સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૨]

મૌલિકા દેરાસરી

ક્યારેય તમે વિચાર્યું છે કે ગીત સંગીત આપણને આટલાં પસંદ કેમ હોય છે? હા… સંગીત દરેક જીવંતમાં એક્સ્ટ્રા પ્રાણ ફૂંકે છે, માન્યું! પણ સાથે મને એક કારણ એ પણ લાગે છે કે ગીત સંગીત સાથે જ્યારે આપણી ગમતી યાદો જોડાય છે, ત્યારે એ વધારે પ્રિય લાગવા માંડે છે!

કિશોરકુમારના અવાજ સાથે પણ કંઇક એવો જ લગાવ છે મને. કિશોરદા મને એ બાળપણમાં લઈ જાય છે, જ્યાં એમના ગીતોની સાથે બાળપણની પણ અઢળક સ્મૃતિઓ જોડાયેલી છે.

તમને પણ કોઈને કોઈ ગીત સાથે આવો જ લગાવ હશે! યાદ કરી જોજો, વીતેલી પળો ફરી એકવાર જીવંત ના બની જાય તો કહેજો!
તો ચાલો વાત કરીએ આજની સફરની. આજે સંગીતકાર ઓ.પી. નૈયરના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલાં ગીતોની સફરનો બીજો ભાગ પ્રસ્તુત છે.

હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના અને જીદ્દી કહેવાતા સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયર વિષે આપણે આગળના લેખમાં થોડી વાત કરી. બાળપણથી જ સંગીત પ્રત્યે તેમને લગાવ હતો. સંગીતની વ્યવસ્થિત તાલીમ તેમને મળી ન હતી, પણ તેઓ સંગીતકાર તરીકેની કારકિર્દી બનાવવા માટે ઘરેથી નીકળી ગયા હતા. તાલીમ ન હોવા છતાં તેઓએ પોતાના શિસ્તબદ્ધ કામ દ્વારા પોતાને ઉત્તમ સંગીતકાર તરીકે પૂરવાર કર્યા. પરંપરાગત સારંગી જેવા વાદ્યથી મનભાવન સંગીત આપનારા નૈયર સાહેબે એક વાર કહ્યું હતું કે – “બહુ ઓછા લોકો જાણે છે કે પ્રખ્યાત ઓ.પી.-સારંગી એ હંમેશાં સારંગી અને સેલોનું સંયોજન હતું”.

તો ગુજરેલી સફરમાં છેલ્લે આપણે ૧૯૫૬ની ફિલ્મ ‘ભાગમભાગ’ની વાત કરી હતી. હવે જઈએ ૧૯૫૮માં, જ્યારે આવી ફિલ્મ ‘રાગિણી’. ફિલ્મમાં કિશોરકુમારની સાથે હતા અશોક કુમાર, પદ્મિની, અચલા સચદેવ જેવા કલાકારો.

પ્રથમ આ ફિલ્મના એ ગીતની વાત કરું જેને જોઉં ત્યારે અચૂક ચહેરા મારાં પર સ્મિત આવી જાય છે!

ખબર છે કેમ?

કલ્પના કરો કે કિશોરકુમાર નટરાજની પ્રતિમા પાસે બેસીને હાથમાં વીણા લઈને મુહમ્મદ રફીના અવાજમાં ગાઈ રહ્યા છે!
જી હાં… જાંનિસાર અખ્તરની શાસ્ત્રીય રાગ પર આધારિત રચના મન મોરા બાંવરા..જેને નૈયર સાહેબે પોતાના પ્રિય ગાયક મુહમ્મદ રફી પાસે ગવડાવેલું. ગીતનું ફિલ્માંકન કિશોરકુમાર પર થયું છે. એટલે એવું અદ્વિતીય દૃશ્ય રચાય છે જે જોવું અને સાંભળવું બંને ગમે છે!

હવેના ગીતમાં બંગાળી છોકરા અને મદ્રાસી છોકરીની વાત શાસ્ત્રીય નૃત્ય અને સંગીત વચ્ચે ચાલતી રહે છે. કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં છે આ ગીત.

આ જ જોડીનું અન્ય એક ગીત, જેના ગીતકાર હતા કમર જલાલાબાદી.

