વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ચીનમાં વ્યાવસાયિક રોગોની સ્થિતી

જગદીશ પટેલ

“ઝંઝીર’ના પેલા પોલીસ ઇન્સપેકટરનું પાત્ર ભજવતા શશી કપુરના પાત્ર અને તેના ભાઇ વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચન વચ્ચેનો જાણીતો સંવાદ ‘તેરે પાસ કયા હૈ?”નો જવાબ ‘મેરે પાસ માં હૈ’થી મળે છે. ભારત અને ચીન વચ્ચે વ્યાવસાયિક આરોગ્ય અંગે સંવાદ થાય તો ભારત ચીનને પુછે ‘તેરે પાસ કયા હૈ?નો જવાબ ચીન આપે ‘મેરે પાસ આંકડે (ડેટા) હૈ’થી મળે! આંકડા બહુ અગત્યના છે. તે દિશા નિર્દેશ આપે છે અથવા સ્થિતિ શું છે તે કહે છે. તેને આધારે તમે આગળ શું પગલાં લેવા જરૂરી છે તે નકકી કરી શકો છો. તમારા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ઈચ્છિત પરિણામ હાંસલ કરવાની દિશામાં આગળ વધી શકો છો. ચીનના આ અહેવાલ પરથી આપણે સમજી શકીએ છીએ કે એ લોકો જરૂરી પગલાં લે છે અને તેમાં સફળ પણ થાય છે. આંકડામાં આપણે કંગાળ છીએ તે સૌએ સ્વીકારેલી બાબત છે અને છતાં વિશ્વગુરૂની ડંફાસ હાંકવામાંથી ઉંચા આવતા નથી.

ચીનમાં ૨૦૧૮ના આ અહેવાલ મુજબ અકસ્માતો તો ઘટી રહ્યા છે પણ જે આંકડા છે તે દર્શાવે છે કે કામના સ્થળોમાં સલામતીનાં ધોરણો બહુ નબળાં છે અને ઇજાગ્રસ્ત કામદારોને તેમના અધિકારો માટે લડવાનું ઘણું અઘરું છે. વ્યાવસાયિક રોગોનું પ્રમાણ પણ ઘટયું છે અને વધુ કામદારોને વીમાના છત્ર હેઠળ આવરી લેવાઇ રહ્યા છે. પરંતુ વ્યાવસાયિક રોગોને અટકાવવાનું અને વ્યાવસાયિક આરોગ્ય પર કામ કરતી સંસ્થાઓના કામ પર દેખરેખ રાખવાનું કામ તાકીદનું છે. વ્યાવસાયિક રોગોના નિદાન માટેના માપદંડો (ક્રાઇટેરીયા)નો કડક અમલ કરાવાઇ રહ્યો છે પરંતુ જરૂર છે વ્યાવસાયિક રોગોની યાદીનો વ્યાપ વધારવાની. ફોર્મલ્ડીહાઇડ અને બીજા રસાયણોને કારણે થતાં રોગોનું નિદાન કરવાના માપદંડો વિકસાવાયા નથી તે વિકસાવવાની જરુર છે.

કોઠો — ૧

૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭
કામદારોની સંખ્યા (X ૧૦,૦૦૦) ૭૭૨૫૩ ૭૭૪૫૧ ૭૭૬૦૩ ૭૭૬૪૦
કામને કારણે થતી ઇજાઓ માટેના વીમા હેઠળ આવરી લેવાયેલા કામદારોની સંખ્યા

(X ૧૦,૦૦૦)

૨૦૬૩૯ ૨૧૪૩૩ ૨૧૮૯૦ ૨૨૭૨૪
કામને કારણે થતી ઇજાઓ માટેના વીમા હેઠળ આવરી લેવાયેલા કામદારોના ટકા ૨૬.૭% ૨૭.૭% ૨૮.૨% ૨૯.૩%
ઇજાગ્રસ્તોની સંખ્યા ૧૧.૪૭ લાખ ૧૦.૭૬ લાખ ૧૦.૪ લાખ ૧૦.૪ લાખ
વ્યવસાયીક રોગોના દર્દીઓની સંખ્યા ૨૯૯૭૨ ૨૯૧૮૦ ૩૧૭૮૯ ૨૬૭૫૬

 

