નિસબત : મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ચંદુ મહેરિયા

૨૦૦૭ની રાષ્ટ્રીય ક્રુષિ નીતિ ભલે  ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત સ્ત્રી-પુરુષ સૌને  ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલિંગ શબ્દ ખેડૂતનો અર્થ,”ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી” જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને “જે ખેતરનો માલિક કે પ્રબંધક છે” તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય ક્રુષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ ક્રુષિ કાયદા વિરુધ્ધના વર્તમાન કિસાન આંદોલનમાં મહિલા કિસાનો બરાબરની ભાગીદાર છે પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી

ઈતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠા કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો શ્રમ બળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતના ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીના કામો કરે છે. .યુવાન જ નહીં તમામ ઉમરની મહિલાઓ ખેતીના કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫ થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વ્રુધ્ધાઓ ખેતીનું કામ કરે છે.

દેશમાં ખેડ થી ખળા અને બી થી બજાર સુધીના ૭૫ થી ૮૦ ટકા ખેતીના કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં ખેતીકામની  સહાયક કે કામદાર ગણાય છે.એટલું જ નહીં આપણા ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે  એવા નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાના કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે પણ મહિલાઓના નિંદામણ-ગોડામણના ક્રુષિ કામોમાં કોઈ યંત્રો શોધાયા નથી. એટલે તેની શારીરિક મહેનત યથાવત રહી છે.

વધુ શારીરિક શ્રમના ખેતીકામો પણ મહિલાઓને જ કરવા પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરના ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગ્રુહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમ શક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતા કુટુંબોનું નેત્રુત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નેશનલ સેમ્પલ ઓર્ગેનાઈઝેશન’નો સર્વે જણાવે છે તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઓક્સફામ ઈન્ડિયા’ના ‘સન ઓફ ધ સોઈલ’ સર્વેનું છે. ટૂંકમાં ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી., આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે. .

નેશનલ પૉલિસી ફોર ફાર્મર્સ-૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્ત્રુત કરવામાં આવી છે.પરંતુ પિત્રુસત્તાક સમાજ વ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઈન્કાર કરે છે. ધર્મ,જાતિ, પરંપરા, સંસ્ક્રુતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવા કારણો મહિલાઓને જમીન માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેકટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેકટર જમીન જ છે.૩૦.૯૯ લાખ  મહિલાઓ ૨ હેકટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેકટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા કિસાનો સરેરાશ ૦.૬૮ હેકટર અને આદિવાસી મહિલા કિસાનો સરેરાશ ૧.૨૩ હેકટર જમીનની માલિકી ધરાવે છે.

ભારતમાં ક્રુષિ સંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીન માલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી ક્રુષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં, ૧૧ ટકા(૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા(૧.૭૬કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા(૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે.  મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતી યોગ્ય નથી. જેમકે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી  ૧૦.૩૯ ટકા જ ખેતીયોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે.૨૦૨૦નો સર્વે  દેશના અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીન માલિકી ઘટ્યાનું જણાવે છે.

મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મ્રુત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો  સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે. તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઉભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા ક્રુષિ જમીનનો વારસો પુરુષોને મળ્યો છે.  જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે.તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.

જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા ક્રુષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતીના કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણાભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષ્રરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થયાં. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮ થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩૪૬૭ દહાડિયા મહિલા મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.

ખેડૂતોના સવાલોની ચર્ચામાં  સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ ક્રુષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથને રાજ્યસભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઈવેટ મેમ્બર બિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઈટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઉભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાની ખેતીની જવાબદારી  મહિલાઓના શિરે આવી છે તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીન માલિકીનો વાજબી હક આપવો ઘટે.

હાલના ખેડૂત આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ.’રાષ્ટ્રીય  મહિલા કિસાન દિન’ ની ઉજવણી  કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાનઆંદોલનનો નારો મહિલાઆંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.