બે વર્ષથી અહીં ચાલી રહેલી આ લેખમાળામાં મારા બાળપણથી લઈને તાજી ફૂટેલી યુવાનીના સમયગાળા દરમિયાનની કેટલીક આનંદદાયક યાદો વહેંચવાનો આયાસ કર્યો છે. આજની આ આખરી કડી રજૂ કરતી વેળા વાચકોનો અને ‘વેબ ગુર્જરી’ના નાં સંપાદન મંડળનો હાર્દિક આભાર માનું છું.
પીયૂષ મ. પંડ્યા
—————*————–*————–*—————*————-*——————
સને ૧૯૭૧થી ૧૯૭૩ દરમિયાન નડીયાદની જે એન્ડ જે સાયન્સ કૉલેજને સંલગ્ન એવી ઉત્તરસંડા હોસ્ટેલમાં ઉપરના માળના મોટા ભાગના રૂમો માઈક્રોબાયોલોજી ભણતા કુલ ૩૮ વિદ્યાર્થીઓથી ભરેલા હતા. એક એક રૂમમાં ત્રણ ત્રણ છોકરાઓ રહે એવી વ્યવસ્થા હતી. આજથી પચાસ વરસ અગાઉના ગાળામાં હોસ્ટેલની રૂમમાં પલંગ, ટેબલ, ખુરશી અને એક ગોખલો હોય એ તો લક્ઝરી ગણાતી. માત્ર એક બલ્બ થકી જે મળે તે અજવાળું. ટ્યુબલાઈટ તો ઠેઠ ૧૯૭૫માં અમારે હોસ્ટેલ છોડવાની વેળાએ આવી. પંખો ન હોય એની ખોટ ભાગ્યે જ કોઈને સાલતી કેમ કે અમારા મોટા ભાગનાઓનાં ઘરોમાં પણ હાથપંખા જ વપરાતા. હા, રૂમોની રચના એવી હતી કે હવા ઉજાસ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહેતાં. વળી અતિશય મોટી અગાશી હતી, જેમાં અત્યંત ઠંડીની ઋતુને બાદ કરતાં અમારી રાતો વિતતી રહેતી.
મોટા ભાગના છોકરાઓને મેસમાં પીરસાતી રસોઈ બાબતે ભારે અસંતોષ રહેતો. રોજ સવારે બે શાક, એક કઠોળ, દાળ/કઢી અને કચૂંબર ઉપરાંત લીંબુ, ડૂંગળી અને પાપડ અને રોટલી/પુરી તેમ જ ભાત હોય. સાંજે ભાખરી/થેપલાં/રોટલા સાથે શાક અને કઢી/દહીં/છાશ હોય. તે ઉપરાંત દર ગુરુવારે કોઈ ફરસાણ, દર શુક્રવારે પુલાવને ટક્કર મારે તેવી ખીચડી અને મહીનાના બે રવિવારે મિષ્ટાન્ન તેમજ ફરસાણ બનાવવામાં આવે. પણ, “આના કરતાં તો વડોદરાની મેસુંમાં જલ્સી પડી જાય એવાં ભાણાં હોય”, “આજે તો શાકમાં રસો જ ન્હોતો” કે પછી “આપડે કોઈ દિ’ ચીકન-મચ્છી તો મળે જ નહીં, ને!” જેવી ફરીયાદો અમારી વચ્ચે થયા કરતી. જો કે વિકલ્પના અભાવે સૌ કોઈ ભરપેટ ભોજન ગ્રહણ કરતા અને અમુક તો સ્પર્ધામાં ઉતર્યા હોય એટલી ઝડપથી એટલો જ જથ્થો પણ આરોગી જતા હોવાનું યાદ છે. ઘણી વાર તો ધર્મપાલનાર્થે જ મેસમાં મળતા ભોજનને વખોડી નાખવાનું શુભ કાર્ય હાથ ઉપર લેવાતું.
