નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૧૮

હું ઇચ્છું છું કે તમારી દીકરી પહેરેલે કપડે અમારા ઘરમાં પ્રવેશે.

નલિન શાહ

‘તમે કાંઈ બોલ્યા નહીં એટલે તમે મારી વાતનું સમર્થન કર્યું છે. એમ હું માની લઉં છું. જો જો વચન આપ્યું છે, તોડતાં નહીં.’ સુનિતાએ કહ્યું.

રતિલાલે નીચા વદને સાંભળ્યા કર્યું ને સ્વીકૃતિમાં ડોકું હલાવ્યું.

‘મારી માંગણી કદાચ તમારા દિલને ના રૂચે, પણ તમે વચનથી બંધાયેલાં છો.’

આ બધાંમાં સદંતર ચિંતામુક્ત હોય તો કેવળ રાજુલ હતી, જે શાંતિથી મોઢું નીચું રાખી સાંભળી રહી.

‘બાપુ, તમે ગામડામાં જિંદગી ગાળી છે ને પાકી ઉંમરે પહોંચ્યા છો.’ સુનિતા આગળ બોલી, ‘એટલે શક્ય છે કે કેટલાક રૂઢિરિવાજો ને સમાજના બંધનોને સર્વોપરી માનતા હો. દહેજને લગ્નનું અનિવાર્ય અંગ સમજતા હો. કેટલી અજબ વાત છે કે તમે જ નહીં, પણ પૂરો સમાજ દીકરીને ભગવાનનું વરદાન નહીં, પણ માથે પડેલો બોજ માનતો હોય એ સમાજને બદલવાનું કામ કેટલું કપરૂં છે એ મારા કરતાંયે વધારે શશીને જાણ હશે. છતાં આ પ્રસંગે હું તમારી ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડું. તમે દીકરી-જમાઈને કાંઈ આપ્યાનો સંતોષ લેવા માંગતા હો તો ભલે એમ, પણ મારી શરત એ છે કે એ સવા રૂપિયાથી ઓછું ન હોય ને એકસો એક રૂપિયાથી વધુ ના હોય, ને એને તમારે દહેજનું નામ આપવું હોય તો આપી શકો છો આ અમારી કેવળ શરત જ નહીં, પણ પ્રાર્થના પણ છે.’

સવિતા ને રતિલાલ સજળ આંખોએ સુનિતા ભણી જોઈ રહ્યાં.

‘માફ કરજો,’ સુનિતા બોલી, ‘જેમ તમારા સિદ્ધાંતો છે એમ મારા પણ કંઈક છે. મારી શરતો આકરી લાગે તો ક્ષમા કરજો. પણ હું ઇચ્છું છું કે તમારી દીકરી પહેરેલે કપડે અમારા ઘરમાં પ્રવેશે. પિયરમાંથી એક પણ દાગીનો, વાસણ કે સાડી ના લાવે.’

‘પણ, પણ…’ સવિતાથી બોલ્યા વગર ના રહેવાયું, ‘અમારે સ્વેચ્છાએ અમારી શક્તિ મુજબ દીકરી-જમાઈને કાંક આપવું હોય તો?’

‘તમારા જમાઈને કાંઈ આપો તો એનો અસ્વીકાર કરવાનો એને હક છે, એને તમે માનભંગ ના માનતાં. રહી તમારી દીકરીની વાત, તો અમારું ઘર ઘણું વિશાળ છે. તમે એને જે કાંઈ આપો એ એના ઓરડામાં રાખશે, બીજું કોઈ એને નહીં અડે.’

મા-બાપ તો ડઘાઈ જ ગયાં, શશીને કાંઈ નવાઈ ના લાગી, રાજુલને એની ‘મમ્મી’થી ખાતરી હતી.

