ફિર દેખો યારોં : લૈંગિક ભેદભાવના કાળા વાદળની રૂપેરી કોર સમું સર્વસમાવેશકપણાનું મેઘધનુષ

બીરેન કોઠારી

વાત તો એક રમકડાની છે, જે હજી આવતા મહિને બહાર પડવાનું. થોડું મોંઘું હશે, અને ભારતમાં એને આવતાં કદાચ વાર લાગશે. એ ડેન્માર્કની ખ્યાતનામ કંપની ‘લેગો’ દ્વારા બજારમાં મૂકાવાનું છે. ‘લેગો’ની ઓળખમાં આટલું કહી શકાય. નાનપણમાં એકબીજા સાથે જોડી શકાય એવા પ્લાસ્ટિકના વિવિધ આકારના ટુકડા વડે વસ્તુઓ બનાવવાનો આનંદ આપણામાંના ઘણાએ લીધો હશે. આ રમકડું મૂળભૂત રીતે ‘લેગો’ કંપનીનો વિચાર હતો. આજે પણ તે એટલું જ પ્રસ્તુત છે, અને વિકસતા બાળકના સૂક્ષ્મ સ્નાયુઓની ગતિવિધિઓનું તેના મગજ સાથે સંકલન સાધવા માટે ઘણું ઉપયોગી ગણાય છે.

જૂન, 2021માં જે રમકડું બજારમાં મૂકાવાનું છે એ આમ તો આખો સેટ છે. રમકડાનું નામ છે ‘એવરીવન ઈઝ ઑસમ’. (પ્રત્યેક વ્યક્તિ અદ્‍ભુત છે.) છે શું આ રમકડામાં? આમ જોઈએ તો એમાં બધું મળીને કુલ અગિયાર અલગ અલગ રંગની નાનકડી માનવાકૃતિઓ છે. રંગ આ મુજબ છે: કાળો, કથ્થાઈ, લાલ, કેસરી, પીળો, લીલો, ભૂરો, જાંબલી, વાદળી, સફેદ અને ગુલાબી. આ આકૃતિઓની પશ્ચાદ્‍ભૂ તેમજ પાયા તરીકે આ અગિયાર રંગની પટ્ટીઓ છે, જે એક મેઘધનુષ જેવી પાર્શ્વભૂમિ રચે છે. પ્રત્યેક માનવાકૃતિ એકરંગી છે, જેને કોઈ ચહેરો નથી કે નથી કોઈ લૈંગિક ઓળખ. ચહેરા પર વાળની વિવિધ શૈલી છે, અને પોષાક પણ સમાન. એ સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે, યા અન્ય કોઈ પણ. બસ, આ ‘અન્ય કોઈ પણ’ આખી વાતના કેન્‍દ્રમાં છે.

સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોને કારણે હવે તેનો ઉપયોગ કરનારાં જાણે છે કે ‘એલ.જી.બી.ટી.ક્યૂ.’ (લેસ્બિયન/ગે/બાઈસેક્સ્યુઅલ/ટ્રાન્‍સજેન્‍ડર/ક્વીઅર) તરીકે ઓળખાતા- મુખ્યત્વે સમલૈંગિક, ઉભયલિંગી સમુદાયને ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા 2018માં સમાન હકની માન્યતા આપવામાં આવી હતી. આ ચૂકાદા વખતે તેના સમર્થનનો આનંદ વ્યક્ત કરવા માટે અનેક લોકોએ જાણ્યેઅજાણ્યે આ સમુદાયના પ્રતીક સમા અષ્ટરંગી ધ્વજ વડે પોતાની તસવીર શોભાવી હતી.

‘લેગો’ કંપનીના આ નવા રમકડાના રંગને જોતાં આ સમુદાયના ધ્વજની યાદ આવી જાય. તેનો હેતુ પણ એ જ છે. આ રમકડાના ડિઝાઈનર મેથ્યુ એશ્ટન છે. તે પોતે આ સમુદાયની વ્યક્તિ છે, અને તેને લઈને બાળપણમાં ઓળખને લગતી અનેક સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા છે. અલબત્ત, તેમનાં માતાપિતા સમજદાર હતા અને તેમણે મેથ્યુને પૂરેપૂરો ટેકો આપેલો. પણ દરેકના નસીબે આવું હોતું નથી. આ રમકડાની ડિઝાઈન પાછળ રહેલા મેથ્યુના વિચારો અને અનુભવ જાણવા જેવા છે. મેથ્યુએ જણાવ્યું છે કે બાળકો આપણાં રોલ મોડેલ છે અને તેઓ તમામ પ્રકારના લોકોને કશી ગાંઠ કે પૂર્વગ્રહ વિના સ્વીકારે છે. આપણે સૌએ પણ આમ કરવું જોઈએ. મેથ્યુનો ઉછેર 1980ના દાયકામાં થયો હતો. એ ગાળામાં આ સમુદાય બાબતે ઘણી ગેરસમજ અને નકારાત્મકતા પ્રસરેલી હતી. એની સાથોસાથ એઈડ્સનો ડર પણ ટોચ પર હતો.

