સમાજ દર્શનનો વિવેક : સુએઝની નહેરનો વિશ્વકર્મા

કિશોરચંદ્ર ઠાકર

ગયા માર્ચ મહિનામાં સમાચારોમાં  સુએઝની નહેર ચમકી હતી. એક મોટું માલવાહક વહાણ આ નહેરમાં ફસાઈ ગયું હતું અને એક અઠવાડિયાના  સઘન પ્રયાસોને અંતે નહેરમાંનો ટ્રાફિક જામ દૂર કરવામાં સફળતા મળી હતી.  વિશ્વનો 12 ટકા જેટલો પરિવહનનો કારોબાર આ નહેર દ્વરા  કરવામાં આવે છે. આટલી બધી ઉપયોગિતા ધરાવતી આ નહેરને બાંધનાર ફર્ડિના‌ન્ડ દ લેસેપ્સ નામના  ઇજનેર વિષે આપણે જાણીએ તે પહેલાં નહેરનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ  જોઈ  લઈએ.

આપણે  જાણીએ છીએ તે મુજબ  યુરોપમાંથી હિંદ આવવાને માટે જળમાર્ગની પહેલી શોધ વાસ્કો-ડી-ગામા નામના એક પોર્ટુર્ગીઝ ખલાસીએ કરી હતી.  ૮  જુલાઈ ૧૪૯૭ ના દિવસે  તે  પોર્ટુગલથી  નીકળ્યો હતો અને  આખા આફ્રિકા ખંડનો ચકરાવો લઈને ૨૦ મી મે ૧૪૯૮ ના દિવસે  ભારત પહોંચ્યો હતો. પરંતુ હવે સુએઝની નહેરને લીધે  યુરોપમાંથી ભારત આવવું હોય તો  એટલો મોટો ફેરો ખાવાની જરૂર નથી.

નક્શામાં સુએઝનું સ્થાન જોતા આપણને સમજાઈ જશે કે નહેરની જગ્યાએ અગાઉ એશિયા અને આફ્રિકા વચ્ચે આવેલી તે જગા બે ખંડોને જોડનારી સંયોગીભૂમિ જ હશે.  તેથી કરીને ભૂમધ્ય સમુદ્રના વહાણોને પણ જિબ્રાલ્ટરના દરવાજામાંથી બહાર નીકળી, દક્ષિણ આફ્રિકા સુધીની પરિક્રમા કરીને હિંદી મહાસાગરમાં આવવું પડતું હતું. આમ નાની સરખી સુએઝની સંયોગીભૂમિ વહાણોના સીધા માર્ગમાં એક ખરેખરી આડખીલી હતી. એટલે પુરાતન કાળથી લોકોને એ જગાએ નહેર ખોદી કાઢવાના વિચારો આવે, એ સ્વાભાવિક હતું. પ્રાચીન ઇજિપ્તના એક રાજાએ ઈ.સ. પૂર્વે  દોઢેક હજાર વર્ષો પર, નાઈલનાં મુખમાંથી નીકળતા રાતા સમુદ્રને મળતી એક નહેર ખોદાવી પણ હતી.  પરંતુ વપરાશ ચાલુ ન રહેવાથી તે પુરાઈ ગઈ, તેથી ઈરાનના રાજાએ તેને (ઇ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં) ફરી ખોદાવીને ચાલુ કરી હતી. ત્યાર પછી  તે ફરીને પુરાઈ ગઈ.

ઈતિહાસ એવું કહે છે કે ઇજિપ્તના ખલીફ મનસુરે તેના શત્રુઓ સુએઝ નહેરનો લાભ લેતા હતા તેથી નહેર બંધ કરાવી દીધી હતી. એ પરથી એમ માનવાને કારણ છે કે ઈસ્વીસનના આઠમાં સૈકામાં ઈજિપ્તમાં ખલીફાનું રાજ્ય હતું, ત્યારે એ નહેર ચાલુ દશામાં હતી. જો કે ત્યાર બાદ તે બંધ જ રહી છે.

૧૯ મા સૈકાના પ્રારંભમાં  યુરોપમાં મહાન નેપોલિયનનો ડંકો વાગતો હતો. ત્યારે તેણે હિંદ આવવા  વિચાર્યું.  આ માટે સુએઝની નહેર ખોદી હોય તો સુગમ પડે એમ વિચારી, તેણે ઇજનેરોને  નહેર બાંધવા કહ્યું પણ ખરું. પરંતુ ઇજનેરોને એ કામ અશક્ય લાગ્યું, છતાં એની કલ્પના ફ્રે‌ન્ચ લોકોનાં મનમાંથી ગઈ નહિ. છેવટે ફર્ડિના‌ન્ડ દ લેસેપ્સ નામના એક ફ્રે‌ન્ચે એ કલ્પના ખરી કરી બતાવી.

