આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૭

પ્રવાસી યુ. ધોળકિયા

આપણી લેખમાળાના અગાઉના મણકાઓમાં આપણે જોયું કે દેવાસુર યુગ અને પંચજન્ય યુગના અસ્તનું કારણ આંતરિક કલહો અને વિનાશક યુદ્ધો હતાં. આવાં પરિબળોથી વ્યથિત થઈને વિવસ્વાન આદિત્યના પુત્ર અને સાતમા મનુ વૈવસ્તે ભારત આવવાનું નક્કી કર્યું. તેની સાથે તેમના નવ પુત્રો અને એક માત્ર પુત્રી ઈલા અને જમાઈ બુદ્ધ હિમાલયના માર્ગે ભારત આવ્યાં.  બુદ્ધ આદિમ સપ્તર્ષિ અત્રિના વંશજ ચંદ્રના પુત્ર હતા. મનુએ ભારત આવીને સરયુ નદીના કાંઠે અયોધ્યા નગરી વસાવી, અને ત્યાં સૂર્યવંશની સ્થાપના કરી  બુદ્ધે અહી, ગંગા-જમનાના સંગમ પર આજે જ્યાં પ્રયાગનગર છે ત્યાં, પ્રતિષ્ઠાનનગરની સ્થાપના કરી, પોતાના પિતાના નામ પરથી ચંદ્રવંશ ચલાવ્યો.

આ રીતે આપણે હવે વૈવસ્ત મનુથી આપણા દેશના પ્રાચીન ઈતિહાસનો પ્રારંભ જોઈ શકીએ છીએ. કાળગણત્રીની દૃષ્ટિએ સૂર્ય-ચંદ્ર વંશની સ્થાપના થઈ ત્યારે ત્રેતા યુગનું બીજું અને અંતિમ ચરણ ચાલતું હતું. આપણે જે કાળગણત્રીનો આધાર લઈને આગળ ચાલીએ છીએ તે કચ્છી સંત મામૈદેવની છે, જેનો સંપૂર્ણ સરવાળો ૫૦,૦૦૦ વર્ષનો થાય છે.

ઉપરોક્ત સૂર્ય અને ચંદ્ર વંશોએ ભારતમાં એક નવી આર્ય જાતિનો પાયો નાખ્યો. હવે આપણા દેશનું નામ આર્યાવર્ત પડ્યું. આ નુતન સંસ્કૃતિના પાયાના નીચેના ત્રણ મુખ્ય આયામો હતા –

૧) વેદ ધર્મનો સ્વીકાર

૨) પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા

૩) એક સામાજિક સંગઠન તરીકે – વર્ણવ્યવસ્થા

મનુ વૈવસ્તે જ્યારે સરસ્વતીને તીરે રહેવાનું શરૂ કર્યું ત્યારે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનું કારણ એ હતું કે અહીં ત્યારે અનેક જાતિઓ નિવાસ કરતી હતી. તે ઉપરાંત પાતાળલોકમાંથી નિષ્કાશિત અસુરો અને સ્વર્ગલોકમાંથી આવેલી અનેક પ્રજાઓ પણ વસતી જતી. આ જુદી જુદી જાતિઓ વચ્ચે ભારે તંગદિલી પ્રવર્તતી હતી. આવા કપરા સમયે ભારતના પ્રાચીન ઈતિહાસમાં પ્રસિદ્ધ એવો મહાજળપ્રલય પણ થયો હતો. આ જળપ્રલયની કથા સુમર, બેબિલોનિયા અને યહુદી પરંપરાઓમાં પણ જોવા મળે છે. આપણા શતપથ બ્રાહ્મણ મહાભારત અને મસ્ત્યપુરાણમા પ્રથમ અધ્યાયમાં પણ જળપ્રલયનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જળપ્રલયથી બચવા મનુએ એક નૌકા તૈયાર કરી. આ વિશાળ નૌકામાં મનુ, અનેક માનવો અને ઋષિકુળો સલામત રીતે પાર ઉતર્યા, અને હિમાલયની તળેટીના સુરક્ષિત વિસ્તારોમાં આશ્રય મેળવ્યો.

