હકારાત્મક અભિગમ – ૫ – આભાર

રાજુલ કૌશિક

એક નાનકડા બાળકને શિખવાડ્યું હતું એમ એ લગભગ રોજે સવારે ઉઠીને બોલે..

“સૂરજદાદા સૂરજદાદા શક્તિ સ્ત્રોત વહાવો,
નાનકડી મારી આંખોમાં તેજ અનોખું વહાવો.

થેન્ક્યુ સૂરજદાદા ફોર ગિવિંગ મી સચ બ્રાઇટ સની ડૅ.”

એ ઘર મંદિરમાં ભગવાનની પાસે બેસીને બોલે,  “થેન્ક્યુ ભગવાન ફોર ગિવિંગ મી સચ વન્ડરફુલ લાઇફ એન્ડ થેન્ક્યુ ભગવાન ફોર એવરીથિંગ…..”

કાચુંપાકું ગુજરાતી અને કાચુંપાકું અમેરિકન ઇંગ્લીશ…પણ એક વાતની એને બરાબર ખબર હતી કે એ શા માટે થેન્ક્યુ કહી રહ્યું છે. આટલેથી ન અટકતા એને હવે એને એ પણ ખબર છે કે એની કોઈ વાત સાંભળીને સ્વીકારી હોય તો એના માટે પણ થેન્ક્સ કહેવાનું છે અને એ કહે પણ છે.

આ સાવ સાદી સમજ નાનપણથી જ મનમાં રોપી હોય તો એકદાચ જીવનભર સ્વીકારાયેલી રહે છે. સામાન્ય રીતે આપણે ઘરની કોઇપણ વ્યક્તિ પછી ભલે ને માતા-પિતા હોય કે ભાઇ-બહેનને કે સંપૂર્ણ સગવડ સાચવતા સંતાનોને પણ ક્યારેય કોઇપણ સંદર્ભે આપણે મોટાભાગે આભાર માનતા નથી હોતા કારણકે આપણે એમજ માની લીધું છે કે એ તો આપણો હક છે. એ વાત આપણી સામાજિક માન્યતા કે સંસ્કૃતિ પ્રમાણે સાચી પણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ઔપચારિકતા ન હોય તે વાત પણ સાચી પણ આ આભારના એક માત્ર શબ્દથી સામે વ્યક્તિ જીતાઇ જાય છે એ પણ વાત એટલી જ સાચી .

આ આભાર માત્ર શાબ્દિક ન રહેતા વર્તન દ્વારા પણ વ્યક્ત કરી શકાય. આખો દિવસ ઘરની બહાર રહ્યા પછી સાંજ પડે થાકીને ઘરે આવીએ ત્યારે એમ માની લઈએ છીએ આખી દુનિયાનો ભાર આપણે જ વેંઢારીને આવ્યા છીએ એટલે ઘરમાં આવીને આપણું મનગમતું જ થાય એવો આગ્રહ અને ક્યારેક તો દુરાગ્રહ પણ સેવીએ છીએ. ક્યારેય એવું વિચાર્યું છે કે માત્ર અને માત્ર ઘરમાં જ રહીને સાતે દિવસ આપણા સૌના અલગ અલગ સમય અને સગવડ સાચવતી મા ને મનગમતી વાત કઈ હોઇ શકે? ક્યારેક જમવામાં કશી ઊણપ લાગી તો એ ધડ દઈને કહેતા અચકાતા નથી પરંતુ રોજે રોજ સચવાતી મનભાવન અને મનફાવન ઘટનાનો જ્યારે પ્રેમથી ઉલ્લેખ થાય અથવા મા પાસે બેસીને સંતાનો એમ પૂછે કે..“મા , તારો દિવસ કેવો ગયો? ત્યારે એ પૃચ્છા મા ને મૂલ્યવાન લાગશે.

ક્યારેક સંતાનો માને ભાવતું અને ફાવતું કરે ત્યારે તો એ વાત મા માટે આભારના શબ્દ કરતાંય મહામૂલી બની જશે.. આભાર માનવાની એક જ રીત છે એવું નથી. ક્યારેક બીજુ કશું કર્યા વગર મા પાસે બેસીને એને ગમતી વાત કરી જુવો. સાહેબ ! આભાર શબ્દ પ્રયોગ વગર પણ તમે આભાર જ માની રહ્યા છો એ વાત માના મોં પર દેખાતા ભારોભાર સંતોષમાં દેખાઈ આવશે.