દ લેસેપ્સનો જન્મ ઈ.સ. ૧૮૦૫ માં ફ્રા‌ન્સના વરસાઈ નામના શહેરમાં થયો હતો. તેના પિતા ફ્રા‌ન્સના પરદેશ ખાતામાં એલચી તરીકે નોકરી કરતા હતા. કોલેજમાંથી ભણીને નીકળ્યા પછી તેના  પિતાએ તેને  પોતાના જ ખાતાની નોકરીમાં દાખલ કરાવ્યો. આ નોકરી તેણે 1825માં લીધી અને 1849માં તેમાંથી રાજીનામું આપ્યું ત્યાં સુધી કરી.

ઈ સ. ૧૮૩૨ માં એને એલેક્ઝાંડિયામાં નાયબ એલચી તરીકે નીમવામાં આવ્યો હતો. જે વહાણમાં તે ઈજિપ્ત ગયો તેને ક્વોરે‌ન્ટીનમાં લેવામાં આવ્યું હતું . આજે કોરોનાના  સમયમાં આપણને  ખ્યાલ  આવી શકે છે કે કોરે‌ન્ટીન એક પ્રકારની કેદ જ હોય છે. આ કેદમાં સમય પસાર કરવા  માટે તેના ઉપરી, મુખ્ય ફ્રે‌ન્ચ એલચીએ તેને કેટલીક ચોપડીઓ વાંચવા માટે મોકલાવી. તેમાં તેને એક એવી ચોપડી મળી આવી જેમાં  એક ફ્રે‌ન્ચ ઇજનેરે નેપોલિયનને માટે, સુએઝની નહેરનો વિચાર કરવા બાબત કરેલી નોંધ હતી.  આ નોંધે  દ લેસેપ્સનાં મનમાં તેનાં  ભાવી કામના બીજ રોપી દીધાં.  સુએઝની નહેર ખોદવા વિષેનો વિચાર તેનાં મનમાં ઘર કરી ગયો.

ઈજિપ્તમાં તે ઈ. સ. ૧૮૩૭ સુધી રહ્યો. ત્યાર બાદ તેની બીજે દેશ બદલી થઈ. પરંતુ ઈજિપ્તમાં રહ્યો તે દરમિયાન તેને એક એવી મૈત્રી થઈ,  કે જે ન થઈ હોત તો કદાચ તે સુએઝની નહેરનું નિર્માણ કરી જ ન શકત. આ મૈત્રી તે ઈજિપ્તના હાકેમ મહમદઅલીના પુત્ર સૈયદ પાશાની. ઈ.સ. 1853માં  પિતાનાં મરણ પછી સૈયદ પાશા હાકેમી પર આવ્યો. આ વખતે દ લેસેપ્સ નોકરીમાંથી ફારેગ થઈને ઘેર બેઠો  હતો. વળી તે વર્ષમાં તેની પત્ની  તથા દીકરીનાં મરણ થયાં હોવાના કારણે તે ઉદાસ પણ રહેતો હતો. પણ સૈયદ પાશા હાકેમ બન્યાની ખબર સાંભળતા સુએઝ વિષે તેનો જૂનો રસ જાગ્યો, અને બીજે જ વર્ષે તે ઈજિપ્ત પહોંચ્યો. સૈયદ પાશાએ પોતાના મિત્રને નહેરનું કામ ઉપાડવા રજા આપી. તેની પૂર્વતૈયારીમાં જ દ લેસેપ્સના પાંચ વર્ષ ગયાં. છેવટે ઈ સ. ૧૮૫૮માં આ કામ કરનારી વેપારી કંપની સ્થાપિત થઈ, અને ઈ. સ.  ૧૮૫૯ના એપ્રિલની ૨૫ તારીખે દ લેસેપ્સે કોદાળીનો પહેલો ટચકો મારી નહેરના ખોદકામના ગણેશ બેસાડયા.

તેણે નાઇલમાંથી નહેર કાઢવાની પ્રાચીન યોજના રદ કરી અને ભૂમધ્ય અને રાતા સમુદ્રને જ જોડવાની યોજના બનાવી. આ યોજના સામે અનેક જાતના વાંધાવચકા કાઢવામાં આવ્યા; અનેક પ્રકારના વિરોધ અને વિખવાદો ઊભા કરવામાં આવ્યા. છતાં તેણે ધીરજ અને ખંતથી પોતાનું કામ ચલાવ્યે રાખ્યું. છેવટે ઈ.સ. ૧૮૬૯ના નવેમ્બરમાં તે પૂરું કર્યું અને ઈજિપ્તના ખેદીવ (ઈજિપ્તના શાસક) ઇસ્માઇલને હાથે આજની જગવિખ્યાત નહેર ખુલ્લી મૂકાવી.

