ચેલેન્‍જ.edu : વ્યવસાયમાં સંપૂર્ણ સુરક્ષા : યોગ્ય કે અયોગ્ય ?

રણછોડ શાહ

“બે-ચાર નાનાં સ્મિત, અઢળક ને દર્દ,
આ જિંદગી આવી છે લઈને દહેજમાં!”

વીરુ પુરોહિત

મનુષ્યના જન્મથી અંત સુધી કેટલીક બાબતો તેના જીવનનું અવિભાજય અંગ બને છે. વ્યકિતની સાથે તેનો કૌટુંબિક વ્યવહાર, શૈક્ષણિક ઉપલબ્ધિઓ, સ્વાસ્થ્ય, આર્થિક બાબતો, સમાજમાં તેનું સ્થાન વગેરે જેમ તેની સાથે જિંદગીપર્યત રહે છે તે જ રીતે તેનું વ્યાવસાયિક જીવન પણ સતત તેની સાથે સંકળાયેલું રહે છે. તેના જીવનનો પ્રત્યેક ધબકારો તેની કામગીરી સાથે જોડાયેલ હોય છે. ટૂંકમાં વ્યાવસાયિક જીવન પણ વ્યકિતના જીવનમાં કેન્દ્રસ્થાને છે.

સમાજમાં શિક્ષણને મહદ્‌ અંશે આજીવિકા સાથે સાંકળવામાં આવે છે. મમ્મી-પપ્પા કયા વ્યવસાયમાંથી વધુ આર્થિક ફાયદો થાય તે શિક્ષણ મેળવવા કે અપાવવા પ્રયત્નશીલ રહે છે. તો યુવાનો પણ માત્ર આર્થિક મુદ્દાને કેન્દ્રમાં રાખી ડિગ્રી મેળવવા પ્રયત્ન કરે છે. આજે પણ વ્યાવસાયની પસંદગીમાં જે કેટલાક વ્યવસાયો પ્રથમ પસંદગીના રહ્યા છે તેમાં જે તે વ્યવસાયના લક્ષણો કરતાં વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે. સૌ વડીલો પોતાના બાળકોને ડૉકટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માંગે છે. સમાજની સહજ માન્યતા એ છે કે આ વ્યવસાયો જ જિંદગીમાં સૌથી વધુ આર્થિક વળતર આપતા હોવાથી તે જિંદગીને સફળ બનાવે છે. જો વિદ્યાર્થી ઉપર જણાવેલમાંથી એકાદ ડિગ્રી પ્રાપ્ત કરે તો બસ પછી ‘જીવતરનો ફેરો’ સફળ થઈ ગયો તેવી માન્યતા દૃઢ થઈ ગઈ છે.