ઇ.એસ.આઇ.કોર્પોરેશનના ૨૦૧૯—૨૦ના અહેવાલ મુજબ ભારતમાં ૩.૯ કરોડ કામદારોને ઇ.એસ.આઇ. કાયદા હેઠળ આવરી લેવાયા છે જયારે ચીનમાં ૨૦૧૭માં ૨૨.૭૨ કરોડ કામદારોને આવરી લેવાયા હતા. ૧૮—૧૯માં ઇ.એસ.આઇ. હેઠળ ૩.૧૪ કરોડ કામદારો હતા જે પછીના વર્ષે ૫ લાખ ઘટી ગયા. આપણે ૨૨ કરોડે કયારે પહોંચીશું?

ચીનની સ્વેચ્છિક સંસ્થા ચિંતા કરે છે કે જેમને વીમા હેઠળ આવરી લેવાયા નથી તેમનું શું? એવા કામદારોને કામને સ્થળે અકસ્માત થાય તો માલિક એમને બહુ બહુ તો સારવાર કરાવવા થોડા પૈસા આપે બાકી કંઇ નહી. એ લોકો મજૂરને એવી દાટી આપે કે અમારી પાસે વીડિઓ છે જેમાં તેં ભૂલ કરી અને તેને કારણે અકસ્માત થયાનું સ્પષ્ટ છે એટલે તને તો કાંઇ મળે નહી. પણ, તું આ કરાર પર સહી કરે તો સારવાર પેટે ચપટી આપીએ. જો કામદાર આવા કરાર પર સહી કરવાનો ઇન્કાર કરે તો એને એ પણ ન મળે! કામદારોને તેમના કાનુની અધિકારોની માહિતી ન હોય અને તેમને એવી માહિતી આપવાવાળું કોઇ ન હોય. અહીં ઇજાગ્રસ્તોના જે આંકડા આપ્યા છે તે તો આધિકારીકપણે સ્વિકૃતિ પામેલા ઇજાગ્રસ્તો છે પણ જે કામદારો માલિકોના ઝાંસામાં આવી ગયા હોય તેઓ આ આંકડામાં સામેલ નથી અને તેમની સંખ્યા ઘણી મોટી છે.

વ્યાવસાયિક રોગોમાં ૨૦૧૭માં જે નવા દર્દીઓ નોંધાયા તેમાં મોટાભાગના તો ન્યુમોકોનીઓસીસના છે. કામને સ્થળે સીલીકા, એસ્બેસ્ટોસ, કોલસો, કાપડ અને બીજા અનેક પદાર્થોની ધૂળ કે રજ હોય અને તે શ્વાસમાં જવાને કારણે ફેફસાંના જે રોગ થાય છે તે રોગોના સમુહને માટે ન્યુમોકોનીઓસીસ શબ્દ વપરાય છે. તેમાં સીલીકોસીસ, એસ્બેસ્ટોસીસ અને બીજા રોગો સામેલ છે. ચીનમાં આ અહેવાલ મુજબ ન્યુમોકોનીઓસીસના ૨૨,૭૦૧ દર્દી નોંધાયા. ૧,૬૦૮ નાક, કાન, ગળાના રોગોના દર્દી નોંધાયા, ૧૦૨૧ રસાયણોની ઝેરી અસરના દર્દી નોંધાયા. કુલ ૨૬,૭૫૬. ૨૦૧૬માં આ સંખ્યા ૩૧,૭૮૯ હતી.
૧૨ ડિસેમ્બર, ૨૦૧૭ને દિવસે  શાનડોંગ પ્રાંતમાં રસાયણોના ગળતરની ગંભીર ઘટના બની. શીનગુઆંગ રીસાયકલીંગ કંપનીમાં જોખમી કચરાની ગેરકાયદે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી તે દરમિયાન આ ઘટના બની તે કારણે ૫ કામદારોના મોત થયા અને ૧૩ને ઇજા પહોંચી. ઇજાગ્રસ્તોનું નિદાન થયું ‘હાયડ્રોજન સલ્ફાઇડની ઝેરી અસર’. આ ઘટનામાં ૨૭ ઝેરી રસાયણોનું ગળતર થયું. ૧૩ કામદારોને ફેફસાંની તકલીફ, આંખોની તકલીફ,ચેતાતંત્રની તકલીફ, કીડનીની તકલીફ, લીવરની તકલીફ વીગેરે તકલીફો થઇ. બે જણને લીવર અને કીડનીના કેન્સર થયા. એકમોના કામકાજ અને કાયદા પાલન પર દેખરેખનું એટલે કે નિરિક્ષણનું (ઇન્સપેકશન) કામ બહુ નબળું હોય છે તેનો ભોગ કામદારો બને છે.