સમાજમાં બાળકોનો ઉછેર મોટે ભાગે માતાપિતાની ઈચ્છા અને માનસિકતા અનુસાર થતો જોવા મળ્યો છે. સમાજ ચાહે કોઈ પણ પ્રદેશનો હોય. બાળક જો છોકરો હોય તો તેણે અમુક જ રમતો રમવાની, ચોક્કસ પ્રકારનાં અને રંગનાં કપડાં પહેરવાનાં. બાળક જો છોકરી હોય તો તેણે અમુક રીતે જ વર્તવાનું, અમુક રીતે રહેવાનું, અમુક રમતો અને અમુક રંગનાં વસ્ત્રો પહેરવાનાં. બાળપણમાં પડી ગયેલી ઉછેરની આ આદત ગજવેલ સમી બની રહે છે. મોટા થયા પછી, માનો કે પોતાની સમજણ વિકસે તો પણ બાળપણની આદતો સાવ ધરમૂળથી જતાં સમય માંગી લે છે.

ચહેરા કે લિંગ વિનાની આ રમકડાંની માનવાકૃતિઓ કોઈ પ્રદેશ યા ઓળખથી સ્વતંત્ર જણાય છે. બાળક પોતાની મરજી મુજબ તેને જોડે, વિવિધ રીતે ગોઠવે યા પ્રવૃત્તિ કરતાં બતાવે અને એમ કરતાં તેનામાં અનાયાસે સર્વસમાવેશીપણાના સંસ્કાર સીંચાતા રહે- આ મૂળભૂત વિચાર આ રમકડાની પાછળ રહેલો છે. આ રમકડામાંના કાળો અને કથ્થાઈ રંગ મનુષ્યની ત્વચાનો રંગ સૂચવે છે. વાદળી, સફેદ અને ગુલાબી રંગ ટ્રાન્‍સજેન્‍ડર સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. જાંબલી રંગની આકૃતિના વાળ મધપૂડા શૈલીના છે, જે સમલૈંગિક છોકરીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આમ કેવળ રંગ થકી વિવિધ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી હોવા છતાં, આ તમામ માનવાકૃતિઓ બીજી કોઈ રીતે કોઈ ચોક્કસ જાતિ, પ્રદેશ કે વર્ણનું પ્રતિનિધિત્વ કરતી નથી.

મેથ્યુ એશ્ટને ભારે ગૌરવપૂર્વક જણાવ્યું છે કે આ રમકડા દ્વારા અમે જે કથન કરવા માંગીએ છીએ એ બદલ અમને ગૌરવ છે. આવા વિષયને અમારી કંપની અવાજ આપે એ કંઈ નાનીસૂની બાબત નથી. આ સમુદાયના અમારી કંપનીના તમામ કર્મચારીઓને એક રીતે સ્વિકૃતિની લાગણી અનુભવાઈ રહી છે. તમામ લોકોને અમારી કંપની એ સંદેશ પાઠવવા ઈચ્છે છે કે અમે સૌને સ્વીકારીએ છીએ, કારણ કે સર્જકતા કોઈ સમુદાયવિશેષનો ઈજારો નથી. સ્વિકૃતિ પામવાનો, પ્રેમ પામવાનો અને સર્જનશીલ બનવાનો હક સહુ કોઈને છે. આ રમકડા દ્વારા અમે એ દર્શાવવાની આશા રાખીએ છીએ કે તમે ગમે તે હો, અમે તમારી દરકાર કરીએ છીએ.

કદાચ એમ પણ લાગી શકે કે આ રમકડાના વેચાણ માટેનું આ ગતકડું હશે. ખરેખર કંઈ આ રીતે સમાનતાની ભાવના બાળકોમાં વિકસે ખરી? રમકડાના વેચાણ માટેનું આ ગતકડું હોય તો પણ આ ગતકડું પ્રશંસનીય છે. સમાનતાની ભાવના બાળકોમાં કંઈ રાતોરાત નથી વિકસી જવાની. પણ એ દિશામાં આ રમકડું એક નાનકડું કદમ બની રહે તોય શું?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૦૫–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: આ લેખમાં મુકેલી તસવીર નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના રહે છે.

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : લૈંગિક ભેદભાવના કાળા વાદળની રૂપેરી કોર સમું સર્વસમાવેશકપણાનું મેઘધનુષ

Leave a Reply

Your email address will not be published.