ટાઈટલ સોન્‍ગ – શીર્ષક ગીતની સંગત + મેલા (૧૯૪૮)

બીરેન કોઠારી

શીર્ષક ગીતની સંગત

હિન્દી ફિલ્મોમાં ‘શીર્ષક ગીત’ કહેતાં ‘ટાઈટલ સોન્ગ’ ની પરંપરા પુરાણી છે. બે પ્રકારનાં ગીતોને ‘ટાઈટલ સોન્ગ’ ગણવામાં આવે છે. એક તો એવું ગીત કે જેમાં ફિલ્મનું નામ આવતું હોય. જેમ કે, ‘બરસાત મેં….તાક ધિના ધિન..’ (‘બરસાત’નું ટાઈટલ સોન્ગ), ‘એક સે બઢકર એક, મૈં લાઈ હું તોહફે અનેક’ (‘એક સે બઢકર એક’નું ટાઈટલ સોન્ગ), ‘અનહોની કો હોની કર દે, હોની કો અનહોની’ (અમર અકબર એન્થની’નું ટાઈટલ સોન્ગ) અને એવાં અસંખ્ય ગીતો. આ ગીત ફિલ્મમાં કોઈ પણ સ્થાને મૂકાયેલાં હોય.

બીજો પ્રકાર છે ફિલ્મના આરંભે, તેના ટાઈટલની સમાંતરે જે ગીત વાગે એ. આ નવી શ્રેણીમાં આવા, બીજા પ્રકારનાં ગીતો વિશે વાત કરવાનો ઈરાદો છે.

ટાઈટલ સોન્ગ સામાન્ય રીતે એ રીતે લખાયેલાં હોય છે કે તેમાં ફિલ્મની કથાનો કેન્દ્રવર્તી સૂર સમાવાયો હોય. એટલે કે ફિલ્મની કથા નહીં, પણ તેનો આંતરપ્રવાહ અથવા તો કથાનો નીચોડ. મોટા ભાગની ફિલ્મોમાં આ ગીત ઘેરો અવાજ ધરાવતા, પુરુષ ગાયકના સ્વરમાં સાંભળવા મળે છે. આ ગીત મોટે ભાગે ફિલસૂફીયુક્ત હોય છે. તદુપરાંત ઐતિહાસિક કે પૌરાણિક કથાનકવાળી ફિલ્મમાં જે તે પાત્ર યા ઘટનાની કથા પણ ટાઈટલ સોન્ગ દ્વારા જણાવાય છે. તેમાં ફિલ્મનું નામ હોય પણ ખરું, અને ન પણ હોય. આ એક સામાન્ય નીરિક્ષણ છે, અને તેમાં અનેક અપવાદો રહેવાના. આ શ્રેણીમાં ટાઈટલ સોન્ગનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. દર મહિનાના બીજા શુક્રવારે આ શ્રેણીની રજૂઆત થશે.

આ શ્રેણીની પહેલી કડી.

**** **** ****

મેલા (૧૯૪૮)

૧૯૪૮ માં રજૂઆત પામેલી, વાડિયા ફિલ્મ્સ લિ. નિર્મિત, એસ.યુ.સની દિગ્દર્શીત ‘મેલા’માં દિલીપકુમાર, નરગીસ, જીવન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ 12 ગીતો હતાં, જે શકીલ બદાયૂંનીએ લખ્યાં હતાં, અને સંગીતકાર હતા નૌશાદ. આ ફિલ્મનાં ગીતોની વિશેષતા એ હતી કે તેમાં દિલીપકુમાર માટે મુકેશના સ્વરનો ઉપયોગ કરવામાં આવેલો. આગળ જતાં મુખ્યત્વે તલત મહમૂદ અને મહમ્મદ રફી દિલીપકુમારને સ્વર આપતા થયેલા. ઉપરાંત નાયિકા નરગીસ માટે શમશાદ બેગમનો સ્વર લેવામાં આવેલો, જેમના માટે આગળ જતાં લતા મંગેશકરનો સ્વર મુખ્ય બની રહેલો.

ફિલ્મનાં કુલ 12 ગીતો પૈકી ‘યે જિ‍ન્દગી કે મેલે’ રફીના સ્વરમાં અને ‘ફિર આહ દિલ સે નીકલી’ ઝોહરાબાઈના સ્વરમાં હતું. એ સિવાયનાં તમામ ગીતો મુકેશ અને શમશાદ બેગમનાં એકલ કે યુગલ ગીતો હતાં. ‘આઈ સાવન ઋતુ આઈ’ (મુકેશ, શમશાદ અને સાથીઓ), ‘મૈં ભંવરા તૂ હૈ ફૂલ’ (મુકેશ, શમશાદ), ‘મેરા દિલ તોડનેવાલે’ (મુકેશ, શમશાદ) યુગલ ગીતો હતાં. ‘પરદેસ બલમ તુમ જાઓગે’, ‘ગમ કા ફસાના કિસકો સુનાયેં’, ‘મોહન કી મુરલીયા બાજે’, અને ‘તકદીર બની બનકર બીગડી’ શમશાદ બેગમ દ્વારા ગવાયાં હતાં. મુકેશનાં એકલગીત માત્ર બે હતાં. ‘ગાયે જા ગીત મિલન કે’ અને ‘ધરતી કો આકાશ પુકારે’.

