નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૧

હું કેવળ મારા અંતરાત્માને અનુસરું છું, જે મારી શ્રદ્ધાનો સ્રોત છે.

નલિન શાહ

રાત્રે પથારીમાં સૂતાં સૂતાં સુનિતાએ પૂછ્યું ‘શશી, તને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું?’

‘તમારે જે પૂછવું હોય એ વિના સંકોચે પૂછો.’

‘શશી તારો દેખાવ, વ્યક્તિત્વ, જ્ઞાન, બુદ્ધિ જોતાં એમ થાય છે કે તું ધારત તો શહેરના કોઈ પણ ધનાઢ્યને પતિ તરીકે પામી એશ-આરામની જિંદગી ગુજારી શકી હોત, છતાં….’

‘તમારી વાતમાં તથ્ય નથી એમ નહીં, પણ કેટલાંક એવા પણ હોય છે જેની સુખ-સંતોષની ભાવના સામાન્ય માન્યતાથી પર હોય છે. જેને માટે આ રીતે પ્રાપ્ત કરેલું દુન્યવી સુખ પણ ક્યારેક કંટાળાજનક બની જાય છે. એની કોઈ સીમા નથી હોતી. વધારે ને વધારેની હવસ જાગે છે ને માણસ માણસાઈ ગુમાવી દે છે ને પોતાની જાતને છેતરવા જેવું લાગે છે. એવા સુખમાં રાચતાં હું પોતે જ બગડી ના ગઈ હોત એની શી ખાતરી?’

સુનિતા હસી પડી. ‘શશી, બગડવા માટે ખાસ પ્રકારના માણસો નિર્માણ થાય છે. તું તો એવી છે ને કે એશ અને આરામની જિંદગીમાં ગૂંગળામણ અનુભવતે. બગડવાનું કે બદલવાનું તારા ઘડતરમાં નથી.’

શશીએ ગંભીર થઈને કહ્યું, ‘હું કોઈ રીતે દુઃખી નથી. નિષ્ફળતામાં હું હતાશા નથી અનુભવતી પણ સફળતા સંતોષની લાગણી જરૂર પ્રેરે છે.’

‘અફસોસ એક જ વાતનો છે,’ સુનિતાએ પ્રશંસાયુક્ત ભાવથી કહ્યું, ‘કે શશી એક જ છે!’

‘અને સુનિતા પણ એક જ છે એ ના ભૂલતા.’ શશીએ હસીને કહ્યું. ‘એ તો હું નથી જાણતી, પણ આ બેનું સમતુલન જળવાય એ બહુ જરૂરી છે.’

બીજે દિવસે શશીએ જીપમાં કોઈ પણ ખાસ ઉદ્દેશ વગર ગામની બહાર પથરાયેલા વિસ્તારનું ભ્રમણ કર્યું ને બપોરે ઘેર આવી વાતે વળગી. ‘કાલે તમે થાકી ગયા હશો.’ એણે કહ્યું, ‘જેટલો શારીરિક થાક લાગ્યો છે એથી વધુ માનસિક બળ પ્રાપ્ત થયું છે.’ સુનિતાએ કહ્યું, ‘જે ધૈર્ય, ધગશ અને ધૈર્યથી તે સાધના કરી છે એ ખરેખર પ્રશંસાયુક્ત છે. આ મારું નિરીક્ષણ છે, ખોટા વખાણ નહીં. તારા કામની જાહેરમાં કદર થવી જોઈએ – કેવળ એટલા માટે કે બીજાને પ્રોત્સાહન મળે ને તારી સંસ્થાને સહકાર અને મદદના વધુ સંજોગો ઊભા થાય.’

‘હું કબૂલ કરુ છું કે વર્ષોથી દૃઢ થયેલી અંધશ્રદ્ધાને દૂર કરવામાં હું નિષ્ફળ થઈ ગઈ છું. કેટલાંક મારી વાતોને ધર્મવિરોધી માને છે પણ એ લોકો એ સમજતાં નથી કે અંધશ્રદ્ધા ને શ્રદ્ધા બે જુદી વસ્તુઓ છે.’

