– આશા વીરેન્દ્ર
મુંબઈની સૌથી ગીચ ઝુપડપટ્ટી ધારાવીમાં કોરોનાએ પગપેસારો કરવાનું શરૂ કર્યું હતું. સામાન્ય જનતાથી માંડીને રાજકારણીઓ સુધીના સૌ હાંફળા- ફાંફળા થઈ ગયા હતા. ધારાવીમાં કોરોના ફેલાશે તો મુંબઈ શહેરનું અને આપણાં બધાનું શું થશે? ગઈકાલથી બસ્તીમાં જાહેરાત થઈ ગઈ હતી,
‘આવતીકાલે નગરપાલિકા તરફથી ઘરે ઘરે જઈને કોરોનાનું પરીક્ષણ કરવામાં આવશે. તો સૌએ સહકાર આપવો.’
જનાબાઈનો ટેસ્ટ થઈ ગયા પછી એને કહેવામાં આવ્યું-
‘તારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજનો દિવસ ઘરમાં રહેવાનું પણ કોઈને અડવાનું નહીં.આવતી કાલે સવારે બસ આવશે અને બસ્તીમાંથી જે કોઈ પોઝિટીવ આવ્યા હશે એ બધાંને કોવિડ સેંટર પર લઈ જવામાં આવશે.’
જનાબાઈએ મોટી દીકરીને કહ્યું,’વાસંતી, ગઈ દિવાળીએ મારાં શેઠાણીએ જે જૂની બેગ આપી’તીને એમાં હું બતાવું એમ મારી બધી વસ્તુઓ તૈયાર કરી આપ.’
‘મા, આ વખતે કેમ એકલી જ નાનીને ઘરે જવાની? અમને સાથે નહીં લઈ જાય?’
એક તો કોરોનાનું નામ સાંભળીને જના ગભરાઈ ગઈ હતી. એમાં દીકરીની વાત સાંભળીને એની આંખ ભીની થઈ ગઈ. ‘ના બેટા, જ્યાં હું જવાની છું ત્યાં તમને કોઈને સાથે ન લઈ જવાય. પણ તું મોટી છે, નાનાં ભાઈ-બેનનું ધ્યાન રાખજે. ને જો, તને જે થોડી ઘણી વાનગીઓ બનાવતાં શીખવી છે એ બનાવીને બધાને ખવડાવજે.’
જનાબાઈ શાંત અને સૌમ્ય પ્રકૃતિની સ્ત્રી. ગરીબ પણ સંસ્કારી પિયરમાંથી પરણીને આ ઘરમાં આવેલી. પારકાં ઘરનાં કામ કરતી પણ નહીં કોઈ સાથે કદી ઝગડો- ટંટો કરવાનો કે નહીં ઊંચે અવાજે બોલવાનું. બે દીકરી ને એક દીકરાને પણ એ હંમેશા સચ્ચાઈ અને નીતિને રસ્તે ચાલવાના સંસ્કાર આપતી પણ એનો ધણી બલરામ એનાથી સાવ ઊંધા સ્વભાવનો. દારૂ પીને એનો બબડાટ ચાલુ થાય ત્યારે કહેતો,
‘હું તો જાણે કોઈ સાધુડીને પરણ્યો હોઉં એવું લાગે છે. આખો વખત ઉપદેશ સાંભળવાનો. જૂઠું નહીં બોલવાનું, હરામનું નહીં ખાવાનું, જુગાર નહીં રમવાનો, દારૂ નહીં પીવાનો- આ બધા તારા લવારા હું સાંભળવાનો નથી, સમજી?’
બસ્તીમાંથી જે દસ જણ પોઝિટીવ આવેલાં એ બધાં બીજે દિવસે આવેલી બસમાં ધડકતાં હૈયે બેઠાં. હંમેશા ધક્કામુક્કી કરીને માંડમાંડ બસમાં ઊભા રહેવાની જગ્યા મેળવનારાંને સુખદ આશ્ચર્ય થયું જ્યારે એક સીટ પર એક જ જણને બેસવાનું કહેવામાં આવ્યું. એમાંય સેંટર પર પહોંચીને તો જાણે આશ્ચર્યની અવધિ આવી ગઈ. જનાબાઈની ખોલીની સામે રહેતી જાનકી બોલી ઊઠી,
’ દેવા રે દેવા. જના, શેઠ લોકો સૂએ એવી સફેદ દૂધ જેવી ચાદર પાથરેલી પથારીમાં આપણે સૂવાનું? સારૂં થયું આપણને કોરોના થયો, એણે તો આપણાં નસીબ ખોલી નાખ્યાં.’
ખરેખર એવું જ હતું. સવારમાં ઉકાળો, ગરમ ગરમ ચા-નાસ્તો, ગીઝરનાં હૂંફાળા પાણીથી ના’વાનું, સવાર-સાંજ સરસ જમવાનું, રાતે સૂતાં પહેલાં હળદરવાળું દૂધ- માની જ નહોતું શકાતું કે આ હકીકત છે.
‘જનાબેન, તમને કોરોના ભલે થયો પણ માઈલ્ડ છે એટલે જલ્દી સારાં થઈ જશો.’ હસમુખી, યુવાન લેડી ડૉક્ટરે એને તપાસીને કહ્યું.
