અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોલ્ટ લેક સીટી ટુર, બોનવિલનું સફેદ રણ અને રીનો શહેર

દર્શા કિકાણી

૧૮/૦૬/૨૦૧૭

આજે ઘણાં દિવસે હોટલમાં સરસ ગરમાગરમ નાસ્તો મળ્યો. પેટભરીને નાસ્તો કર્યો અને સોલ્ટ લેક સીટી ટુર પર નીકળી પડ્યાં સવારે સાત વાગ્યામાં ! અમને ઘણી વાર નવાઈ લાગતી કે આટલાં વહેલાં! પણ અમારા ગાઇડનું લોજીક બરાબર હતું : કોઈ પણ સ્થળે અમારી બસ સૌથી પહેલી જ પહોંચવી જોઈએ. આને લીધે અમારે કોઈ પણ સ્થળે ભીડનો સામનો ઓછો કરવો પડતો અને શાંતિથી જોવાલાયક સ્થળો જોવાતાં.

સોલ્ટ લેક  ટેમ્પલ : ઉટાહ રાજ્યનું પ્રતિતાત્મક મકાન એટલે મોર્મોન ધર્મનું આ વિશાળ અને ભવ્ય મંદિર. મોર્મોન ધર્મ વિષે તો અમને કંઈ જ્ઞાન હતું નહીં. પણ આ મંદિર ખરેખર દિલમાં વસી જાય તેવું હતું. મોર્મોન ધર્મનું આ મોટામાં મોટું મંદિર છે. ગોથિક અને યુરોપિયન કેથેડ્રલની ડીઝાઇન ઉપર આધારિત આ મંદિર સુંદરતા અને પવિત્રતાનો સંગમ છે. તેની આસપાસ અતિ સુંદર બગીચો બનાવ્યો છે. ૧૦૦ દેશોમાંથી આણેલા ૭૦૦થી પણ વધુ  અલગ અલગ જાતનાં લગભગ ૫૦૦,૦૦૦ છોડવાથી બનેલો આ બગીચો ભવ્યાતિભવ્ય છે. લાખોની સંખ્યામાં ખીલેલા રંગીન ફૂલો અને છોડો મંદિરની સુંદરતામાં અનેરો વધારો કરે છે. થોડા થોડા અંતરે મૂકેલી મોટી મૂર્તિઓ ધર્મ અને સુંદરતાને સમતુલિત કરે છે. આ બધામાં અનેરો પ્રાણ પૂરે છે અહીંના ફુવારાઓ. ૨૯૪ જેટ લગાડેલ આ ફુવારો ૫૦ ફૂટ ઊંચો ઊડે છે. કોઈ પણ ધાર્મિક સ્થળની પવિત્રતા માટે જે તે ધર્મનું જ્ઞાન હોવું જરૂરી નથી. ધર્મ માણસે બનાવ્યો છે જયારે પવિત્રતા તો કુદરતે બક્ષી છે. સુંદર, ભવ્ય, પવિત્ર મંદિર જોઈ અને ફોટા પાડી અમે પાછાં બસમાં બેઠાં.

કેપિટોલ હીલ અથવા સરકારી મકાનો : અમેરિકાના ૫૦ રાજ્યોની રાજધાનીઓમાં સૌન્દર્યની દ્રષ્ટિએ બીજા નંબરે આવતું આ સંકુલ ખરેખર જોવાલાયક અને ભવ્ય છે. હોલીવુડની ઘણી ફિલ્મોનું અહીં શુટિંગ થયું છે. એક બાજુ ૫૦૦ ચો.માઈલની સોલ્ટ લેકની ખીણો અને બીજી બાજુ રોકી પર્વતોની હારમાળા…… બહુ અદ્ભુત અને મનોહર લોકેશન છે! શાહી આર્કીટેક્ચર અને અદ્ભુત લોકેશન આ સ્થળની સુંદરતામાં ચાર ચંદ લગાવી દે છે.

