પગદંડીનો પંથી : ભાગ ૧ – ૩. એ છોકરો અને એક માળીની ઉદારતા

પુરુષોતમ મેવાડા

છોકરાની ખરી મુસીબત M.B.B.S.માં દાખલ થતાં ફોર્મ ભરતી વેળાએ ઊભી થઈ. સરકારના હુકમથી પાસ થયા પછી ડૉક્ટરો ગામડાના દવાખાનામાં ફરજિયાત નોકરી કરે એ માટે લગભગ પોણો લાખ રૂપિયાનું બૉન્ડ ભરવાનું હતું. છોકરા માટે તેના બાપા તો સહી કરી શકે એમ નહોતા, કારણ કે એ માટે તેમના નામે હોય એવી સ્થાવર મિલકત કે જમીનના દસ્તાવેજો જરૂરી હતા. બાપદાદાની જમીન તો સહિયારી હતી! બીજા કાકાઓ વચ્ચે હોવાને કારણે તેમની સહી ચાલે એમ નહોતું, અને બાપા બીજી કોઈ રીતે મદદ કરવા રાજી નહોતા! છોકરાએ સાથે ભણતા મિત્રોના પિતાશ્રીઓનો સંપર્ક કર્યો, જેમાંના અમુક તો પોતે જ ડૉક્ટર હતા. પણ સુખી અને વગવાળું કોઈ પણ સહી કરી આપવા તૈયાર ન થયું! “તારો શું ભરોસો?” એવું કહી દેવામાં આવ્યું! છોકરો નિરાશ થઈ રડવા જેવો થઈ ગયો. પણ બરાબર ત્યારે જ એક ચમત્કાર બન્યો.

બૉન્ડ માટે જામીન થવાની આ વાત છોકરાની માએ પોતાના ઘરની પાછળ આવેલા ખેતરમાં કામ કરતા એક માળી ભાઈને કરી હશે. એ અભણ માળી ભાઈ પોતાના ખેતર ઉપર અંગૂઠો કરી આપવા તૈયાર થઈ ગયા! એ છોકરા સાથે એમણે સરકારી ઑફિસમાં અનેક ધક્કા ખાધા અને ગાંઠના પૈસા ખરચીને છોકરાનું કામ પતાવી આપ્યું, જેને આધારે આખરે છોકરાને મેડિકલ કૉલેજમાં એડ્‌મિશન મળી ગયું.

નિયમ મુજબ છોકરાએ બૂટ અને સારાં કપડાં પહેરી, અપટુડેઇટ થઈને કૉલેજમાં જવાનું હતું. એકાદ જોડ કપડાંની વ્યવસ્થા તો છોકરાએ માંડ કરેલી, પણ બૂટના પૈસા નહોતા! છોકરો કૉલેજમાં સ્લિપર પહેરીને ગયો, તો પ્રોફેસરે તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો! આથી છોકરાએ કોઈ મિત્રને ઘેરથી ઉછીના પૈસા લઈને બૂટ ખરીદ્યાં. મેડિકલમાં ભણવા માટે જરૂરી પાઠ્યપુસ્તકોની તેને ચિંતા નહોતી, કારણ કે બીજા વર્ષમાં ભણતા એક પરદેશી ભારતીય છોકરાએ તેની બધી જ ચોપડીઓ અને બોન સેટ (Bone set, Human Skeleton) મફતમાં આપ્યાં હતાં!

હવે રોજબરોજના ખર્ચા કાઢવા માટે એણે સાંજે શાળાના બે-એક વિદ્યાર્થીઓને ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. સવારે દુધની બોટલો પહોંચાડવાનું, પેપર નાખવાનું, પોસ્ટના ડબ્બા ખાલી કરી કોથળો પોસ્ટ-ઑફિસમાં પહોંચાડવાનું, અને વેકેશનમાં ફૅક્ટરીઓમાં અન્ય કામો પણ કરવાનું શરૂ કર્યું. આ કામો કરતાં-કરતાં એને ઘણા સારા-નરસા અનુભવો થતા રહ્યા.

કૉલેજની કેન્ટીનમાં એકવાર તેના જ ક્લાસના સારા સુખી ઘરના છોકરાએ તેની પરિસ્થિતિ ગરીબ છે જાણીને કહ્યું, ”તમારા જેવાએ મેડિકલમાં આવવું જ ના જોઈએ, તું પાસ પણ નહીં થઈ શકે.”

“એ તો સમય આવ્યે ખબર પડશે, અત્યારે તો અહીં સુધી પહોંચ્યો છું ને?” છોકરાએ કહ્યું.

આની સામે ક્લાસમાં એક પ્રોફેસરે જે કહેલું, એ પણ મારે અહીં જ નોંધી લેવું છે: “તું Above average student છે, માટે ચિંતા કરતો નહીં, તકલીફ હોય તો મને મળજે.”

આ વાક્યની એક સારી અસર એ છોકરા ઉપર થઈ. નિરાશા છોડીને એણે મન લગાડી ભણવા માંડ્યું.

એ અભણ માળીનો ઉપકાર, બીજા લોકોએ નાનાં-નાનાં કામ આપીને તેનામાં મૂકેલો વિશ્વાસ, એક પ્રોફેસરે તેને પારખીને કરેલી વાત, આ બધું કેમ ભૂલાય? અને એ સાથે, એ છોકરાએ પોતાના બાપને આપેલું વચન, “હું આગળ ભણીશ પણ તમારા ઉપર બોજ નહીં બનું!” પણ પાળવાનું હતું!


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

2 thoughts on “પગદંડીનો પંથી : ભાગ ૧ – ૩. એ છોકરો અને એક માળીની ઉદારતા

    1. આપનો આભાર સરયુજી, આપે પણ મારા શરુઆતના બ્લોગ લખાણ/ગીતો ને વાંચી પ્રોત્સાહિત કર્યો છે, એ હું ભૂલ્યો નથી. નમસ્કાર.

Leave a Reply

Your email address will not be published.