ફિર દેખો યારોં : રાજકીય વ્યંગ્ય: ‘મને બક્ષતા નહીં, શંકર!’થી ‘તને બક્ષવામાં નહીં આવે, મંજુલ!’ સુધી

બીરેન કોઠારી

એક દૃશ્ય.

“બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?”

“ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.”

આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં દફન થયેલાં બે શબ વચ્ચેનો છે.

બીજું દૃશ્ય.

દિવાલે પોસ્ટર લગાવતા એક માણસને પોલિસ બોચીએથી પકડીને લઈ જાય છે. પોસ્ટર માત્ર કાળા રંગનું છે. તેની પર કશું લખાણ નથી. માણસ કહે છે, “પણ આ તો કોરું પોસ્ટર છે!” પોલિસ કહે છે, “પણ તારા ‘મન કી બાત’ હું જાણું છું.”

ત્રીજું દૃશ્ય.

કોવિડ માટેની રસી લેવા આવનાર એક નાગરિકને એક ડૉક્ટર જણાવે છે: ‘બીજો ડોઝ ચાર સપ્તાહ પછી.’ બીજા ચિત્રમાં ડૉક્ટર કહે છે: ‘કે પછી એ આઠ સપ્તાહ પછી લેજો.’ ત્રીજા ચિત્રમાં ડૉક્ટર કહે છે: ‘મને લાગે છે કે સોળ સપ્તાહ પછી એ લેશો તો બહેતર રહેશે.’ અને ચોથા ચિત્રમાં ડૉક્ટર જણાવે છે: ‘કે પછી અદર પૂનાવાલા ભારત પાછા ફરે એ પછી લેજો.’

અહીં વર્ણવેલાં આ ત્રણે દૃશ્યો ત્રણ અલગ અલગ કાર્ટૂનમાં ચીતરાયેલાં છે. એ ચીતરનાર કાર્ટૂનિસ્ટ છે મંજુલ.

મંજુલ આજકાલ સમાચારમાં ચમકી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વધુ એક કાર્ટૂનિસ્ટ એના એ જ કારણસર વધુ એક વાર સમાચારમાં ચમક્યા છે. ‘નેટવર્ક18’ નામે મિડીયા કંપની સાથે છેલ્લા છ વર્ષથી કરારબદ્ધ રહેલા મંજુલના કરારનો અંત લાવવામાં આવ્યો છે. આ કંપની રિલાયન્‍સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મંજુલ પોતાનાં કાર્ટૂન ટ્વીટર પર પણ મૂકતા હતા. થોડા સમય અગાઉ ભારત સરકારે ટ્વીટરને પાઠવેલા એક પત્રમાં મંજુલના કોઈ ચોક્કસ કાર્ટૂનને બદલે તેમના આખા પ્રોફાઈલ સામે વાંધો પાડવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે એ ભારતીય કાનૂનનો ભંગ કરે છે. મંજુલે અલબત્ત, આ પત્રને હળવાશમાં લેતાં લખ્યું હતું કે સરકારે કમ સે કમ એટલું કહ્યું હોત કે તેમને કયા ટ્વીટ સામે વાંધો છે!

સરકાર કોઈ પણ હોય, એ હંમેશાં કાર્ટૂનિસ્ટોના નિશાન પર જ હોય છે અને હોવી જ જોઈએ. આ કારણથી જ કાર્ટૂનિસ્ટો સરકારને ખાસ પસંદ હોતા નથી. દેશના પહેલવહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનો કાર્ટૂનિસ્ટોનો પ્રિય વિષય બની રહ્યા છે, જે સાવ સ્વાભાવિક છે. એની સામે, એક જવાહરલાલ નહેરુને બાદ કરતાં ભાગ્યે જ કોઈ વડાપ્રધાને પોતાની પરના વ્યંગ્યને બરાબર માણ્યો છે. ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ કે.શંકર પિલ્લાઈને તેમણે કહેલા શબ્દો ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને બક્ષતા નહીં, શંકર)[1] યાદગાર બની રહ્યા છે.

પોતાના પક્ષના યા વિપક્ષના સાથીદારો ઘણી વાર ઘણા મુદ્દા અંગે વડાપ્રધાનને યા સરકારને કહી ન શકે એવી ઘણી બાબતો કાર્ટૂનિસ્ટ પોતાના કાર્ટૂનમાં હસતાંરમતાં કહી દે છે. જવાહરલાલ નહેરુનાં જૈવિક વારસદાર એવાં ઈન્‍દિરા ગાંધીએ પણ આર.કે.લક્ષ્મણના કાર્ટૂનને પ્રતિબંધિત કર્યું હતું. ઈન્‍દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા એ પછી તેમણે કાર્ટૂનિસ્ટોને ભરપૂર સામગ્રી પૂરી પાડી હતી. એ સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ(આઈ) દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ ‘માય હાર્ટ બીટ્સ ફોર ઈન્‍ડિયા’માં વિવિધ ચિત્રો થકી વિપક્ષને ભૂંડો ચીતરવાનું શરૂ થયું હતું. તેની સામે ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ રાજિ‍ન્‍દર પુરીએ, બિલકુલ એનાં એ જ ચિત્રોમાં સાવ જુદું લખાણ મૂકીને એક સમાંતર ઝુંબેશ ચલાવી હતી.

