અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : રોઝ ગાર્ડન, હેમોન ટાવર, જાપાનીઝ ટી ગાર્ડન


દર્શા કિકાણી

આજે ઊઠવાની બહુ ઉતાવળ હતી નહીં, પણ રોજની ટેવ મુજબ હું ૬.૩૦ વાગે ઊઠી ગઈ. વહેલું જ નાહી-ધોઈ લીધું જેથી બાથરૂમ બીજા લોકો માટે ફ્રી રહે. અમદાવાદ / દુબઈ  ફોન કરી લીધા. આઠ વાગે બધાં તૈયાર થયાં એટલે નવાં ગામમાં નવા રસ્તા પર બંને બાજુ નવું નવું જોતાં જોતાં સ્વાતિને ઘરે ચાલતાં ચાલતાં પહોંચી ગયાં. અહીંની બસ સર્વિસ સારી લાગે છે. દર ૨-૩ મિનિટે બસ આવે છે અને મુસાફરોથી બસ ભરેલી હોય છે. રસ્તા પર ખાવા-પીવાની દુકાનો, રોજ વપરાશની વસ્તુઓના સ્ટોર, બેંક, કપડાંની દુકાનો, કલાત્મક વસ્તુઓનો સ્ટોર વગેરે ઘણું આવતું રહે છે એટલે ચાલવાની મઝા આવે છે.

સ્વાતિ-ચેતના-હેતાએ ગરમ નાસ્તો તૈયાર રાખ્યો હતો. નાસ્તો કરતાં કરતાં જ દિવસનો પ્રોગ્રામ નક્કી કર્યો. સીટીનું સાઈટ સીઇંગ તો ગઈ કાલે પતી ગયું હતું એટલે સ્વાતિએ બે-ત્રણ નવાં વિકલ્પો સૂચવ્યા તે અમને ગમી ગયાં. શહેરને વધુ નજીકથી જોઈ શકાય તે આશયથી અમે ચાલતાં ચાલતાં તેમના ઘરેથી લગભગ ૩ કી.મિ. દૂર આવેલ રોઝ ગાર્ડનમાં ગયાં. રસ્તમાં ઘણાં ઘરોમાં સુંદર ફૂલછોડ બહારના ભાગમાં હતાં. ઘરે ઘરે ઊભા રહી અમે ફોટા પડ્યા.સાન ફ્રાન્સીસ્કો શહેર ટેકરીઓ પર બન્યું છે એટલે રસ્તાઓ પણ એ જ રીતે ઢાળ અને ચઢાણવાળા છે. સ્વાતિએ સમજાવ્યું કે રસ્તાઓનું નામકરણ પણ સરસ રીતે કર્યું છે. સમાંતર રસ્તાઓના નામ  A, B, C….. પરથી આવે અને કાટખૂણે જતાં એવેન્યુના રસ્તાઓ ૧, ૨, ૩…. એમ આલ્ફાન્યુમેરીક કોમ્બિનેશનથી સરસ માળખું બનાવ્યું છે. ન્યૂયોર્કમાં પણ રસ્તાઓના નામકરણ માટે આ રીત વપરાઈ છે.