આ તમામ કરતાં પણ જે વ્યકિતને સંપૂર્ણ સુરક્ષિત એવી સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં નોકરી મળી ગઈ તો પછી જીવનમાં કાંઈ કરવાનું રહેતું નથી. સમાજમાં ‘સંપૂર્ણ સુરક્ષિત સરકારી નોકરી’ની આગવી પ્રતિષ્ઠા છે. લગ્નના બજારમાં તો સરકારી નોકરી પ્રાપ્ત કરનાર મુરતિયો કે કન્યા તો પોતાના કૉલર સદાય ઊંચા રાખીને ફરે છે. સરકાર માબાપના એકવાર ‘જમાઈ’ થઈ જઈએ પછી જોવાનું જ શું ? આખી જિંદગી નિર્ભય થઈ સમાજમાં ફર્યા કરવાનું રહે છે. જે વ્યવસાયમાં સંપૂર્ણ સુરક્ષિતતા હોય તે વ્યવસાય હંમેશા પ્રથમ પસંદગીનો વ્યવસાય રહ્યો છે. સૌ યેનકેન પ્રકારેણ ‘સરકારી નોકરી’ મેળવવા પ્રયત્નકરે છે. સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખતામાં આવતી નથી. સંપૂર્ણ સુરક્ષિત સરકારી કામગીરી મળી જાય તો જીવતાં જીવતાં સ્વર્ગ મળી ગયું હોય તેવી સમાજની તથા વ્યકિતની સ્પષ્ટ સમજ થઈ ગઈ છે. સમાજમાં કુલ નોકરીના માત્ર બે કે ત્રણ ટકા સદ્‍ભાગી લોકોને જ સુરક્ષિત નોકરી પ્રાપ્ત થાય છે ! પરંતુ સૌની નજર તે તરફ જ છે. જીવનમાં તદ્દન નિષ્ફળ જવાનું પ્રથમ પગથિયું સંપૂર્ણ સુરક્ષિત નોકરી હોવાનું કોઈના ઘ્યાનમાં આવતું નથી. જયારે વ્યકિતને સંપૂર્ણ સુરક્ષિતતા પ્રાપ્ત થાય એટલે તેના વ્યવસાયિક વિકાસ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. જો વ્યકિતને કોઈ પણ જાતની મહેનત કર્યા વિના રોટી-કપડા-મકાન પ્રાપ્ત થઈ જાય તો પછી તે શા માટે સંઘર્ષ વેઠી આગળ વધવાનો પ્રયત્ન કરે ? સંપૂર્ણ સુરક્ષિત નોકરી વ્યકિતને સ્વચ્છંદી અને ઘમંડી બનાવી દે છે. સરકારી કે અર્ધસરકારી વ્યવસાયમાં વ્યકિત ગમે તેવી વર્તણૂક કરે તો પણ તેને વ્યવસાયમાંથી દૂર કરી શકાય તેમ નથી. તે તેના સાહેબ કે સંસ્થાના વડાની આજ્ઞાનું સંપૂર્ણપણે ઉલંઘન કરે તો પણ તેને વ્યવસાયમાંથી રુખસદ આપી શકાતી નથી. તેની તેને સંપૂર્ણ ખબર હોવાથી ધીમે ધીમે તે તેના ઉપરી અધિકારીની અવગણના કરે છે. તેના વિશે ગમે તેવી અરુચિકર, અયોગ્ય અને આકરી ટીકાઓ જાહેરમાં અને ખાનગી સ્થળોએ કરે છે, કારણ કે તેને ખબર છે કે તેનો કોઈ પણ વાળ વાંકો કરી શકે તેમ નથી.

 

ધીમે ધીમે આવી વ્યકિતઓના અંગત જીવનમાં પણ તોછડાઈ, બીજાની અવગણના કરવી, નગુણાપણાનો વ્યવહાર કરવા જેવા દુર્ગુણોનો સંપૂર્ણપણે વિકાસ થઈ જાય છે. આ વ્યકિતઓ નફીકરી અને નફફટ થઈને જાહેરમાં બિનધાસ્ત વર્તણૂક કરે છે. તેમના અંગત જીવનમાંથી પણ ચીવટ, કાર્યદક્ષતા, વફાદારી, નિસ્બત, ધગશ અદૃશ્ય થઈ જાય છે. તેઓ તદ્દન આળસુ અને બિનજવાબદાર વર્તણૂક કરી જીવન પૂર્ણ કરે છે.

મોતનો આઘાત તો જીરવી જવાશે એક દિન,
જિંદગીનો ઘાવ જે ઝીલે છે, શક્તિમાન છે.

