લ્યો,આ ચીંધી આંગળી : કૃષિનું જીવંત મહાવિદ્યાલય એટલે ક઼ુરેશી ફાર્મ

રજનીકુમાર પંડ્યા

ગયા મહિને બે દિવસ માટે ગુજરાત પર ત્રાટકેલા તૌકતે (કે સાચો ઉચ્ચાર જે હોય એ) નામના વાવાઝોડાએ આખા રાજ્યને ધમરોળ્યું. તેનાથી માલમિલકતનું નુકસાન થયું, પણ ખેતીવાડીમાં થયેલા નુકસાનનો સાચો અંદાજ મળવો મુશ્કેલ છે. કોરોનાને કારણે આમ પણ માલના વેચાણ આડે અનેક અવરોધો હતા, અને એમાં આ વાવાઝોડાએ દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ પેદા કરી દીધી. આ સમયગાળો ખાસ કરીને કેરીઓનો હતો. આંબા પર કેરીઓ તૈયાર થઈ જવા આવી હતી અને થોડા દિવસમાં તેને ઉતારવાની તૈયારીઓ કરવાની હતી. વંટોળના ઝપાટે એ બધી ખરી પડી.

ગયા વર્ષે, અને એની અગાઉના વર્ષે પણ લગભગ આ જ સમયગાળે ગીરના જગમશહૂર,‘લીલું રજવાડું’ કહી શકાય એવા ‘ક઼ુરેશી ફાર્મ’ની કેરીઓ અને એ ‘રજવાડા’ના ‘નવાબ’ ગફારભાઈ ક઼ુરેશીનો વિગતે પરિચય કરાવેલો. વાવાઝોડું શમ્યું એ પછી મને ‘ક઼ુરેશી ફાર્મ’નો વિચાર આવ્યો કે તેની શી સ્થિતિ થઈ હશે? અગાઉ તેની મુલાકાત લીધી હતી ત્યારે નજર પહોંચે ત્યાં સુધી આંખને ઠારે એવી લીલોતરી જોઈ હતી. હવે તેની હાલત કેવી હશે? ગફારભાઈને ફોન કર્યો. વાવાઝોડા અંગે વાત થઈ.

‘ક઼ુરેશી ફાર્મ’ને નુકસાન તો થયું જ હતું.અઢળક નુકસાન. પણ ગફારભાઈ હાથ જોડીને બેસી રહે એમાંના નથી. કુદરત છે. એ મહેર પણ વરસાવે, અને કહેર પણ વરસાવે. એની મહેરને માણીએ એમ કહેરને વેઠવાની તૈયારી હોવી જોઈએ. આમ કહીને એમણે ‘ક઼ુરેશી ફાર્મ’માં તેમણે કેરી ઉપરાંત બીજા જે અનેક જાતનાં વાવેતર કર્યાં છે એની વાત કરી.

ડી.ટી.નાળિયેરી વિશે જાણવામાં મને રસ પડ્યો. ગફારભાઈનો મૂળભૂત હેતુ નફાખોરીનો નહીં, પણ ખેડૂતોને સારી આવક મળી રહે અને સારી ગુણવત્તાસભર વસ્તુ લોકો સુધી પહોંચાડવાનો છે. ‘ક઼ુરેશી બાગ’થી  પંદરેક કિલોમીટરના અંતરે તેમણે નાળિયેરીની સરકારમાન્ય હાઈબ્રિડ જાત એવી ટી.ડી નાળીયેરીનું ફાર્મ તૈયાર કરેલું છે, જે સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ મુકામે આવેલ છે.

