લુત્ફ-એ-શેર: મણકો # ૫૩

ભગવાન થાવરાણી

કેટલાક ‘યુવાન’ લોકો આમ તો ઝફર ગોરખપુરી સાહેબને નહીં ઓળખે પણ જો એમને કહીએ કે ૧૯૯૩ની ફિલ્મ ‘બાજીગર’ નું શાહરુખ ખાન અને શિલ્પા શેટ્ટી પર ફિલ્માવાયેલું ગીત  ‘કિતાબેં બહુત સી પઢી હોંગી તુમને‘ એમણે લખેલું છે તો કદાચ ઓળખશે !

ઝફર સાહેબે ફિલ્મોમાં તો નહીંવત લખ્યું પરંતુ ઉર્દૂ સાહિત્યમાં એમનું નામ પૂરા અદબ અને ઈજ્જતથી લેવામાં આવે છે. પહેલવહેલા એમના આ શેર દ્વારા એમને ઓળખ્યા :

ઇત્તેફાકન  બેવકૂફોં  કે  કબીલે  મેં  ‘ ઝફર ‘
મૈં હી એક ચાલાક હું ફિર કયું ન સરદારી કરું ?

આવા ચાલાક લોકો આપણી આજુબાજુ ડગલે ને પગલે છે જે આ ચાલાકીના એકમાત્ર કારણથી સરદારી કરે છે. ખેર ! કરવા દો.  ઝફર સાહેબની એક ગઝલના બધા જ શેર મને ગમે છે જેમ કે આ શેર :

અબ ભીક માંગને કે તરીકે બદલ ગએ
લાઝિમ નહીં કે હાથ મેં કાસા દિખાઈ દે..

(કાસા = ભિક્ષાપાત્ર)

પરંતુ ગજબ તો છે આ ગઝલના મત્લામાં ! જૂઓ :

દેખેં કરીબ સે ભી તો અચ્છા દિખાઈ દે
એક આદમી તો શહર મેં ઐસા દિખાઈ દે ..

કહે છે, જે વ્યક્તિ ઉત્તમ કલાકાર હોય એ માણસ તરીકે પણ એટલો જ ઉમદા હોય એ સ્હેજે જરૂરી નથી ! આ નાચીઝનો એક શેર છે :

સારા જે લાગે એમની નજદીક ના જઈશ
સંભવ છે તારી માન્યતા બદલાવવી પડે ..

કવિનો બળાપો એ જ છે. રડયો-ખડ્યો એકાદ જણ તો એવો જડે જે દૂરથી પણ સારો હોય અને નજીકથી પણ ! આપણી જાણીતી ઉક્તિ છે  ‘ ડુંગરા દૂરથી રળિયામણા ‘. લખાયું ત્યારે કદાચ માણસો દૂર અને નજીકથી એકસરખા હશેપણ ખરા અને આ કહેવત અપવાદરુપ મનુષ્યો માટે હશે પણ હવે તો  ‘ ગુઝર ગયા વો ઝમાના કૈસા કૈસા ‘ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર: મણકો # ૫૩

Leave a Reply

Your email address will not be published.