બંગાળી કવિ જય ગોસ્વામીનાં ત્રણ કાવ્ય
પરિચય અને અનુવાદ – પ્રીતિ સેનગુપ્તા
સમકાલીન બંગાળી કવિ શ્રી જય ગોસ્વામી ( ૧૯૫૪) બંગાળના અત્યંત જાણીતા સર્જકોમાંના એક છે. શાંત અને ઓછાબોલા આ કવિ ગંભીર પ્રકૃતિના છે. એમનો અભ્યાસ શાળા સુધીનો જ રહ્યો, પણ કલકત્તા યુનિવર્સિટી તથા કલ્યાણી યુનિવર્સિટી તરફથી એમને ડૉક્ટરેટની પદવી એનાયત થઈ છે. ઉપરાંત, બંગાળ રાજ્યની સાહિત્ય અકાદમી અને આનંદ પારિતોષિક જેવાં સન્માન મળ્યાં છે. એમની બૌદ્ધિકતા અને સંવેદનનું ઊંડાણ એમની કૃતિઓમાં દેખાઈ આવે છે.
(૧) મૃત્યુસ્વપ્ન
એ છે પાણીને કાંઠે આખો દિવસ પડી રહેતી. એનું નામ
નિરાશા – મારી સ્વપ્નમાં જોયેલી
રાજકન્યા. એ જ, એ જ છે મૃત્યુની સખી.
જોકે કેટલાક દિવસ માટે, એણે કહ્યું છે મને,
થોડીક મેં તારા પર કૃપા કરી છે.
મેદાનની પેલી તરફ થઈને ટ્રેન ચાલી જાય છે,
એના આખા શરીરે છે ભડભડ આગ.
સ્વપ્ન તૂટતાં બેઠો થાઉં છું – જે છે મારી સામે,
જે છે પાણીને કાંઠે આખો દિવસ સૂતી. એનું નામ
પિપાસા. મારું ગળું સુકાઈને ચિત્કાર કરે છે,
પ્રાર્થના ફાટીને એમાંથી લોહી પડે છે –
છતાં થોડું પણ પાણી
એ મને અડકવા દેતી નથી. એને ભય છે
તરસ મટી જતાં જો હું કોઈ બીજાની પાસે જતો રહું તો !
(૨) ઉત્સવ
શબ અટકી રહ્યું છે નદીના ફાંટામાં.
લેખકનું શબ.
પહેરા પર છું હું. ક્યાં ગયું મારું જીવન?
મારા જીવનને લઈને શરૂ થયા છે અનેક ઉત્સવ.
શબના માથા પાસે હું બેસી રહ્યો છું
કલમ લઈને હાથમાં.
(૩) દાહ્ય
અચ્છા, શું આશ્ચર્ય છે, જુઓ. સમસ્ત જીવન દરમ્યાન –
લગભગ પ્રત્યેક દિવસે, સૌથી વધારે
જે વસ્તુ બળતી રહી – તે જ તો
બળશે નહીં – મન,
મન તો સહેજ પણ બળશે નહીં –
સ્ટ્રેચર પર, સ્ટીલની ટ્રે પર સૂઈને તમે પોતે
ફર્નેસની અંદર જશો ત્યારે.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
મૃત્યુસ્વપ્ન… વિશેષ ગમી.