શબ્દસંગ : ઉદ્યોગ દ્વારા સેવા અને ઉદ્યમપથના પ્રવર્તક – ‘કાકા’

નિરુપમ છાયા

સાત્વિક શબ્દસંગ સાર્થક જીવન ચીંધે. પણ એવા  શબ્દસંગનો રંગ બરોબર ચઢી જાય અને આચરણમાં દેખાય તો જીવન સફળ જ નહીં, અન્ય માટે પણ પ્રેરણારૂપ અને આદર્શ બની જાય.

થોડા સમય પહેલાં જ શતાબ્દીને આરે આવતાં આવતાં જેમણે ચિર વિદાય લીધી એવા ઉદ્યોગી શ્રોફ પરિવારના શ્રી કાંતિસેન શ્રોફ સેવા, ઉદ્યમ અને ઉદ્યોગને એક સૂત્રમા ગૂંથીને ઉદ્યોગ ગૃહો માટે એક આદર્શ સ્થાપિત કરી ગયા છે. તેમના વિષે  લોકો જે કહે છે, કહ્યું છે અને કહેશે એમાં ક્યાંક કશુંક તો નવું હશે જ એટલાં અને એવાં કાર્યોમાં તેઓ  પ્રવૃત્ત રહ્યા, જોડાયેલા રહ્યા અને સહયોગી પણ બન્યા.

અહીં આપણે વિવિધ સ્ત્રોતોને આધારે એમના જીવનના પ્રારંભકાળ, તે પછી ઉદ્યોગકાર તરીકે અને અંતે સંપૂર્ણ સેવા સમર્પિત એવા ત્રણ તબક્કામાં એમનાં વ્યક્તિત્વનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું.

શ્રોફ પરિવારનાં બાળકોને માતાપિતા તરફથી સેવા સમર્પણ અને સ્વાશ્રયના સંસ્કારો મળેલા. પિતાએ સ્વાશ્રયી બની બ્રિટીશરોથી આગળ વધી સાચી દેશભક્તિ કેળવવા શીખવ્યું. વળી તેમના  ગીતાના અભ્યાસનો પણ પ્રભાવ પડ્યો  અને કર્મ પર જ આપણો અધિકાર છે, ફળ પર નહીં એ મૂલ્ય જીવનમાં ઊતર્યું. સ્વામી દયાનંદ સરસ્વતી અને વિવેકાનંદના વિચારો પણ એમની પાસેથી મળ્યા. એ જ રીતે માતાએ સેવા અને સમર્પણનાં મૂલ્યો બતાવ્યાં. શ્રોફ પરિવારનાં બીજાં બાળકોની જેમ કાન્તિસેનભાઈમાં પણ આ સંસ્કારો દૃઢ થયા. પરિવારમાં દરેક ભાઈનું વ્યક્તિત્વ અલગ અને  કાન્તિભાઈ નાના એટલે  બધાનાં વ્યક્તિત્વમાંથી તેમને કંઈ ને કંઈ પ્રેરણા મળતી ગઈ. નાનામાં નાનું  કામ પણ વ્યવસ્થિત કરવું, વિવેકાનંદજીના પ્રભાવથી  સંન્યાસી  બનેલા એક ભાઈને કારણે મિશનના સ્વામી રંગનાથાનંદજી અને વિરેશ્વરાનંદજી પાસેથી મળેલી  પ્રેરણા, કલા અને વિજ્ઞાનમાં રુચિ, પરિવારનો  વાચનમાં પણ રસ અને વળી એવી પણ પરંપરા કે કંઈક નવું વાંચ્યું હોય કે સમજાયું હોય તો બીજાં બધાને શીખવવું, આ બધી બાબતોના  પ્રભાવથી કાન્તિસેનભાઈનું વ્યક્તિત્વ સમૃદ્ધ થયું. પરિવારની આર્થિક મર્યાદાને કારણે મેટ્રીક પછી તેમનો અભ્યાસ આગળ ન વધ્યો પણ ચિત્રકલાના વ્યવસાયિક કાર્યમાં જોડાયા. એમ તો તેઓ ૧૯૪૨માં ચિત્રકલાના અભ્યાસ માટે શાંતિનિકેતન પણ ગયા હતા, પણ  ‘હિંદ છોડો’ ચળવળ શરુ થઈ એટલે પાછા આવ્યા અને એમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો.