અમે સૌથી પહેલાં કાઉન્સિલ હોલ કે સીટી હોલ જોવાં ગયાં. હોલની વચ્ચોવચ્ચ હતું આરસનું બનેલું ૬૦૦૦ પાઉન્ડનું ભવ્ય ઝુમ્મર. આખા હોલની આભા તેનાથી વધી જતી હતી. હોલમાં બે બાજુ ઉપર ચઢવા સરસ પગથિયાં બનાવ્યાં હતાં. ઠેરઠેર ચિત્રો અને પૂતળાં મૂક્યાં હતાં જે હોલને ભવ્યતા અર્પતા હતાં. એક જ મોટા હોલમાં એટલું બધું જોવાનું હતું કે આંખો અંજાઈ જાય અને મગજ ચકરાવે ચઢી જાય! અમારાં ભારતીય અને ચીની મિત્રો આસપાસ જ હતાં અને એકબીજા સાથે ફોટા પડાવવામાં બીઝી હતાં! અમારી સાથે એક ચીની બહેન હતાં જે અહીં આરિઝોના યુનિવર્સીટીમાં ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં હતાં અને રજાઓમાં ફરવા નીકળ્યાં હતાં. ભાંગીતૂટી અંગ્રેજીમાં એમની સાથે વાતો કરવાની બહુ મઝા આવી. બસમાં પાછાં જવાનું તો મન થાય એવું હતું જ નહીં પણ અમારે  આજે ૫૦૦ માઈલની મુસાફરી કરી રીનો નામના ગામમાં રાત સુધીમાં પહોંચવાનું હતું. બસમાં બેસીને જ અમે દૂરથી જોયાં :

  • યુનિવર્સીટી ઓફ ઉટાહ
  • ટ્રોલી સ્ક્વેર
  • લાઈબ્રેરી સ્ક્વેર

હોટલ જઈ મોટી બસમાંથી અમારો સામાન નાની  ૧૫ સીટવાળી વાનમાં શિફ્ટ કર્યો. અમારાં ઘણાં મિત્રો અહીંથી છૂટાં પડતાં હતાં અને અમે ૧૨-૧૫ લોકો જ આગળ જવાનાં હતાં. અમારાં ચાર-પાંચ દિવસ જૂના ચીની મિત્રો, ગાઈડ અને કંડકટરને બાય-બાય કરી ભારે હૃદયે વિદાય લીધી.

વાનના ડ્રાઈવર કમ ગાઈડ ચીની હતા. વાનમાં તેમને જોરથી ચીની મ્યુઝિક વગાડવાનું શરુ કરી દીધું હતું. ચીની લોકોને પણ બહુ મઝા આવતી ન હતી. જો કે  દર બે કલાકે તેઓ ગાડી ઊભી રાખી અમારી જરૂરીયાતોની સંભાળ રાખતા હતા. સોલ્ટ લેક સીટીથી શરુ થતો રસ્તો સીધો ને સીધો સરકતો જતો હતો. નાની વાન જરા અગવડભરી હતી. બંને બાજુ ક્યાંય લીલોતરી કે હરિયાળી જોવા મળતી ન હતી. ફક્ત સુકાઈ ગયેલ તળાવ જેવું દેખાતું હતું.  કલાકેકની ડ્રાઈવ પછી વાન ઊભી રહી.

અમે બોનવીલ સોલ્ટ ફ્લેટ્સ ( Bonneville Salt Flats) આવી પહોંચ્યાં હતાં. ચારેય બાજુ નજર પહોંચે ત્યાં સુધી મીઠાથી બનેલ સફેદ અગરો. આપણા કચ્છના પ્રખ્યાત સફેદ રણ જેવું લાગે. ૧૦૪ ચો.કિમી.માં ફેલાયેલ આ સફેદ રણ સૂર્યના કિરણોને લીધે બપોરે તો બહુ આકરું લાગે. પણ અમેરિકા તો મનોરંજન અને સાહસનો દેશ છે.અહીં ઘણી બધી હોલીવુડ ફિલ્મોનું શુટિંગ થયું છે. અને અહીં દર વર્ષે સાહસની ચરમસીમા જેવી મોટર સાઇકલની સ્પર્ધા થાય છે. ઓગસ્ટ મહિનામાં ‘સ્પીડ વિક’ સપ્ટેમ્બરમાં ‘વર્લ્ડ ઓફ સ્પીડ’ નામની અંતરરાષ્ટ્રીય સ્પર્ધા અહીં થાય છે અને ઉજ્જડ લાગતાં એ મીઠાના સફેદ રણમાં સાહસિકોનો મેલો જામે છે! બહુ ગરમી લાગતી હતી અને સૂરજના કિરણો સફેદ જમણ પરથી પાછાં ફેંકાતાં હતાં એટલે આંખો વધુ સમય તેને જીરવી શકતી ન હતી. થોડી જ વારમાં બધાં વાનમાં બેસી ગયાં.

