ભાત ભાત કે લોગ – શેલ શોકની અજીબ બીમારી : ડૉ હર્સ્ટ હીરો હતા કે વિલન?

જ્વલંત નાયક

૮-૬-૨૦૨૧થી આગળ

૮-૬-૨૦૨૧ના રોજ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને એને કારણે મળેલી એક વિચિત્ર બીમારી વિષે વાત કરેલી. ડૉ માયરે એને ‘દબાવી દેવાયેલા માનસિક આઘાતની સ્પષ્ટ શારીરિક અભિવ્યક્તિ’ (Overt Manifestation of Repressed Trauma) તરીકે વર્ણવી છે. પણ સરકાર અને લશ્કરી તંત્રની જડતાને કારણે ડૉ માયરે પણ નમતું જોખ્યું અને મોરચો છોડીને પાછા ફરી ગયા. પણ તંત્રને હવે સમજાવા લાગ્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે. જો સૈનિકોની માનસિક સારવાર કરવામાં નહિ આવે તો સેનાનું મોરલ ડાઉન થશે, જે બહુ મોટી ખાનાખરાબી તરફ દોરી જશે. તંત્ર દ્વારા તાબડતોબ બીજા સેન્ટર્સ ખોલવામાં આવ્યા અને બીજા મનોચિકિત્સકોની મદદ લેવામાં આવી.

 

ઐતિહાસિક ઘટના : મેડિકલ કમિટીએ ફિલ્મ પ્રોડ્યુસ કરી!

ઇસ ૧૯૧૮માં સીલ હેઈન ખાતે ખોલવામાં આવેલા આવા જ એક સેન્ટરમાં બ્રિટીશ ફિઝીશ્યન એવા ડૉ આર્થર ફ્રેડરિક હર્સ્ટની એન્ટ્રી પડી. સીલ હેઈનની આ હોસ્પિટલ મૂળે તો એક એગ્રિકલ્ચરલ કોલેજ હતી. આથી સ્વાભાવિક રીતે જ શહેર અને વસ્તીથી દૂર હતી. પરંતુ યુધ્ધની પરિસ્થિતિ ઉભી થતા આ કોલેજને તાબડતોબ મિલીટરી હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવેલી. ડૉ હર્સ્ટ આ હોસ્પિટલના વડા તરીકે ફરજ બજાવતા હતા. શેલ શોકની બીમારી વધુને વધુ સૈનિકોને સંક્રમિત કરી રહી હતી. હવે તો અનેક સૈનિકોના મૃત્યુ પણ થવા માંડ્યા હતા. સીલ હેઈન હોસ્પિટલ ખાતે પણ શેલ શોકના પેશન્ટ્સ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો. સૌથી મોટી સમસ્યા ટ્રીટમેન્ટ પ્રોટોકોલની હતી.

સાયકોલોજીકલ બીમારીની એક ખાસ બાબત એ છે કે જ્યારે એનો હુમલો થાય, ત્યારે જ રોગીના સાચા લક્ષણ જોવા મળે. એ સિવાય તમે નોર્મલ કન્ડિશનમાં સાયકોલોજીકળ પેશન્ટને મળો તો તમને ખ્યાલ પણ ના આવે કે આ વ્યક્તિને ગંભીર માનસિક સમસ્યા છે! આવા કેસમાં ડોક્ટર્સ માટે બીઆરીને સમજવાનું અને એનો ઈલાજ કરવાનું અતિશય કપરું થઇ પડે. ડૉ હર્સ્ટે આમાંથી એક ક્રિએટીવ માર્ગ કાઢ્યો. એમણે નક્કી કર્યું કે શેલ શોકથી પીડાતા પેશન્ટ્સની વિડીયોગ્રાફી કરીને એક ફિલ્મ ઉતારવી. જેથી કરીને જ્યારે બીમારીના લક્ષણો તીવ્ર હોય, એ સમયનો વિડીયો જોઈને પેશન્ટની વર્તણૂક સમજી શકાય. તત્કાલીન મેડિકલ રિસર્ચ કમિટીએ તરત આવી ફિલ્મ ઉતારવા માટેનું બજેટ મંજૂર કરી દીધું. આ કદાચ ઈતિહાસની એવી પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ દેશની મેડિકલ કમિટીએ ફિલ્મ પ્રોડ્યુસ કરી હોય! ડૉ ક્ર્સ્તે કેટલા પેશન્ટ્સની વર્તણૂકની ક્લિપ્સ રેકોર્ડ કરી, જેમાંથી પછી ફિલ્મ બની.