મૂડ મૂડ હમ કો દેખતા, ઝૂક ઝૂક નઝરે ફેંકતા સૈયા અંજાના…

પિયા મૈં હૂં પતંગ તું ડોર, મૈં ઉડતી ચારો ઔર.. જાં નિસાર અખ્તરની આ રચનાને સ્વરથી રમતી કરી છે કિશોર કુમાર અને આશા ભોંસલેએ.

હવેના આ ગીતમાં તમને કિશોર કુમારનું યોડલીંગ અને સાથે મદિરાપાન પછીની હિચકીઓ પણ સૂરમાં સાંભળવા મળશે.

આશાજી- કિશોરદાના સ્વરમાં કમર જલાલાબાદી લિખિત આ ગીત છે –

મુઝકો બાર બાર યાદ ના આ, ઓ બેવફા…

રાગિણી ફિલ્મમાં નામ પ્રમાણે જ ગીતોની રાગિણીઓ લહેરાતી હતી. લગભગ દરેક ગીતમાં ઓ.પી. નૈયરના વિશિષ્ટ હળવા શાસ્ત્રીય સંગીતનો બહાવ સાંભળવા મળે છે. અને એટલે આ ફિલ્મના કિશોરકુમારે ન ગાયેલાં ગીતો વિશે પણ વાત કરવાનું મન થાય છે. તો, સાંભળી જ લો.
ફિલ્મનું શીર્ષક ગીત રાગ લલિતમાં રચાયું હતું. આ ગીત ગાવા માટે ઓ.પી. નૈયરે આમંત્રિત કર્યા હતા શાસ્ત્રીય રાગોના ખાં એવા ઉસ્તાદ આમીરખાં સાહેબને.

જોગિયા મેરે ઘર આયે…

ફિલ્મનું એક શાસ્ત્રીય નૃત્ય ગીત, જેને ગાવા માટે બોલાવવામાં આવ્યા હતા – ઉસ્તાદ અમાનત અલી ખાન અને ફતેહ અલીને.
અહીં પણ કિશોરકુમાર ઉસ્તાદના અવાજમાં ગાતા જોવા મળશે! કે પછી એમ કહો કે ઉસ્તાદ અમાનત અલીએ કિશોરકુમારને આપ્યો છે પોતાનો સ્વર.

છેડ દિયે મેરે દિલ કે તાર ક્યૂં…

હવેની આ જ વર્ષ, યાને કે ૧૯૫૮ની ફિલ્મ હતી – ‘કભી અંધેરા કભી ઉજાલા’. કિશોર કુમાર અને નૂતન અભિનીત આ ફિલ્મના ગીતકાર હતા મજરુહ સુલતાનપુરી અને હસરત જયપુરી.

ફિલ્મનું લોકપ્રિય બનેલું ગીત રમૂજી ગીત કિશોરકુમારના અવાજમાં – સુરમા મેરા નિરાલા.. આંખો મેં જિસ ને ડાલા. આ ગીતમાં ફક્ત કિશોર કુમાર સ્પેશ્યલ કંઇક સાંભળવું હોય તો – ઓ લે લે સૂરમા લે.. લે... વાળી લાઈન સાંભળવી જરાય ના ચૂકતા!

આ ફિલ્મના મજરૂહ સુલતાનપુરી રચિત ગીતોમાંનું એક ઓર ગીત –

કહીં તાકત કે પંજે મેં કલાઈ બદનસીબો કી..જહાં વાલો ઇસે કહતે હૈ દુનિયા.. આ ગીતમાં કિશોરકુમારના અવાજમાં કરૂણરસ છલકતો સાંભળી શકાય છે.

હવે પહોંચીએ વર્ષ ૧૯૬૬માં. અકલમંદ નામની ફિલ્મ આવી આ વર્ષે. કિશોરકુમાર, આઇ.એસ.જોહર અને સોનિયા સહાની જેવા કલાકારોને લઈને આવી હતી આ ફિલ્મ. ફિલ્મના ગીતકાર હતા અઝીઝ કાશ્મીરી.

ફિલ્મનું શીર્ષક ગીત આઇ.એસ.જોહર અને કિશોર કુમાર પર ફિલ્માવાયું છે. કિશોરકુમાર અને મુહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ગવાયું છે આ ગીત.

દો અકલમંદ હુએ ફિકરમંદ… ગીત સાંભળવાની મજા આવે છે એટલે લાગે છે કે જો વિડિયો ઉપલબ્ધ હોત તો જોવાની મજા કંઇક ઓર જ હોત!
ખેર… જો મિલા ઉસીસે ખુશ હો કર હમ આગે ચલ દેંગે.

