અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : લેક ટાહો, સેક્રામેન્ટો અને નાપ વેલી

દર્શા કિકાણી

૧૯/૦૬/૨૦૧૭

સવારે થોડા મોડાં એટલે કે ૮.૦૦ વાગે રૂમમાંથી  જ નાસ્તોપાણી  કરી રીનોને બાયબાય કરી અમે વાનમાં લેક ટાહો ( Lake Tahoe ) જવા નીકળ્યાં. લેક ટાહો નેવાડા અને કેલીફોર્નિયા રાજ્યોની સરહદો પર આવ્યું છે. લગભગ ૫૦૦ ચો. કિમી.ના ક્ષેત્રફળમાં  ફેલાયેલ અને પર્વતોની વચમાં આવેલ તાજા પાણીનું આ સરોવર તેના બીચ અને સ્કીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અમે જે કિનારે પહોંચ્યાં તે કિનારે હજી મુસાફરોની અવરજવર શરુ થઈ ન હતી. અમે જ ફક્ત ૧૦-૧૨ માણસો હતાં અને સામે હતું અફાટ સરોવર. પર્વતોથી ઘેરાયેલ સરોવર એટલું વિશાળ અને શાંત હતું કે માનસરોવરની આભા અર્પતું હતું. આસમાની આકાશ અને હિમાચ્છાદિત પર્વતોનું પ્રતિબિંબ તેને આગવી ગરિમા બક્ષતું હતું.આછા આસમાની રંગનું પાણી એટલું તો ચોખ્ખું  અને નીતર્યું હતું કે નીચેના પથ્થરો સ્પષ્ટ દેખાતા હતા. પવનથી હાલતા પાણીનું પ્રતિબિંબ પથ્થરો પર ઝીલાતું હતું. તેના સ્વચ્છ અને સૌમ્ય પાણી પરથી આવતો મૃદુ પવન તમને કુદરત સાથે એકાકાર કરી મૂકવા પૂરતો હતો. લગભગ ધ્યાનાવસ્થામાં કે તંદ્રાવસ્થામાં અમે કલાક સુધી ત્યાં બેસી રહ્યાં. માનસરોવર ન જઈ શકવાની કમી સમાપ્ત થઈ ગયાની લાગણી ઊભરાઈ આવી. જો કે લેક ટાહોના બીજા અનેક બીચ ઘણી બધી  એડવેન્ચર સ્પોર્ટસ અને સહેલાણીઓની મનોરંજન પ્રવૃત્તિઓથી ધમધમતા હોય છે.

વાન બે કલાક ચાલી એક ચાઇનીસ રેસ્ટોરાં પાસે જમવા માટે સરસ ગામમાં ઊભી રહી. અમને મોટી બસના ગાઈડની ગેરહાજરી ખૂબ સાલે છે. આ કઈ જગ્યા છે કે તેનું શું મહત્ત્વ છે તે વાનના ડ્રાઈવર કહેતા કે સમજાવતા નથી. અમારે ચાઇનીસ ખાવું ન હતું એટલે આજુબાજુ ફરવા નીકળ્યાં. અને થોડા આગળ ચાલ્યાં ત્યાં તો ખ્યાલ આવ્યો કે આ તો કેલીફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટો છે!  અમારા બીજા મિત્રો જમીને આવ્યાં એટલે વાનમાં અમને સેક્રામેન્ટોમાં ફેરવ્યાં. સેક્રામેન્ટો શહેર સેક્રામેન્ટો નદી અને અમેરિકન નદીના સંગમ પર આવેલું રળિયામણું શહેર છે. ઉત્તરમાં નદીની ખીણો અને કોતરો છે. ‘ કેલીફોર્નિયા ગોલ્ડ રશ’ વખતે સેક્રામેન્ટો મહત્ત્વનું વિતરણ સેન્ટર તથા વ્યાપારી અને ખેતીવાડી કામકાજનું અગત્યનું સ્થાન હતું.બસ, બોટ અને રેલની વ્યવસ્થાને લીધે બીજાં શહેરો સાથે જોડાયેલ હતું. કળા અને ખેલકૂદની પ્રવૃત્તિઓથી ધમધમતું આ શહેર શિક્ષણ અને રાજકારણની પ્રવૃત્તિઓમાં પણ આગળ હતું.

વાનમાં અમે ત્યાંનીસુપિરિઅર કોર્ટ (Superior Court of California) આગળ ઊતર્યાં.  આપણે ભારતમાં / ગુજરાતમાં હાઈકોર્ટમાં જવું હોય તો કેટકેટલી પરવાનગીઓ લીધાં પછી અંદર જવાય. અહીંની કોર્ટમાં અમે કોઈ પણ જાતની રોકટોક વિના શાંતિથી અંદર જઈ બધે ફરી આવ્યાં અને ચાલુ કોર્ટ જોવા પણ મળી.