આ ઘટનામાં કામદારો દ્વારા સામુહિક વળતરના દાવા ટાળવા માટે કંપનીએ ઇજાગ્રસ્તો સાથે વ્યક્તિગત હિસાબ કરવા માંડયો અને ૨૦૧૮ના અંત સુધીમાં એણે તમામ ૧૩ ઇજાગ્રસ્તો સાથેના મજૂર સંબંધોનો અંત આણ્યો  સાદી ભાષામાં એમને કાઢી મુકયા. જે પાંચ ગંભીર ઇજાગ્રસ્તો હતા તે લોકો પોતાના અધિકારો માટે લડવા ઇચ્છતા હતા પણ કંપનીએ એવી તરકીબ કરી કે એ લોકોએ પારોઠના પગલાં ભરવા પડયા. સરકારી  અધિકારીઓ દ્વારા આ કામદારોના કુટુંબીજનોની હેરાનગતી શરૂ થઇ. બીજી બાજુ કંપની તેમના ગુંડા મારફત તેમના પર હુમલો કરાવે તેવી દહેશત ઉભી કરી. આખરે તેમણે નોકરીમાંથી રાજીનામા આપી છુટા થવામાં પોતાની ભલાઇ જોઇ. એ કારણસર હવે તેમને જે વળતરની રકમ મળે તેટલું જ. સારવાર માટે કંપની તરફથી કશું મળે નહી. વળતરની રકમ મળે તે સારવાર પાછળ ખર્ચાઇ જાય!

જો કે વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા કામદારોની સ્થિતિ એટલી ખરાબ હોતી નથી. શેન્ઝેનમાં અગાઉ કામ કરતા હોય તેવા ઉત્તરના પ્રાંત હુનાનના સીલીકોસીસ જેવા ફેફસાંના રોગોનો ભોગ બનેલા ૧૦૦ જેટલા કામદારો ૨૦૧૮ દરમિયાન પોતાના અધિકારો માટે હુનાનથી શેન્ઝેન સતત આવતા જતા રહ્યા. તેઓ જયાં નોકરી કરતા હતા તે કંપનીમાં તેઓ કામ કરતા હોવાનું તેઓ પુરવાર કરી શકયા નહી. તે કારણે તેમને વ્યાવસાયિક રોગનો ભોગ બનેલા પીડિતો માટેની કલ્યાણ યોજનાના લાભ મળી શકયા નહી. તેઓના વિરોધ પ્રદર્શન પર પોલીસે હુમલો કર્યો અને તેમની તબિયત સારી ન હોવા છતાં તેમને બેરહેમીથી પીટી નાખ્યા. જો કે વારંવારની સતત રજુઆતોને અંતે સરકારે તેમના દાવામાં તપાસ કરવાનું સ્વીકાર્યું. પરંતુ સદર અહેવાલ પ્રગટ થતાં સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો નહી.
કામદારો સાથે કામ કરતા જુથો અને પીડિતો દ્વારા સતત એક વર્ષ સુધી રજુઆતો અને ઝુંબેશ પછી ગુઆંગડોંગ પ્રાંતની ઘણીખરી કોર્ટોએ વળતર માટેના દીવાની દાવાને ટેકો કર્યો છે, વળતરના સફળ દાવાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને અગાઉ જે વિસ્તારોમાં આવા દાવાને ટેકો મળતો ન હતો અને અડચણો મુકવામાં આવતી હતી તેમાં હવે ઢીલ મુકાઇ રહ્યાનું જોઇ શકાય છે.

