્રણ આપ્યું.

૨૫/૦૬/૨૦૧૭

સવારે ધાર્યા પ્રમાણે મોડાં જ ઊઠ્યાં. હું જલદી તૈયાર થઈ ગઈ કારણ કે મારે પુલિનભાઈ સાથે તેમની બેંકમાં જવું હતું. અહીંની બેંકો અને તેમની બ્રાંચો કેવી રીતે ચાલે છે, કેટલું ડીજીટલ કામ થાય છે વગેરે મારે જોવું અને અનુભવવું હતું. અમારી અમદાવાદની બેંક અને બ્રાંચનો અમને બહુ સારો અનુભવ છે એટલે ત્યાં શું હશે તે જોવું તો પડે જ! ઘરથી બે કિમી. દૂર એક શોપિંગ સેન્ટરમાં તેમની બેંકની બ્રાંચ આવેલી છે. પુલિનભાઈ પોતે પ્રોફેસનલ છે અને બહોળો કલાએન્ટ બેઝ ધરાવે છે એટલે આ બ્રાંચના તેઓ માનવંતા ગ્રાહક છે. બહુ ઝડપથી અમારું કામ પતી ગયું. મારા જૂના ટ્રાવેલર્સ ચેક વટાવવાના હતા તે પણ તેમણે કોઈ પણ જાતના વટાવ વગર એનકેશ કરી આપ્યા.

ઘરે આવી નાસ્તો કરી અમે શિકાગો ડાઉન ટાઉન ગયાં. દુબઈ ડાઉન ટાઉનની યાદ અપાવે.ગાડીમાં જ બેસીને આખો વિસ્તાર જોયો. ત્યાંથી પુલિનભાઈ અમને સરપ્રાઈઝ આપવાના હતા. થોડી લાંબી ડ્રાઈવ હતી. મેં અને રીટાએ તો ઝોકું મારી લીધું. ગાડી ઊભી રહી અને આંખો ખોલી જોયું તો નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીની કેલોગ્સ બિઝનેસ સ્કૂલ! આઈ.આઈ.એમ. માં ભણતી વખતે સ્ટેનફોર્ડ અને કેલોગ્સ બિઝનેસ સ્કૂલનો વારંવાર રેફરન્સ આવે. આ ટુરમાં બંને સ્કૂલ જોવા મળશે તેવો તો અંદાજ પણ ન હતો. કેમ્પસ બહુ જ સુંદર છે. ગમે તે ઉમ્મરે ભણવાનું ગમે તેવો સુંદર કેમ્પસ છે! પુલિનભાઈ પોતે ત્યાં ભણ્યા છે. એમને ખ્યાલ હશે કે અમને ચોક્કસ અહીં આવવું ગમશે. કોઈ કારણસર બિલ્ડીંગમાં અંદર તો જવાય તેવું ન હતું પણ ચારે બાજુ આંટો મારી અમે એક ધન્યતા અનુભવી.

ત્યાંથી દોઢ-બે કિમી. દૂર બહાઈ ટેમ્પલ છે. બહુ સુંદર અને ભવ્ય મંદિર છે. પુલિનભાઈ અમને ત્યાં લઈ ગયાં. આખા વિશ્વમાં આવાં ભવ્ય  ફક્ત આઠ બહાઈ ટેમ્પલ છે. વિશ્વ શાંતિ, એકતા અને માનવતાના પ્રતીક સમું આ મંદિર સૌ માનવોને આવકારે છે. ‘એકતા તરફ વળો અને તેનો પ્રકાશ તમને અજવાળે!’ એવાં સુંદર અને અર્થપૂર્ણ લખાણથી તમારું મંદિરમાં સ્વાગત થાય. શાંતિ અને પવિત્રતાનો શીતલ અનુભવ તમને ઘેરી વળે!ઐક્ય અને સુમેળનો ઠેરઠેર ઉલ્લેખ થયો હતો અને તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. અમે બધાં સારી એવી વાર ત્યાં મૌન બેસી રહ્યાં અને દૈવી શાંતિનો અનુભવ કર્યો. મંદિરની બહાર સુંદર બગીચો બનાવ્યો છે. બહુ કાળજીથી છોડવાઓ ઉછેર્યાં છે. મંદિરની અંદરની સુંદરતા અને પ્રકાશ બહાર પણ ફેલાયેલ છે. ચિત્તમાં શાંતિ અને પવિત્રતા ભરી અમે ત્યાંથી આગળ નીકળ્યાં.