‘મારે જ બધું બોલવાનું છે એ તમે સ્વીકાર્યું છે એટલે જ ચોખવટ કરી લઉં છું કે અમુક બાબતોમાં હું રૂઢિવાદી છું. જેમ કે કન્યા સામે ચાલીને લગ્ન કરવા ના આવે. વરે એને લેવા જવું પડે એમાં જ કન્યાની આબરૂ છે એટલે લગ્ન તો તમારા ગામમાં જ થશે. તમે બધી વાતે નિશ્ચિત રહેજો. લગ્ન માટે તમારી સ્વીકૃતિ મળશે. એની આશાએ મેં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે ટેલિફોન પર વાત કરી લીધી છે. ગણ્યાં-ગાઠ્યાં લોકો અમારી સાથે જાનમાં આવશે. રહેવાની વ્યવસ્થા સર્કિટ હાઉસમાં થઈ જશે. આઠ-દસ માઈલના અંતરે છે, પણ ગાડીઓની વ્યવસ્થા એમને ને અમારે માથે છે. લગ્ન તમારી ઇચ્છા સંતોષાય તેવી રીતે ધામધૂમથી થશે. મંડપ, બેન્ડવાજા ને સગા-સંબંધીઓને જમાડવાની વ્યવસ્થા અમારે માથે રહેશે. રસોઇયા અને સામગ્રી સુરત ને વડોદરાથી આવશે. અમારા મેનેજર અને ઓફિસના માણસો એ બધું સંભાળી લેશે. લખાણ તમે આપજો ને કાર્ડ અમે રાજુલની પસંદગીનું મુંબઈમાં છપાવશું. આ બધી વાત આપણી વચ્ચે જ રહેશે એની હું બાંહેધરી આપું છું. લોકો તો એમ જ માનશે કે આ બધી સરભરા તમારા થકી જ છે. તમારી સૌથી મોટી દીકરી જો આવે તો ભલે જોતી…’

‘ને બળતી’ રાજુલ બોલ્યા વગર ના રહી શકી ને શશી અને સુનિતા હસી પડ્યાં.

‘અમે તો ઇચ્છીએ છીએ’ સુનિતાએ આગળ કહ્યું ‘કે આખું ગામ કહે કે રતિલાલભાઇએ રંગ રાખ્યો અને વિચાર કરો બાપુ કે ભગવાને અમને જરૂર કરતાં વધારે આપ્યું છે, ને અમારે માટે તો આ એક જ પ્રસંગ છે. તમને પહેલાં જ ચેતવ્યા હતા કે અમારી શરત જરા આકરી છે, પણ જરૂરી છે. તમારૂં માન જળવાઈ રહેશે એની અમે પૂરી તકેદારી રાખીશું. ને વિચારો તો ખરા કે અમારી સંપત્તિની માલકણ તો આ તમારા ઘરમાં બેઠી છે. હવે તો મારે એના તાબામાં રહેવું પડશે ઘરમાં.’

‘મમ્મી’ રાજુલ ગુસ્સે થઈ મોટેથી બોલી. સુનિતાએ ઊભી થઈને રાજુલની બાજુમાં જગ્યા લઈ એને બાથ ભરી, ‘અરે દીકરી તરીકે તો મેં તને ક્યારની અપનાવી લીધી છે. એટલે તારો ગુસ્સો આ લગ્નવિધિ તો કેવળ પ્રસંગોપાત ઔપચારિકતા છે, તારા કુટુંબના સંતોષ ખાતર મારી જગ્યા હવે તું લેશે ને તારી જગ્યા ભવિષ્યમાં બીજું કોક લેશે. એ ક્રમ તો ચાલ્યા કરશે એટલે વાસ્તવિકતાનો સામનો કરવાની હિમ્મત અત્યારથી કેળવવી પડશે.’

ત્યાં જ કોઈએ બહારથી ઘાંટો પાડ્યો, ‘અરે રતિલાલ શેઠ, આ તમારી ગાડી નડે છે અમારા ખટારાને જવા માટે.’

‘હમણાં હટી જશે.’ સુનિતાએ જવાબ વાળ્યો ને રાજુલને કહ્યું ‘ડ્રાઇવર જમે છે ને સાગર બહાર ગયો છે તો તું જ જરા સામેના ચોગાનમાં મૂકી દે ને?

રાજુલ ત્વરિત ઊભી થઈ ને ડ્રાઇવર પાસે ચાવી લઈ ગાડી ચાલુ કરીને સડસડાટ સામેના ચોગાન ભણી હંકારી મૂકી.