આ કામમાં દ લેસેપ્સને મુખ્ય મદદ બે સરકારોએ કરી: એક ઈજિપ્તની અને બીજી ફ્રા‌ન્સની. નહેરના ખોદકામ માટે કરોડો રૂપિયા જોઈએ. આથી તે ભેગા કરવા સુએઝની કંપનીએ શેર કાઢ્યા હતા, જેમાંના અર્ધા ઉપરના શેર ફ્રા‌ન્સે લીધા. આ વખતે ઇંગ્લે‌ન્ડની સરકાર વિરોધમાં હતી. પણ જ્યારે નહેર તૈયાર થઈને ચાલુ થઈ, ત્યારે એની આંખ ઉઘડી કે ઇંગ્લે‌ન્ડથી હિંદના રસ્તાના એક મોટા નાકા જેવી આ નહેર પર જો આપણો કાબૂ ન હોય,  તો આપણને ઘણું નુકસાન છે. એટલે ઈ.સ. 1875માં એ વખતના ઈજિપ્તના ખેદીવની આર્થિક ભીડનો લાગ જોઈને ઇંગ્લે‌ન્ડના વડાપ્રધાને ઈજિપ્ત સરકારના શેર ખરીદી લીધા અને એ રીતે યુરોપથી હિંદ આવવાના ટૂંકા માર્ગની ચાવી હાથ કરી.

સુએઝની આસપાસના દરિયા પરના દેશો તરફ એક સમયે  અંગ્રેજ, ફ્રે‌ન્ચ  તથા પશ્ચિમના બીજા લોકોની હકૂમત હતી . આથી યુરોપમાં લડાઈ ચાલતી હોય, તે વખતે સુએઝનાં  સ્થાનનું મહત્વ ખૂબ વધી જતું.

આજે દુનિયાના મોટા ભાગના દેશોમાં વિપુલ ઔદ્યોગિકરણ થયું છે. આ માટે થોકબંધ કાચા માલની જરૂર પડે,  આ ઉપરાંત તૈયાર માલ પણ વિપુલ પ્રમાણમાં મોકલવો પડે જે સુએઝ વાટે લઈ જવો ખૂબ સુગમ પડે છે. સુએઝનું આવું મોખાદાર સ્થાન હોવાથી વર્ષો પહેલા એક લેખકે  કહેલું કે  આંતરરાષ્ટ્રીય કંકાસના જે થોડાંક કારણો જણાય છે તેમાં સુએઝ પરનું પ્રભુત્વ એક છે; જગતે જો શાંતિ મેળવવી હોય, તો આ પ્રશ્નનો ઉકેલ આણવો જોઈએ; કે પછી એ પ્રશ્નને જતો કરવો જોઈએ.  પછીથી ઇ.સ 1956માં સુએઝની કટોકટી નામે જાણીતો ઇતિહાસ બની ગયો. તેણે એ લેખકની વાતનું એક મોટું પ્રમાણ પુરું પાડ્યું

પુરાતન કાળમાં કુદરતી રીતે નહેર પુરાઈ જતી હતી તેમ ન થાય તે માટે તેને હંમેશા મોટા મોટા યાંત્રિક પાવડાવાળાં વહાણો મારફતે ખોદ્યા કરવામાં આવે છે. દર વર્ષે હજારો વહાણો તે નહેરમાં થઈને આવજા કરે છે. શરૂઆતમાં  આ નહેર ૪૫ મીટર પહોળી અને ૧૦ મીટર ઉંડી હતી. રાતા સમુદ્રમાં સુએઝથી શરૂ થઈને ભૂમધ્ય સમુદ્રમાં પોર્ટ સૈયદ સુધીની તેની લંબાઈ લગભગ ૧૬૧ કિલોમીટર હતી.  ત્યાર પછી તેમાં સુધારાવધારા કરવામાં આવ્યા અને આજે નહેરની પહોળાઇ ૨૦૫ મીટર , ઊંડાઈ ૨૪ મીટર અને લંબાઈ ૧૯૧ કિલોમીટર છે. પરંતુ આ ૧૯૧ કિલો મીટરે  પશ્ચિમના દેશોને  હિંદમાં આવવામાં લગભગ નવ થી દસ હજાર કિલોમીટરનો ફેરો ટાળ્યો છે! એનો યશ એક જ માણસની યોજનાશક્તિ, અડગ ધીરજ અને બાહોશીને આભારી છે; અને તે ફર્ડિના‌ન્ડ દ લેસેપ્સ. તેના સન્માનમાં પોર્ટ સૈયદમાં નહેરનાં મુખ ઉપર તેનું ભવ્ય પૂતળું મૂકવામાં આવ્યું હતું. પરંતુ રાજકારણ પૂતળાને પણ ક્યાં છોડે છે? ૧૯૫૬માં સુએઝ નહેરના રાષ્ટ્રીયકરણ કરતાની સાથે નહેર પર યુરોપના આધિપત્યના અંતના પ્રતીક તરીકે દ લેસેપ્સના આ પૂતળાને નહેરના મુખપ્રદેશ પરથી હટાવી દેવામાં આવ્યું. આજે એ પૂતળું એક નાનકડા બગીચામાં પડી રહ્યું  છે.  ગમે તે હોય સુએઝ કેનલના વિશ્વકર્મા  તરીકે તો દ લેસેપ્સનું  નામ  જ રહેશે..


(આ લેખ લખવા માટે  ૧૯૫૪ માં પ્રસિદ્ધ  થયેલ ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળાની સાતમી ચોપડીના એક પાઠનો અને ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.