ગઈ રાત્રે જ બનેલાં નવાં મિત્રો વિજય અને મીનાનો બહુ આગ્રહ હતો કે અમે પંદર મિનિટ માટે પણ તેમના ઘરે જઈએ. તેઓ પુલિનભાઈના ઘરની નજીક જ રહેતાં હતાં એટલે પાછાં વળતાં તેમને ત્યાં ગયાં. તેઓ થોડા સમય પહેલાં રીટાયર થઈ શિકાગો શિફ્ટ થયાં છે. આ તેમનું નવું ઘર છે. ગોલ્ફના મેદાનને અડીને તેમનો બંગલો છે. તેને ઘર કહેવા કરતાં મહેલ કહેવું જ યોગ્ય રહે. જો કે બધાં મિત્રોનાં ઘર બહુ વિશાળ અને ભવ્ય છે, તેમના દિલની જેમ! મીનાબહેને અમારી આગતાસ્વગતાની બહુ ધમાલ કરી હતી. કોરા નાસ્તા, ગરમ ભજિયાં, ચા-કૉફી વગેરેથી મોટું ટેબલ ભરી દીધું હતું. બહાર વરંડામાં બેસીને ખાવાની બહુ બહુ મઝા આવી. આસપાસ ભારતીયો રહે છે. એક ઘરમાંથી હિન્દી ફિલ્મી ગીતોનો સૂર સંભળાતા દિલીપભાઈ ત્યાં પહોંચી ગયા. બધાં દિલીપભાઈને મળીને અને તેમનું ગીત સાંભળીને આનંદમાં આવી ગયાં. અમદાવાદની અને ભારતની બહુ વાતો કરી. મોડી  સાંજે ઘરે આવ્યાં. બધાંને આરામ કરવો હતો એટલે પોતપોતાની જગ્યા શોધી સૂઈ ગયાં, પણ મને અને રાજેશને તો સાંજે આંટો મારવાનું બહુ ગમે. એમાં આ તો એટલી સુંદર ટાઉનશીપ હતી કે ઘરમાં સૂઈ રહેવું પાલવે જ નહીં. અમે ચાલતાં ચાલતાં બહાર નીકળ્યાં. બે કિમી. દૂર આવેલ વેલ-ગ્રીન નામના સ્ટોરમાં ગયાં. આખી જિંદગી ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરેલું એટલે રાજેશને પણ આવા સ્ટોર, ત્યાંનો ડિસ્પ્લે વગેરે જોવાનો ગમે. સ્ટોરમાં અડધો કલાક ફર્યાં ત્યાં તો સૂર્યાસ્તનો સમય થઈ ગયો. સ્ટોર મોટા રસ્તા પર આવેલ હતો અને સામે ખુલ્લું મેદાન હતું. બહુ સરસ સૂર્યાસ્ત અનાયાસ જ જોવા મળી ગયો.