માર્ચ ૨૦૧૮માં સંસ્થાગત માળખાકીય સુધારા માટેનો પ્લાન અમલમાં મુકાયો. તે મુજબ વ્યાવસાયિક આરોગ્ય માટેની દેખરેખની જવાબદારી નેશનલ હેલ્થ કમીશનને માથે આવી. જુલાઇ ૨૦૧૮ના અંતે વ્યાવસાયિક આરોગ્ય માટેનો વિભાગ શરૂ કરવામાં આવ્યો જેની જવાબદારી દેખરેખ રાખવાની અને વ્યાવસાયિક રોગોને અટકાવવાની છે. આ બધું થાળે પડવામાં સમય લાગી શકે અને વિભાગોની ફેરબદલી દરમિયાન દસ્તાવેજો આઘાપાછા થઇ જાય, નવી જવાબદારીઓ અંગે પૂરતી સ્પષ્ટતા કેળવાઇ ન હોય વગેરે કારણે વિલંબ થવા સંભવ છે. બીજી બાજુ કામદારો પોતે આ નવી વ્યવસ્થા સમજે અને તે હેઠળ પોતાના અધિકારો સમજે તે પ્રક્રિયામાં પણ વાર લાગશે.

સ્નાયુ અને હાડકાંના રોગો (મસ્કયુલોસ્કેલીટલ)ને ચીનમાં વ્યાવસાયિક રોગ તરીકેની માન્યતા મળી નથી. ભારતમાં પણ મળી નથી. અમે માગણી કર્યા કરીએ છીએ ખરા. યુરોપ, જાપાન, દક્ષિણ કોરીઆ વગેરે દેશોમાં એ માન્ય વ્યાવસાયિક રોગ છે. ચીનમાં નિષ્ણાતોના મત મુજબ મેટલર્જી (ધાતુ ઉદ્યોગ), બાંધકામ અને કાપડના સ્પીનીંગ (કાંતણ પાવરલુમ) ઉદ્યોગમાં ૮૯.૯૫% કામદારો આ રોગોથી પીડાય છે. પાવરલુમમાં તો  તમામ કામદારોમાં આ રોગ જોવા મળ્યો છે જયારે બાંધકામમાં ૯૬.૧૫%માં!

૨૦૧૩ના અંતના મહિનાઓ દરમિયાન ચીનમાં વ્યાવસાયિક રોગોના વર્ગીકરણ અને કેટલોગની નવી સુધારેલી આવૃત્તિ અમલમાં આવી. આ યાદીમાં હવે જુદી જુદી ૧૦ શ્રેણીમાં વિભાજીત ૧૩૨ પ્રકારના વ્યાવસાયિક રોગોને કાનુની માન્યતા મળી. પરંતુ સ્નાયુ અને હાડકાંના રોગો  મસ્કયુલોસ્કેલીટલ ને તેમાં સ્થાન મળ્યું નહી. વ્યાવસાયિક રોગોના નિદાનની જવાબદારી જેને માથે છે તે સંસ્થાએ આ અંગે પોતાનો ખુલાસો આપતાં જણાવ્યું કે ચીનની મર્યાદિત આર્થિક શક્તિને કારણે લમ્બર અને સર્વાઇકલ સ્પોન્ડીલોસીસ, પેરી આર્થરાઇટીસ અને બીજા રોગોને યાદીમાં સમાવવા દેશ હજુ તૈયાર નથી. બીજા લોકો માને છે કે આ પ્રકારના રોગો થવાના અનેક કારણો છે જેમાં વ્યવસાય સિવાયના કારણો પણ છે અને તે થવા માટે વ્યવસાય એકમાત્ર કારણ નથી. આઇ.એલ.ઓ.એ ૨૦૦૨માં પોતાની વ્યાવસાયિક રોગોની યાદીમાં આ રોગોને ઉમેર્યા અને માર્ચ ૨૦૧૦માં તેમાં વધુ સ્પષ્ટીકરણ આપતા જુદા જુદા ૮ પ્રકાર પાડયાઃ રેડીયલ સ્ટાયલોઇડ ટેનોસાયનોવાઇટીસ, હાથ અને કાંડાનો ક્રોનીકટેનોસાયનોવાઇટીસ, ઓલેક્રેનન બરસાઇટીસ, પ્રીપેટેલર બરસાઇટીસ, એપીકોન્ડીલાઇટીસ, મીનીસ્કસ લીઝન, કાર્પાલ ટનલ સીન્ડ્રોમ અને ઉપર સમાવાયા ન હોય તેવા અન્ય સ્નાયુ અને હાડકાંના રોગો. યુરોપના ઘણા દેશો, અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટીના, દક્ષિણ કોરીઆ, જાપાન, તાઇવાન, હોંગકોંગ જેવા દેશોમાં આ રોગોને કાનુની માન્યતા મળેલી છે. આ તમામ દેશોમાં આ રોગોનું ઉંચું પ્રમાણ જોવા મળે છે.