તેમ છતાંય, રાત આગળ વધે એ ભેગા જ મોટા ભાગનાઓને ભૂખ સતાવવા લાગતી. આ કારમી પરિસ્થિતિનો કોઈ જ ઉપાય સહજ પ્રાપ્ય નહોતો. આજથી પચાસ વરસ પહેલાં અમારી હોસ્ટેલની આસપાસ ક્યાંયે મોડી રાતે પેટપૂજા માટેની સુવિધા મળતી નહોતી. સ્ટેશન ઉપર કેટલીક લારીઓ હતી, પણ ત્યાં સુધી પહોંચવા માટે લગભગ સાડાચાર કિલોમીટરનો રસ્તો કાપવો પડતો. એમાં પણ અડધા જેટલા અંતરનો તો સાવ અંધારીયો રસ્તો હતો. આવા કારણથી એ વિકલ્પ નછૂટકે જ અજમાવાતો. આવા સંજોગોને પહોંચી વળવા રજાઓ ગાળીને પાછા ફરતી વેળાએ ઘેરથી મળેલો નાસ્તો કામ આવતો. પણ અમારામાંના મોટા ભાગનાઓ તો સૌરાષ્ટ્રનાં દૂરદૂરનાં શહેરો/ગામોમાંથી આવતા હતા. વારંવાર ઘરે જવાનો સંજોગ ઉભો ન થાય. વળી જે નાસ્તો સાથે આવ્યો હોય એ પણ ટકીટકીને કેટલા દિવસ ટકે! એ અંધકારયુગમાં વિવિધ જાતના નાસ્તાનાં તૈયાર પેકેટ્સ તો બજારમાં આવ્યાં જ નહોતાં. આથી અમુક સમયે અમે બહુ દારુણ અને કરુણ હાલતમાં મૂકાઈ જતા.
કોઈ કોઈ વાર અમુક છોકરાઓ અગમચેતી વર્તીને સાંજે જ ગામમાં જઈને ઈંડાં લાવી રાખતા. મોડી રાતે મોટા ભાગના જંપી ગયા હોય એવે સમયે શક્ય ગુપ્તતા સાથે ઑમલેટ બનાવવાની તૈયારી થાય. પણ, જો છાબડે ઢાંક્યો સુરજ અછતો રહે તો જ હોસ્ટેલમાં બનતી ઑમલેટની સોડમ અછતી રહે! તાનસેનનું ગાન સાંભળીને હરણાં દોડ્યાં હશે એમ જે તે રૂમ તરફ ભૂખ્યાજનો દોડતા. વિવિધ વિશેષણો અને ઈલ્કાબો સાથેનાં સંબોધનો એ બંધ રૂમમાં ભરાઈ બેઠેલા એકલપેટાઓ તરફ ફેંકાતાં. જો બહાર રહેલાઓને મૂકીને એ લોકો ઑમલેટ આરોગી જશે તો નજીકના ભવિષ્યમાં શું કરવામાં આવશે એની ધમકીઓ દેવાતી. તે ઉપરાંત એમની અને એમની એકોતેર પેઢીઓની શી ગતી થશે એ માટેની ભીષણ ભવિષ્યવાણીઓ ઉચ્ચારાતી. આખરે દરવાજો ખૂલી જતો અને પછી જે દ્રશ્યો સર્જાતાં એ છપ્પનીયા દુકાળમાં શું બન્યું હશે એની ઝાંખી કરાવી દેતાં.
નિશીથને અને મને આ બાબતે નિરાંત હતી. અમારો રૂમ પાર્ટનર ભરત દેસાઈ નાસ્તા બાબતે ઘણો જ સમૃદ્ધ રહેતો હતો. એનાં મા-બાપનાં અમુક પરીચિતો નડીયાદમાં જ રહેતાં. એ લોકો વારે તહેવારે ભરતને ડબો ભરીને અલગઅલગ પ્રકારનો નાસ્તો પહોંચાડતાં. તે ઉપરાંત ભરત વારંવાર ભાવનગર જતો ત્યારે ઘરેથી પણ જથ્થાબંધ નાસ્તો લેતો આવતો. બહુ જ ઉદારદિલ અને પ્રેમાળ એવો એ જ્યારે પણ ડબો ખોલે ત્યારે અમને સહભાગી/સહભોજી બનાવતો. પણ, રાત માટેનો અમારો પ્રશ્ન તો ઉભો જ રહેતો. અત્યંત શિસ્તબદ્ધ એવો ભરત સાડાનવ-દસે સૂઈ જાય પછી જ અમને ભૂખ સતાવતી. હવે ભોજનના પટારાનો માલિક તો ખજાનાને તાળું મારીને ઊંઘી ગયો હોય. કરવું શું? એક દિવસ મને એક સંસ્કૃત વાક્ય વાંચવે આવ્યું. ‘બુભૂક્ષીત: જન: કિમ ન કરતિ પાપમ.’ _ ભૂખ્યો માણસ કયું પાપ ન કરે! મેં નિશીથને આ વાક્યને બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારી, પાપની દુનિયામાં પદાર્પણ કરવા સમજાવ્યો. અમે ભરતના ડબાને તાળું હોવા છતાં એને પાછળથી ખોલવાની કળા કેળવી લીધી. એ દિવસો ગરમીના હોઈ, મોટા ભાગના છોકરાઓ અગાશીમાં સૂતા. ભરત જેવા અમુક રૂમમાં જ સૂઈ રહેતા પણ એ લોકો બારણાં આખી રાત ખુલ્લાં જ રાખતા જેથી પવનની અવરજવર થયા કરે. નિશીથ અને હું મોડી રાત સુધી અગાશીમાં પડ્યા પડ્યા વાતો કરતા રહેતા. પણ જેવું લાગે કે હવે ઊંઘી જવું જોઈએ તે ભેગી જ ભૂખ જાગ્રત થઈ જતી. ‘અરેરે, હવે ભૂખ્યા પેટે તો ભગવાન ઊંઘેય નહીં આવવા દે!’ જેવા વિચારો અમને ઘેરી વળતા. પછી આજુબાજુની પથારીઓમાં બધા જંપી ગયા છે એની ખાતરી થાય એટલે અમે ‘હરીનો મારગ છે શૂરાનો’ કરીને રૂમ તરફ જતા. ભરત તો ઘસઘસાટ ઊંઘતો હોય. જરાયે સંચાર ન થાય એમ એના ખાટલાની નીચે મૂકેલો ડબો લઈ, એ ડબો રૂમની બહાર લઈ જઈને એને ખોલી, અમે ક્ષુધાતૃપ્તિ કરી લેતા. ઝડપથી ડબાને શક્ય એટલી ચીવટથી બંધ કરીને યથાસ્થાને ગોઠવી અને પથારી ભેગા થઈ જતા. આ કામ ભરત જ નહીં, બીજા કોઈને પણ ખબર ન પડે એમ કરવું પડતું. એક તો પકડાઈ જવાનો ભય અને તે ઉપરાંત નાસ્તો વહેંચવો પડે એ પણ કઠે એવી બાબત હતી. હા, ક્યારેક કાંઈક ખોટું કર્યાની લાગણીથી લાંબા સમય સુધી ઊંઘાતું નહીં પણ ભૂખના ડંખ કરતાં અપરાધબોધનો ડંખ ઓછો લાગે એવું સમાધાન અમે સ્વીકારી લીધું હતું.
પણ, પાપ ક્યારેક તો પરકાશે જ છે એવું જેસલ જાડેજો કહી ગયો છે. અમારા પણ એવા દિવસો આવી લાગ્યા. એક દિવસ સવારે ચા પીતી વેળા ભરતે અમને કહ્યું કે એનો નાસ્તો ધાર્યા કરતાં વધુ ઝડપે ખાલી થઈ રહ્યો હતો. એટલે ચોક્કસ કોઈ મોડી રાતે રૂમમાં આવીને નાસ્તો ઉપાડી જતો હોવો જોઇએ. શક્ય એટલો આઘાત અને ઊંડી નિસબતનો દેખાવ કરતાં અમે “હોય નહીં! કોની મજાલ છે, આપડી રૂમમાં ખાતર પાડવાની1 તું ચિંતા કર મા, આપડે ઈ ચોરને રંગે હાથે પકડી લેશું. ઈ બધું તું અમારી ઉપર છોડી દે” એવું બધું કહ્યું. સાથે એમ પણ કહ્યું કે એણે આ બાબતની જાણ અન્ય કોઈને પણ કરવી નહીં. ભરતે હા તો પાડી, પણ લાગતું હતું કે એને અમારી ઉપર આછોપાતળો શક તો પડી જ ગયો હતો. હવે અમારે માટે શું કરવું એ વિચારવાનો અને એના અમલ માટે ત્વરિત પગલાં ભરવાનો સમય આવી ગયો હતો. સ્વબચાવ માટેની યોજનાઓ ઘડવાની ફળદ્રુપતા અમારા મગજમાં ખાસ્સી હતી. એનો ભરપૂર ઉપયોગ કરીને અમે એ સાંજે જ પેંતરો વિચારી લીધો.