અમે પુલિનભાઈને ઘરે પાછાં જવાનો રસ્તો લીધો. થોડું જ ચાલ્યાં ત્યાં પાર્થનો દુબઈથી ફોન આવ્યો. અમે વાતો કરતાં કરતાં ચાલતાં હતાં ત્યાં સામેથી એક યુવા કપલ સરસ કૂતરું લઈ આવતું હતું. બહુ સરસ કપલ હતું. મને ગુજરાતીમાં વાત કરતી સાંભળી તેઓ ઊભાં રહ્યાં અને અમને પણ ઊભા રાખ્યા. મારી પાર્થ સાથેની વાત પતે ત્યાં સુધીમાં તો રાજેશ સાથે તેમને પરિચય થઈ ગયો! તેમનાં નામ વિશાલ ઠક્કર અને મોનિકા ઠક્કર. સરસ મઝાની કૂતરીનું નામ પ્રિન્સેસ! હતી પણ જાજરમાન પ્રિન્સેસ જેવી! ફોન મૂકી હું પણ વાતોમાં જોડાઈ. વિશાલ આઠેક વર્ષથી અમેરિકામાં હતો જ્યારે મોનિકા બે વર્ષ પહેલાં લગ્ન કરીને અહીં આવી હતી. વિશાલ નજીકમાં જ મોટેલ ચલાવતો હતો અને મોનિકા સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી. વિશાલનાં માતા-પિતા અમદાવાદ (મણીનગર)થી અમેરિકા આવી હવે તેમની સાથે જ હતાં. અમને બંનેને બહુ આગ્રહ કરી તેઓ તેમને ઘેર લઈ ગયાં. અમને ઘેરથી નીકળ્યાને સારી એવી વાર થયેલી એટલે  પુલિનભાઈનએ  ફોન કરી પૂછ્યું કે અમે રસ્તો તો ભૂલી નથી ગયાં ને ? રાજેશે તેમને આ વાત કરીને કહ્યું કે અમે નવાં મિત્રોને મળીને અડધો કલાકમાં આવીશું. તેઓ પણ હેરત પામી ગયા! અમે વિશાલના ઘરે ગયાં. ગુજરાતી પ્રોગ્રામ મોટા ટીવી પર ચાલતો હતો અને વિશાલના મમ્મી ટીવી જોવામાં મશગૂલ હતાં. અમને નવાં માણસોને જોઈને તેમને પણ આશ્ચર્ય અને આનંદ થયા. વિશાલે પોતાના પપ્પાને પણ બૂમ પાડી પહેલા માળેથી બોલાવી લીધા. અમને બધાંને એકબીજાને  મળીને બહુ આનંદ થયો. અમને નાસ્તા પાણીનો બહુ આગ્રહ કર્યો પણ ‘ઘરે બધાં રાહ જુએ છે’ કહી અમે જવાની તૈયારી કરતાં હતાં ત્યાં ફરી પુલિનભાઈનો ફોન આવ્યો. અજાણ્યાં લોકોને ત્યાં આમ જવું કદાચ સલામત નહીં હોય. અમે તેમને સબસલામતનો સંદેશો આપ્યો અને ફરી ઠક્કર કુટુંબ સાથે વાતોમાં જોડાયાં. વાતવાતમાં ડૉ. પુજારા અમારી સાથે છે એમ બોલાઈ ગયું. વિશાલના મમ્મી તો હવે અતિ ઉત્સાહમાં આવી ગયાં અને ડૉ. પુજારા ફેમિલીને પણ બોલાવો એવો આગ્રહ કરવાં લાગ્યાં. તેમની પિયરની અટક ‘પુજારા’ હતી. કહેવાય છે ને કે પિયરનું તો કૂતરું ય વહાલું લાગે ! તો આ તો પરદેશમાં પિયરનાં જીવતાં જાગતાં માણસો! કેવો આનંદ થાય! બહુ આગ્રહ કર્યો પણ હવે પુલિનભાઈ અધીરા થયા હતા અને અમારે તરત જ નીકળવું જોઈએ એવું અમને લાગ્યું! અમદાવાદ આવો તો મળજો કહી અમે ત્યાંથી નીકળ્યાં.

વિશાલ અને  પુલિનભાઈએ આઇસક્રીમ ખાવાનો પ્રોગ્રામ કર્યો હતો. બધાં બે ગાડીમાં ગોઠવાઈ ગયાં અને આઇસક્રીમ ખાવા નજીકનાં શોપિંગ સેન્ટરમાં ગયાં. જાતજાતના અને ભાતભાતના આઇસક્રીમ મળતા હતા. વિશાલ ઘણી વાર ત્યાં આવતો હશે એટલે તેની સલાહ માની અમે આઇસક્રીમ ઓર્ડર કર્યા. ભીડ ઘણી હતી અને અમે સાત જાણ હતાં એટલે આઇસક્રીમ આવતાં વાર લાગી. દૂરના ટેબલ પર એક ગુજરાતી કુટુંબ નજરે પડ્યું. તેમને હાથ કરી તેમનું અભિવાદન કર્યું. આઇસક્રીમ ખાઈ તેઓ પાછાં જતાં જતાં અમને મળવા આવ્યાં. અજાણી જગ્યાએ થોડાંક જ જાણીતાં લોકોને મળવાનો આનંદ અનેરો હોય છે! એમની સાથે પણ અમદાવાદની, સેટેલાઈટ રોડની, મુંબઈની, દિલ્હીના રાજકારણની ગરમાગરમ વાતો કરી ઠંડો આઇસક્રીમ આવે તે પહેલાં ગરમાવો લાવી દીધો! આઇસક્રીમ સરસ હતો. એક રાઉન્ડ પત્યો ત્યાં તો વિશાલે બીજા રાઉન્ડનો ઓર્ડર આપી દીધો. પેટ ભરીને આઇસક્રીમ ખાધો! અમદાવાદની જેમ જ તો!