‘યે જિંદગી કે મેલે’ને ફિલ્મનું થીમ સોંગ કહી શકાય.

શમશાદ બેગમ દ્વારા ગવાયેલું ‘ધરતી કો આકાશ પુકારે’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું હતું. આને ગીત કહેવું મુશ્કેલ છે, કેમ કે, બધું મળીને આખી પંક્તિ બે જ છે.

‘ધરતી કો આકાશ પુકારે, આજા આજા પ્રેમ દ્વારે, આના હી હોગા;
ઈસ દુનિયા કો છોડ કે પ્યારે, ઝૂઠે બંધન તોડ કે સારે, જાના હી હોગા.’

આમ છતાં, શમશાદ બેગમના સ્વરમાં ટાઈટલ સાથે વાગતું આ ગીત ચિરંજીવ અસર ઊભી કરે છે. આ ગીત શમશાદ બેગમના સ્વરમાં ફિલ્મના અંતમાં પણ છે જેમાં દિલીપ કુમારને નરગીસનો આત્મા પુકારીને આકાશ સાથે મળી જવાનું ઈજન આપતો હોય તેવું કલ્પવામાં આવ્યું છે.

આ જ ફિલ્મ મુકેશના સ્વરમાં પણ વાગે છે, જ્યારે નરગીસને વિચાર આવે છે કે દિલીપ કુમાર તેને પોકારે છે. નરગીસ પણ પહેલાં વિચારે ચડે છે પરંતુ પછીથી પોતાના પ્રેમીના અભિસારે તેમની મૂળ મિલનની જગ્યાએ મળવા નીકળી પડે છે

સામાન્યપણે જ્યારે પુરુષ અને સ્ત્રી સ્વરમાં કોઈ અલગ અલગ સંસ્કરણવાળાં ગીતો બન્યાં છે ત્યારે પુરુષ સ્વરનાં ગીતો વધારે પ્રચલિત થયાં હોય એવું જોવા મળતું હોય છે. પરંતુ, અહીં વધુ લોકપ્રિય શમશાદ બેગમવાળું વર્ઝન થયું. આ ગીતમાં ‘ધરતી કો આકાશ પુકારે’ દ્વારા પ્રિય પાત્રના અફર મૃત્યુના સ્વીકારની વાત કહેવાઈ છે.

ગુરુ નલિન શાહે જણાવ્યા અનુસાર આ ગીતની ધૂન હકીકતમાં ગુલામ હૈદર દ્વારા સંગીતબદ્ધ, ઉમરાજીયા બેગમ દ્વારા ગવાયેલા ‘રાવી કે ઉસ પાર સજનવા‘થી પ્રેરિત છે. અમદાવાદમાં ગ્રામોફોન ક્લબ’ના કાર્યક્રમ માટે આવેલાં શમશાદ બેગમને પૂછતાં તેમણે પણ હસતાં હસતાં આ વાતને સમર્થન આપ્યું હતું.

જો કે, એટલું સ્વીકારવું રહ્યું કે આ ગીતની મૂળ ધૂન માટે નૌશાદ ભલે ગુલામ હૈદરની ધૂનથી પ્રેરિત થયા, પણ તેમણે આ ધૂનમાં અદ્‍ભુત ઓરકેસ્ટ્રેશન કરીને તેને ચિરંજીવ બનાવી દીધું છે. એક ગીતને પૉલિશ કરીને તેને પોતાનો ટચ શી રીતે આપી શકાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.04થી 2.03 સુધી ટાઈટલ સોન્ગ છે. ખરું જોતાં ગાયનનો હિસ્સો માત્ર 0.15થી 0.53 સુધી જ છે. 0.53થી 2.03 સુધી માત્ર સંગીત છે, જે એક અદ્‍ભુત અસર ઊભી કરે છે.


નોંધ ખાતર એટલી માહિતી જરૂરી કે આ જ નામની બીજી બે ફિલ્મો ૧૯૭૧ બને ૧૯૯૯માં રજૂઆત પામી હતી.


(તસવીરો નેટ પરથી, વિડીયો ક્લીપ યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ટાઈટલ સોન્‍ગ – શીર્ષક ગીતની સંગત + મેલા (૧૯૪૮)

  1. એક યુગ હતો ટાઇટલ સોંગ નો છેક 90 ના દસક સુધી તો ગીતો બનતાં રહ્યાં . હવે એ ક્રેઝ ઓછો થઈ ગયો પરંતુ હતો ત્યારે સિનેમા હોલ માં એની જબરજસ્ત બોલબાલા હતી.મેલા થી દુશ્મન ડોન કે અમર અકબર એન્થની મૈને પ્યાર કિયા જેવા અસંખ્ય ઉદાહરણો મળી રહે.હવે જમાનો OTT સુધી આવી ગયો મૂવી જોવા સિનેમા હોલ માં જતા હતા તે પણ યાદી બની રહેશે એવું લાગે છે.સરસ લેખ રહ્યો. દેન્ઝોંગપ્પા ડેની અંગે કાંઈ તમારી કલમે લખાયેલું હોય તો ક્યારેક વાંચવાની તક આપશો.

Leave a Reply

Your email address will not be published.