ગોલ્ડન ગેટ નેશનલ પાર્ક વિસ્તારમાં રોઝ ગાર્ડન આવેલો છે જેમાં અસંખ્ય સુંદર ગુલાબો અને બીજા અનેક જાતનાં પુષ્પો હતાં. આખો બગીચો જોતાં જ મન ખુશ થઈ જાય! આ આખો વિસ્તાર બહુ સરસ રીતે વિકસાવ્યો છે. રોઝ ગાર્ડન જોયાં બાદ અમે હેમોન ટાવર પાસે આવ્યાં.પહેલાં અમે દે યુંગ નામનું બે માળનું ફાઈન આર્ટસ મ્યુઝિયમ જોયું. સરસ કૃતિઓ અને કળા કારીગરીની વસ્તુઓ સાથે સુંદર ડિસ્પ્લે કર્યુછે. નીચેની ગેલેરીમાં ‘LOVE’ ના પોસ્ટર સાથે અમે ઘણા ફોટા પડાવ્યા. મ્યુઝિયમને અડકીને જ ૧૪૪ ફૂટ ઊંચું હેમોન ઓબ્ઝેર્વેશન ટાવર છે. કાચની દીવાલોથી બનેલ ટાવરમાંથી ચારે બાજુનો એટલે કે ૩૬૦ ડીગ્રીનો વ્યુ આવે છે. શ્વાસ અધ્ધર અટકી જાય તેવો સુંદર વ્યુ મળે છે. સાન ફ્રાન્સીસ્કો શહેર કેટલું સુંદર છે તેનો જીવતો-જાગતો પુરાવો! એક સેકન્ડ આંખો ખસેડવાનું મન ન થાય તેટલું મનોરમ્ય દર્શન. વરસાદ કે વાદળ ન હતાં અને ચોખ્ખો દિવસ હતો એટલે જોવાની વધુ મઝા આવી. ચારે બાજુ ફરી ફરીને જોયા જ કરીએ તેટલી સુંદરતા ! અમે તો ખાસ્સો સમય ત્યાંનું સૌન્દર્ય માણ્યું.

ટાવર અને મ્યુઝિયમનું કેમ્પસ પૂરું થાય કે તરત એક સરસ પેગોડા દેખાયું. અહીં પેગોડા કેવી રીતે હોય? એમ વિચારી સહેજ આગળ ચાલ્યાં ત્યાં તો જાપાનીઝ ટી ગાર્ડનનું બોર્ડ વાંચ્યું અને સ્વાતિની બૂમ સંભળાઈ. અમે અટકી ગયાં. અરે! આપણે તો જાપાનીઝ ટી ગાર્ડનમાં જવાનું છે! જાપાન તેના અનેક પ્રકારના બગીચાઓ માટે જાણીતું છે. તેમાં તેના સ્ટેપ ગાર્ડન, બોનઝાઈ ગાર્ડન, ઝેન ગાર્ડનતો વિશ્વ વિખ્યાત છે. લીલોતરી, પથ્થરો  અને પાણીનું કોમ્બીનેશન કરી જાપાનીઓ બહુ સુંદર બગીચાઓ વિકસાવે છે. કોઈ પણ જાપાનીઝ ગાર્ડનમાં તેમના સંસ્કાર અને તેમની ધાર્મિકતા પ્રતીત થાય. આ તેનો જ એક સુંદર નમૂનો અમે અમેરિકામાં જોવાના હતાં!

ગોલ્ડન ગેટ નેશનલ પાર્કવિસ્તારનો આ લોકપ્રિય બગીચો છે. ૩ એકરના આ બાગમાં તળાવ, પગદંડીઓ,જાપાની સ્ટાઈલમાં કાપેલાં છોડવાઓ સરસ રીતે ગોઠવેલાં છે. પેગોડા, બીજી મૂર્તિઓ અને નાના સ્ટ્રકચર બુદ્ધ સ્ટાઈલમાં બનાવ્યાં છે. પાણી અને ખડકોનું સુંદર આયોજન મનને શાંતિ અર્પે છે.આ ગાર્ડનમાં નીચેની પાંચ વસ્તુઓ તો ચૂકવી ન જ જોઈએ :

  • પાંચ માળનું સાંકડું રંગીન પેગોડા
  • ડ્રમ બ્રિજ
  • જાપાની રોક ગાર્ડન
  • બુદ્ધની પ્રતિમા
  • ટી હાઉસ

