ફરી કુદરતના ખોળે : વૈયું

વૈયું/ Rosy Starling (Pastor roseus) / Rose-coloured starling

જગત કીનખાબવાલા

૨૩ સેન્ટિમીટર, ૯ ઇંચ નું કદ

ટેક્નિકલ વૈજ્ઞાનિક શોધ અને વૈયા

ચમકતું કાળું, અવ્યવસ્થિત ચોટલી વાળું માથું, રોઝ/ ગુલાબી કલરનું શરીર, ફીકા બદામી રંગના પગ અને ચાંચ ફીકી પીળાશ પડતી જોઈ તરતજ ઓળખી જવાય તે કાબરના કુળનું અને દેખાવે કાબરને મળતું આવતું પક્ષી એટલે વૈયું/ રોઝી સ્ટારલીંગ. તેની પાંખ અને પીંછા એકદમ ચળકતા કાળા રંગના હોય છે. શિયાળાના સમયમાં વૈયાનો રંગ એકદમ ચમકીલો થઇ જાય છે, બેઉ રંગ, ગુલાબી અને કાળો ચમકીલો થઇ જાય છે. તેની ઉપર પ્રકાશ પડવાથી તેની ચમકને કારણે જુદા જુદા રંગની સુંદર ઝાય દેખાય છે.

નર અને માદા વૈયા દેખાવમાં લગભગ સરખા હોય છે પરંતુ માદા વૈયાને ને કલગી થોડી નાની હોય છે અને બાંધો નર વૈયાથી થોડો નાજુક હોય છે અને તે કારણે તેના શરીરનો ગુલાબી અને કાળા રંગ વચ્ચેનો ભાગ ઓછો થઇ જતો હોઈ નર વૈયું અને માદા વૈયું સાથે હોય તો તેમને કદના શારીરિક તફાવતના કારણે નર અને નાજુક માદા તરીકે ઓળખી શકાય છે.

વૈયાના ઝુંડનું સુંદર આકાશી નૃત્ય તમે નથી જોયું?

છેલ્લા ઘણાં સમયથી બહુ ચર્ચામાં રહેતું આ પક્ષી આકાશમાં ખુબજ મોટા સમૂહમાં સુંદર રીતે સમી સાંજે એક લયમાં હવામાં લહેરાતા જોવા મળે છે, લોકો જતા હોય કે વાહન ચલાવતા હોય તો આ નજારો જોવા માટે ઉભા રહી જાય. લયમાં થતી આ પ્રક્રિયા મરમૂરેસન તરીકે ઓળખાય છે.
દુનિયાની જાણીતી અને વિશાળ કંપની ગુગલ, વૈયા પક્ષીના સામુહિક ઉડાનનો આર્ટીફીસીયલ ઇન્ટેલિજેન્સ માટે ખુબજ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. તેમનો અભ્યાસનો હેતુ એ હતો કે હજારોની સંખ્યામાં વૈયા ખુબ લાંબા સમય સુધી લયમાં ઉંડાણ ભરે તેમ છતાં એકબીજા સાથે અથડાતા કેમ નથી? આ વૈજ્ઞાનિક અભ્યાસથી તેમનો જાણવાનો હેતુ એ હતો કે કારચાલક વગરની ઓટોમેટિક મોટરકાર ડિઝાઇન કરતી વખતે આ અભ્યાસ કામમાં આવે. સરળતાથી મોટર ચાલતી રહે તેમજ ઓચિંતી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો મોટર પોતાની જાતે વળી જાય અને બીજે અથડાય નહિ. આવીજ રીતે આકાશમાં એક સાથે એક કરતા વધારે જુદા જુદા પ્રકારના અને જુદી જુદી કંપનીના ડ્રોન ઉડે કે જેઓની ડિઝાઇન તેમજ રચના એકબીજાથી જુદી છે અને તેમ છતાં ત્યારે તે પણ એક બીજા સાથે અથડાય નહિ તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

એક પક્ષી કેટલું શીખવાડી જાય! દુનિયામાં આવા ઘણા વિડિઓ છે કે તમે આ પક્ષીના ઝુંડને અચંબિત થઈને લયબદ્ધ રીતે ઉડતા જોઈ શકો છો.