તે જ અરસામાં પિતાજીએ ‘એક્સેલ’ કંપની શરુ કરી અને મોટાભાઈ દેવુભાઈએ એ કંપનીમાં જોડાઈ જવા કહ્યું. કંપનીએ ૧૯૪૯માં લીધેલાં પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીનની ટ્રેનીંગ માટે તેમને અમેરિકા મોકલ્યા અને સરસ કાસ્ટીંગ કામથી પ્લાસ્ટિકનાં સુંદર રમકડાં બનાવતા થયા.પિતાજીએ ‘એક્સેલ’માં જે મૂલ્યોને સ્થાન આપેલું એને કાન્તિસેનભાઈએ પણ પાછળથી નિભાવ્યાં. ‘આપણે સહુ’ એવી ભાવના સાથે નાનામાં નાની વ્યક્તિને પણ માન અપાતું. ભોજન સહુ સાથે લેતા. આ ભાવનાને કારણે દરેક વ્યક્તિમાં રહેલાં સર્જનાત્મક વ્યક્તિત્વનો, આવડતનો સરવાળો થઈને ઉત્પાદનનું ઉત્તમ પરિણામ મળતું ગયું.

રાસાયણિક ઉદ્યોગ ક્ષેત્રે ૧૮મી કે ૧૯મી સદીમાં મર્યાદિત સંસાધનો વચ્ચે અને પછી પણ પ્રગતિ કરી, હિન્દુસ્તાનમાં ન બની  હોય એવી મળીને એક્સેલે ૧૦૦થી વધારે પ્રોડક્ટ બનાવી હશે અને એ પણ ઉત્તમ, એ સહુના સામુહિક પ્રયાસોથી જ. બીજું એક્સેલની પરંપરાનું  સૂત્ર હતું, ‘PROFIT IS THE BY PRODUCT OF SERVICE.’ ‘કાકા’ પર જયારે ‘એક્સેલ’ની જવાબદારી આવી ત્યારે આ પરંપરાઓ તેમણે આગળ તો વધારી જ, પણ પોતાની આગવી સૂઝ અને દૃષ્ટિથી  એમાં ઉમેરોયે કર્યો. દુનિયામાં એવી માન્યતા કે ઉદ્યોગ હોય એટલે પ્રદૂષણ તો હોય જ. પણ તેમણે નિર્ધાર કર્યો કે એવું સિદ્ધ કરવું કે કેમીકલ ઉદ્યોગ પણ પ્રદુષણ વગર ચાલી શકે, નફો ભલે ઓછો થાય. વળી, ઉદ્યોગો દ્વારા સ્વચ્છતા જાળવીને જ ઉત્પાદકતા વધવી જોઈએ એ વિચારને તેમણે ક્રિયાન્વિત કર્યો. કામ કરતાં વ્યક્તિનું આરોગ્ય સુધરવું જોઈએ, બગડે તો નહીં જ. આ માટે પ્રોસેસમાં FINE TUNNING- સૂક્ષ્મતાભરી ચોક્કસતા લાવ્યા.