અમારી જ લોબીમાં અમારા રૂમથી બહુ દૂર નહીં એવી રૂમમાં વિનુ નામનો છોકરો રહેતો હતો. એ જ્યારે ને ત્યારે હોસ્ટેલની પરસાળમાં એક છેડેથી બીજા છેડા સુધી ચપટી વગાડતો વગાડતો ચાલ્યા કરતો. આથી એને સૌ ‘વિનીયો ચપટી’ જ કહેતા. એ કેટલી પણ ગરમી હોય, રૂમમાં જ સૂઈ રહેતો. થોડો ઘણો પવન આવે એ માટે એ પોતાનો પલંગ રૂમના બારણા સુધી લાવી દેતો અને બારણું ખુલ્લું રાખતો. અત્યંત ગભરૂ અને ભીરૂ એવો વિનીયો ચપટી વાતેવાતે નરવસ થઈ જતો. અમારી નજરમાં એ આવી ગયો. બસ, એ રાતે અમે મોડેથી અમારી રૂમમાં જઈને ડબો સેરવી લીધો. પહેલાં તો એ ખોલીને આ સગવડની એ આખરી રાત હતી એમ સમજીને વધુ માત્રામાં નાસ્તો કરી લીધો. પછી એ ડબો ઉપાડીને ચપટીના ખાટલા હેઠળ સરકાવી દીધો. બસ, ફત્તેહના ડંકા વાગી ગયા! પછી અમે અગાશીમાં જઈને મોટેથી બરાડા પાડવાનું શરૂ કર્યું. “ભાઈઓ, જાગો, જાગો. જુઓ આ ઓલ્યા ચપટીડાની નાલાયકી! ઈ અગાશીમાં સૂવા કેમ નથી આવતો ઈ જાણવા હાલો, એની રૂમ સુધી” જેવી ઉશ્કેરણીઓ કાને પડતાં જ કેટલાયે અમારી સાથે દોડ્યા. નિશીથે બધાને ચપટીના પલંગ નીચે ભરતનો ડબો દેખાડીને કહ્યું કે ચોર પકડાઈ ગયો છે. ભરત પણ ઉઠીને અમારી સાથે આવી ગયો. એણે પોતાનો ડબો કબ્જે કર્યો. આટલો ઘોંઘાટ થતાં ચપટી જાગી ગયો અને પૂરી ગતિવિધીનો ખ્યાલ આવતાં જ એ એવો તો હેબતાઈ ગયો કે ધ્રુજતા શરીરે અને ક્ષીણ અવાજે એણે સ્વીકારી લીધું કે રોજ પોતે જ નાસ્તો ઉપાડી જતો હતો! આમ થતાં અમારો રોમાંચ થોડો ઘટી ગયો કારણકે અમને તો એમ હતું કે ચપટી પોતાની નિર્દોષતા સાબિત કરવા મથે ત્યારે ઘનશ્યામ સોની અને પંકજ ત્રિવેદી જેવા બહાદૂરોને આગળ કરવા પડશે. પણ, એ વારો જ ન આવ્યો. આજ સુધી નિશીથ અને મને બાદ કરતાં કોઈએ શું હકિકત હતી એ જાણ્યું હોય એવું અમારી જાણમાં તો નથી આવ્યું!