બે કલાક રહીને વળી વાન ઊભી રહી. હાથ-પગ છૂટાં કરવાં અમે પણ વાનમાંથી નીચે ઊતર્યાં. ગામનું જરાક લાંબુ અને વિચિત્ર નામ હતું : વિનેન્સુકા (Winnensucca). બધી જગ્યાએ હોય તેવો મોટો સ્ટોર હતો. સ્ટોરમાં જઈ કૉફી પીશું અને  કંઈક લઈશું એમ ધારી અમે સ્ટોરમાં અંદર ગયાં. સ્ટોરના કાઉન્ટર પર એક સરદારજીને બેઠેલા જોયા. અમે તો ખુશ થઈ ગયાં. દિલીપભાઈએ જોરથી બૂમપાડી : સત શ્રી અકાલ. સામે સરદારજીએ પણ પ્રેમનો પડઘો પાડ્યો. તેઓ તો ચારચાર ભારતીયોને આંગણે આવેલાં જોઈ ભાવવિભોર થઈ ગયા. શ્રી લખવીનદર સિંહ બે વર્ષથી તેમની દીકરીનો આ સ્ટોર સંભાળતા હતા. સ્ટોરથી ૨૦-૨૫ માઈલ દૂર દીકરીનું ઘર હતું. દીકરીને બે બાળકો હતાં અને નાના-નાની તેમને સાચવવા અમેરિકા આવ્યાં હતાં. શ્રી લખવીનદર સિંહ લખનૌમાં મોટી કંપનીમાં કામ કરતા હતા પણ દીકરીને જરૂર પડતા ત્યાંનો સંસાર સંકેલી અહી આવી વસ્યા હતા. બહુ વાતો કરી. ના કહેવા છતાં કૉફી પીવડાવી. પરદેશમાં પોતાના દેશવાસી મળે ત્યારે શું લાગણી થાય તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. ચીનાઓ પણ આ દેશીઓનું મિલન પ્રેમથી જોઈ રહ્યાં.

છેલ્લા બે કલાકની ડ્રાઈવ  અને અમે રીનો પહોંચી ગયાં. સારા રસ્તા અને સારા વાહનો મુસાફરીને કેટલી સરળ બનાવી શકે છે! સવારે સાત વાગ્યે સોલ્ટ લેક સીટી ટુરથી શરુ થયેલી અમારી સફર, પછી બોનવિલના સફેદ રણની મુલાકાત અને ૫૦૦ માઈલની ( ૮૦૦ કિમી.) મુસાફરીને અંતે અમે રીનો શહેર પહોંચી ગયાં અને છતાં કોઈ થાક લાગ્યો ન હતો. રીનો શહેર છે કે ગામ તે એક ઉખાણું છે! રીનો ‘ The Biggest Little City in the World!’ ના ઉપનામથી જાણીતું છે.  ગામમાં મોટા સુંદર રસ્તાઓ, નદી અને સુંદર પુલ, અનેક બહુમાળી મકાનો આવેલાં છે અને સતત લાસ વેગાસની  યાદ અપાવે તેવી ઝાકઝમાળ છે. અમે ગામની રોશની જોતાં હતાં ત્યાં તો અમારી વાન એક હોટલ પાસે આવી  ઊભી રહી. ઓહ, આ તો મોટો કેસીનો અને કેસીનોમાં હોટલ!  હવે ઘટસ્ફોટ થયો. આ ઝાકઝમાળ અને આ રોશની કેસીનોને આભારી હતી! કેસીનોમાં થઈ ૧૨મા માળે આવેલ રૂમમાં સામાન મૂકી જરા આરામ કરી અમે ફરવા જવા તૈયાર !