એક ઘટના ખાસ નોંધવાની ઈચ્છા થાય. કિરણ બેદીને  કોણ ન ઓળખે? એમની જીવન યાત્રાનાં પુસ્તક ‘પડકાર’માં આ ઘટના મૂકી છે. તિહાર જેલનાં અધિક્ષક હતાં અને એમણે બંધિયાર વાતાવરણમાં અસહ્ય બદીઓ વચ્ચે રહેતા ૮૫૦૦ જેટલા માનવીઓ માટે એક કલ્યાણમય વિકાસપથ સર્જ્યો. પણ  જેલનાં પ્રાંગણમાં રોજેરોજ ખડકાતા કચરાના ઢગલાને કારણે અનેક દર્દી કોલેરાનો જીવલેણ કોળિયો બનતા એ પણ એક મોટો પડકાર હતો. અવ્યવસ્થાને કારણે દુર્ગંધ મારતા ઉકરડામાં ફેરવાતા કચરાના નિકાલ માટે મહાપાલિકા, રાજ્ય સરકાર એમ દરેક જગ્યાએ રજૂઆત કરી પણ કોઈને કોઈ કારણો આગળ ધરી બધાએ હાથ ઊંચા કરી દીધા. ટ્રક દ્વારા નિકાલનો વિચાર કર્યો પણ રુ. 21 લાખનો વરસે ખર્ચ શક્ય નહોતો. એજ અરસામાં  મિત્ર ડૉ. એ. સી. વત્સના માધ્યમથી પરિચયમાં આવેલા કાકા સહયોગી બન્યા. તેમણે તિહાર જેલમાં પરિવર્તન અને  કિરણ બેદી વિષે છાપાઓમાં વાંચેલું. કાકાએ આ જૈવિક કચરામાંથી દુર્ગંધરહિત પૌષ્ટિક ખાતર બનાવી આપવાની યોજના મૂકી. એક્સેલ પાસે ટેકનોલોજી અને રસાયણો હતાં તે પૂરાં પાડ્યાં. કેદીઓ શ્રમદાન માટે આગળ આવ્યા અને જાણે ચમત્કાર થયો. એ ઉકરડો દુર્ગંધ રહિત ઉપજાઉ ખાતરમાં રૂપાંતરિત થતાં સ્થાનિક નર્સરીઓએ ખરીદવા તૈયારી દર્શાવી  જેને કારણે એ ‘કચરા’ માંથી વર્ષે ૨૧ લાખ રૂપિયા જેટલી રકમ કેદીઓના કલ્યાણફંડમાં જમા થવાની શક્યતાઓ સર્જાઈ. માત્ર ઉદ્યોગોમાં નહીં, ત્યાંથી એક ડગલું આગળ વધી, સમાજમાં જ્યાં પણ અસ્વચ્છતા દેખાય ત્યાં સ્વચ્છતા પ્રસરે એ માટે ઉદ્યોગી કાકાની આ ઉદ્યમશીલતા સ્પર્શી જાય છે.

વળી આજે ચર્ચામાં  છે એ  ‘ઉદ્યોગોનાં સામાજિક ઉત્તરદાયિત્વ’નો   વિચાર ‘કાકા’એ એક્સેલના માધ્યમથી ક્યારનોયે ચરિતાર્થ કરી બતાવ્યો. એના ઉદાહરણો આપણે આગળ ઉપર જોઈશું. એવો જ બીજો વિચાર ‘MAKING IN INDIA’અને ‘આત્મનિર્ભર ભારત’નો છે. થોડા સમય પર કાકાની વર્ચ્યુઅલ પ્રાર્થના સભા યોજાયેલી. એક્સેલના પરિજન (આપણે  અગાઉ જોયુંને  કે એક્સેલમાં કોઈ કર્મચારી નથી, પરિવારના જ સભ્ય છે.)  અને  એન્જીનીઅર શ્રી સી.એ. મહેતાએ સરસ વાત કરી કે ભાવનગરમાં ફોસ્ફરસનો પ્લાન્ટ શરુ કરવાનો હતો, પણ એને માટે અમુક કાચો માલ જરૂરી હતો. એ અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે કાકાએ કહ્યું કે આપણે બીજા દેશ પર શા માટે આધારિત રહેવું પડે? ચાલો આપણે પોતે જ એ બનાવીએ. એ થયું અને પ્લાન્ટ ચાલુ થયો.  કાકા આવા દીર્ઘદૃષ્ટા હતા.