રતિલાલ ને સવિતાને અત્યાર સુધી એમના કાનો પર વિશ્વાસ નહોતો બેસતો હવે તો એમની આંખો પણ વિસ્મયથી પહોળી થઈ ગઈ. શશીની આંખો ભરાઈ આવી. રાજુલ આવીને સુનિતાની બાજુમાં સાહજિક ગોઠવાઈ ગઈ. ‘બાપુ, કોઈ કહેશે આને કે ગામની ગમાર છે!’ સુનિતાએ રાજુલના માથે ટપલી મારી કહ્યું, ‘હવે ઊભી થા ને ચા બનાવ. બીજા કોઈને ના પાડી હોય તો ભલે; મારે તો પીવી છે.’

‘હું બનાવું છું’ કહી સવિતા ઊઠવા જતી હતી પણ રાજુલે રોકી, ‘ના બા, હું જ બનાવું છું. મમ્મીને કાંક કહેવું લાગે છે મારી ગેરહાજરીમાં એટલે ચાનું બ્હાનું કાઢ્યું.’

સુનિતા હસી પડી, ‘સાચી વાત છે, બાપુ. મેં તમારી દીકરીને કીધું કે ગામ જતાં પહેલાં તારી પસંદગીના જે દાગીના ઘડાવવા હોય તે અત્યારે જ ઓર્ડર આપી દે તો કહે કે ના પહેલાં લગ્ન માટે દીદીની સંમતિ મળવા દો. તો મેં કહ્યું કે દાગીના ઘડાતા તો વાર લાગે ને મારા આર્કિટેક્ટ થયેલા દીકરામાં કાંઈ ખોટ છે કે તારી દીદીને વાંધો આવે? તો કહે કે અરે, મારી દીદીને તમે જાણતાં નથી; એ તો કહેશે કે મને પૂછ્યા વગર દાગીના ઘડાવવાનો મતલબ શું થાય? અરે ના રે બાબા, એ વાઘણ મને ફાડી ખાય ને મારે એટલા જલદી મરવું નથી.’

શશી ખડખડાટ હસી પડી, ‘હમણાં ખબર લઉં છું એની. મને વારેવારે વાઘણ કહી વગોવે છે.’ ને ઊભી થઈ રસોડામાં ગઈ ને રાજુલને બાથમાં લઈ ભાલ ઉપર ગાઢ ચુંબન કર્યું.

ચાની વિધિ પત્યા બાદ સુનિતાએ પૂછ્યું ‘તો બાપુ, હું તમારા બધાની સંમતિ છે એમ માની લઉં?’

‘તે ક્યાં હવે મારે કહેવાપણું રાખ્યું છે. મને તો હજી વિશ્વાસ નથી બેસતો કે મારી દીકરીના લલાટમાં આ બધું લખાયેલું છે?’

‘તમે તમારી દીકરીની પ્રતિભા હજી ઓળખી નથી. એ તો તમારી વચલી દીકરીને આભારી છે જેણે સમજીને એને શિક્ષણ માટે મુંબઈ મોકલવાના તનતોડ પ્રયાસ કર્યા ને ફાયદો અમને થયો.’

‘પણ તમને લાગતું નથી કે હજી કોઈની સંમતિ લેવાની બાકી હોય?’ રાજુલે ચુપકીદી તોડી.

‘હવે કોને પૂછવાનું હોય!’ રતિલાલ કુતૂહલવશ બોલ્યા.

‘ના ના, આ તો અમથું, તમને જરૂર લાગતી હોય તો’ રાજુલે કટાક્ષમાં કહ્યું.

‘અરે પણ કોણ? એ તો કહે.’ બાએ પૂછ્યું,

‘ના ના, એ તો અમથું પૂછ્યું.’ રાજુલ બોલી.

‘અરે, પણ નામ બોલશે?’ બા મૂંઝાઇ ગયાં. શશી સમજી ગઈ, ‘હા, હા જો લપડાક ખાવાનો શોખ હોય તો જજે સંમતિ લેવા, મુંબઈમાં જ તો છે.’

‘પણ લગ્નમાં તો બોલાવશો ને?’

‘એ બા-બાપુજીએ નક્કી કરવાનું છે. બોલાવશે તો ખરાં જ ને; પછી આ ધુળિયાં ગામમાં આવવું, ના આવવું એણે જોવાનું છે.’

