મંજૂષા – ૪૭. નિયત દાયરા બહારનાં સગપણ

વીનેશ અંતાણી

કેટલાંક સગપણ સંબધોની નિયત સમજણના દાયરાની બહાર હોય છે, અંગ્રેજીમાં જેને ‘ઓફબીટ’ કહેવાય. અમેરિકન મહિલા સ્ટાર બ્રાઈટ લખે છે: “થોડા વરસો પહેલાંનું મારું જીવન હવે સાવ બદલાઈ ગયું છે. પહેલાં હું મારા પતિ સાથે રહેતી હતી. અમારું પોતાનું ઘર હતું, અમારા બંનેની કમાણીમાંથી અમે સુખેથી જીવતાં હતાં. હું જીમમાં જવાનો, સમાજસેવાનાં કાર્યોનો, વાંચવાનો, પ્રવાસ કરવાનો સમય કાઢી શકતી હતી. હવે એવું બનતું નથી. મારો સમય મારા પુત્ર લ્યુકાન પાછળ જ જાય છે. મારે એને યોગ્ય રીતે ઉછેરવાનો છે. હું પિતા વિનાના સંતાનની માતા છું. ના, મારો પુત્ર લ્યુકાન મારા પતિથી થયેલું સંતાન નથી, એ મારા બીજા પુરુષ સાથેના સંબંધથી જન્મેલું સંતાન પણ નથી. લ્યુકાનનાં માતાપિતા કોણ છે તે નથી એ જાણતો, નથી હું જાણતી. મેં એને વિયેટનામના એક અનાથાશ્રમમાંથી દત્તક લીધો છે. મારો પતિ મને નહીં, બીજી સ્ત્રીને પ્રેમ કરે છે એ વાતની મને જાણ થઈ તે સાથે જ મેં અમારા પંદર વરસના લગ્નને તોડી નાખ્યું. હું મારી બાકીની જિંદગી એકલી જીવી નાખવા માગતી હતી, પરંતુ એ શક્ય બન્યું નહીં. પંદર-પંદર વરસો સુધી હું મા બનવા તરસતી રહી હતી, પણ  બની શકી નહોતી. છેવટે મેં નક્કી કર્યું, હું મા હોવું એટલે શું એ વાતનો અનુભવ લીધા વિના મરીશ નહીં. એ કારણે મેં વિયેટનામના અનાથાશ્રમમાંથી એક છોકરો મારા પુત્ર તરીકે પસંદ કર્યો, હવે એને  ઉછેરી રહી છું. કદાચ મારો એ નિર્ણય મારા પતિએ મારી સાથે જે કર્યું એનો બદલો પણ છે અને વિયેટનામમાં મારા દેશે કરેલી ભૂલોનું નાનકડું અંગત પ્રાયશ્ર્ચિત પણ છે. આજે મારી પાસે પૈસા નથી, પોતાનું ઘર નથી, હું પાર્ટ ટાઈમ જોબ કરીને અમારા બેનો ગુજારો થાય એટલું કમાઉં છું, પરંતુ મારો દીકરો જ્યારે મારા ખોળામાં હોય છે ત્યારે હું બધી તકલીફોને ભૂલી જાઉં છું, મને એક જ વાતનો અહેસાસ હોય છે કે એ મારો દીકરો છે અને હું એની મા… મને એ પણ યાદ આવતું નથી કે એ મારી કૂખે જન્મ્યો નથી અને એનાં સાચાં મા-બાપ કોણ છે એની અમને જિંદગીભર ખબર પડવાની નથી…”

અન્ય અમેરિકન મહિલા ડેનિયલ અને એના પતિએ આફ્રિકાના એક દેશની હબસી છોકરીને દીકરી તરીકે દત્તક લીધી છે. ડેનિયલ લખે છે: “શ્ર્વેત લોકોના પરિવારમાં એક કાળી છોકરી… અમને ખબર હતી કે લોકો જાતજાતના સવાલો પૂછશે, એનાથી અમારી દીકરીને તકલીફ થશે. લોકો કહેશે, તમારે સંતાન દત્તક લેવું હતું તો આપણા જ સમાજમાંથી કેમ લીધું નહીં? એક બ્લેક છોકરી, તે પણ છેક આફ્રિકાના કોઈ અજાણ્યા પ્રદેશની? તમે શું સાબિત કરવા માગો છો? મારો સાદો જવાબ છે, અમે કશુંય સાબિત કરવા માગતાં નથી, અમને તો એક દીકરી જોઈતી હતી, જે અમારાથી સાવ જુદી હોય, છતાં અમારી બની જાય. બીજા રાષ્ટ્રનું સંતાન દત્તક લેવાની પ્રક્રિયા ગૂંચવણભરી હોય છે. તે પાર કરતાં અમને ચાર વરસ લાગ્યાં હતાં… પરંતુ એ માટે હું જ્યારે જ્યારે એ દેશમાં ગઈ ત્યારે મને ત્યાંના નવા લોકોનો, નવી પરંપરાઓનો, નવી સંસ્કૃતિ-સભ્યતાનો પણ પરિચય થયો. અમે અમારી દીકરીની સાથેસાથે નવા પરિવાર, નવા સંબંધો અને નવી સભ્યતાને પણ અમારા ઘરમાં લાવ્યાં છીએ. અમે દીકરીના કબાટમાં એના સમાજનાં પોશાકો અને ચીજવસ્તુઓ પણ મૂક્યાં છે, જેથી એ ધારે ત્યારે એનો ઉપયોગ કરી શકે અને પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલી રહી શકે. સાચી વાત તો એ છે કે અમે માત્ર બીજા જ દેશની, ચામડીના જુદા રંગવાળી, છોકરીને દત્તક લીધી નથી, એ દેશના લોકોએ પણ બીજા દેશનાં, ચામડીના જુદા રંગવાળાં, અમને દત્તક લીધાં છે.”

મૂળ બંગાળી, અંગ્રેજીમાં લખતાં, જુમ્પા લાહેરીની નવલકથા “લો લેન્ડ”માં ત્રણ પાત્રો જુદા જ દાયરાના સંબંધો ધરાવે છે. વાર્તાનાયકનો નાનોભાઈ પશ્ર્ચિમ બંગાળમાં ચાલેલી નક્ષલવાદી ચળવળમાં ભાગ લેતો હતો. પોલીસે એને મારી નાખ્યો ત્યારે એની પત્ની ગર્ભવતી હતી. આ બધું બને છે ત્યારે વાર્તાનાયક યુ.એસ.માં હતો. એ કલકત્તા આવે છે ત્યારે એનાં માતાપિતાનો નાના દીકરાની વહુ સાથેનો રુક્ષ વ્યવહાર એ સહન કરી શકતો નથી. એ ભાઈની પત્નીને સલામત ભવિષ્ય આપવા માટે એની સાથે પરણે છે અને યુ.એસ. લઈ જાય છે. ત્યાં એ દીકરીને જન્મ આપે છે. એક વિચિત્ર પ્રકારના સંબંધોમાં એમનું કુટુંબ ગૂંચવાઈ જાય છે. સ્ત્રી માટે જે પતિ છે એ એનો જેઠ પણ છે અને એની દીકરીનો પિતા નથી. પુરુષ માટે એની પત્ની એના નાનાભાઈની વિધવા પણ છે અને દીકરીને તો એ મોટી થાય છે ત્યાં સુધી ખબર પણ પડતી નથી કે એ જેને પપ્પા કહે છે એ પુરુષ કોણ છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.