‘શશી, આ બહુ પેચીદો વિષય છે, જેની સામે દલીલો નકામી સાબિત થઈ છે. જ્યારે અંધશ્રદ્ધા શ્રદ્ધામાં પલટાય છે ત્યારે એ એક ધર્મનું રૂપ લે છે ને એ ધર્મ જ એને અનુસરનારનું સૌથી મોટું બળ સાબિત થાય છે.’

‘તમારી વાત સાચી છે.’ શશીએ કહ્યું, ‘નાનપણમાં હું બા-બાપુની સાથે ગોકુળ-મથુરાની જાત્રાએ ગઈ હતી. પૂજારીએ મંદિરના થાંભલા પર હાથ ફેરવવાનું કહ્યું, “લીસ્સો છે ને?” એણે પૂછ્યું હકારાત્મક ઉત્તર સાંભળી એણે કહ્યું કે “અહીં કૃષ્ણ ભગવાન માખણવાળો હાથ લૂછતા હતા.” સાંભળીને બધાએ થાંભલો ચૂમ્યો. કોઈને એવો વિચાર પણ ના આવ્યો કે એ દક્ષિણાની લાલચે ભક્તોમાં અંધશ્રદ્ધા પ્રેરી રહ્યો હતો. બધાંએ ભાવવિભોર થઈને થાંભલાને ચૂમ્યો ને બાથ ભરી.

રમણરેતીમાં બધા આળોટ્યાં, હું પણ એમાંની એક હતી, કારણ ત્યાં લોકવાયકા મુજબ કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા. ઇતિહાસમાં પાંચસો વર્ષની કેટલીયે વાતો અંધારામાં છે. અનારકલી જેવું કોઈ હતું ને જેને દીવાલમાં જીવતી ચણી દેવામાં આવી હતી, એનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, પણ અહીં ધર્મસ્થાનોમાં હજારો વર્ષો પહેલાંની વાત એક સત્ય હકીકતના રૂપમાં રજૂ થાય છે. આજે મને ખ્યાલ આવે છે કે જ્યાં શ્રદ્ધાનો સવાલ ઉદ્‌ભવે છે. ત્યાં સાચા-ખોટાનાં પ્રમાણની આવશ્યકતા નથી રહેતી. તમે પથ્થરને પૂજો કે ઝાડને પૂજો કે રમણરેતીમાં આળોટો, એ બધી પૂજા સમજીને થતી વિધિઓ તમારો ઉદ્ધાર નથી કરતી. તમને ઉગારે છે તમારી દૃઢ શ્રદ્ધા. હું કેવળ મારા અંતરાત્માને અનુસરું છું, જે મારી શ્રદ્ધાનો સ્રોત છે. જેના બળ પર ગ્રામ્યજીવનમાં થોડી ઘણી ક્રાંતિ પેદા કરી શકું.’

આજે શશી અને સુનિતાએ કેવળ વાતો માટે જ સમય ફાળવ્યો હતો. શશીના કડવા-મીઠા અનુભવો જાણવાની સુનિતાની ઉત્કંઠા પારખી શશીએ એની શરૂઆતની યાતનાઓ, મુશ્કેલીઓ અને મૂંઝવણનું વિસ્તારથી વર્ણન કર્યું.