કાકાને મન કોઈ પદ મહત્વનું નહોતું. કામ મહત્વનું હતું. એટલે જવાબદારીથી ભાગ્યા નહીં તેમ જયારે મુક્ત થવાનો સમય આવ્યો ત્યારે સાપ કાંચળી ઉતારી નાખે તેમ સહજપણે મુક્ત થઈ ગયા. ગાંધીજીના વિચારોનો પ્રભાવ હતો, સ્વામી વિવેકાનંદનું દર્શન હૃદયમાં હતું અને વિનોબાએ પણ એક મુલાકાત સમયે ગામડામાં કામ કરવા પ્રેરિત કર્યા હતા. મુક્તિના સમયે ઘણા લોકોએ કહ્યું કે તમે વધારે ટર્મ માટે રહી શકો છો પણ કાકાને મનમાં  હતું કે જે કામો કરવાની ઈચ્છા છે તે માટે શહેરમાં બેસી રહેવાને કોઈ કારણ નહોતું. એટલે ‘સાચાં કામો અને ૨૧મી સદીનો ઉદ્યોગ કેવો હશે તે, શીખવા કચ્છમાં જાઉ છું’ એમ કહીને તરત જ કચ્છ આવી ગયા

હવે તેમના જીવનનાં  આ ત્રીજાં  સોપાનનો  પ્રારંભ થયો.

એવું નહોતું કે તેઓ કચ્છ પહેલીવાર આવતા હતા. જન્મભૂમિ માંડવી કચ્છ. એટલે આ પહેલાં પણ કચ્છ આવ્યા હતા. એમના મોટાભાઈ ગોવિંદજીભાઈ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત વાર્તાકાર ડૉ. જયંત ખત્રી સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં ભણતા. પરિવારમાં દરેક જણ પોતા પાસેના સારા અનુભવો, સારી વાતો સહુને વહેંચે એ પરંપરાને કારણે જયંતભાઈની પણ  ઘણી વાતો ઘરમાં થતી તે સાંભળેલી. જયંતભાઈ સારા સ્કેચીસ પણ કરતા. ડૉ. ખત્રીની સ્મરણવંદનાના પુસ્તક ‘મરૂભૂમિનું મેઘધનુષ’માં કાકા લખે છે, ”૧૯૪૧માં  માટુંગા રહેવા ગયા ત્યારે પહેલી વખત એમના દવાખાનામાં મળવાનું થયેલું. મારા ચિત્રો જોયાં અને ખુશ થયા. મને માર્ગદર્શન આપ્યું. પણ  ક્વિટ ઇન્ડિયા’ લડત શરુ થઈ. થોડો જેલવાસ પણ ભોગવ્યો. એ પછી ગાંધીએ સેવેલાં સ્વપ્નાંનું ગામડું બનાવવાનાં સ્વપ્નાં મને આવવા માંડ્યાં અને  કચ્છ જવાનું નક્કી કર્યું…..તરત જયંતભાઈ પાસે પહોંચી ગયો. ગામડાની વાતો શરુ કરી એટલે એમણે મને કચ્છની સાચી ઓળખાણ થાય એ માટે આખું કચ્છ ફરવાની સલાહ આપી અને એમના મિત્રો, સગાઓ પર કાગળો લખી આપ્યા……એમના પત્રોએ મારી ઓળખાણ વધારી…..કચ્છ ફરવાનું શરુ કર્યું……લગભગ ચાલીસ દિવસ ફર્યો….અદભૂત અનુભવો પણ થયા અને કચ્છનું સાચું હાર્દ ક્યાં છે એ જાણવા મળ્યું……પણ એ પછી કચ્છમાં આવવાનું બન્યું છેક ૧૯૬૫ની  સાલમાં…..ખેતીને ઉપયોગી રસાયણો ઉત્પન્ન કરવાની ઈચ્છાઓ લઈને હું આવ્યો હતો……અને બીજી બાજુ કચ્છના દુષ્કાળના નિવારણો સમજવાના અને શોધવાનાં હતાં.” અહીં પણ જયંતભાઈનું માર્ગદર્શન મળ્યું. એમનાં પત્નીએ કાકાનાં પત્નીને કચ્છની કલા-કારીગરી-કારીગરો વિશે ઘણું બધું આપ્યું. આ રીતે કચ્છનાં કાર્યનો જાણે એક પાયો નખાયો.