ગાર્ડનમાં દાખલ થતાં પહેલી નજર પડે પેગોડા પર. પાંચ માળનું આ સાંકડું રંગીન પેગોડા  ભવ્ય લાગે છે. સાંકડા, ઊંચાં પગથિયાં ઝેન ધર્મની ફિલોસોફી છે. ધર્મનો માર્ગ, સાંકડો, મુશ્કેલ અને ઊર્ધ્વગામી છે તે દર્શાવવા લગભગ બધાં બૌદ્ધ ધાર્મિક સ્થાનોમાં સાંકડા, ઊંચાં પગથિયાં જોવા મળે છે. ફોટા પડાવવાનું આ લોકપ્રિય સ્થળ છે. એટલે પેગોડા પાસે કાયમ ભીડ હોય છે. પેગોડાની પવિત્રતાથી આસપાસ ફરતાં અને ફોટા પડાવતાં લોકો પણ અભિભૂત થયા વિના રહેતાં નથી. અમે પણ ફોટા પડાવ્યા અને તરત ફેસબુક પર અપલોડ પણ કરી દીધા. બીજું લોકપ્રિય સ્થળ એટલે ડ્રમ બ્રિજ (Drum Bridge). ચીની અને જાપાની બગીચાઓનું આ આવશ્યક અંગ. લગભગ અર્ધ વર્તુળ આકારના આ પુલનું પાણીમાં પ્રતિબિંબ પડે ત્યારે પૂર્ણ વર્તુળ કે ડ્રમ આકારનું દેખાય. નીચેથી વહેતા પાણીમાં પુલનું પ્રતિબિંબ ખરેખર મનમોહક હતું. લોકો પુલનાંનાનાં, મુશ્કેલ પગથિયાં પર ચઢી ફોટા પડાવે છે, પાસે ઊભા રહીને પણ ફોટા પડાવે છે. અમે પણ લાભ લીધો.પુલને લીધે લોકોની ભીડ એક જ ઠેકાણે કેન્દ્રિત ન થતાં બે-ત્રણ જગ્યાએ વિભાજીત થઈ જાય છે. પછી આવે જાપાની રોક ગાર્ડન. રોક ગાર્ડનની  રચના અમુક ટેકનીકલ સિદ્ધાંતો પર આધારિત હોય છે જેમાં રોક એટલે કે ખડક કે પથ્થરોના રંગ, કદ, મૂકવાની જગ્યા, અસમાનતા, આખા બગીચાની ભૂગોળ વગેરે ધ્યાનમાં લેવાય છે. રોકની ગોઠવણી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે મુસાફરોનું ધ્યાન અમુક જ પથ્થરો પર કેન્દ્રિત થવાને બદલે આસપાસની બધી વસ્તુઓ પર રહે. આખા બગીચામાં ઠેરઠેર નાના દીવા કે કોડિયાં મૂકેલાં હતાં જાણે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવતાં હોય!  સુંદર અને સુધિંગ રોક ગાર્ડનની  પાસે બુદ્ધની મોટી સરસ પ્રતિમા હતી. મોટાં મોટાં ઘટાદાર વૃક્ષોમાં બુદ્ધની પ્રતિમા શાંત, ધીર-ગંભીર અને અલૌકિક ભાસતી હતી. અને તેની નજીક જ હતું જાપાની ટી હાઉસ. જાપાની સંસ્કૃતિમાં ચા અને ચા પીવાની રીતનું મહત્ત્વ છે. કદાચ મુનીઓ અને સાધુઓને રાતભર જાગતા રહેવા માટે ચાની જરૂર પડતી હશે એટલે! બગીચાનું ટી હાઉસ જાપાની સ્ટાઈલમાં બનાવ્યું હતું અને ત્યાં જાતજાતની જાપાની ચા સર્વ થતી હતી. અમે ત્રણ જુદી જુદી વેરાઈટીની ચા મંગાવી અને સ્વાતિના સુઝાવ મુજબ સાથે બાફેલાં સોયાબીન્સની શીંગો મંગાવી. એકદમ અલગ પ્રકારનો અનુભવ ! અમને આમ પણ નવાનવા અખતરા કરવા ગમે, એટલે બહુ જ મઝા આવી ગઈ!સારો એવો સમય જાપાનીઝ ટી ગાર્ડનમાં માણ્યો. પાછાં વળતાં પણ રસ્તો ગુલાબના બગીચામાંથી જ જતો હતો. સવારે લેવાના બાકી રાખેલા ફોટા લેતાં લેતાં અમે ઘેર આવ્યાં. ઘણે દિવસે ખીચડી, કઢી, કચુંબર, પાપડ વગેરેની મિજબાની ઉઠાવી. લગભગ બધાં સૂઈ ગયાં. મેં અને સ્વાતિએ વાતો કરતાં કરતાં સાંજ માટે પરોઠા બનાવી લીધાં.