મા જેટલો જ પ્રેમ પિતાનો પણ હોય છે ને? મોટા થતા સંતાનોને શેની જરૂર પડશે એ એના કહ્યા પહેલા જ હાજર કરી દેતા પિતાનું કોઇ કામ એમના કહ્યા પહેલા કરી જુવો.. શાબ્દિક આભાર માનવાની જરૂર નહીં પડે એની સંપૂર્ણ ખાતરી. હવે આમ જોવા જઈએ તો  માતા-પિતા માટે આ વાત અનેક લોકોએ અનેક વાર કરી હશે પણ આજે એ વાતને જરાક અલગ અંદાજે જોઇએ…

નાનપણથી જ સંતાનોને ઉછેરતા માતા-પિતા પણ સંતાનોની સાથે જ મોટા થતા જાય છે અને માની લે છે કે આજ સુધી સંતાનો માટે જે કંઇ કર્યું એ આપણો નિસ્વાર્થ પ્રેમ હતો. ના, સાવ એવું પણ નથી હોતું. સંતાનો મોટા થતા પોતાની અનેક જવાબદારીઓ સાથે માતા-પિતાની જવાબદારી પણ ઉપાડી લે છે. ક્યારેય આપણે એમને પૂછ્યું કે ઓફિસમાં કેટ કેટલી સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે? હાલના કોમ્પિટીશનના સમયમાં કેવા અને કેટ-કેટલા માનસિક દબાણો વચ્ચે કામ કરતા હોય છે અને તેમ છતાં માતા-પિતા પ્રત્યેની કાળજી પણ એટલી જ લેતા હોય ત્યારે એ લોકો પણ પણ એટલા જ આભારના અધિકારી છે જ ને? આભારનો એહસાસ વ્યકત કરવા માટે સમય- સંજોગોના સીમાડા ન હોવા જોઇએ.

આપણે તો મોટાભાગે સંયુક્ત કુટુંબની ભાવના ધરાવતા હોવાથી શક્ય હોય ત્યાં સુધી એક છત નીચે જ રહીએ છીએ પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં સંતાનોને આત્મનિર્ભર બનવાનું નાનપણથી જ શીખવવામાં આવે છે. મોટા થઇ ઉડતા શીખેલા પંખીને પાંખ આવે એટલે ઉડીને જુદો જ માળો બાંધવાનું શીખવે છે એટલે સમય આવે એમનો તો એક અલગ આશિયાનો બંધાઇ જાય છે પરંતુ જન્મજાત શીખવેલા સભ્યતાના સંસ્કાર તો એમનામાં પણ ક્યાંક દેખાઇ આવે છે.

થોડા સમય પહેલાની વાત છે. એક લગભગ ચૌદ-પંદર વર્ષનો છોકરો બારણે બેલ મારીને ઉભો હતો. હાથમાં એક નાનકડું પતાકડું પકડાવીને સભ્યતાપૂર્વક જવાબની આશાએ ઉભો રહ્યો. એમાં એણે લખ્યું હતું કે જો તમારે લોન મુવિંગની જરૂર હોય તો એ કરી આપશે. ફ્રન્ટ યાર્ડના ૧૦ ડોલર અને બેક યાર્ડ મોટું છે એટલે ૨૦ ડોલર લેશે.

છોકરો જરાય અજાણ્યો તો નહોતો જ. સાવ સામેના ઘરમાં જ એ રહેતો હતો એટલે એની આ વાતથી જરા નવાઇ લાગી કારણકે એને આવું કશું કરવાની જરૂર હોય એવું તો અમને ક્યારેય લાગ્યું નહોતું. કુતુહલવશ થઈને પૃચ્છા કરતાં ખબર પડી કે ત્યારે જે રવિવાર આવવાનો હતો એ મધર’સ ડે હતો એટલે એ આવા નાના-મોટા કામ કરીને જાત મહેનતથી એકઠા કરેલા પૈસાથી એની મોમ માટે સરસ મઝાની ગિફ્ટ લાવવા માંગતો હતો. કેવી સરસ વાત! એ કહેતો હતો કે “ My mom is doing so much so for us. This is the only time when I can give her back. On that day I would like to take my mom for lunch or I can order whatever she likes.”