આ નાળીયેરી ત્રણ જ વર્ષમાં ઉત્પાદન આપવા માંડે છે. તેનાં પાન એકદમ ચમકદાર તેમજ આકર્ષક, ઘેરા લીલા રંગનાં થાય છે. આ નાળીયેરીનું મીઠું અને અંદરનું કોપરૂ જાડું થાય છે. તેના કોપરામાં તેલનું પ્રમાણ બીજા નાળીયેરની સરખામણીએ વધુ હોય છે. નાળીયેરીની એક લૂમમાં 60 થી 80 નાળીયેર લાગે છે. ઉત્પાદનમાં આ નાળીયેરી થાકતી નથી, આથી સરકાર આ નાળીયેરી વાવવાની ખેડૂતોને ભલામણ કરે છે. આ ઉપરાંત નાળીયેરીની અનેક જાતો જેવી કે લોટણ, બોના, વાનફેર,દેશી, મડુંવાઈ, ગોવાઈ, પીળી, ગોલ્ડન સીલ્ક વગેરે અહીં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત જંગલી ઝાડ, ઘાસ, કંદ, આર્યુવેદિક ઝાડ, શોભાનાં ઝાડ, ફળાઉ ઝાડ, વેલાવેલીઓ વગેરે અનેક વનસ્પતિઓ ઉપલબ્ધ છે.

ગફારભાઈ દૃઢપણે માને છે કે અહીં આવતો ગ્રાહક એ ગ્રાહક નહીં, પણ મહેમાન છે.

આ ચાર એકર ભૂમિ પર ગફારભાઈએ કરેલા ચમત્કારે ભલભલા કૃષિવિજ્ઞાનીઓને અચંબામાં નાખી દીધા છે.1985માં એમને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે દેશના વનસ્પતિવર્ધન અને આર્થિક વિકાસની કામગીરી બદલ વિશેષ એવૉર્ડ એનાયત થયો હતો. ભારત સરકારે એમને 2000ની સાલમાં અને એ પહેલાં ગુજરાત રાજ્યે એમને 1998માં સન્માનિત કર્યા.બી.બી.સી.ની ટીમ અને વિશ્વ બેંકની ટીમ પણ અહીંની મુલાકાત લઇ ગઇ છે. ગયે વરસે ‘ટાઈમ્સ ઓફ ઈન્‍ડિયા’એ તાલાળા જઇને એમની મુલાકાત લઇને અને એમના વિષે 15 મી મે,2020ના અંકમાં પત્રકાર નિમેષ ખાખરીયાએ લખ્યું છે:

‘પીટર એન્ડ્રુઝ, કાવસજી પટેલ,મલ્લિકા અર્જુન…જી,ના.આ બધા માણસોના નામ નથી. પણ આ ક઼ુરેશી ફાર્મમાં જોવા મળતી કેરીની બસો માંહ્યલી કિસમમાંથી કેટલીક કિસમોનાં નામ છે. ગફારભાઇ,એમનાં બેગમ જેબુનબેન,એમના પુત્રો આદિલ અને જાહેદ, ઉપરાંત બીજા ચાલીસ મદદગારો આ સવાસો વર્ષ જૂના ક઼ુરેશી બાગમાં બીજી અનેક વનસ્પતિઓ સાથે કેરીની આ બધી લુપ્ત થઇ રહેલી કિસમો(પ્રજાતિઓ)ને જાળવી લેવા અને ઉછેરવા રાત દિવસ તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. જેથી કરીને આવનારી પેઢીઓ સુધી તેનો સ્વાદ પહોંચે અને પછી ત્યાંથી આગળ પણ જાય.’

ગફારભાઈની માત્ર ચૌદ વર્ષની વયે તેમના પિતાજીનું અવસાન થયેલું, પણ પિતાજીની તેમને બરાબર સ્મૃતિ છે. પિતાજી પોતાના કૂવેથી આસપાસના ખેડૂતોને પાણી આપત. તે બજારમાં ખેતપેદાશો વેચવા જતા. તેમની પ્રકૃતિ એવી કે પાછા આવે ત્યારે ચાર-પાંચ જણ સાથે હોય જ. એ સૌને તેઓ જમાડતા. આ બધા સંસ્કારો અનાયાસે ગફારભાઈમાં રોપાતા ગયા. ગફારભાઈએ પછી ખેતી સંભાળી. પણ આઈ.આઈ.એમ; અમદાવાદના પ્રો. અનિલ ગુપ્તા સાથેના તેમના પરિચયે તેમની કાર્યશૈલીમાં મોટું પરિવર્તન આણ્યું. આરંભ થયો એક ‘શોધયાત્રા’નો.