મસ્કયુલોસ્કેલીટલ રોગો અંગે અભ્યાસના તારણોઃ

ચીનની સંસ્થાએ આ બાબત શી સ્થિતિ છે તેનો અભ્યાસ હાથ ધર્યો. તેમણે ૭૦ કામદારોની પ્રશ્નોત્તરી ભરી તેમાંથી ૮ની રદ કરવી પડી. બાકીના ૬૨માં ૩૭ પુરુષ અને ૨૫ મહીલા કામદાર હતા.૬૮% ૨૯-૪૯ની વય જુથના હતા. ૯૦% એવા હતા જે પ્રાથમિક,માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા હતા. ૨૩ પુરુષ અને ૨૦ મહીલા (કુલ કામદારોના ૬૯%) ઉત્પાદન લાઇન પર કામ કરનારા કામદાર હતા, ૧૩% ડ્રાઇવર હતા, ૧૦% સફાઇ કે ડીલીવરી જેવા કામ કરનાર હતા અને ૬% કારકુની કામ કરનાર કામદાર હતા. ૫૨% ઓટો ઉદ્યોગના કામદાર હતા, ૪૨% અન્ય ઉત્પાદનમાં હતા, ૫% સેવાક્ષેત્રના કામદાર હતા. ૨૯% કામદાર જે ક્ષેત્રમાં કામ કરતા હતા ત્યાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરતા હતા અને ૩૨% ૩થી ૧૦ વર્ષથી કામ કરતા હતા, ૨૯% ૧થી ૩ વર્ષથી કામ કરતા હતા. હાલની નોકરીમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરનારા ૧૮% હતા તો ૩૧% ૩થી ૧૦ વર્ષથી કામ કરતા હતા. ૨૧% એવા હતા જે એક વર્ષ કે તેથી ઓછા સમયથી આ નોકરીમાં હતા. તેઓ મહિનામાં સરેરાશ ૨૬.૨ દિવસ અને રોજના ૯.૯ કલાક કામ કરતા હતા.

૪૮% કામદારો વચ્ચે કોઇ જાતની રિસેસ કે આરામ વગર કામ કરતા હતા અને એ પૈકી ૯૩% (૩૮ કામદાર)ને સ્નાયુ અને હાડકાના રોગની (એમએસડી)ની ફરિયાદ હતી. ૩૨ કામદાર એવા હતા જેમને વચ્ચે આરામ મળતો હતો તે પૈકી ૨૨ (૬૯%)ને એમએસડીની ફરીયાદ હતી. ઓટો ઉદ્યોગના ૩૨માંથી ૧૦ને વચ્ચે આરામ મળતો ન હતો. બાકીના ઉદ્યોગમાં કામ કરતા ૩૦ પૈકી ૨૨ને આરામ મળતો ન હતો. આમ પ્રમાણમાં ઓટો ઉદ્યોગના કામદારોની સ્થિતિ આ બાબતે અન્યોની સરખામણીએ સારી હતી.
૧૫ પુરુષ અને ૧૨ મહીલા (૪૪%)ને ડોક કે ગરદનની તકલીફ હતી, ૩૨%ને ખભાની, ૨૩%ને પીઠની, ૪૭%ને કમરની, ૧૧%ને કોણીની, ૨૭%ને હાથ કે કાંડાની, ૧૩%ને થાપા અને સાથળની અને ૧૫%ને ઘૂંટણની તકલીફ હતી. ૭૭%ને છેલ્લા એક વર્ષથી તકલીફ હતી.