 

૨૪ કલાકમાં પેશન્ટ સાજો ન થાય તો અને ફટ કહેજો!

ફિલ્મ તો બની ગઈ. સીલ હેઈનમાં દાખલ થનાર પેશન્ટ્સને ટ્રીટ કરવા માટેની ચાવી પણ મળી ગઈ. હકીકતે પેશન્ટ્સને કોઈ શારીરિક તકલીફ તો હતી જ નહિ, માત્ર યુદ્ધની અમાનવીય ભીષણતાની માનસિક અસર જ હતી. ડૉ હર્સ્ટને લાગ્યું કે બીજી કોઈ પણ દવા કે ટ્રીટમેન્ટ આપવાને બદલે શેલ શોક, અથવા ‘વોર ન્યુરોસીસ’ નામની બીમારીનો ભોગ બનેલા પેશન્ટ્સ સાથે પ્રેમથી વાતચીત કરવામાં આવે, એમને સાચી પરિસ્થિતિ વિષે જાગૃત કરવામાં આવે, અને તેઓ શારીરિક રીતે પૂરેપૂરા સક્ષમ છે, એ બાબત સમજાવવામાં આવે … તો વોર ન્યુરોસીસનો પેશન્ટ થોડાક જ કલાકમાં સાજો થવા માંડે છે!  રિચાર્ડ્સ નામના એક સૈનિકનું ઉદાહરણ જાણવા જેવું છે. રિચાર્ડ્સને જ્યારે દાખલ કરાયો ત્યારે એની ચાલ એકદમ વિચિત્ર હતી. ઘોડો જે રીતે આગલો પગ ઉંચો કરીને ડગ ભારે, એ રીતે રિચાર્ડ્સ પણ ચાલતો. પહેલી નજરે એમ જ લાગે કે રિચાર્ડ્સ જાણી જોઈને કોઈ ખેલ કરી રહ્યો છે. ડૉ હર્સ્ટે એની સમજાવટપૂર્ણ સારવાર કરી એના થોડા જ કલાકોમાં રિચાર્ડ્સ નોર્મલ થવા માંડયો! ડૉ હર્સ્ટને પોતાની આ સારવાર પદ્ધતિ પર એટલો ભરોસો બેસી ગયો કે ઇસ ૧૯૧૮ના ઓગસ્ટ મહિનામાં એણે જાહેરાત કરી નાખી, “જો વોર ન્યુરોસીસનો કોઈ કેસ ચોવીસ કલાકની અંદર સાજો ન કરી બતાઉં તો ફટ કહેજો! પેશન્ટ કોઈક બીજા સેન્ટરમાં વરસ ઉપર સારવાર લઇ ચૂક્યો હોવા છતાં સાજો ન થયો હોય, તો એને મારી પાસે લાવજો!”

ઉત્સાહ જુદી વસ્તુ છે અને ઉત્સાહનું પ્રદર્શન જુદી વસ્તુ છે. જાહેર જીવનનો આ વણલખ્યો નિયમ કદાચ ડૉ હર્સ્ટ ભૂલી ગયા હતા. કેમકે એણે કરેલી જાહેરાત પછી એની ચિકિત્સા પદ્ધતિ બાબતે મોટો વિવાદ છેડાઈ ગયો!

 

ડૉ હર્સ્ટ હીરો હતા કે વિલન?