આવા ઉડાન પાછળના વિવિધ કારણો છે. એક કારણ એ છે કે તે આવી રીતે ઉડતા હોય ત્યારે શિકારી પક્ષી તેમની ઉડાનને સમજી નથી શકતા અને તેઓ શિકાર બનતા બચી જાય છે. બીજું એક કારણ છે કે સવારે ખોરાક માટે ઉડાન ભર્યા પછી સાંજે પાછા આવે ત્યારે તેઓ આવા ઉડાનથી તેમના જે સાથીદારો વિખુટા પડી ગયા હોય તેવા સાથીદારોને દિશાસૂચન કરે છે કે અમે બધા આ જગ્યાએ છીએ અને આપણાં ઉતારા તરફ જવા તમે આવી જાઓ. રાતવાસો માટે આવે ત્યારે તેમના એક ધારા કચકચાટથી તે આખો વિસ્તાર ગજાવી નાખે. આડા અવળા થયા વિના તેજ ઉંડાણ કરે અને પાંખો વીંઝતા સીધા ઉડે.

પરદેશથી ભારતમાં આવે અને સહુથી લાંબા સમય સુધી રહેનારું આ પક્ષી પહેલી વખત જુવો તો અચંબો થાય કે કાબર ગુલાબી રંગની કેમ છે ! ઈંડા મુકવાની ઋતુમાં અને તે સિવાયની ઋતુમાં તેમનો રંગ સ્પષ્ટ જુદો અને બદલાયેલો દેખાય છે.

આ પક્ષીનું એક નકારાત્મક પાસું છે કે આસપાસના સ્થાનિક પક્ષીઓને મારી નાખે છે અને તેમના માળા પણ બચ્ચા સાથે વેરવિખેર કરી નાખે છે.

પૂર્વ યુરોપ થી મધ્ય એશિયા અને ભારતમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં લાખ્ખોની સંખ્યામાં ઝુંડના ઝુંડ ઠેર ઠેર ઉતરી આવે છે. પોતાના વિશાળ વૃંદમાં વસનારું પક્ષી છે. મુખ્યત્વે શાકાહારી પક્ષી છે પરંતુ મેં મહિનાથી જૂન મહિના સુધી તેમની ટૂંકી પ્રજનનની ઋતુમાં તીડ, તીતીઘોડા, ખડમાંક્ડી ખઈ જઈને તેમની સંખ્યા મર્યાદિત કરી ખેડૂતને મદદરૂપ બને છે. જ્યાં પણ કઠોળના મોટા ખેતર, જુવાર તેમજ બાજરીના ખેતર, બેરીઝ / રસ ઝરતાં ફળ, શેતુર, દ્રાક્ષ, ખારેક, ફળફળાદિના બગીચા જેવા વિસ્તારમાં વસવાનું પસંદ કરે છે અને અનાજ પાકે ત્યારે અનાજ સફાચટ કરી નાખે છે. ફૂલો ઉગતા હોય તેવા શીમળો,પંગારા, પલ્ટુફાર્મ જેવા વૃક્ષો ઉપરથી ફૂલ અને ફૂલોનો અમૃતરસ તેમને વધારે ભાવે છે.
માંદગી, બચ્ચા અને ઘરડાં વૈયા પોતાને વતન પાછા જઈ ન શકે તેમાંના બહુ સ્થાનિક વાતાવરણને અનુકૂળ થઈને જીવી લે છે અને તેમને જે બચ્ચા જન્મે તે સ્થાનિક બનીને રહે છે. આમતો પૂર્વ યુરોપથી લાખ્ખોની સંખ્યામાં શિયાળાની ઋતુમાં તેઓ યુરોપનો આકરો શિયાળો છોડી ભારત અને દક્ષિણ એશિયાના ઘણા દેશમાં પહોંચી જાય છે.

૧૯૮૦ ના ગાળાથી ક્ષીનજિઆંગ પ્રાંતમાં (ચાઈના) ખેડૂતો તેમને માટે માળા બનાવી આકર્ષે અને તેઓ ખેતરના તીડ અને તીતીઘોડા જેવા જીવડાં ખઈ જઈ ખેડૂતને ખુબ મદદરૂપ બની રહે છે અને ત્યારથી વૈયા, ક્ષીનજિઆંગ પ્રાંત, (ચાઈના) વધારે પસંદ કરે છે. આ કારણે ૨૦૦૦ની સાલથી ખેડૂતોનો ક્ષીનજિઆંગ પ્રાંતમાં (ચાઈના) કીટાણુનાશક/ પેસ્ટીસાઇડ દવાઓનો વપરાશ નહીંવત થઇ ગયો.


(ફોટોગ્રાફ્સ અને એક વિડિઓ લેખકના ઘરનો છે અને સાથે શ્રી રવિ સક્સેના)


આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

Love – Learn – Conserve


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “ફરી કુદરતના ખોળે : વૈયું

Leave a Reply

Your email address will not be published.