ત્યાં જ બેબીનો રડવાનો અવાજ આવ્યો ને શશી ઊઠે એ પહેલાં જ રાજુલ ત્વરિત પગલે જઈ બેબીને તેડી લાવી ને શશીએ તૈયાર રાખેલી દુધની બોટલ એના મોંએ લગાડી.

થોડી વાર મૌન સેવ્યા પછી સુનિતા ધીરેથી બોલી, ‘બાપુ, અમારા કુટુંબનો શિરસ્તો છે જે નિભાવવાનો હજી બાકી છે.’

રતિલાલ કાંઈ સમજ્યા નહીં. એ મૂક વદને જોઈ રહ્યા. ‘આવા પ્રસંગે અમે ક્યાંય ખાલી હાથ જતાં નથી, અને આ કાંઈ જેવો તેવો પ્રસંગ નથી. મારા દીકરાની જિંદગીનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે. જે રિવાજ મારા સાસરીયાએ મારા વિવાહ ટાણે નિભાવ્યો છે એ આજે નિભાવવામાં હું ખુશીની પરાકાષ્ટા અનુભવી રહી છું.’ આટલું કહી સુનિતાએ ખૂણામાં ખડકેલાં પેકેટ્‌સ લાવવાનો રાજુલને ઇશારો કર્યો. દરેક પેકેટ પર નામ લખ્યાં હતાં. પહેલું પેકેટ ખોલી એણે સવિતાને પગે લાગી એના હાથમાં આપ્યું. ત્રણ મોંઘામાંની કોટનની અને ત્રણ લગ્નપ્રસંગને અનુરૂપ વિવિધ રંગની બનારસી સિલ્કની સાડીઓ હતી. સવિતાએ સંકોચ અનુભવ્યો ને રતિલાલ વિરોધનો સૂર ઉચ્ચારે એ પહેલાં જ સુનિતાએ કહ્યું, ‘બાપુ, તમે વચન આપ્યું છે કે મારી કોઈ વાતનો વિરોધ નહીં કરો, ને આ તો હું કેવળ પ્રસંગોપાત રિવાજ નિભાવું છું.’

‘ના સુનિતા, તું તો અમને શરમમાં નાખે છે. આવી રીતે વચનથી બાંધી દે એ તો…એ તો…’

‘છેતરાપિંડી કહેવાય, નહીં?’ સુનિતા હસીને બોલી, ‘બાપુ જિંદગીમાં જવાબદારીમાંથી નિવૃત્ત થવાની જે પળની મેં પ્રતીક્ષા કરી તો એ આજે આવે છે તો એનો મને પૂરો આનંદ દો.’ રતિલાલ માટે ઊંચી ક્વૉલિટીનાં ત્રણ ધોતિયાં ને કિંમતી સિલ્કનું પહેરણનું કાપડ ને શશી માટે કોટા ને ઢાકાની કોટન સાડીઓ ને અલગ અલગ રંગની બનારસી સાડીઓ ને બેબીનું પેકેટ સૌથી મોટું હતું, જેમાં ગામડામાં જોવા ન મળે એવા રમકડાં ને ડ્રેસ મટીરીયલ હતાં. ‘હવે મારી થનાર વહુને કાંઈ ન આપું તો મારે ભવિષ્યમાં ભોગવવું પડે.’

‘મમ્મી’ રાજુલ નારાજ થઈ બોલી, ‘તમને મારે માટે શંકા છે?’

સુનિતાએ એને ગળે વળગાડી કહ્યું, ‘અરે, તું તો મારી દીકરી છે. તારી મશ્કરી કરું કે ક્યારેક ગુસ્સામાં લપડાક પણ મારું તો શું મને એટલો હક નથી?’

‘તમને પૂરો અધિકાર છે મમ્મી.’ રાજુલે ઉમળકાથી કહ્યું, ને પછી હસીને બોલી ‘કુદરતનો ક્રમ ક્યારેક ઉલટો પણ પડે છે. વાઘણની બેન પણ વાઘણ હોય એ જરૂરી નથી.’