નોંધ: આ લખાઈ ગયા પછી જીવને જંપ નહોતો. તો થોડા ખાંખાખોળા કર્યા એમાં મને આ લિંક મળી આવી. તમે પણ જોઈ જ લો. મહેનતના ફળ મજાના કેમ હોય છે એ સમજાઈ જાય છે! 😊

હવેનું આ ગીત છે કિશોરકુમાર અને મુહમ્મદ રફીના યુગલ સ્વરોમાં- જેને ફિલ્માવાયું છે કિશોરકુમાર અને આઇ. એસ. જોહર પર. ગીતના શબ્દો એક કોડવર્ડ હોય છે, જેના દ્વારા ફિલ્મના વિલન સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો થાય છે! આ ગીત પી.એલ. સંતોષી રચિત છે.

અજી ક્યા રખા હૈ જ્ઞાન મેં, ઓર ક્યા રખા હૈ ધ્યાન મેં.

કિશોરદા અને આશા ભોંસલેએ ગાયેલું ખૂબસૂરત ગીત –

ખૂબસૂરત સાથી ઇતની બાત બતા...

કિશોરકુમારના અવાજમાં હસીન રચના..

દિયા હૈ આપને બડા હસીન સહારા

કિશોરકુમારને અન્ય પુરુષ ગાયકોએ અવાજ આપ્યો હોય એવા ગીતો તો આપણે સાંભળ્યા છે. પણ…આશા ભોંસલેએ કિશોરકુમારને અવાજ આપ્યો હોય એવી વાત સાંભળી છે ક્યારેય? બિલકુલ સાચું જ સાંભળ્યું તમે!

કિશોર કુમાર જ્યારે સ્ત્રી વેશે ગાય ત્યારે આશાજીનો અવાજ કિશોરદા પર બિલકુલ જચે! ગીતની નૃત્યાંગનાઓની અસલી પહેચાન જોવી હોય તો ગીતનો અંત ખાસ જોજો.

જુઓ આશા ભોંસલે અને શમશાદ બેગમના અવાજમાં આ ગીત, ફિલ્મ અલકમંદથી-

જબ દો દિલ હૈ બૈચેન, નતીજા પ્યાર નીકલતા હૈ.

ત્યારબાદ ૧૯૬૮નું વર્ષ લઈને આવ્યું ફિલ્મ – ‘શ્રીમાનજી’. અહીં પણ કિશોરકુમાર અને આઇ.એસ.જોહરની જોડીએ કોમેડીમાં રંગ રાખ્યો છે!
અહીં પણ ગીતકાર હતા અઝીઝ કાશ્મીરી.

ફિલ્મના એક ગીતમાં કિશોરદા પોતાના આગવા અંદાજમાં જીવન જીવવાની રીત સમજાવે છે!

ઇસ દુનિયા મેં પ્યારે દો કામ કરના. ફેશન સે જીના ઓર ફેશન સે મરના..

પહલું મેં યાર હો તો કિસ બાત કી કમી હૈ..

મુહબ્બતની ખુશનસીબી સમજાવતું આ રોમૅન્ટિક ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેના અવાજમાં છે.

અરે ભાઈ શ્રીમાનજી, કહો મહેરબાનજી.. જીવનની કરૂણ અસલિયતને હસતા હસતા કઈ રીતે સમજાવી શકાય એ તમને આ ગીતમાં કહેશે કિશોર કુમાર અને આઇ.એસ. જોહર.

કિશોરકુમારને આ ગીતમાં સાથ આપ્યો છે મહેન્દ્ર કપૂરે.

મહેન્દ્ર કપૂર સાથે જ બીજું એક કવ્વાલી ટાઇપ ગીત..

કટી ઉમર અકસર હોટલો મેં, મરે હસ્પતાલ આ કર. કફન મેં હૈ મુહબ્બત કે પૂજારી, દેખતે જાઓ..

હાં.. આ તો થઈ ૧૯૬૯ પહેલાની વાત. ઓ પી નય્યર અને કિશોર કુમારનો સંગાથ ૧૯૬૯ પછી પણ ચાલુ રહ્યો, જ્યારે કિશોર કુમાર હવે માત્ર પાર્શ્વગાયકની ભૂમિકામાં કીર્તિમાનો સર કરી રહ્યા હતા.

આ જોડીના સંગાથના એ તબક્કની વાત હવે પછીના અંકમાં ….


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.