ગફારભાઈના ફાર્મ પરથી આરંભાયેલી આ શોધયાત્રાનો મુખ્ય હેતુ હતો દેશભરમાં ફરીને લુપ્ત થવાને આરે આવેલી મહત્ત્વની વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો, તેના અંગે ખેડૂતોમાં જાગૃતિ કેળવવાની અને તેને બચાવવાના પ્રયાસ કરવાના. સાથેસાથે ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતી બાબતે સભાનતા લાવવાની. આ રીતે જ્ઞાનની આપલે કરતા જવાની અને જૂની તેમજ નવી પેઢી વચ્ચે સંવાદસેતુ સાધવાનો. સૌ પ્રથમ શોધયાત્રાનો આરંભ ગફારભાઈના ફાર્મથી થયો અને ગઢડાની જે.સી.કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠમાં સંપન્ન થઈ. વચ્ચે આવતાં ગામોમાં ગ્રામસભાઓ યોજાતી. અનેકવિધ પ્રશ્નો ચર્ચાતા. આ યાત્રા ઘણી સફળ રહી.

(પહેલી શોધયાત્રા)

આ સીલસીલો એવો ચાલતો રહ્યો કે અત્યાર સુધી આવી ચાલીસ શોધયાત્રાઓ સંપન્ન થઈ છે, જેમાં ઓગણીસ રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે. અનેક ઔષધિઓ, નુસખા, પુરાણી વનસ્પતિઓના વિવિધ ઉપયોગ, કૃષિને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલ- આ બધું શોધયાત્રાનો ભાગ બની રહ્યું છે. ગફારભાઈ કહે છે એમ, મારું જ્ઞાન આ દુનિયામાંથી મારી કાયમી  વિદાય સાથે લુપ્ત થશે,પણ એ પહેલાં એ જ્ઞાન બને એટલાલોકો સુધી પહોંચે તો અમર બની જશે. અને પેઢી દર પેઢી સુધી વિસ્તરતુ રહેશે.

‘ક઼ુરેશી ફાર્મ’માં હવે તો બધું મળીને 5,200 પ્રકારની વિવિધ વનસ્પતિઓ છે, જે એક રીતે જીવંત સંગ્રહાલય કહી શકાય. દેશના એકે એક ખેડૂતમાં આવી જાગૃતિ આવે તો ઘણો ફરક પડી જાય. અને એ પરિવર્તનનો આરંભ ધીમી ગતિએ થઈ રહ્યો હોવાનું ગફારભાઈને લાગે છે.

ગફારભાઇ ક઼ુરેશીએ કૃષિવિજ્ઞાનનું કોઇ શિક્ષણ લીધું નથી, પણ કોઇ પણ વનસ્પતિ,પછી તે નાનકડો છોડ, વેલી કે વિરાટ વૃક્ષ હોય, ગફાર મહમ્મદ ક઼ુરેશી એના વિષેની ઝીણામાં ઝીણી જાણકારી હૈયે રાખે છે. એમને કોઇ પુસ્તકના પાનાઓમાં આથડવું પડતું નથી. એટલે તો એમની આ જગ્યા આજુબાજુના વિદ્યાર્થીઓ તો ઠીક,પણ ખેડૂતો માટે મહાવિદ્યાલય સમાન બની ગઇ છે. આ બાગની મુલાકાત લેવા આવનારા જિજ્ઞાસુઓને એ ખરેખર વિના મૂલ્યે પોતાના સમયનો ભોગ આપીને વનસ્પતિ અને બાગાયતની પ્રત્યક્ષ તાલીમ આપે છે, સજીવ ખેતીના ફાયદા,ખેતીનું પરંપરાગત અને આધુનિક જ્ઞાન,પર્યાવરણની જાળવણીની સમજ, જમીનના પ્રકારોની જાણકારી,કૃષિના સાધનોનું અને જળસંચયની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપી રહ્યા છે.