મહિલા કામદારો મોટાભાગે હાથથી કામ કરતા હોવાને કારણે તેમનામાં શરીરના ઉપરના ભાગની તકલીફ વધુ જોવા મળી. ઓટો ઉદ્યોગના કામદારોમાં મોટાભાગે પગ અને ઘૂંટીની તકલીફ જોવા મળી. ૮ કલાક કે તેથી વધુ સમય સુધી સતત ઉભા રહીને કામ કરનારા કામદારોમાં આ તકલીફ વધુ જોવા મળી.ઓટો ઉદ્યોગના ૩૨માંથી ૨૦ને અને બાકીના ૩૦માંથી ૨૭ને ભાગે ૮ કલાક કે તેથી વધુ સમય સુધી ઉભા રહીને કામ કરવાનું થતું હતું.

ઓટો ઉદ્યોગના ૩૨ પૈકી ૧૪ (૪૪%)ને પગ અને ઘૂંટીની ફરિયાદ હતી, ૩૮%ને  કમરની, ૩૮%ને ગરદનની, ૨૫%ને  હાથ અને કાંડાની, ૧૯%ને ખભાની, ૧૯%ને પીઠની, ૧૩%ને સાથળ અને થાપાની, ૧૩%ને ઘૂંટણની અને ૯%ને કોણીની ફરીયાદ હતી.

૮ કલાક કે તેથી વધુ સમય સુધી માત્ર બેસીને જ કામ કરવાનું હોય તેવા કામદારોની સંખ્યા ૨૪% હતી જયારે ૪૪% એવા હતા જેમને ૮ કલાક કે તેથી વધુ સમય સુધી માત્ર ઉભા રહીને જ કામ કરવાનું હોય. ૧૫% એવા હતા જેમને ૮ કલાક કે તેથી વધુ સમય સુધી વારંવાર કમરથી વળવાનું કે કમરને વાળવી પડે તેવું કામ હતું. ૧૦% (તમામ પુરુષ) એવા હતા જેમને ૮ કલાક કે તેથી વધુ સમય સુધી ભારે વજનને ઉઠાવવા/લાવવા લઇ જવાનું કામ કરવાનું રહેતું. ૬૦% કામદાર એવા હતા કે જેમને નોકરી પછીના સમયમાં પણ ૨ કલાક કે તેથી ઓછા સમય માટે કમરને વાળવી પડે તેવા કામ કરવા પડતા અને ૬૫% એવા હતા જેમને ઉભા રહેવું પડતું. ૩૫%  કામદારોને નોકરી પછી ૨ કલાક કે તેથી ઓછા સમય માટે ભારે વજન ઉંચકવા કે લાવવા લઇ જવાનું કામ કરવું પડતું હતું.

કમરનો દુખાવોઃ

જેમને ૮ કલાક કે તેથી વધુ સમય ઉભા રહેવું પડતું હતું તેવા પૈકી ૪૮%ને કમરના દુખાવાની ફરિયાદ હતી. પરંતુ ૮ કલાક કે તેથી વધુ સમય કમરને વાળવાનું કામ કરતા હતા તેવા પૈકી માત્ર ૨૧%ને જ આ ફરિયાદ હતી. પણ ૨ કલાક કે તેથી ઓછા સમય માટે કમરને વાળવાનું કામ કરતા હતા તે કામદારો પૈકી  ૪૫%ને કમરના દુખાવાની ફરિયાદ હતી.

ગરદનનો દુખાવોઃ

૮ કલાક કે તેથી વધુ સમય સુધી ઉભા રહીને કામ કરતા કામદારો પૈકી ૪૧%ને ગરદનના દુખાવાની ફરિયાદ હતી અને ૨ કલાક કે તેથી ઓછા સમય માટે કમરને વાળવાનું કામ કરતા હતા તેવા કામદારો પૈકી  ૩૭%ને આ ફરિયાદ હતી. ૨ કલાક કે તેથી ઓછા સમય માટે ભારે વજન ઉંચકવા કે લાવવા લઇ જવાનું કામ કરતા કામદારો પૈકી  ૪૪%ને પણ આ ફઈયાદ હતી.

