સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૬) સ્વની શોધમાં નૌશાદ

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

“O World! O Life! O Time! On Whose Last Steps I
Climb, Trembling at That Where I Had Stood Before”

-પર્સી બાય્સ શેલી

નૌશાદ પોતાના જીવનના ૭૯મા વર્ષે દુનિયાનું, જીંદગીનું અને સમયનું અનોખું મહત્વ સમજી શક્યા. ફિલ્મસંગીતમાં પોતાના વિશિષ્ટ પ્રદાન તરફ પાછા વળીને તેમણે નજર કરી ત્યારે (એમને) અહેસાસ થયો કે પોતાનો સંગીતખજાનો લોકસંગીત તેમ જ પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત રહ્યો હતો. એમણે બૈજુ બાવરા(૧૯૫૨) અને શબાબ(૧૯૫૪) જેવી ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત થકી પ્રગાઢ અસર ઉપસાવી હતી. એમના સર્જેલા સંગીતમાં રહેલા દર્દના સુક્ષ્મ આંતરપ્રવાહો ને લીધે એ ચિરકાલિન અસર ઉભી કરી ગયું હતું. કારકીર્દિનાં શરૂઆતનાં વર્ષોમાં તેમણે તે સમયના મહારથીઓ(સંગીતકારો) સામે સફળતા માટેનો સંઘર્ષ કરવો પડ્યો હતો. આથી આખરે એ એવા મુકામે પહોંચ્યા હતા કે નૌશાદને પોતાની જાતની સાથે જ સ્પર્ધા કરવાની આવે. પોતાના ભવ્ય કાર્યકાળને કારણે એ ફિલ્મસંગીતના વિશ્વમાં સફળતાની એક પ્રતિમારૂપ બની ગયા હતા.

એ એક દીર્ઘ સફર હતી. નૌશાદના લખનૌના ઘરમાં સંગીતબંધીનું વાતાવરણ હતું. આથી નાની ઉમરે જ એમણે ઘર છોડી દીધું હતું. ૧૭ વર્ષની નાની ઉમરે એ એક નાટકમંડળી સાથે અમદાવાદની નજીક આવેલ વીરમગામ નામના એક નાનકડા નગરમાં પહોંચ્યા. લખનૌની ઈલસ્ટ્રીયસ ઓપેરા તરફથી તેમને હાર્મોનિયમ અને પિયાનો ઉપરની હથોટી માટે મળેલા એક પ્રમાણપત્ર મળેલું(તા.૨/૧૦/૧૯૩૭). એ પ્રમાણપત્રને લીધે એમને તે મંડળીમાં સ્થાન મળ્યું. બે વર્ષ સુધી તેમણે અહીં કામ કર્યું અને પછી ફિલ્મક્ષેત્રે કારકીર્દિની તલાશમાં મુંબઈ ભણી પ્રયાણ કર્યું. નૌશાદને પહેલી ફિલ્મ પ્રેમનગર(૧૯૪૦) મળી, જે ગ્રામ્ય સૌરાષ્ટ્રની પશ્ચાદભૂને લઈને બની હતી. (એ ફિલ્મનું સંગીત તૈયાર કરવામાં) વીરમગામમાં ગાળેલા દિવસો તેમને માટે વરદાનરૂપ નીવડ્યા. ત્યાં રહીને થયેલા એ વિસ્તારના સંગીતના નિકટના પરિચય થકી એમના સંગીતમાં અધિકૃતતા ઉમેરાઈ.

૧૯૯૮ના એપ્રીલની ૧૯મીએ નૌશાદને એમની યુવાનીની યાદો તાજી કરવાનો મોકો સાંપડ્યો. ગ્રામોફોન ક્લબ દ્વારા એમના સંગીતના એક ઑડીયો-વીઝ્યૂઅલ કાર્યક્રમ માટે નૌશાદ અને હું અમદાવાદમાં હતા. વીરમગામ ત્યાંથી માત્ર ૬૫ કિમી. દૂર હોવાથી નૌશાદે દિવસ દરમિયાન ત્યાં જવાની અને કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પાછા ફરી જવાની ઈચ્છા દર્શાવી. અસહ્ય ગરમીમાં સડકમાર્ગે કરવાની લાંબી મુસાફરીના ખ્યાલથી એ વિચલીત ન થયા. પોતે રહેલા તે જર્જરીત ચાલી જેવું મકાન અને એ જ્યાં ફરતા રહેતા એ ધૂળીયા રસ્તાઓ જોવા માટે એમણે ધોમધખતા તડકાની પરવા ન કરી. એમને તો પોતે ૧૭ વર્ષના હતા એ સમયના વીરમગામની માટીની સુગંધ લેવી હતી. સફળતા અને પ્રસિદ્ધિ પછીના સતત વ્યસ્ત બની રહેલા જીવન દરમિયાન એમને ભૂતકાળની ભૂલભૂલામણીમાં ભટકવાની ફુરસદ મળી નહોતી.