નેવાડા રાજ્યમાં આવેલ રીનો ગામ/શહેર અમને બહુ સુંદર લાગ્યું. સરસ ડાઉન-ટાઉન એરિયા વિકસાવ્યો છે. અમે ખાસ્સું એવું ચાલ્યાં. ચાલીને ગામ જોવાની મઝા જ કંઈક ઓર હોય છે ! જતાં જતાં મકાનો અને કેસીનોના નામ યાદ રાખતાં ગયાં જેથી પાછાં આવવામાં સરળતા રહે. ગામમાં મોટા રસ્તાઓ હતા, બહુમાળી મકાનો હતા, રોશનીથી તરબતર કેસિનો હતાં. દરેક કેસીનોનું થીમ જુદું જુદું હોય અને એ થીમ પ્રમાણે તેનું સુશોભન હોય. કમર્સિઅલ સ્ટ્રીટ પર આવેલ પ્રખ્યાત રીનો-આર્ક જોયું. મોટા અક્ષરોએ અર્ધગોળાકારમાં ‘ The Biggest Little City in the World!’ લખીને શણગાર્યું હતું. બહારથી ૩-૪ કેસીનો જોયાં પછી દિલીપભાઈ એક કેસીનો જોવા એકલા અંદર ગયા અને દસ-પંદર મિનિટ સુધી આવ્યાં નહીં… અમારો તો જીવ તાળવે ચોંટી ગયો. હેમખેમ પાછા આવ્યા પછી રીટાએ તેમને ક્યાંય જવા દીધા નહીં! કેસીનોવાળો રસ્તો મૂકી અમે બીજી બાજુ ફંટાયા તો ટાઉનહોલ આવ્યો. હોલનું બહુ સરસ આર્કીટેક્ચર હતું. એકદમ અર્વાચીન ડીઝાઇન હતી. ચાર પગથિયાં ચડીને મોટું મેદાન બનાવ્યું હતું અને હોલ  મેઝનીન ફ્લોર પર બનાવ્યો હતો. મેદાનમાં લાકડાનો મોટો ખુલ્લો ડોમ બનાવ્યો હતો. અમે થોડી વાર ત્યાં પગથિયે બેઠાં. આખી મુસાફરીમાં પહેલી વાર અમે ગરીબોને ભીખ માંગતાં જોયાં.

ટાઉનહોલથી આગળ ચાલતાં રસ્તામાં નદી પર (કે નહેર પર?) સુંદર પુલ બનાવ્યો હતો. પુલ પરથી બહુ સરસ સૂર્યાસ્ત જોયો. રંગોની છોળો ફૂટતી હોય તેવો સરસ સૂર્યાસ્ત જોઈ અમે નદી પાસેના મેદાનમાં યુવાનો રમતો રમતા હતા તે જોવા ગયાં. યુવાનો તંદુરસ્ત અને જીવંત હતાં. તેઓ ફૂટબોલ અને સ્કેટિંગ જેવી રમતોની તાલીમ લઈ રહ્યાં હતાં. રાતના નવ વાગ્યા હતા પણ હજી ઝાંખો સૂર્ય પ્રકાશ હતો. ત્યાંથી પાછો રસ્તો પકડી એકએક લેન્ડમાર્ક ગણતાં ગણતાં બે કલાકનો મોટો આંટો મારી અમે હોટલ પર આવી ગયાં. અમારી હોટલ પણ ધમધમતી હતી. કેસીનોના જુદા જુદા મશીનો પર નજર નાખતાં નાખતાં અમે બારમા માળે અમારી રૂમમાં આવી લાગ્યાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોલ્ટ લેક સીટી ટુર, બોનવિલનું સફેદ રણ અને રીનો શહેર

  1. સુંદર પ્રવાસ વર્ણનની સાથે “ધર્મ માણસે બનાવ્યો છે પરંતુ પવિત્રતા એ પ્રક્રૃત્તિની દેન છે” જેવું તત્વજ્ઞાન સમગ્ર લેખને અનેરો ઓપ આપે છે

  2. The biggest little city is truly amazing! One of the finest, most beautiful sunset is still captured vividly in our eyes! Would like to visit this amazing place again 👍👍👍

    1. Thanks, Raja! What an amazing experience! When we drove in, we had no idea about the place. But Reno turned out to be a great pleasant surprise! ☺️

Leave a Reply

Your email address will not be published.