૨૬/૦૬/૨૦૧૭

સવાર-સવારમાં રાજેશે બધાંને ખુશખુશ કરી દીધા! અમે બધાં ઊઠીને તૈયાર થઈને નાસ્તા માટે આવીએ ત્યાં સુધીમાં તો તેમણે સરસ ગરમાગરમ બટાકા પૌંઆ બનાવી દીધા. કાજુ-દ્રાક્ષ, સૂકો મેવો, તાજાં ફળો … જે મળે તે બધું નાખીને શાહી બટાકા-પૌંઆ બનાવ્યા અને અમે સૌએ મન મૂકીને ખાધા ! જોડે ચા-કૉફી અને કોરા નાસ્તા હતાં પણ આજે તો શાહી બટાકા-પૌંઆની જ બોલબાલા હતી!

ઘેરથી નીકળતાં મોડું થઈ ગયું. અમે મિલેનિયમ પાર્કમાં ગાડી મૂકી ફિલ્ડ મ્યુઝિયમઓફ નેચરલ હિસ્ટરી ( Field Museum of Natural History) જોવા ગયાં. નેચરલ હિસ્ટરીનું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમછે. શું મ્યુઝિયમછે ! એક અઠવાડિયું રોજ આવો તો પણ સમય ઓછો પડે. જાતજાતનાં કાયમી પ્રદર્શનોને કારણે વર્ષે વીસ લાખ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે છે. ટિકિટ બુક કરી હોવા છતાં અંદર જવા માટે મોટી લાઈન હતી. જો કે અહીં ધક્કામુક્કી કે ધમાલ ક્યારેય થાય નહીં. તમારો નંબર આવે એટલે તમે સહેલાઈથી અંદર જઈ શકો. દાખલ થતાં જ એક વિશાળ હોલ આવ્યો. હોલીવુડની કેટલીક ફિલ્મોનું અહીં શુટિંગ થયું છે. અમે 3D ફિલ્મથી શરૂઆત કરી. આ ટુરમાં પહેલાં પણ બે વાર 3D ફિલ્મ જોઈ છે. આગળ જોયેલ ફિલ્મો જેવી જ સરસ ફિલ્મ હતી. પછી ગયાં ઉત્ક્રાંતિનું ( Evolution of Life) પ્રદર્શન જોવાં. ભીડ ઘણી હતી અને અમુક જગ્યાએ લાઈન પણ હતી. ચાર બિલિયન વર્ષમાં એક કોશના જીવથી આજના માણસના જીવનની કેવી રીતે ઉત્ક્રાંતિ થઈ છે, તે પ્રક્રિયા કેવી રહી છે તેનું સુંદર વર્ણન ચિત્રો, ફિલ્મ, ભાતભાતની નાટ્યાત્મક લાઈટો અને કોમ્પ્યુટરની મદદથી કરવામાં આવ્યું છે. એક મોટું ફોસિલ એટલે કે હાડપિંજર આકર્ષણનું કેન્દ્ર છે. છેક છેલ્લા ભાગમાં બતાવ્યું છે કે આપણે કેવા ખતરનાક સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ અને રોજ કેટકેટલાં પ્રાણીઓ લુપ્ત થતાં જાય છે અને સમય જતાં માણસ જાતને પણ તેનો ભય રહેલો છે ! ડર લાગે તેવી પણ સાચી વાત!

હવે આવ્યો ચીનનો વારો. ઘણાં દેશોનાં પ્રદર્શન છે પણ અમે હોલ ઓફ ચાઈનામાં ગયાં. દરેક વિચારશીલ ભારતીય માટે ‘ચીન ભારત કરતાં કેમ આગળ છે’ તે સતત મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે. એટલે અમે ચીનનું પ્રદર્શન જોવાનું નક્કી કર્યું. સુંદર પ્રદર્શન હતું. જાતજાતનાં સીરેમીક્સ, બ્રોન્ઝ, ટેક્ષટાઈલ વગેરેના શિલ્પ અને નમૂનાઓ જોઈને સદીઓ જૂની  ચીનની વૈભવી સંસ્કૃતિનો ખ્યાલ આવે. અમે લોકો થાકી ગયાં હતાં અને ભૂખ પણ લાગી હતી. અમે ચીનને સરખો ન્યાય આપી શક્યા નહીં. થોડી વારમાં બહાર નીકળી કેન્ટીનમાં જઈ કૉફી અને નાસ્તો કર્યા. હવે મ્યુઝિયમ બંધ થવાને એક કલાક જ બાકી હતો. અમે તિબેટનું પ્રદર્શન જોવા ગયાં. સુંદર શિલ્પકામવાળી મૂર્તિઓ અને કલાકૃતિઓથી તિબેટનું પ્રદર્શન બહુ સુંદર લાગતું હતું. અમે શરૂઆતનો થોડો ભાગ જ જોયો હશે ત્યાં તો સમય સમાપ્તિનું  એલાર્મ વાગ્યું. અમે ધીમે ધીમે ચાલતાં હતાં પણ ચોકીદારને લાગ્યું હશે કે અમે બહાર નીકળીશું કે નહીં ? અમને હાથ પકડીને બહાર લઈ ગયાં! એક સુંદર મ્યુઝિયમ જોવા માટે સમય બહુ ઓછો પડ્યો એવાં અસંતોષની લાગણી સાથે અમે બહાર નીકળ્યાં.