‘મુંબઈ જઈને બહુ બોલતાં શીખી ગઈ છે, કેમ?’ શશીએ કૃત્રિમ ગુસ્સો કર્યો.

‘તારી ભેટ તો રાજુલ નથી લાવી, કારણ તૈયાર નહોતી. શું છે, કહું?’ રાજુલ સસ્મિત સુનિતા સામે જોઈ રહી. ‘યાદ છે. આપણે ઝવેરી બજાર ગયાં હતાં એક વીંટી લેવા, મારી સહેલીની દીકરી માટે? ત્યારે કોઈ માટે ઓર્ડરથી બનેલા હીરાના સેટ પર તારી નજર ટીકી ગઈ હતી. હું ત્યારે જ સમજી ગઈ કે તમને શોભે એવી વસ્તુ હતી. બસ એનો જ ઓર્ડર આપ્યો છે. પણ તૈયાર ના થયો સમયસર.’

‘પણ, પણ, રાજુલે વિસ્મયથી કહ્યું, ‘એ તો બહુ કિંમતી હતો!’

‘તારાથીય વધુ?’ સુનિતાએ પૂછ્યું, ‘હવે પછી બધાં ઘરેણાં તારી ને સાગરની પસંદનાં હશે. બસ, આ એક જ મેં મારી ખુશી માટે બનાવડાવ્યો છે.

ત્યાં જ ઘરઆંગણે એક જીપ આવીને ઊભી રહી. ડ્રાઇવરની સાથે એક પોલીસનો સિપાહી બેઠો હતો, જે આવીને દરવાજા પાસે ઊભો રહ્યો. રતિલાલ સિપાહીને જોઈ હેબતાઈ ગયા. અડોશપડોશના લોકો માટે આ એક નવાઈનું દૃશ્ય હતું. એક મોટી આલિશાન મોટર, પછી પોલીસની જીપ, આ બધું નજરે પડતાં થોડા જ કલાકોમાં રતિલાલ એક સામાન્ય માનવી બની એક અગત્યના વ્યક્તિ બની ગયા.

‘સુનિતાબેન શેઠ?’ સિપાહીએ દરવાજામાંથી જ પૂછ્યું. ‘હા, ભાઈ’ સુનિતાએ જવાબ આપ્યો ‘તમે ને ડ્રાઇવર આંગણમાં બાંકડે બેસો. થોડી વારમાં આપણે ચા-પાણી પીને નીકળીશું.’ ને સુનિતાએ ઘટસ્ફોટ કર્યો ‘વાત એમ છે ને કે મેં ડિસ્ટ્રીક્ટ કલેક્ટર સાથે વાતવાતમાં શશી સાથે કેટલાંક ગામડાંઓનો પ્રવાસ કરવાની ઇચ્છા જાહેર કરી ત્યારે એમણે કહ્યું કે એ પ્રવાસ જીપમાં કરવો વધુ સગવડભર્યો કહેવાય એટલે એમણે જીપ મોકલી છે, જે પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી આપણી સાથે રહેશે. તો બા, અમે ચા-પાણી પીને નીકળીએ. છોકરાંઓને તો ગાડીમાં મુંબઈ સુધીનો લાંબો રસ્તો કાપવાનો છે. એટલે જેટલાં જલદી નીકળે એટલું સારું.

સવિતા, શશી ને રાજુલ રસોડામાં ગયાં. સાગર આવી હીંચકે રતિલાલ સાથે બેઠો ને રતિલાલે શશીના થકી ગામમાં સર્જાયેલી ક્રાંતિ ને શિક્ષણને સ્વાસ્થ્યની સગવડો ને અવરજવરનાં સાધનો વિશે વાતો આદરી.

ચા પીને બધાંએ જવાની તૈયારી કરી. ડ્રાઈવરે સુનિતાની બેગ જીપમાં ગોઠવી. રતિલાલ અને સવિતાએ રાજુલને માથે હાથ મૂક્યો ને હાથ જોડી સર્વેને વિદાય આપી. ગામ લોકો વિસ્મયભરી આંખે એ દૃશ્ય જોઈ રહ્યાં.

 

Author: Web Gurjari

1 thought on “નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૧૮

Leave a Reply

Your email address will not be published.