ત્યાંથી વારો આવ્યો કેલીફોર્નિયા સ્ટેટ કેપિટોલ મ્યુઝિયમનો. બહુ સુંદર મકાન હતું.તેને ફરતે ૪૦ એકરમાં ફેલાયેલ ૨૦૦થી વધુ જાતના ૧૧૦૦ થી વધુ વૃક્ષો વાળો મોટો વ્યવસ્થિત બગીચો હતો. આમ તો આખું મકાન મ્યુઝિયમજ છે પણ નીચેના બે માળમાં કેલીફોર્નિયા રાજ્ય વિષેની ઐતિહાસિક અને રાજકીય માહિતી આપતાં રૂમો છે. નાની નાની ફિલ્મો પણ બતાવાય છે. મ્યુઝિયમજોવા અંગે રીસેપ્શન પર અમારું ભાવભીનું સ્વાગત કર્યું અને અમને બહુ સરસ માર્ગદર્શન મળ્યું. મ્યુઝિયમ જાતે જોઈ શકાય તેવી માહિતી, નકશાઓ અને ચિત્રો ( Self guided Tour Papers) વગેરે બહુ  પ્રેમથી રીસેપ્શન પર બેઠેલાં બે બહેનોએ આપ્યું. અમે આખા મકાનમાં બહુ ફર્યાં, ઘણી માહિતી એકઠી કરી. ઘણાં નકશાઓ અને સરકારી કામગીરીનાં ચાર્ટ જોયાં. સરકાર જુદાજુદા ક્ષેત્રોમાં શું શું કરી રહી છે, આગલાં ૩ કે ૫ વર્ષમાં શું કરશે તેનો પ્લાન, તેમાં ખૂટતી કડીઓ, નાગરિકોના સૂચનો …… સરકાર નાગરીકો થકી અને નાગરીકો માટે છે તેવું અહીં જરૂર લાગે.આપણા મનમાં કાયમ ભારતના સરકારી મકાનો સાથે સરખામણી થઈ જાય. આપણે ત્યાં કોઈ પણ સરકારી મકાનમાં પ્રવેશવું હોય તો પરવાનગી જોઈએ. અમારો મહિના પહેલાંનો જ અનુભવ બહુ ખરાબ હતો. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબની મુલાકાતનો સમય અમને મળ્યો હોવા છતાં અમને  મેઈન ગેટથી અંદર જતાં બે કલાક થયા હતા. અમારી ખોટી  માન્યતા મુજબ તો કેલીફોર્નિયા રાજ્યની રાજધાની સાનફ્રાન્સીસ્કો હતી. પણ અહીં ફરીફરીને બધાં મ્યુઝિયમઅને કોર્ટ વગેરે જોયાં બાદ અમારા અજ્ઞાન માટે અમને અફસોસ થયો અને આટલું સરસ સેક્રામેન્ટો શહેર જોયાનો આનંદ થયો. આમ તો અહીંયુનિવર્સિટી, થિયેટર, કલાને લાગતાં મ્યુઝિયમ વગેરે ઘણું જોવાનું છે પણ સમયના અભાવે અમે કોર્ટ અને કેપિટોલ મ્યુઝિયમ જોઈ સંતોષ માન્યો. વાનમાં બેસીને જ રાજધાનીની જાહોજલાલીના દર્શન કર્યા અને નાપ વેલી જવા આગળ વધ્યાં.

નાની વાનમાં થોડાં જ માણસો હતાં અને ભીંસમાં બેસવાનું હતું એટલે ચીની મિત્રો સાથે પણ વધુ વાતચીત થવા લાગી. ૬-૭ વર્ષનો એક બાબો બહુ આનંદી અને પ્રેમાળ હતો. ભાષા તો આવડે નહીં પણ પ્રેમથી અમારી સાથે આવીને બેસે. અમારી સાથે તેણે ઘણાં ફોટા પડાવ્યા. એક ચીની યુગલ  અમારી સાથે ફોટા માટે  દોસ્ત બની ગયું હતું. અમે તેમના ફોટા પાડીએ અને તેઓ અમારા ફોટા પાડે! આપણો નાસ્તો એ લોકોને ભાવે પણ આપણે તેમનું ખાવાનું ખાઈએ નહીં એટલે તેમને થોડો સંકોચ થાય. અહીંથી તેમણે સરસ ચેરી અને સ્ટ્રોબેરી લીધાં  અને અમે સૌએ તે વાનમાં બેસીને ખાધાં.