પ્રલયનાં જળ ઉતરી ગયા પછી મનુએ બચી ગયેલી પ્રજાને એકઠી કરી તેમનો વિશ્વાસ સંપાદન કરવાનું મોટું અભિયાન આદર્યું. બધા વર્ગોની સહમતિ પ્રાપ્ત કરી દંડ ધારણ કર્યો. તેણે કડક હાથે તોફાની તત્ત્વોને દબાવી સ્થિરતા અને શાંતિ આણ્યાં. વિવિધ પ્રજાઓમાં વહેંચાયેલા જુદા જુદા સમુહોને માનવ નામ આપ્યું. આવું નવું નામ આપવા પાછળ ખાસ કારણ એ હતું કે હવે જીવન વ્યાપન કરવા માટે  કોઈપણ સાધન મનના દૃઢ નિર્ધાર વગર મળવાનાં ન હતાં.  મનુના અભિયાનમાં તે સમયના સપ્તર્ષિ ઋષિઓના વંશજનોનો સંપૂર્ણ સાથ મળ્યો. ઋષિઓની પ્રેરણાથી જુદી જુદી પ્રજા વચ્ચે એકવાક્યતા આણ્યા પ્છી પ્રથમ મહાયજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞ વખતે સમગ્ર પ્રજાએ મનુને પોતાના રાજવી તરીકે જાહેર કર્યા.

મનુએ દંડ ધારણ કરીને સમગ્ર પ્રજાને તેમના આંતરિક ધર્મગુણોને આધારે  બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણમાં સંગઠિત કરી. તેમણે ચતુર્વર્ણ ઉપરાંત બાળકોનાં ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર માટે ગુરુકુળ પ્રણાલીવાળી સુંદર શિક્ષણ સંસ્થા સ્થાપી. માનવની ચાર અવસ્થાઓને વિકાસ પામવાની યોગ્ય તક મળે તે માટે મનુએ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમોવાળી વ્યવસ્થાને ઉત્તેજન આપ્યું. સમગ્ર માનવ જાતિના સ્થાન માટે યજ્ઞ પ્રથાનો પ્રારંભ અને વિસ્તાર કરવામાં આવ્યો. મનુએ ગૃહસ્થ માટે પાંચ પ્રકારના યજ્ઞો પ્રતિદિન કરવા માટેનું વિધાન કર્યું. આ યજ્ઞો દ્વારા માતા-પિતા, આચાર્ય-ગુરુ, અતિથિઓ, પિતૃઓ અને દેવોને સન્માન આપવામાં આવ્યું.

તેથી જ કહેવાય છે કે મનુ જે કરી શકે છે તે દેવો અને અસુરો પણ કરી નથી શકતા.  मनुष्यः  कुरुते  तत्तु  यन्न  शक्यं  सुरासुरैः। [मार्कण्डेयपुराण (५५ | ६३]. તેથી જ આપણા પૌરાણિક ગ્રંથો, ખાસ કરીને ઋગ્વેદ, કહે છે કે – ‘જ્યાં વિવસ્વાનના પુત્ર મનુનું શાસન છે, એટલે કે  જ્યાં આકાશ સીમા છે અને જ્યાં મહાન નદીઓ વહે છે ત્યાં મને અમરત્વ આપો. જ્યાં ઈચ્છાઓની પૂર્તિ થાય છે અને સૂર્ય છાયા બનીને છત પ્રદાન કરે છે અને જ્યાં પ્રચુર માત્રામાં અન્ન મળે છે ત્યાં મને અમરત્વ આપો.’

આધુનિક સમયમાં મનુસ્મૃતિ ગ્રંથને આધારે મનુને ભારે તિરસ્કારની નજરે જોવામાં આવે છે. પરંતુ આજે પ્રાપ્ત મનુસ્મૃતિ ગ્રંથ એ પુરોહિતો દ્વારા સ્ત્રીઓ અને શુદ્રોને અતિ હિન બનાવવા માટે પાછળથી લખાયેલો ભ્રષ્ટ ગ્રંથ છે. આપણે આ વાત સાબિત કેમ કરવી?