ડૉ હર્સ્ટની (અતિ) આત્મવિશ્વાસથી ભરપૂર જાહેરાત સાંભળીને વર્ષોથી શેલ શોકની સારવાર માટે મથી રહેલા બીજા સાયકોલોજીના નિષ્ણાંત ડોક્ટર્સ રોષે ભરાયા! “અમે શું આટલા વર્ષોથી અહીંયા જખ મારીએ છીએ?” જેવો પ્રશ્ન એમનો થયો હશે. કેટલાકે કહી દીધું કે ડૉ હર્સ્ટ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેલ કરી રહ્યો છે. અહીં બીજી એક વિટંબણા એવી હતી કે પેશન્ટની માનસિક સારવારનો દાવો કરનાર ડૉ હર્સ્ટ પોતે સાયકોલોજીસ્ટ તો હતો જ નહિ! એ તો જનરલ ફિઝીશિયન હતો! વળી પાછળથી ખબર પડી કે સીલ હેઈનમાં વોર ન્યુરોસીસના જે પેશન્ટ્સ દાખલ કરાયેલા, એમને ડૉ હર્સ્ટ બીજા સેન્ટર્સમાંથી જબરદસ્તી ઉઠાવી લાવેલા, કેમકે એને પોતાની થિયરી ચકાસવી હતી! જો કે બીજી એક વાત એવી હતી, જેમાં ડૉ હર્સ્ટની ઉજળી બાજુ અને એનો આત્મવિશ્વાસ દેખાય છે. પેશન્ટ્સ આવ્યા એના પ્રથમ મહિના દરમિયાન સીલ હેઈન સેન્ટરના સ્વાસ્થ્યકર્મીઓના પગારનો બોજો સરકાર પર નાખવાને બદલે આ આર્મી ઓફિસરે પોતાના ગજવામાંથી સ્ટાફને પગાર આપેલો!

અહીં બીજો પણ એક ‘લોચો’ હતો. ડૉ હર્સ્ટે સાર્જન્ટ બીસેટ નામના એક પેશન્ટને ઓબ્ઝર્વ કરતી વખતે વિડીયો રેકોર્ડીંગ કરેલું. આ વાત સપ્ટેમ્બર ૧૯૧૭ની છે. નવેમ્બરમાં સાર્જન્ટ બીસેટ સંપૂર્ણપણે સાજો થઇ ગયા બાદ ફરીથી એનું વિડીયો રેકોર્ડીંગ થયું. થોડા વર્ષો પહેલા પ્રોફેસર એડગર જ્હોન નામના સંશોધકનું ધ્યાન ગયું, કે અરે… એક સપ્ટેમ્બરમાં અને બીજી નવેમ્બરમાં, એમ બે મહિનાને આંતરે ઉતરેલી બન્ને ક્લિપ્સમાં દેખાતી નર્સીસ, અને બેકગ્રાઉન્ડમાં દેખાતી ધુમાડાવળી ચીમની તો ડીટ્ટો એકસરખી દેખાય છે! બન્ને ક્લિપ્સ જોયા પછી ખબર પડી જાય છે કે બંનેનું શૂટિંગ એક જ દિવસે થયું છે! તો શું ડૉ હર્સ્ટે પેશન્ટ્સની સારવારના નામે વિડીયો ક્લિપ્સ ઉતારેલી, એ બધું માત્ર કપટ જ હતું? જો એ કપટ હતું તો ડૉ હર્સ્ટની સારવારથી સાજા થયેલા સેંકડો પેશન્ટ્સનું શું? એ બધા ખોટું બોલતા હોય એવી કોઈ શકયતા નથી.

આખરે શું હતું સત્ય?