અહીં આવ્યા પછી કોણ જાણે કેમ પણ જનાને વારંવાર પિયરની યાદ આવતી. જો કે પિયરમાં કદી આવાં સુખ-સગવડની કલ્પના કરી શકાય એવું નહોતું પણ આઈ- બાબા, આજા-આજી એ બધાંની જે હૂંફ મળતી એ આટલાં વર્ષે અહીં અનુભવવા મળી. અહીં રહેવાનું લંબાયા કરે એવું એ ઈચ્છતી હતી પણ એના ઈચ્છવાથી શું થાય? એનો રિપોર્ટ નેગેટીવ આવ્યો ને ઘરે જવાનો દિવસ આવી પહોંચ્યો ત્યારે એનું મન ભરાઈ આવ્યું. બસ, જિંદગીમાં મળેલા ઉત્તમ દિવસો આટલા જલ્દી પૂરા પણ થઈ ગયા? રડતી આંખે સૌનો આભાર માનીને એ બસમાં બેઠી.
‘જો, કામદાર યુનિયન વાળા લોકો તમને સેંટર પરના તમારા અનુભવ પૂછશે.સાથે ટી.વી. વાળા પણ હશે. એ બધા જે પૂછે એના હું કહું એમ જવાબ આપજે.’ જના ઘરે પહોંચી કે તરત બલરામે કડક અવાજે કહ્યું.
‘એમાં મને શીખવવાનું શું? જે સાચું હોય એ બોલવાનું.’
‘વધારે વાયડી થઈશને તો મારી મારીને તારો ખીમો બનાવી નાખીશ.યાદ રાખજે.’ બલરામે લાલઘૂમ આંખો કરીને એની સામે જોયું.
જાનકી,રેવતી ઈસ્માઈલ બધાંએ પઢાવી રાખેલા જવાબ આપ્યા. કેમેરા જના તરફ ફર્યો ત્યારે એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા અને ગળે ડૂમો ભરાયો. એના હાથમાંથી માઈક ખેંચીને બલરામ બોલવા લાગ્યો,
‘મારી બાઈકો એટલી બધી દુ:ખી છે કે એ બોલી પણ નથી શકતી. આવી ત્યારની રડ્યા જ કરે છે. પણ એણે મને કહ્યું કે, સેંટર પર બહુ ખરાબ હાલત હતી. ખાવાનું તો મોઢામાં જાય એવું નહોતું. બાથરૂમ ગંધાતા હતા, પાણી પણ નહોતું…’
જનાબાઈ વચ્ચે નકો નકો એમ બોલી ઊઠી એટલે ટી.વી.ના ખબરપત્રીએ શરૂ કર્યું, ‘જોયું શું હાલત થઈ છે, બિમાર લોકોની? તો આ છે આપણી નગરપાલિકાની વ્યવસ્થા. કોવિડના પેશંટ માટે સરકાર તરફથી મળતું બધું ફંડ આમ જ ચવાઈ જાય છે અને…’
જનાબાઈ દોડતી ઘરમાં જતી રહી. કેટલીય વાર સુધી એ ચૂપચાપ બેસી રહી. મોટી દીકરીએ પૂછ્યું, ‘આઈ આમ કેમ બેઠી છે? તબિયત તો સારી છે ને? લાવ, તારી બેગ ખાલી કરી આપું.’
જનાએ બેગમાંથી આધાર કાર્ડ કાઢ્યું. ‘પહેલા આ ઠેકાણે મૂકી દઉં.’ એમ કહીને એણે કબાટ ખોલ્યો તો સામે જ પડેલી નોટની થોકડી અને દારૂની બાટલી જોઈને એને બધું સમજાઈ ગયું. એ ધબ્બ દઈને નીચે બેસી પડી. પાલવથી ભીની આંખો લૂછતાં એ મનોમન બોલી,
‘ મને માફ કરજો આઈ-બાબા, મને માફ કરજે મારાં પિયરનાં ઘર !. ભલે હું બીજાઓની જેમ ખોટું નથી બોલી પણ મેં સાચું બોલવાની હિંમત પણ ન બતાવી. તારે ખાતર મારે સાચું બોલવું જોઈતું હતું.
(યોગીની શ્રીનિવાસ પાલંદેની મરાઠી વાર્તાને આધારે)
સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
સંપાદકીય નોંધ:
સૌજન્ય સ્વીકાર – ભૂમિપુત્રના ૧૬મી મે ૨૦૨૧ના અંકમાં લેખિકાની દસ વરાષથી વધારે ચાલતી છેલ્લાં પાનાંની કોલમમાં આ વાર્તા પ્રકાશિત થયેલ છે.
વેબ ગુર્જરીના ગદ્ય વિભાગમાં પ્રકાશન સારૂ વિચારણા કરવા માટે આપની નવલિકા, ટચુકડી વાર્તાઓ કે વિવેચન કે વર્ણનાત્મક રેખાચિત્ર જેવી, વર્ડ ફાઈલ ફોર્મેટમાં, યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરેલ, ગદ્ય સાહિત્ય કૃતિઓ ગદ્ય વિભાગનાં સંપાદકોને નીચેના વીજાણુ સરનામે મોકલવા વિનંતિ છે-
કેપ્ટન નરેન્દ્ર ફણસે : captnarendra@gmail.com
રાજુલ કૌશિક શાહ : rajul54@yahoo.com