મનુના નવ પુત્રોમાં સૌથી વધારે પ્રતાપી ઈક્ષ્વાકુ થયા. તેઓએ અયોધ્યા નગરીનો વિકાસ કરીને સૂર્ય કુળને આગળ વધાર્યું. મનુના નૃગ નામના પુત્રે બેબિલોનિયા, એટલે કે ઈરાક,માં શાસન કર્યું. આ રાજવીની પ્રતિમાઓ આજે પણ મળી આવે છે. નૃગને ત્યાની પ્રજા નરમસિન નામના ભગવાન તરીકે પુજતી હતી. બધા પુત્રોને રાજ્યો આપ્યા પછી મનુના પુત્ર નાભાનેદિષ્ટને આપવા માટે રાજ્યનો કોઈ પ્રદેશ બચ્યો ન હતો. આ સમયે તેમણે નાભાને ઋગ્વેદની બે ઋચાઓ આપી હતી. જગતમાં ક્યાંય પિતાપુત્ર વચ્ચે આવું આદાનપ્રદાન જોવા નથી મળતું. કાળક્રમે, નાભા પણ વેદર્ષિ બન્યા અને તેઓએ વેદની ૠચાઓ રચી. મનુના પ્રતાપી પુત્ર શર્યાતિએ ગુજરાતમાં રાજ્ય પ્રસ્થાપિત કર્યું. તેના આનર્ત નામના પુત્રના નામ પરથી ગુજરાતને પ્રાચીન સમયમાં આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ વંશની એક ક્ન્યા, સુકન્યા,નાં લગ્ન ભૃગુઋષિના પુત્ર ચ્યવન સાથે થયાં હતાં. તેના પુત્રો ભાર્ગવો તરીકે પ્રસિદ્ધિ આમ્યા.  મનુના અન્ય પુત્રો, ધૃષ્ટ, કરૂપ, પૃષઘ્ર અને પ્રાંશુ પણ પ્રતાપી નીવડ્યા.

બુદ્ધે ચંદ્રવંશની ગાદી પર પોતાના પુત્ર પુરુરવાને પ્રસ્થાપિત કર્યા. આ પુરુરવા પણ ઈક્ષ્વાકુની માફક ખુબ જ પ્રતાપી રાજવી હતા. તેઓએ યજ્ઞ પ્રથામાં સુધારા કર્યા અને આહ્‍વનીય, ગાર્હપત્ય અને દક્ષિણગ્નિ એમ અગ્નિના ત્રણ ભાગ કર્યા.  તેમનાં લગ્ન અપ્સરા કુળની ઉર્વશી સાથે થયાં હતાં. પરિણામે પુરુકૂળને આયુ, ધીમાન, અમાવસુ, વિસ્વાસુ અને દૃઢાયુ એમ પાંચ પ્રતાપી  પુત્રો મળ્યા.  પુરુરવા પાસે સોમદત્ત નામનો દિવ્ય રથ હતો. તેણે આ રથમાં વૈજ્ઞાનિક રીતે સુધારા કરીને તેમાં બેસી એક પછી એક એક એમ ઘણાં તીરો મારી શકાય તેવી વ્યવસ્થા કરી હતી. તેઓ શાકાહારી હોવા છતાં ભારે બળવાન હતા. તેમની આણ પૃથ્વીના ચૌદ દ્વિપો પર વર્તાતી હતી. તેમનાં આવાં મહાન કાર્યોને લઈને ચંદ્રવંશ પૌરવવંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુર્ભાગ્યે તેમનો અંત ઋષિઓ સાથેના સંઘર્ષમાં મૃત્યુ થવાથી થયો હતો.