૪ મહિલા અને ૮ પુરુષો (૧૯%)એ જણાવ્યું કે તેમને કોઇ તકલીફ ન હતી. ઓટો ઉદ્યોગના ૩૨ કામદારો પૈકી ૮ કામદારો (૨૫%)ને કોઇ ફરિયાદ ન હતી. જેમને ફરિયાદ હતી તેવા કામદારોને શરીરના સરેરાશ ૨.૪ અંગના દુખાવાની ફરિયાદ હતી. મહિલાઓમાં આ સરેરાશ ૨.૯ હતી જ્યારે પુરુષોમાં ૨.૧ હતી. એટલે કે મહિલાઓને વધુ ફરિયાદ હતી. માત્ર ૧-૨ અંગનો દુખાવો હોય તેવા કામદારોની સંખ્યા ૪૦% હતી, ૩-૪ અંગનો દુખાવો હોય તેવા કામદારોની સંખ્યા ૨૩% હતી અને પાંચ કે તેથી વધુ અંગોનો દુખાવો હોય તેવા કામદારોની સંખ્યા ૧૮% હતી.

જેમને ફરિયાદો હતી તેમાં ગરદનની ફરિયાદ હોય તેવા કામદારો પૈકી ૮૯%ને અઠવાડિયે એકવાર દુખાવો થતો હતો.

કોઠો — ૨

દુખાવાની ફરીયાદ ગરદન કમર પગ/ઘુંટી ખભો
દુખાવો કેટલા સમયથી થાય છે? છેલ્લા એક વર્શમાં શરુ થયો ૫૯% ૫૫% ૫૨% ૫૮%
દુખાવો કેટલા સમયથી થાય છે? એક વર્શ કરતાં વધુ સમયથી ૬૮% ૬૬% ૫૧% ૬૦%
કેટલી વાર દુખાવો થાય? ઓછામાં ઓછું અઠવાડીયામાં એક વાર ૮૯% ૫૯% ૭૯% ૭૨%
ચિન્હો સોજો અને દુખાવો ૯૩% ૭૬% ૭૬% ૮૫%
જીવન અને કામ પર અસર ઉત્પાદકતામાં થોડો ઘટાદો ૪૧% ૩૮% ૩૮% ૫૨%
જીવન અને કામ પર અસર કોઇ અસર નહી ૪૮% ૩૪% ૪૮% ૩૬%
શું આ તકલીફ કામને કારણે થઇ છે? હા, સંપુર્ણપણે ૩૩% ૩૮% ૩૮% ૩૦%
શું આ તકલીફ કામને કારણે થઇ છે? થોડું એવું ખરું ૫૬% ૩૪% ૪૫% ૫૨%
સારવાર કોઇ સારવાર નહી ૪૮% ૩૮% ૩૮% ૪૫%
સારવાર

 

માલીશ ૩૩% ૩૧% ૩૧% ૩૬%

 

મર્યાદાઃ

આ અભ્યાસમાં આ ઇજા કેટલી ગંભીર હતી તે જાણવા મળતું નથી અથવા કહો કે અભ્યાસમાં આવરી લેવાયેલા પૈકી કોઇને આ ઇજાને કારણે અપંગતા આવી હોય કે તે કારણે આર્થિક નુકસાન થયું હોય, નોકરીમાં રજા પડતી હોય કે કામ છોડવું પડયું હોય તેવા બનાવ નોંધાયા નથી. તે કારણે આ પ્રકારની ઇજાઓ કે રોગોને વ્યાવસાયિક રોગોની યાદીમાં ઉમેરવા માટેની તેમની માગણીને આ અભ્યાસ દ્વારા પૂરતો ટેકો મળતો નથી. અપંગતાની આકારણી કરવાની જરૂર હતી એમ સમજાય છે. અપંગતા કેટલાને આવી, અપંગતાનો પ્રકાર કેવો હતો – હંગામી કે કાયમી, અને અપંગતાનો વ્યાપ કેટલો હતો તે બાબતોથી નીતિમાં પરિવર્તન માટેની સજજડ દલીલ આગળ કરી શકાય. એ રીતે આ અભ્યાસ કાં તો ઉપરછલ્લો છે તેમ કહેવાય અથવા નિષ્ણાતોની પૂરતી મદદ એ માટે લેવાઇ નથી એમ કહી શકાય. પુરતું ક્ષેત્રકાર્ય કર્યા પછી એવા કામદારોને શોધી કઢાયા હોત તો તે અભ્યાસ વધુ મુલ્યવાન ઠર્યો હોત એમ માનું છું.