ભારતીય જનતા પક્ષના અનેક નેતાઓ પોતાના પરના વ્યંગ્યને માણતા હતા. વિદેશ પ્રધાન જશવંતસિંઘના કાર્યકાળ દરમિયાન બનેલો કંદહાર અપહરણ કાંડ સૌને યાદ હશે. એ સમયે કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગે જશવંતસિંઘને તાલીબાની પોષાકમાં ચીતર્યા હતા. આ કાર્ટૂન પ્રકાશિત થયું કે સવારે જ જશવંતસિંઘે સુધીરને અભિનંદન પાઠવવા ફોન કર્યો અને એ અસલ કાર્ટૂનની માંગણી કરી. સુધીરને નવાઈ લાગી. તેમણે પૂછ્યું કે એ કાર્ટૂનમાં તો પોતે એમને તાલીબાન તરીકે ચીતર્યા છે. જશવંતસિંઘે જણાવ્યું કે પોતે એમાં બહુ ‘ક્યુટ’ દેખાય છે. સુધીરે તેમને એ અસલ કાર્ટૂન ભેટ આપ્યું, જેને જશવંતસિંઘે પોતાના ખંડની દિવાલ પર ગોઠવ્યું હતું. ભાજપના નેતા મુરલી મનોહર જોશી પાંચ-છ મહિના સુધી પોતાને કોઈ કાર્ટૂનમાં ચીતરાયેલા ન જુએ તો સુધીર તેલંગને ફોન કરતા અને સહેજ ગુસ્સે પણ થતા. સુધીરે એ વખતે કહેલું, ‘કોઈ નેતા કાર્ટૂનમાં ચીતરાયેલો જોવા ન મળે તો સમજવું કે તેનો પ્રભાવ ઓસરી રહ્યો છે.’

પશ્ચિમ બંગાળનાં મમતા બેનરજી પોતાના પર બનાવાયેલાં કાર્ટૂન માણી શકતા નથી. તેમણે કાર્ટૂનિસ્ટોને હેરાન કર્યાના દાખલા તાજા છે.

કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવે એના જેવી હાસ્યાસ્પદ બાબત બીજી એકે નથી, અને આવા કિસ્સા હવે વધુ ને વધુ બની રહ્યા છે. સત્તાધીશો ગમે એવી હાસ્યાસ્પદ અને ચિત્રવિચિત્ર હરકતો કરે એ સમાચાર બને, પણ એ જ બાબત પર કોઈ કાર્ટૂનિસ્ટનું બનાવેલું કાર્ટૂન એ સહન ન કરી શકે એ વાત જ કેવી વિચિત્ર છે! એ હકીકત છે કે રમૂજવૃત્તિ ક્યાંયથી લાવી કે મેળવી શકાતી નથી. એ વાતાવરણ મુજબ આપમેળે ખીલતી હોય છે. જે રીતે રાજકારણ હવે છેક ઘરના આંગણે ટકોરા મારતું પહોંચી ગયું છે એ જોતાં રાજકારણમાં રમૂજ બહુ ઝડપથી ‘લુપ્ત થયેલા લક્ષણ’ની શ્રેણીમાં આવી જશે એવા અણસાર જણાઈ રહ્યા છે. રાજ્યસત્તા પર હસવું રાજદ્રોહ હોય તો, રાજ્યસત્તાને હાસ્યાસ્પદ બનાવી મૂકવી એ પ્રજાદ્રોહ નથી? પ્રજાદ્રોહ કરવા બદલ કોની પર કામ ચલાવવું?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૬–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ

અહીં રજૂ કરેલ સાંદર્ભિક કાર્ટૂન લેખને સુવાચ્ય બનાવવા નેટ અપરથી સાભાર લીધેલ છે. તેમા પ્રકાશાનાધિકારો રચયિતાના અબાધ રહે છે.


[1] Don’t Spare Me, Shankar – An animation film which focusses on the political life of India’s first Prime Minister, the Late Pt. Jawahar Lal Nehru through caricature drawn by the famous cartoonist Shankar.

Author: Web Gurjari

2 thoughts on “ફિર દેખો યારોં : રાજકીય વ્યંગ્ય: ‘મને બક્ષતા નહીં, શંકર!’થી ‘તને બક્ષવામાં નહીં આવે, મંજુલ!’ સુધી

  1. આભાર, આબિદભાઈ. આપના પ્રતિભાવનું ઘણું મૂલ્ય છે.

Leave a Reply

Your email address will not be published.