જોગાનુજોગ એવો છે કે ડૉ હર્સ્ટનો પૌત્ર માર્ક હિપ પોતે એક અચ્છો અદાકાર છે અને અનેક બ્રિટીશ સિરીયલ્સમાં કોમેડી સહિતના રોલ્સ કરીને ખાસ્સો લોકપ્રિય થયો છે. (એક આડ વાત, આ માર્ક હિપનો જન્મ આપણા કોડાઈકેનાલમાં થયેલો.) માર્કનું કહેવું છે કે ડૉ હર્સ્ટની ફિલ્મ વિષે આટલા વર્ષે અવળી વાતો ફેલાવીને ખોટું સેન્સેશન ઉભું કરવાનો કોઈ અર્થ નથી. એનાથી એના દાદાએ તબીબી ક્ષેત્રે જે સેવાઓ કરી છે, એ ધોવાઈ જશે. બની શકે કે એ સમયે ફિલ્મ પ્રોડક્શન અંગે પાકું જ્ઞાન ન ધરાવતા ડૉ હર્સ્ટ સાર્જન્ટ બીસેટના એડમિશન વખતે એની ક્લીપ ઉતારવાનું ભૂલી ગ્યા હોય. એટલે એના સાજા થયા પછી બન્ને ક્લીપ એક સાથે ઉતારવામાં આવી હોય. જે પૈકીની એકમાં સાર્જન્ટે પોતાની સપ્ટેમ્બર મહિનાની પરિસ્થિતિને ‘એક્ટિંગ’ દ્વારા સમજાવી હશે. એ સમયે કોઈને ક્યાં ખ્યાલ હતો કે ભવિષ્યમાં લોકો ફિલ્મને આટલી બારીકીથી જોતા હશે! એટલે એ સમયે ડૉ હર્સ્ટને આવી કોઈ સ્પષ્ટતા કરવાનો વિચારે ય ન આવ્યો હોય એ બનવાજોગ છે. બીજી તરફ સરકારી રેકોર્ડ્સ મુજબ ડૉ હર્સ્ટનું કામ બોલે જ છે. વળી ડૉ હર્સ્ટની ટ્રીટમેન્ટથી સાજા થયેલા સેંકડો પેશન્ટ્સ પછીના દાયકાઓ સુધી એમને પત્રો લખતા રહ્યા હતા.

મિ. વ્હાઈટ વે અને રેમંડ બાર્લેટ નામના અન્ય બે સંશોધકોએ જુના રેકોર્ડ્સ ફંફોસીને ડૉ હર્સ્ટ વડે સાજા કરાયેલા સૈનિકોનો ડેટા મેળવ્યો, અને એ પૈકીના અનેક સૈનિકોના પરિવારજનોનો સંપર્ક કર્યો. લગભગ તમામ પરિવારોએ કહ્યું કે હા, અમારા વડવાઓ ડૉ હર્સ્તની ટ્રીટમેન્ટ બાદ સાજા થઇ ગયેલા. બહુ થોડા એવા હતા, જેમને નાની મોટી તકલીફો રહી ગઈ, બાકી મોટા ભાગના લોકો સારવાર બાદ નોકરી માટે સક્ષમ થઇ ગયેલા. એ પૈકીના ઘણા તો સરેરાશ કરતા લાંબુ અને તંદુરસ્ત જીવન જીવીને મૃત્યુ પામ્યા!

આ બધું જોતા આજે આશરે સો વર્ષ પછી આપણે એટલું તો માનવું જ પડે કે ‘શેલ શોક’ તરીકે કુખ્યાત થયેલી બીમારીની સારવારમાં ડૉ હર્સ્ટને ધારી સફળતા મળી હશે. આજે જ્યારે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમ સહિતની બીજી અનેક સાયકોલોજીકલ બીમારીઓમાં મોડર્ન સાયકોલોજીનો પ્રોટોકોલ પેશન્ટની સમજાવટનો હોય જ છે. ડૉ હર્સ્ટે સો વર્ષ પહેલા એ કરી દેખાડેલું. ટૂંકમાં એમની થિયરી સાચી હતી. હા, એમણે કેટલીક ભૂલો કરી હોય એમ બની શકે. આજે સો વર્ષ પછી એમની ભૂલોને ગ્લોરિફાય કરવી કે પછી એક કાળમુખી બીમારીમાંથી અનેક સૈનિકોને બચાવનાર ડૉક્ટર તરીકે એમને યાદ કરવા… ડૉ હર્સ્ટને હીરો ગણવા કે વિલન, એ આપણી વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે.

..અને, આજથી ૧૦૦ વર્ષ પછી કોરોના બીમારી વિષે પણ આવી જ કથાઓ અને કોન્સ્પીરસી થિયરીઝ ચાલતી હશે ને?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.