શશી અને સુધાકર પાલણમાં એક જ સ્કૂલમાં હતાં. એ વડોદરામાં ગ્રેજ્યુએટ થયો હતો. ઝવેરચંદ મેઘાણીના ‘માણસાઈના દીવા’ પુસ્તકે અને રવિશંકર મહારાજની ગ્રામસેવાની પ્રવૃત્તિએ એને એટલો પ્રભાવિત કર્યો હતો કે સારા પગારની નોકરી ઠુકરાવીને ગ્રામસેવાની પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. એમાં એને સૌથી વધારે રસ હતો. એના થકી પાલણમાં વીજળીની વ્યવસ્થા થઈ. સફાઈનું મહત્ત્વ લોકોને સમજાયું, ગૃહઉદ્યોગો શરૂ થયા, શિક્ષણની સગવડ થઈ, આવકના સાધનો વધ્યાં ને ગુનાનું પ્રમાણ ઘટ્યું. મને એના થકી જ જીવનની સાચી દિશા સાંપડી. જે કામ પ્રત્યે ઉજળી ગણાતી કોમના માણસો નાક સંકોડતા હતા એ એક નીચી ગણાતી કોમના માણસે વિના સંકોચે કર્યું ને ગ્રામ્યજીવનમાં નવી ચેતના પેદા કરી. મને એ કહેવામાં જરાયે સંકોચ નથી કે એ અમારી સ્કૂલના ચોકીદાર જે આજે હયાત નથી એમનો છોકરો છે ને કોલેજમાં અમારા જેવી સંસ્થાની આર્થિક મદદથી ભણ્યો છે. એ ધારે તો નોકરી કે ધંધામાં સારી આવક પેદા કરી શકે તેમ છે. સમાજ એના કામને, એના વ્યક્તિત્વને એના જ્ઞાનને બુદ્ધિને નથી જોતો. એ તો એનું મૂળ ખોદવામાં વધુ રસ ધરાવે છે. હું અભણ અને બુદ્ધિહીન બ્રાહ્મણને શુદ્ર કરતાં નીચી કક્ષાનો ગણું છું અને સુધાકર જેવાને બ્રાહ્મણથી એ ઊંચી કક્ષાનો.

પાંચ વર્ષ પછી જ્યારે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે સમાજે મને વગોવી. આ ઘાતકી સમાજના ડરથી મારાં મા-બાપે પણ સંકોચ અનુભવ્યો. કેવળ એમને ખાતર અમે અહીં રાજાપુર આવી વસ્યાં. આવા દંભી સમાજને હું નથી ગણકારતી, નથી મારે માટે એનું કોઈ મૂલ્ય. હું કડવા અનુભવોની યાદોને હૃદયમાં સંઘરી નથી રાખતી. મારી એ ધનાઢ્ય બહેને મુંબઈમાં આશીર્વાદ આપવાને બદલે મને ને સુધાકરને અપમાનિત કર્યાં એ તો મેં ક્યારનું એ વિસારે પાડી દીધું છે, જ્યારે રાજુલ હજીયે મનમાં સંઘરી બેઠી છે. એ એનો મારા પ્રત્યેનો પ્રેમ ને આદર દર્શાવે છે, કોઈ પ્રત્યેનો દ્વેષ નહીં.’

સુનિતા એકચિત્ત થઈ સાંભળી રહી. શશીએ થોડી વાર થંભીને કહ્યું, ‘જ્યારે સુધાકરને એના કાર્ય માટે સરકારે પદ્મશ્રીથી નવાજ્યો એ ખાનદાન કહેવાતા સમાજને રુચ્યું. એમના જ ગામના એમનાથી નીચી કહેવાતી કોમના કોઈ માણસને એ માન મળ્યું એ એમાનાથી ના સહેવાયું. મારી એ દંભી સમાજ પ્રત્યેની ઉપેક્ષા અગ્રણીઓની આંખમાં કાંટાની જેમ ખૂંચે છે.