હવે શોપિંગનો વારો હતો.મ્યુઝિયમમાંથી અમે ગયાં એપલના સ્ટોરમાં. દિલીપભાઈને એક લેપટોપ લેવું હતું. સેલ્સ-ગર્લે એટલી સરસ રીતે અને એટલી સાહજિકતાથી આટલો મોંઘો પ્રોડક્ટ પાંચ જ મિનિટમાં વેચ્યો તે જોઈ એક સરસ સેલ્સ-પર્સનને મળ્યાં નો આનદ થયો. મોના અમને ત્યાં મળી. ત્યાંથી તે અમને ટાર્ગેટ, વોલમાર્ટ અને બેડ-બાથ-બિયોન્ડ જેવા ત્રણ-ચાર સ્ટોરમાં શોપિંગ માટે લઈ ગઈ. બધાં સ્ટોરમાં સરસ વસ્તુઓ હતી, ભાવ પણ વાજબી હતા અને સ્ટોક ઘણો હતો. મારે તો શોપિંગ કરવું ન હતું પણ રીટાને શોપિંગનો ઉત્સાહ ઘણો હતો.શોપિંગ પતાવી બે-અઢી કલાકે અમે ઘેર પહોંચ્યાં ત્યારે થાકીને ઠૂસ નીકળી ગઈ હતી. વિશાલે જમવાનું સરસ ગરમ કરી રાખ્યું હતું. રસોડામાંથી આવતી સુગંધે અમારો બધો થાક ઉતારી દીધો. ડૉકટરીનું ભણતો અમેરિકન યુવાન ઘરનાં બધાંનું આવું ધ્યાન રાખે તે અમારા માટે આનંદ અને આશ્ચર્યની વાત હતી. બોલવું તો ન હતું  પણ બોલાઈ જવાયું કે આજકાલ તો ભારતમાં યુવતીઓ પણ આવું ……..

જમ્યાં પછી અમારી ખરીદી બધાંને બતાવી. જાતજાતની ખરીદી જોઈ પુરુષ વર્ગ નવાઈ પામી ગયો! મીઠાઈ અને આઇસક્રીમ ખાઈ રૂમમાં જઈ બેગો ગોઠવી દીધી. સવારે શિકાગોને અલવિદા કહી આગળ જવાનું હતું.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોહામણું શિકાગો, કેલ્લોગ્સ સ્કૂલ અને અન્ય મ્યુઝિયમો

 1. આજે પણ અમેરીકાનું એક મહત્વનું શહેર ફરવાની મજા આવી
  પરંતુ તેના કરતાં પણ…
  આજનો લેખ મિત્રો, અજાણ્યા મિત્રો, મહેમાનગતિ અને સ્નેહ ભર્યા માનવ સંબંધોનો રહ્યો.
  તમારું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ જોવાનું અધૂરું રહ્યા નો રંજ મને પણ રહી ગયો

  1. Thanks, Ketan!
   Yes, it’s an excellent, exciting, interesting exhibition. I could have spent days there!

 2. Thanks, Ketan!
  Yes, it’s an excellent, exciting, interesting exhibition. I could have spent days there!

 3. Enjoyed Kinkhabwala family’s Kinkhabi આગતા-સ્વાગતા and wonderful Chicago! One of my favorite big cities in USA!
  Lovely…
  Amrish

  1. Yes, they are great hosts ( like all our friends!)! And Chicago is a wonderful place! Thanks, Amrishbhai!

Leave a Reply

Your email address will not be published.