પછીનો ઈતિહાસ તો બહુ જાણીતો છે. એના વિષે વાત કરીએ તો આ સ્થાન ઘણું ટૂંકું પડે. પણ કચ્છની જમીન, પાણી, ખેતી, ખેડૂત, કલાને અને લોકોનાં કૌશલ્યને  ધ્યાનમાં રાખી તેમણે  ધીરે ધીરે કામ શરુ કરીને વિવિધ સંસ્થાઓનાં માધ્યમથી એ  કાર્યોનો પરિણામલક્ષી વિસ્તાર કર્યો.

કચ્છના દુષ્કાળ સમયે ધાણેટી ગામની ૩૦ બહેનોનાં  ભરતકામને વ્યવસાયિક સ્વરુપ આપી તેમને પગભર બનાવી. લગભગ ૩૦,૦૦૦ બહેનો સુધી વિસ્તરીને શ્રુજન નામની સંસ્થાએ  કચ્છના અન્ય  હસ્તકલા કારીગરોને પણ  વિશ્વ કક્ષા સુધી પ્રખ્યાત કર્યા છે. આ રીતે  સોય દોરાની ક્રાંતિ થઈ.

પ્રથમ કચ્છમાં ૧૯૭૫માં વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ- VRTI-ની સ્થાપના કરી. સામુદાયિક સહયોગથી  ટકાઉ ગ્રામ  વિકાસ માટે  ખેતી, પર્યાવરણ, જળ સંરક્ષણ, વગેરે પાયાનાં ક્ષેત્રોમાં  આ સંસ્થા કાર્યરત છે. એ પછી ૧૯૮૮માં એગ્રોસેલ નામની સંસ્થા, ખેતીમાં પ્રયોગો અને શિક્ષણ માટે કામ કરતી થઇ. ૧૯૯૪માં એનું મરીન ડીવીઝન શરુ થયું જેમાં મીઠાના રણમાં બ્રોમાઈન બનાવવાનું શરુ થયું. મીઠાના રણમાં જાણે ઢોલ ઢબૂકી ઊઠ્યા. આ ઉદ્યોગ માટે મહત્તમ સંખ્યામાં સ્થાનિક લોકોને જ જોડવામાં આવ્યા. એ ઉપરાંત કચ્છની વિવિધ કલાકારીગરીને  પ્રોત્સાહન આપવા શ્રુજન અને પછી ૨૦૧૬માં કલાકારીગરીને વૈશ્વિક સ્તરે પહોંચાડવા વિશિષ્ટ શૈલી અને આધુનિક વ્યવસ્થાઓ સાથેનાં  LEARNING  AND LIVING DESIGN CENTRE-LLDC-નો પ્રારંભ કરવામાં આવ્યો.

એક્સેલની ઉચ્ચ પરંપરામાં પોતાની દૃષ્ટિ જોડીને કાકાએ છેલ્લાં ૪૦-૫૦ વર્ષોમાં ભારતના જ નહિ વિશ્વના ઉદ્યોગગૃહો માટે પર્યાવરણ જાળવીને ઉત્પાદન અને  સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવવા એક આદર્શ પથ રચી આપ્યો છે.

આ બધાના મૂળમાં કાકાએ કહેલી એક વાત વ્યક્તિગત રીતે  ગૂંજ્યા કરે છે. કચ્છમાં કામ માટે આવ્યા ત્યારે સતત સંપર્ક કરતા રહેતા. એમાં એક વખત ભુજનાં રામકૃષ્ણ યુવક મંડળના મિત્રો સાથે એક બેઠકમાં તેમણે  વાત કરી કે સ્વામી વિવેકાનંદના અન્ય વિચારો સાથે શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધાનો મંત્ર આપ્યો છે તેને પ્રસરાવવાનો છે. લોકોનાં હૃદયમાં તેને ગૂંજતો કરવાનો છે. તેઓ પણ કરી શકે છે એવી શ્રદ્ધા જગાવવાની આવશ્યકતા છે.

શ્રદ્ધાવાન વ્યક્તિઓનું  નિર્માણ કરી, શ્રદ્ધાપૂર્ણ રહી, શ્રદ્ધા પેદા કરવાનું કામ કરનાર આ ઉદ્યોગર્ષિ ને વંદનાંજલિ…..


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.