અનેક ફળાઉ વૃક્ષો- દસ પ્રકારના લીંબુથી માંડીને અનેક જાતના મોસંબી, સંતરા, નારંગી, જામફળ, જમરૂખ,દાડમ,બોર,અનેક જાતનાં આંબળા,દ્રાક્ષ, સોપારી,જાંબુ,સીતાફળ,ખજૂર,ખારેક, અંજીર, ફાલસા, ચીકુ,કરમદા,બદામ,કાજુ,નાળીયેર, ગુંદા, બિલીપત્ર અને બીજાં કેટલાંય વૃક્ષો છે. ફળાઉ વૃક્ષો ઉપરાંત રોડસાઇડ ફૂલ,ઝાડ અને મિશ્ર વેરાઇટી છોડમાં થોરથી શરુ કરીને ખાખરો, લાલ ચંદન,  આસોપાલવ, વાંસ, ધતૂરો, ગુલમહોર,સોનચંપા જેવા જાણીતા ફૂલઝાડથી માંડીને કુલ ત્રણસો નેવું જેટલા વૃક્ષો પણ ગફારભાઇની અને તેમના પરિવારની માવજતથી લહેરાઇ રહ્યા છે.પાર વગરના ઔષધીય વૃક્ષો છે તો ગીરની હવે લુપ્ત થવાના આરે ઉભેલી સેંકડો વનસ્પતિઓ આ બાગમાં જળવાઇ રહી છે.વેલી,વેલા અને કંદમૂળની સો ઉપરાંત જાતો આ લીલા લહેરાતા રજવાડામાં જોવા જ નહિં,આંગણે વાવવી હોય તો કૂંપળ,છોડ, મૂળીયાં, કલમો કે બિયારણરૂપે વાવવા પણ મળે. બીજા રોપાઓ તો રખાયેલી નોંધ પ્રમાણે ત્રીસેક લાખ જેટલા !

(કૃષિવિજ્ઞાન અંગે વક્તવ્ય આપતા ગફારભાઈ)

આવા ચમત્કારો રાતોરાત થયા હોતા નથી. એને માટે પર્યાવરણ જાળવણી અને ચુસ્ત ઓર્ગનિક (સજીવ) ખેતીના નિયમો  પાળવા પડે છે. રાસાયણીક ખાતર તો નહિં, પણ જંતુનાશક દવાઓ પણ નહીં. દેશી છાણીયું ખાતર કેરીની ગુણવત્તાને જાળવી રાખે છે. અને એને  સામાન્ય કેરી કરતાં વધુ મિઠાશવાળી બનાવે છે. છાણીયું ખાતર એ અળસિયાનો ખોરાક છે અને તેની હગાર એ ઉત્તમ ખાતરનું કામ કરે છે. એવા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવાય છે.ગફારભાઇ અળસીયાને વિવિધ વનસ્પતિઓના પાનનો ખોરાક આપે છે તેને કારણે સામાન્ય અળસિયાં કરતા આવા અળસિયાં દ્વારા નિપજતું ખાતર વધુ કસવાળું બને છે. દેડકાંની હગાર પણ જમીનને ફળદ્રુપ બનાવે છે. દેડકાંના ઉછેર માટે એક અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. તે એ કે એક મોટા હોજમાં ત્રણસો જેટલાં દેડકાંને ઉછેરવામાં આવ્યાં છે. દરેક દેડકાનું વજન ઓછામાં ઓછું ત્રણસો ગ્રામથી માંડીને દોઢ કિલોગ્રામ જેટલું  હોય છે. આ દેડકાં સાંજ પડ્યે હોજમાંથી બહાર નીકળીને પૂરા બાગમાં ખોરાકની શોધમાં નીકળી પડે છે.અને રાતના ભાગે વનસ્પતિને નુકશાન કરતી જીવાતો અને જંતુઓનો એ રીતે નાશ કરે છે.