સમાજના અત્યાચારોની વડીલો પાસે સાંભળેલી વાતો સંભારું છું. ત્યારે હૃદય કાંપે છે. જવાનીમાં વિધવા થયેલી સ્ત્રીઓેને એક કલંક સમજી સમાજની પરાધીનતા સ્વીકારી ઓશિયાળું જીવન જીવવાની ફરજ પાડી છે. જ્યારે કોઈની પત્ની મરે ત્યારે સ્મશાનમાં જ એના બીજાં લગ્નની ચર્ચા શરૂ થઈ જતી હતી. કેટલાય કદરૂપા જમીનદારો રંભા જેવી દેખાતી ગરીબ ઘરની છોકરીઓને હકથી પરણ્યા છે. અરે, બાવન વરસના ચોથી વાર ઘોડે ચઢતા પૈસાપાત્ર વિધુરને અગિયાર વરસની ગરીબ કન્યાને પરણતા તો મારા દાદાએ જોયા છે. છેલ્લાં અઢીસો-ત્રણસો વરસમાં કેટલાયે સુધારકોએ સમાજમાં ક્રાંતિ સર્જવાના તનતોડ પ્રયાસો કર્યા છે. જેવા કે રાજા રામમોહનરાય, દયાનંદ સરસ્વતિ, કવિ નર્મદ, ગાંધીજી ને બીજા કેટલાયે સુધારાવાદી બ્રાહ્મોસમાજ ને આર્યસમાજ જેવી સંસ્થાઓ એમની મહેનતનાં ફળ હતાં. ૧૮૨૯માં રાજા રામમોહનરાયે સતિની પ્રથા કાયદા મારફત બંધ કરાવી. સમાજનું વર્ચસ્વ કેટલું પ્રબળ હતું એના દાખલા તે સમયના સાહિત્યમાં સાંપડે છે.

‘તમે “સરસ્વતીચંદ્ર” વાંચ્યું છે?’ શશીએ સુનિતાને પૂછ્યું ને જવાબની વાટ જોયા વગર કહ્યું, ‘એની મુખ્ય પાત્ર કુમુદસુંદરીનો લગ્ન પહેલાં એક પ્રેમી હતો, પણ લગ્ન બીજે કરવા પડ્યાં. પતિ અત્યાચરી અને લંપટ હતો. કુમુદે બહુ સહન કર્યું મૂંગા મોંએ. જ્યારે ભરજવાનીમાં વિધવા થઈ ત્યારે એના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ એના અપરણીત પહેલાંના પ્રેમી સાથે પુનર્લગ્ન બદલે એને વૈધવ્ય જીવન વીતાવવાની ફરજ પાડી. શક્ય છે કે એ સમયના સમાજના પ્રતિકૂળ પ્રતિભાવના ડરથી એમને એમ કરવાની ફરજ પાડી હોય! જ્યારે કવિ કલાપી એની વિધવા થયેલી માનેલી બહેન બાબાને લખે છે “(વર્ષ ૧૮૯૬) ૧૮૯૬

‘વ્હાલી બાબા! સહન કરવું એય છે એક વ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું!

આગળ લખે છે,

“છે વૈધવ્યે વધુ વિમલતા, બહેન સૌભાગ્યથી કૈં
છે ભક્તિમાં વધુ વિમલતા, બહેન શૃંગારથી કૈં.”

આમ છતાં એ વાત પણ નકારી ના શકાય કે નર્મદ (૧૮૩૩/૧૮૮૬) જેવા કવિને પડકાર્યો ને ન્યાત બહાર થવાનું પણ વ્હોરી લીધું. સમય જતાં વિધવાઓની દશા કાંઈક સુધરી હોય તો કેવળ નર્મદ જેવા સુધારકોના કારણે. વૈધવ્યમાં ગૌરવની કાલ્પનિક ભવ્યતા વર્ણવતા. લેખકોએ જાણતા-અજાણતા સ્ત્રીઓને પારાવાર અન્યાય કર્યો છે. લેખક કલમને ખોળે માથું મૂકે એ પૂરતું નથી. સમયની માંગ પ્રમાણે એ કલમ પડકારરૂપ બને છે ત્યારે જ ક્રાંતિ સર્જાય છે. હું પણ હવે એ કલમનું શસ્ત્ર અજમાવી રહી છું, અચાનક-પૂર્વ નિયોજિત યોજના વગર.’

‘હું સમજી નહીં.’ અત્યાર સુધી એકાગ્રતાથી સાંભળતી સુનિતાએ મૂંઝવણ અનુભવી.