સૂર્ય અને ચંદ્રવંશના શાસકોએ ત્રેતા યુગથી લઈને દ્વાપર યુગના અંત સુધી શાસન કર્યું. ઈક્ષ્વાકુ વંશે જ વિશ્વમાં અજોડ એવો હજારો વર્ષ સુધી રાજ્ય કારભાર ચલાવ્યો. પુરાણો જોકે ઈક્ષ્વાકુ વંશના માત્ર ૯૨ રાજવીઓનાં નામ આપે છે. સ્પષ્ટતા કરતાં આ ગ્રંથોમાં જણાવાયું છે કે સૂર્ય -ચંદ્ર વંશની વંશાવળીઓ પૂર્ણ રીતે આપવી શક્ય નથી. આધુનિક હિંદીભાષી ઈતિહાસકારોએ અથાક પ્રયત્નો કરીને વંશો અને તેના શાસકોની નીચે મુજબ સંખ્યા આપી છે –

વંશ કુળ સંખ્યા
સૂર્ય ઈક્ષ્વાકુ ૧૫૦
સૂર્ય જનક-મૈથિલી ૯૧
ચંદ્ર પુરુ ૯૨
ચંદ્ર કાન્યકુબ્જ

કાશી

બાર્હદ્રથ

પાંચાલ

૧૯૩
ચંદ્ર યાદવ ૯૨
ચંદ્ર હૈહય ૧૨૨

સૂર્ય – ચંદ્ર વંશના ચક્રવર્તી સમ્રાટોમાં માંધાતા, શશિબિંદુ, મરૂત, મહામના, ભરત, સુહૌત્ર, હરિશ્ચંદ્ર, સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય, સગર, રઘુ, દશરથ અને રામનાં નામ ગણાવી શકાય. અન્ય રાજવીઓમાં નહૂષ, યયાતિ, સુદાસ, દિવોદાસ વગેરે થયા. પરશુરામ અવતાર પણ આ કાળમાં થયો. ઋષિઓમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગત્સ્ય, ઔર્વ, ધૌમ્ય, ભારદ્વાજ, દીર્ઘતમસ અને શતપથ બ્રાહ્મણના કર્તા યાજ્ઞવલ્કયનાં નામો ગૌરવપૂર્વક લઈ શકાય. વાલિ, સુગ્રીવ, અને હનુમાને પણ આ યુગને દીપાવ્યો. જનક વંશની સીતા અને પાંચાલ કુળની દ્રૌપદીએ સતીત્વ પામીને આપણી દેશની મહિલાઓને અમુલ્ય સન્માન અપાવ્યું. નેત્રહીન ઋષિ દીર્ઘતમસે સતત પોતાની ધરી પર ફરી રહેલી પૃથ્વીની ગતિ મપીને ૩૬૦ દિવસ અને બાર માસની વર્ષની ગણતરી પર વેદની અદ્‍ભૂત ઋચાઓ રચી. વિશ્વામિત્ર રાજા હોવા છતાં  વશિષ્ઠ ઋષિનો  પડાકાર ઝીલીને વેદર્ષિ બન્યા. તેમણે ગાયત્રી મંત્ર રચીને સમગ્ર માનવજાતને સૂર્ય જેવી બુદ્ધિ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ સમજાવ્યો. ત્રિશંકુને જ્યારે સ્વર્ગલોકમાં પ્રવેશ ન મળ્યો ત્યારે તેઓએ સમાંતર સૃષ્ટિ રચવાની પરાશક્તિ પ્રાપ્ત કરી.

ઉપરોક્ત ઘટનાઓમાં સ્થાન અને મહાપુરુષોનાં કાર્યક્ષેત્રમાં ફક્ત આર્યાવર્તના ઉત્તરપથમાં જ ન હતાં. પરંતુ વિંધ્યાચળની દક્ષિણમાં પણ સૂર્યવંશે પોતાની આણ વર્તવી હતી. ઈક્ષ્વાકુ વંશના પ્રથમ રાજવી ઈક્ષ્વાકુના પુત્રો શકુનિ અને વંશાતિએ જ દક્ષિણ ભારતમાં ૧૦૩ કુળો સ્થાપ્યાં. અગત્સ્ય ઋષિએ પણ અહીંની પ્રજાને આર્ય સંસ્કારોથી સુસંસ્કૃત કરી. આ રીતે આખું ભારત આર્યભૂમિ બન્યું.


ક્રમશઃ….ભાગ ૮ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.