સૈફ પાલનપુરી

આવી વ્યકિતઓ પોતાને અંગત રીતે તો ભયંકર નુકસાન પહોંચાડે છે જ, પરંતુ તેનાથી વિશેષ તો તે જે સંસ્થામાં હોય તેને લૂણો લગાડી સંસ્થાને નામશેષ કરી દે છે. સમાજ સંસ્થાઓનો બનેલો છે. સંસ્થા જમીનદોસ્ત થાય તો તેની સીધી અસર સમાજજીવન ઉપર પડે છે. સમાજ પણ ધીમે ધીમે આવી નકામી વ્યકિતઓથી ટેવાઈ જાય છે. આજે કોઈ સરકારી કે અર્ધસરકારી કચેરીમાં આપણું કામ સમયસર ન થાય તો આપણને તેનો વસવસો પણ થતો નથી. આપણે આપણા હક્કો ભૂલી ગયા છીએ. આપણું કામ જે તે કર્મચારી ન કરે તો ઉપરી અધિકારી પાસે તે બાબતની ફરિયાદ કરવાને બદલે જે તે વ્યકિતની ખુશામત કરીને કે લાંચ આપીને આપણું કામ કઢાવી લઈએ છીએ. આપણને ખબર છે કે ઉપરી અધિકારી પણ આવા ખોડાં ઢોર જેવા કર્મચારીનું કાંઈ બગાડી શકતા નથી, કારણ કે તેને નોકરીમાંથી બરતરફ કરવો હોય તો દિવસે તારા જોવા જેવું છે. બે-ચાર સાહેબો બદલાઈ જાય પછી આવા ખાઈ બદેલા કર્મચારીની ચામડી સખત જાડી થઈ જાય છે. ૫૮ કે ૬૦ વર્ષની ઉંમરે તે નિવૃત્ત થાય ત્યાં સુધીમાં તો સમાજને ભયંકર નુકસાન થઈ ચૂકયું હોય છે.

એક સર્વે કરવા જેવો છે કે જેટલી વ્યકિતઓ સરકારી કે અર્ધસરકારી નોકરીમાં જોડાઈ તેમાંથી કેટલા ટકા લોકોએ વ્યવસાયમાં જોડાયા બાદ પ્રગતિ કરવા વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો છે ? તેમણે તેમના વ્યવસાયમાં આગળ વધવા માટે કયારે વ્યાવસાયિક સજ્જતા વધારવા પ્રયત્ન કર્યો છે ? તેમને તેમના પોતાના વિકાસ માટે કોઈ પ્રયત્ન કર્યો છે ખરો ? તેમણે પોતાની વ્યવસાયિક પ્રગતિ માટે કોઈ વિશિષ્ટ પ્રયત્નો કર્યા છે ખરા ? જો તે પોતાની જાત તરફ જ સજાગ, પ્રામાણિક, જવાબદાર, વફાદાર નથી તો પછી તે તેના ગ્રાહક પ્રત્યે જવાબદાર હશે ખરો ? ગ્રાહકને સંતોષ આપવાની તેની ફરજ છે તેમ સમજશે ખરો?

દુનિયાના જે દેશોએ પ્રગતિ કરી છે તેનો અભ્યાસ કરીએ તો ખબર પડશે કે તે દેશોમાં નોકરીમાં સંપૂર્ણ સુરક્ષિતતા નથી. નોકરીએ રાખનાર પાસે ‘હાયર એન્ડ ફાયર’ની સત્તા છે. આપણે ત્યાં ‘ગાય અને ગધેડાં’ સાથે ચાલે છે. બંને વચ્ચે કોઈ ભેદ નથી. કામ કરે તે અને કામ ન કરે તે બંનેને વર્ષાન્તે સરખો જ આર્થિક લાભ થાય છે. તો પછી વ્યકિત શા માટે કાર્ય કરે ? પોતાની જાત પ્રત્યે કે ફરજ પ્રત્યે જાતે જવાબદાર હોય તેવા કેટલા ટકા લોકો સમાજમાં હોઈ શકે ? આ પરિસ્થિતિને કારણે સમાજમાં સામાન્ય (mediocre) વ્યકિતઓનું પ્રમાણ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે.

સંપૂર્ણ વ્યાવસાયિક સુરક્ષિતતાના કદાચ ફાયદા પણ હશે. વ્યકિત ચિંતામુકત અને ભવિષ્ય સુરક્ષિત હોવાથી સારું કાર્ય કરી શકે તેવી માન્યતા હોય તો તેમાં કદાચ વજૂદ છે. પરંતુ આજે આવી પરિસ્થિતિ જોવા મળતી નથી. આ સંજોગોમાં આ મુદ્દે ફેરવિચારણાની આવશ્કયતા છે.

આચમન:

જાણી લીધું આ જિંદગી કેવળ મજાક છે,
સીધા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે.

યોસેફ મેકવાન


(તસવીરો નેટ પરથી)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.