નૌશાદ અને લેખક (નલીન શાહ)

 

અમારા યજમાનોએ વીરમગામના કેટલાક સંગીતરસિયાઓને અમારી મુલાકાત વિશે જાણ કરી હતી. અમારો કાફલો ત્યાં પહોંચ્યો ત્યારે બાર-પંદર જુવાનિયાઓએ હારતોરાથી એમનું સ્વાગત કરતાં નૌશાદ સાનંદાશ્ચર્યમાં ડૂબી ગયા.

વીરમગામની ગલીમાં નૌશાદ

એ બધા નૌશાદે વર્ણન કર્યું એવાં સ્થળોની શોધમાં અમારી સાથે જોડાઈ ગયા. વિતેલાં વર્ષોના લાંબા ગાળા દરમિયાન મોટા ભાગના ઠેકાણે  ઘણા ફેરફારો થઈ ગયા હોવાથી (અમારે) હતાશા અનુભવવાની આવી. જ્યાંથી નૌશાદે એમની શરૂઆતની કમાણીના ૭૦/- રૂપિયા લખનૌ મોકલ્યા હતા એ પોસ્ટઑફીસ હજી ત્યાં ઉભી હતી. પોતે એક સમયે જેમાં રહેતા હતા એ મકાનને ધૂળ અને ઢેફાંના ઢગલામાં રૂપાંતરિત થયેલું જોઈને નૌશાદ હતાશ થઈ ગયા. રેલ્વે લાઈનની નીચેની કેડીનો રસ્તો હજી હતો ખરો, પણ વપરાતો ન હોવાથી એ બંધ થઈ ગયો હતો.

ઉમર અને પગના દુખાવા છતાં નૌશાદ જે ઉત્સાહથી ફર્યા એનાથી લાગતું હતું કે એ જાણે જીંદગી ફરીથી શરૂ કરવા ન ઈચ્છતા હોય! પોતે જ્યાં વારંવાર ફરતા રહ્યા હતા એવી જગ્યાઓને એ આતુરતાથી જોતા હતા. રેલ્વે સ્ટેશનને જોઈને એ બોલ્યા, “ત્યારે તો એ સાવ નાનકડું હતું.” જાણે કે એ જગ્યાનો અનિવાર્યપણે થયેલો વિકાસ નૌશાદને ગમ્યો નહોતો. એક સ્થાનિક વ્યક્તિએ એમને જણાવ્યું કે એ ઘણી વાર જતા હતા એ રેસ્ટોરાં લાંબા સમય પહેલાં ધ્વસ્ત થઈ ચૂકી હતી, ત્યારે નૌશાદનું મોઢું વિલાઈ ગયું.

આ યાત્રાસમ મુસાફરી પૂરી થઈ ત્યારે નૌશાદની આંખો ભીની હતી. ૬૨ વર્ષો અગાઉ સંગીતની દુનિયામાં કારકીર્દિ બનાવવા માટે નિયતી એમને વીરમગામ લઈ આવી હતી અને એ સમયગાળામાં એમણે એક લટાર મારી હતી. અમે પાછા વળવાની તૈયારી કરી એ વખતે એમણે અકળ ભાવથી આખરી નજર ફેરવી. દેખાઈ આવતું હતું કે યાતનાભર્યા ભૂતકાળના દિવસો એમને માટે ચકાચૌંધ કરી દેનારી સફળતાના દિવસો જેટલા જ મૂલ્યવા હતા. એ પોતે જેને પાછળ છોડી દીધું હતું એ પોતે પાછળ છૂટી ગયેલા બાળપણને શોધી રહ્યા હતા. એ પાછું મળી જાય તો નૌશાદને જીવન ફરીથી જીવી લેવામાં વાંધો નહોતો.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.