આઇ.એલ.ઓ.એ આ રોગના જુદા જુદા ૮ પ્રકાર પાડયા તે આપણે જોયું (રેડીયલ સ્ટાયલોઇડ ટેનોસાયનોવાઇટીસ, હાથ અને કાંડાનો ક્રોનીકટેનોસાયનોવાઇટીસ, ઓલેક્રેનન બરસાઇટીસ, પ્રીપેટેલર બરસાઇટીસ,એપીકોન્ડીલાઇટીસ, મીનીસ્કસ લીઝન, કાર્પાલ ટનલ સીન્ડ્રોમ અને ઉપર સમાવાયા ન હોય તેવા અન્ય સ્નાયુ અને હાડકાંના રોગો.) આ અભ્યાસમાં આ મુજબ જો વર્ગીકરણ કર્યું હોત તો આ અભ્યાસ વધુ મુલ્યવાન બન્યો હોત.

ચીનમાં મજુરોને નામે ક્રાંતિ થઇ અને પછી પાછલા બારણે મૂડીવાદી નીતિઓને પ્રવેશ અપાયો. આ લેખને આધારે કહી શકાય કે ભારત કરતાં તો ત્યાંના મજૂરની સ્થિતિ સારી છે પણ મજૂર માટે ચીન સ્વર્ગ તો નથી જ. કામદારોએ ઘણા સંઘર્ષ કરવા પડશે. આમ તો વૈશ્વિક મૂડીવાદી વાતાવરણમાં એકલદોકલ દેશો માટે મજૂરોના જ હિતોને ધ્યાનમાં લઇને નીતિઓનું ઘડતર કરવાનું અઘરૂં છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

4 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ચીનમાં વ્યાવસાયિક રોગોની સ્થિતી

  1. ખૂબ માહિતીસભાર લેખ છે . ભલે માહિતી ચીનની હોય પરંતુ આપણા દેશમાં પણ આ મોટી સમસ્યા છે. પરંતુ ભદ્ર વર્ગને તો આવી કોઈ સમસ્યા છે તેની જાણ પણ નથી હોતી. જેના આધારે આપણે આપણું વૈભવી જીવન જીવી રહ્યા છીએ તેની દશા જાણવાની પણ દરકાર નથી.

    1. જયારે આપણા દેશની આવી માહિતી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતી નથી ત્યારે બીજા દેશોની માહિતી રજુ કરવા પાછળનો હેતુ એ જ હોય છે કે આ સમસ્યા વિષે દેશમાં નાગરીકો વિચારતા થાય અને ધીમે ધીમે જાહેર મત કેળવાય. કામને કારણે થતા સ્નાયુ અને હાડકાના રોગો ને હજુ આપણા કાયદાએ સ્વીકાર્યા નથી. તે માટે સૌ એ સહિયારા પ્રયાસ કરવાની જરૂર છે આ રોગો ફેક્ટરી એક્ટ મુજબ નોધણીપાત્ર પણ નથી અને વળતર ધારા હેઠળ વાલાતારપાત્ર પણ નથી. . રાજ્યસરકાર વળતર ધારામાં સુધારા કરી શકે છે અને અમે રજૂઆત કરી હતી પણ પગલા લેવાનો ઇનકાર કારાયો. હવે તો એ કાયદા પણ ,માટી ગયા અને તેનું સ્થાન બે જુદી સંહિતા (કોડ) એ લીધું છે
      આપે લેખ વાચ્યો અને પ્રતિભાવ પણ આપ્યો તે માટે બેવડા ધન્યવાદ, કિશોર ભાઈ. તમારા જ નામેરી કિશોર ઠાકર નંદેસરી માં નોકરી કરતો ત્યારે સહકાર્યકર હતા તેમાંનુંમ સહજ સ્મરણ થયું.

  2. It is good article and survey base data on condition of workers in China . Basic question as mentioned that in capitalist economy profit and consumer centric where unless there is strong trade unions backed by adequate legislation , this problem of safety at work places and occupational disease can not be solved . Though it is very very important issue but it is not getting its due attention neither from Goverment nor from civil society . I appreciate JB Patel for relentlessly working in this issue , writing on it, doing research , intervention for compensation and training of workers for the same .

  3. Thank you Rameshbhai for reading and posting your comments. China is not a capitalist society on the face of it and therefore the workers are expected to be treated fairly than the capitalist society. What we observe that workers in Socialist societies (like Nordic countries) are far more better treated than in Communist society

Leave a Reply

Your email address will not be published.