વાત મનને ખુબ સ્પર્શી ગઈ. આજ સુધી એમ જ માનતા આવ્યા છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રેમ-વહાલ જેવી કોઇ ભાવના હશે કે કેમ? માતા-પિતાથી દૂર રહેતા સંતાનો આવા તહેવારે એટલે કે મધર’સ ડે ,ફાધર્સ’ ડે અને ‘થેન્ક્સ ગિવિંગ’ના દિવસે એમનો આભાર માનવાનું ચૂકતા નથી કારણકે આ એમની પ્રથા છે.

આ ત્રણ અક્ષરનો શબ્દ આભાર ઘણું મૂલ્ય ધરાવે છે. આભાર માનવો ત્યારે જ સરળ બને છે જ્યારે એને આપણે સાચા અર્થમાં સમજીએ. આભારનો અર્થ એટલો તો આપણે સ્વીકારીએ છે કે ક્યાંક કોઇ આપણા માટે સહાયરૂપ, આપણા માટે આશીર્વાદરૂપ બનીને આવ્યું છે. જાણે અજાણે કોઇ આપણા માટે હકારાત્મક વિચાર કે વર્તન લઈને આવ્યું છે. આપણી મૂંઝવણમાં માર્ગદર્શક બનીને આવ્યું છે. ભૂલા પડેલા પથિક માટે પથદર્શક બનીને આવ્યું છે. આપણી તકલીફોમાં તારણહાર બની આવ્યું છે. ક્યારેક કોઇ રસ્તો ન સૂઝે ત્યારે રાહબર બનીએ આવ્યું છે.

તાજેતરમાં ફેસબુકના તખ્તા પર એક વિડીયો જોઇ. એક યુવાન પોતાની માશુકાને મળવા જતા પહેલા હોંશે હોંશે લાલ ગુલાબનો મસ્ત મઝાનો બુકે ખરીદે છે. પાર્ક સુધી નિરાંતે ચાલતા જતો આ યુવાન મંદિર પાસેથી પસાર થાય છે. મંદિરની બહાર એક અત્યંત લાચાર આધેડ ભિખારીને જુવે છે. કોઈ કોઈ એણે પાથરેલા કંતાન પર પૈસા મુકે અને કોઇ એમ જ પસાર થઈ જાય છે. આ યુવાન પણ ભિખારીને જોઇને એની મસ્તીમાં જ આગળ વધી જાય છે. માશુકાની લાંબો સમય રાહ જોઇ રહેલા આ યુવાનના મોબાઇલ પર પ્રિયતમા એને મળવા નહી આવી શકે એવો મેસેજ આવે છે. રાહ જોઇને કંટાળેલો યુવાન પાછો ફરે છે. હવે એના હાથમાં રહેલો લાલ ગુલાબનો બુકે કોઈ કામનો રહ્યો નહીં. પાછા કરી રહેલા એ યુવાનનો રસ્તો મંદિર પાસેથી જ જતો હતો. એણે ફરીએક વાર પેલા ભિખારીને એ જ લાચારીની અવસ્થામાં બેઠેલો જોયો. યુવાને પેલા એના માટે નક્કામા થઈ ગયેલા લાલ ફુલોને બુકેમાંથી એક એક કરતા અલગ કરીને પેલા ભિખારીના કંતાન પર છુટા પાથરી દઈને આગળ ચાલ્યો જાય છે. થોડા સમય પછી એ યુવાન એ જ રસ્તા પરથી નિકળે છે અને જુવે છે તો પેલો લાચાર ભિખારી હવે ત્યાં બેઠો નથી પરંતુ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ટેબલ ખુરશી લઈને બેઠો છે ટેબલ પર મંદિરમાં ચઢાવવાના ફુલો હતા. પેલો ભિખારી એ યુવાનને ઓળખીને બે હાથ જોડીને ચહેરા પર આભારના ભાવ સાથે વંદન કરે છે.

આ છે આભારનો એહસાસ. પેલા ભિખારી પાસે શબ્દો નથી પરંતુ એના ચહેરા પરનો ભાવ અને વંદનની મુદ્રામાં જોડાયેલા બે હાથ આભારના શબ્દો કરતાં જરાય ઓછા ય નથી.

આ આભાર તો એક અવી અભિવ્યક્તિ છે કે જે માને એ હ્રદયથી હળવો થઈ જાય એવો એહસાસ છે.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.