આમ કહીને શશીએ ‘ગુજરાત સમાચાર’ ને ‘મુંબઈ સમાચાર’ જેવા છાપાંઓનાં કટિંગ સુનિતાની સામે ધર્યાં. ‘ઘેર જઈને ફુરસદે વાંચજો ને તમારું મંતવ્ય જણાવજો.’ ‘આ બધું ક્યારે લખ્યું?’ સુનિતાએ આશ્ચર્ય પામી પૂછ્યું. ‘ગ્રામસુધારણાની જરૂરિયાત માટે લખ્યું ત્યારે કોઈએ છાપવામાં રસ ના દાખવ્યો. જ્યારે ગ્રામ્યજીવનની વિષમતાઓને કહાનીના રૂપમાં વર્ણવી ત્યારે બહુ દિલચસ્પી દર્શાવી. હવે સામેથી કહે છે કે તમારું લખાણ વેધક ને રસપ્રદ છે, વધુ લખો, હવે મારે એ લોકોની સતત માંગણી પૂરી કરવા સમય ફાળવવો પડે છે. એ વાત જુદી છે કે મહેનતાણું પણ સારું આપે છે, પણ મહત્ત્વની વાત એ છે કે કેટલાયે વાંચકોના પ્રોત્સાહક પ્રત્યાઘાતો મળ્યા. કેટલાયે તો મદદરૂપ થવાની તત્પરતા દાખવી. હમણાં એક કેન્સરથી પીડાતી મહિલાની ગામમાં સારવારના અભાવે યાતના વર્ણવી તો ‘ગુજરાત સમાચાર’ની ઓફિસમાં સારા એવા ડોનેશનો આવ્યાં. એ લોકોએ અમારું સરનામું છાપી લખ્યું કે હવે પછી અમારો સીધો સંપર્ક કરે.

સુનિતાએ વિસ્મયથી છાપાંના લેખો પર નજર ફેરવી. લેખિકાના નામની જગ્યાએ કેવળ શશી લખ્યું હતું.

‘શશી, તું મને પળે પળે અચંબામાં નાખી દે છે.’ સુનિતા બોલી, ‘તમે બંને બહેનો રણમાં ખીલેલાં ગુલાબ જેવી છો; કેવળ ફળદ્રુપ જમીનની જરૂર છે.’

‘એક ગુલાબ તો તમને મોકલી આપ્યું ને તમારાં જેવાં દાનવીરોની મદદથી ફળદ્રુપ જમીન પણ સારી એવી પ્રાપ્ત થઈ છે.’

‘હવે એની ચિંતા તું ના કરતી. ધનની ખોટ નથી, ફક્ત તારા જેવા રસ્તો ચીંધનારાની ગરજ છે.’

આજે સુનિતાને મુંબઈ પાછા ફરવાનું હતું. જીપ તો એણે આગલે દિવસ જ પાછી મોકલી આપી હતી. શશીએ ટાંગાની વ્યવસ્થા કરી રાખી હતી. બપોરે થોડો આરામ કરી શશી અને સુધાકરે સુનિતાની સાથે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. સ્ટેશન પર સુનિતાએ શશીને ટિકિટ લેતાં અટકાવી, ‘હું તારાથી મોટી છું’ કહીને એણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ કઢાવી. સ્ટેશન બહુ નાનું હોવાથી કેવળ પેસેન્જર ટ્રેનો જ થોભતી હતી. ફસ્ટ ક્લાસનો ડબ્બો સાવ ખાલી હતો એટલે શશીએ ચિંતા વ્યક્ત કરી. સુનિતાએ શશીની ચિંતાને હસી જ કાઢી.

‘મને કોણ ખાઈ જવાનું છે ને આમેય સાત પહેલાં તો પહોંચી જઈશ.’

ગાડી ઉપડી ને ધીરે ધીરે ગતિ તેજ થતી ગઈ. સુનિતા બારીની બહાર વિસ્તરેલા ઉજ્જડ વેરાન પ્રદેશ પર મીટ માંડી એકાગ્રતાથી જોતી રહી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.