(કેરીની વિવિધ જાતો સાથે ગફારભાઈ)

કેરીના ફાલ,ગુણવત્તા અને વૈવિધ્યમાં તો ક઼ુરેશી બાગ બેમિસાલ છે,પણ એની બીજી એક અતિ મહત્વની પાંખ તે ઔષધીય ખેતીની પણ છે. હરડે-બહેડા-આમળાં-ગોખરુ-જેઠીમધ-પીપરીમૂળ જેવા જાણીતા ઓસડીયાંથી શરુ કરીને માત્ર ગીરના જંગલના ઉંડાણમાં જંગલી રીતે આપોઆપ ઉગતી અને આડેધડ વિકસતી યા વાનર કે બીજા પશુઓ દ્વારા નાશ પામતી એવી સેંકડો વનસ્પતિઓ તેમણે આ બાગમાં ઉછેરી છે. એના ઇંગ્લીશ શાસ્ત્રીય નામોની સૂચી પણ એમણે રાખી છે અને એમાંથી ડાયાબીટીસ કે આંખના કે સાંધાના અને બીજા અનેક રોગ માટેની દવાઓ બાગમાં જ બનાવે છે. મધ,એલોવેરા, ગોળ, ખાખરાના મૂળનો અર્ક જેવા વનપ્રાપ્ત દ્રવ્યો તેમના બાગમાં મળી શકે. બેશક, વ્યવસાયિક ધોરણે એ નથી.

(‘ક઼ુરેશી ફાર્મ’માં ગફારભાઈ)

કશા પણ રસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વગર શુધ્ધ સજીવ ખેત-પધ્ધતિથી જો આ પર્યાવરણીય સિધ્ધિ પ્રાપ્ત કરી શકાઇ હોય તો એવો પ્રશ્ન મનમાં ઉગ્યા વગર રહે જ નહીં કે પૂરા રાષ્ટ્રમાં આ કેમ ના બની શકે ?

જરૂર બની શકે, કોઇ પ્રયોગવીર નીકળે તો ગફારભાઇ ક઼ુરેશી મદદ કરવા તૈયાર છે.

કુદરત એનું કામ કરે, ગફારભાઈ પોતાનું કામ કરતા રહે છે. વાવાઝોડાએ વેરેલા વિનાશ પછી તરત જ તે પાછા વનસ્પતિઓના જિર્ણોદ્ધારમાં લાગી ગયા છે.


(નોંધ: * નિશાની સિવાયની તસવીરોનું સૌજન્ય: https://www.thebetterindia.com/119922/gaffarbhai-qureshi-nursery-gir-gujarat/ )


સંપર્ક: ક઼ુરેશી બાગ, મુકામ- રમળેચી, તાલુકો-તાલાલા (ગીર) જિ. જૂનાગઢ- 362150

ફોન- +91 94264 65358  અને +91 99790 24675 , અને લેન્ડ લાઇન: +91 2877-223209

ઇમેલ: info@qureshifarms@gmail.co , info@qureshifarmas.com

વેબસાઇટ: www.qureshifarms.weebly.com , www.qureshifarms.com


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : કૃષિનું જીવંત મહાવિદ્યાલય એટલે ક઼ુરેશી ફાર્મ

  1. કુરેશીભાઈની જીવનયાત્રા અને કૃષિ પ્રત્યેનો પ્રેમ વિષે જાણીને આજની યુવા પેઢી કૃષિ તરફ આકર્ષાય તો લેખે લાગ્યું ગણાશે. પ્રકૃતિના સાનિધ્યમાં જ સાચું જીવન છે, એ દરેકે સમજવું જોઇયે. આભાર

  2. Heartiest compliments to Gafarbhai and also to RajnKumar Pandya for making a grand Story and for putting before the public v

  3. કેરી વિશે ખૂબ સારી માહિતી.રસપ્રદ લેખ.શ્રી ગફુર ભાઇ નાં કેરી ઉછેર વિશે વિશેષ માહિતી મળી.

  4. સલામ સાહેબ, ગફાર ભાઈ ને આપને પણ. ભવિષ્ય માં મોકો મળેથી ગફાર ભાઈ અને કુરેશી ફાર્મ ની મુલાકાત લઇ ને આ કૃષી ઋષિ ને વંદન કરવા જવું છે વંદન સાથે, આભાર

  5. રજનીભાઈ ખૂબ જ સરસ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપી.અમે ગફૂરભાઈની અને એમના ફાર્મ ની મુલાકાત જરૂર લઈશું.અમને કૃષિ માં રસ છે.

  6. Excellent and very informative article, Rajnikumarji, thank you very much!

    Hats off to Gafurbhai for his initiatives. Would like to visit his farm, when the opportunity arises.

Leave a Reply

Your email address will not be published.