નાપવેલી કેલીફોર્નિયા રાજ્યમાં સાનફ્રાન્સીસ્કોની ઉત્તરે આવેલું છે. સુંદર પર્વતો અને ખીણોથી શોભતું આ ગામ તેની વાઈન માટે જગપ્રખ્યાત છે. નાપવેલીમાં લગભગ ૪૫૦ વાઈનરી આવેલ છે. અમે પહેલેથી નક્કી કર્યા મુજબ ‘સત્તા વાઈનરી’ જોવા ગયાં. દરેક ગ્રુપને એક ગાઈડ આપે જે તમને વાઈન બનાવવાનો પ્રોસેસ અને તેને લગતી માહિતી આપે.  સુંદર બગીચો અને મનમોહક ફૂલો જોવામાં વાઈનરી જોવાનું ભુલાઈ જાય તેવું બને! મોટાં મોટાં રંગબેરંગી ગુલાબો અને બીજા ફૂલો તથા બેસવાની વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી હતી. વાઈનરીની પાસે જ તેમની દુકાન હતી. અમને તો વાઈનરી જોવામાં પણ બહુ રસ ન હતો અને વાઈન ખરીદવામાં પણ રસ ન હતો એટલે સુંદર બગીચામાં બેસી આનંદ કર્યો અને ફોટા પાડ્યા.

નાપવેલીથી અમે સુંદર સાનફ્રાન્સીસ્કો આવી પહોંચ્યાં. નાપવેલીથી સાનફ્રાન્સીસ્કોનો રસ્તો તો સરસ હતો જ પણ સાનફ્રાન્સીસ્કોમાં પ્રવેશતાં તો જાણે એક ચમક આવી જાય. મોટું શહેર, મોટી નદી, ભવ્ય પુલ,  ઢાળ વાળા ઊંચાંનીચા  રસ્તાઓ ….. બધું જોતાં જોતાં અમે શહેરના બીજા ખૂણે એરપોર્ટ પાસે  આવેલ ફાઈવ સ્ટાર હોટેલ મેરિઓટમાં આવી પહોંચ્યાં. વ્યવસ્થા બહુ સરસ હતી. બે વર્ષ પહેલાં પેરીસ એરપોર્ટ પાસે અમે હોટેલ મેરિઓટમાં રહ્યાં હતાં બિલકુલ તેના જેવી હતી. અમે તો સામાન રૂમમાં મૂકી હોટલના મોટા બગીચામાં ફરવાં નીકળી પડ્યાં.

હોટલથી થોડેક જ દૂર હાઇવે જતો હતો. ટ્રાફિક પણ ઘણો હતો. કંઈક ગરમ, ભારતીય ખાવાનું મળે તો સારું! રાજેશ અને દિલીપભાઈ તેની શોધમાં હોટલની બહાર ગયાં અને હું અંદર જ ચાલતી રહી અને હોટલની જાહોજલાલી માણતી રહી ઇન્ફર્મેશન ડેસ્ક પરથી સાનફ્રાન્સીસ્કો તથા આજુબાજુના સ્થળોની માહિતી એકઠી કરી લીધી.  દસેક મિનિટના અંતરે રેસ્ટોરાં ઘણી છે એવી ખબર રાજેશ અને દિલીપભાઈ લાવ્યા એટલે અમે તેમની સાથે જવા તૈયાર થઈ ગયાં. બહાર ઠંડી હતી, ધીમો વરસાદ પણ હતો. વાતાવરણ બહુ જ સરસ હતું. આજુબાજુ જોતાં જોતાં અમે દસેક મિનિટે એલ લેબેનીઝ ફૂડ જોઈન્ટ પર પહોંચ્યાં. શરૂઆતમાં થોડો ગમો-અણગમો થયો પણ પછી તો તેણે વેગાન જમવાનું આપ્યું એટલે અમે નિશ્ચિંત થઈ ખાધું. સાથે મોટો ગ્લાસ કોલ્ડડ્રીંકનો લીધો. અહીંની પ્રથા મુજબ મોટો ગ્લાસ કોલ્ડડ્રીંકનો લઈએ તો જેટલી વાર રીફીલ કરવો હોય એટલી વાર કરી શકાય. મેં અને દિલીપભાઈએ તો ત્રણ વાર પીધું. કોક અને ફેન્ટાની સાથે એક લોકલ ડ્રીંક પણ હતું, આમલીનું. આમલીનું ડ્રીંક પીવાની બહુ મઝા આવી ગઈ! લેબેનીઝ ખાવાનું સારું હતું, ગરમ પણ હતું અને વળી સ્વાદિષ્ટ આમલીનું કોલ્ડ ડ્રીંક જોડે હતું એટલે બધાંએ ધરાઈને ખાધું. હોટલ બંધ થઈ ત્યાં સુધી અમે ખા-ખા કરતાં હતાં ! જમ્યાં પછી તો ઠંડી વધારે લાગતી હતી! ઠંડીમાં થથરતાં થથરતાં અમે હોટલ પર આવી સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : લેક ટાહો, સેક્રામેન્ટો અને નાપ વેલી

  1. પ્રિય બેન દર્શા ખુબ સુંદર વર્ણન કરેલું છે વાંચવાની ખૂબ મજા આવી

Leave a Reply

Your email address will not be published.