સાંજે બસમાં બેસી ઓશન બીચ જવાનો પ્રોગ્રામ હતો. અમે બધાં તૈયાર થઈ નીચે ઊતર્યા. સાર્થને બસમાં જવાનું બહુ ગમે. એને ખબર પડી એટલે તે તો ખુશ ખુશ થઈ ગયો. ઘરની નીચે જ બસ સ્ટેન્ડ હતું. અમે ૪૦-૪૫ મિનિટ બસની રાહ જોઈ પણ ઓફિસ છૂટવાનો સમય હતો એટલે આગળથી જ બસો ભરાઈને આવતી હતી. અમને બસ મળી નહીં એટલે પ્રોગ્રામમાં ફેરફાર કરી થોડાં લોકો ઘેર ગયાં અને અમે નજીકના એક સ્ટોરમાં ગયાં. વસ્તુઓ સરસ હતી પણ ખરીદી કરવાની ન હતી એટલે અમે ફરીને પાછાં આવ્યાં. રાતના ગોલ્ડન ગેટ જવાનો પ્લાન હતો. ચેતના અને હેતાએ બર્મીસ સ્ટાઈલનો સરસ સમોસા-સૂપ બનાવ્યો હતો. અમે પહેલી વાર જ ખાધો પણ બહુ મઝા આવી. સાથે સેવ-ખમણી,પરોઠાં અને મલાઈ-કોફતા હતાં. અહીં પણ સ્વાદિષ્ટ મલાઈ-કોફતા તૈયાર મળે છે. મોટા ગ્રુપમાં વાતો કરતાં કરતાં જમવાની બહુ મઝા આવી. જમીને થોડી વાર દિલીપભાઈના ગીતોનો પ્રોગ્રામ હતો. હિન્દી અને ગુજરાતી ગીતો સાંભળીને બધાં રંગતમાં આવી ગયાં.

રાત્રે ગોલ્ડન ગેટ જવાની વાત જ કંઈ ઔર છે એવું સાંભળ્યું હતું. અમે તૈયાર હતાં ગોલ્ડન ગેટ જવા માટે. અર્પણ અમને ગાડીમાં ગોલ્ડન ગેટ  લઈ ગયો પણ કોઈક કારણોસર પુલ બંધ કરી દીધો હતો. અર્પણ એમ કંઈ હાર થોડો માને? તે અમને પાછળના રસ્તે ગોલ્ડન ગેટ જોવા લઈ ગયો. એકદમ અંધારામાં ગાડી મૂકી ટેકરી પર ૩૦૦-૪૦૦ મિ. ચાલ્યાં. બહુ પવન હતો. ઠંડી પણ હતી. હાથ-પગ ધ્રુજતા હતા પણ ટેકરીની ટોચ પર પહોંચીને જે દ્રશ્ય જોયું તેને માટે તો ગમે તેટલી ઠંડી સહન કરી શકાય. નીચે એક બાજુ ભવ્ય ગોલ્ડન ગેટ હતો અને બીજી બાજુ  રસ્તા પર જતો ટ્રાફિક. અમે અંધારામાં હતાં પણ નીચે તો રોશની હતી એટલે જોવાની બહુ મઝા આવી. ઠંડી છતાં અમે આ નવલો અનુભવ માણતાં માણતાં ત્યાં ઘણી વાર રોકાયા. સુંદર ગોલ્ડન ગેટ એન્જીનીયરીંગ મારવેલ છે અને વહેલી સવારે પણ ગોલ્ડન ગેટનું રૂપ જોવા જેવું હોય છે એમ અર્પણનું માનવું હતું. રાજેશ અને દિલીપભાઈ તો સવારે ગોલ્ડન ગેટ આવવા તૈયાર હતા.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : રોઝ ગાર્ડન, હેમોન ટાવર, જાપાનીઝ ટી ગાર્ડન

  1. ખુબ સુંદર વર્ણન કરેલું છે વાંચવાની ખૂબ મજા આવી
    આવતા અંકની આતુરતાથી રાહ જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.