—————*————–*————–*—————*————-*——————
શેખર અને નિશીથ બેય એ ઉમરે પણ સંગીત બાબતે અને ખાસ કરીને ફિલ્મી સંગીત વિશે ખાસ્સી જાણકારી ધરાવતા હતા. એ બેય ખુબ જ કુશળતાથી હાર્મોનિયમ અને તબલાં વગાડી લેતા હતા. મને પણ શોખ હતો, એકાદ-બે વાજિંત્રોય વગાડતાં આવડતું હતું પણ એ બેય આગળ મારું કોઈ જ ગજું નહતું. ઑગસ્ટ મહીનો આવ્યો અને કૉલેજમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલના આયોજનની નોટીસ મૂકાઈ. અમે ત્રણેય પસંદગી માટે ગયા અને એ બન્ને પસંદ થઈ ગયા પણ મારું પત્તું કપાઈ ગયું! હું તો હતાશ થઈ જ ગયો. પણ એ મિત્રોએ મને કહ્યું કે હજી તો શરૂઆત છે, આગળ જતાં તારો ય સિક્કો હાલવા માંડશે. મારી પાસે ઘરે ટાઈશોકોટો/બેન્જો હતો. એ વાતથી વાકેફ શેખરે સૂચવ્યું કે હવેની વેળા ઘેરથી પાછા આવતી વખતે ઈ ઝાલતો આવજે. બરાબર યાદ રાખીને હું મીડટર્મ વેકેશનમાં ઘરે ગયો પછી વળતાં ટાઈશોકોટો ‘ઝાલતો ગયો’. એની ઉપર મને સારાં એવાં ફિલ્મી ગીતો વગાડવાં ફાવતાં હતાં. આ બેય મિત્રો બારીકીથી ધ્યાન આપીને જ્યાં જ્યાં મારી ભૂલો થતી હતી એ નોંધી, એમાં સુધારા કરાવતા રહ્યા. એમ કરતાં મારા વાદનમાં સુધારો થતો ગયો. ઑક્ટોબર મહિનામાં અમારા માઈક્રોબાયોલોજી વિભાગ તરફથી સંગીત સંધ્યાનું આયોજન થયું. ત્યાં સુધીમાં તો શેખર અને નિશીથ ખુબ જાણીતા થઈ ગયા હતા. અમે ત્રણેય સતત સાથે ફરતા હોવાથી એમની પ્રતિષ્ઠાના છાંટા મારી ઉપર પણ ઉડ્યા કરતા. સ્વાભાવિક રીતે જ એ કાર્યક્રમના આયોજનની જવાબદારી એ બન્ને ઉપર આવી પડી. એમાં મારે ભાગે ટાઈશોકોટો ઉપર બે ગીતો વગાડવાનું આવ્યું. અમે એવું નક્કી કર્યું કે એક નવું અને એક જૂનું ગીત વગાડવું. એ વખતે ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’નું ગીત ‘દમ મારો દમ’ ભારે લોકપ્રિય બની ગયું હતું એટલે એ તો આપોઆપ પસંદ થઈ ગયું. જે બીજું ગીત નક્કી થયું એ ફિલ્મ ‘આવારા’નું સ્વપ્નગીત હતું. હકિકતે એ બે ગીતોનું જોડકું છે. પહેલો ભાગ પૂરો થાય એ પછી બીજા ભાગની શરૂઆત પહેલાં અસાધારણ કક્ષાનું વિવિધ વાદ્યોનું વાદન છે. આજે પણ જાણકારો નિર્વિવાદપણે સ્વીકારે છે કે સ્વરનિયોજન, વાદ્યવૃંદનિયોજન અને સમગ્ર સમાયોજનની દ્ર્ષ્ટીએ આ ગીત અજોડ છે. મારા માટે આ ગીત વગાડવું એ મોટો પડકાર હતો પણ નિશીથે અને શેખરે મને પ્રોત્સાહિત કર્યે રાખ્યો. એક સાંજે શેખર કહે, “એલા ભાઈ! ઓલ્યા યુથ ફેસ્ટિવલમાં તું સીલેક્ટ નો થ્યો ત્યારે તને મેં કીધું ‘તું ને, કે તારો ય સિક્કો હાલશે? તો આ ગીત વગાડીશ પછી તો તારો સિક્કો હાલશે નહીં, દોડશે.” આમ ને આમ એ મિત્રોએ મને પાનો ચડાવ્યે રાખ્યો, એટલું જ નહીં, લગભગ આઠ મીનિટના ગાળામાં વગાડવાનું એ ગીત ગાયનની અને વાદ્યવૃંદની તમામ બારીકીઓ સાથે હું વ્યવસ્થિત વગાડું એ માટે એ લોકો સતત મને માર્ગદર્શન આપતા રહ્યા. છેવટે એટલો મહાવરો થઈ ગયો કે બેય મિત્રોને સંતોષ થાય અને મારામાં આત્મવિશ્વાસ આવી જાય.
અમારા વખતમાં વ્યવસાયિક ઓરકેસ્ટ્રા તો હતાં જ નહીં. એટલે ગાયકોની સાથે સંગતમાં માત્ર હાર્મોનિયમ અને તબલાં જ હોય. અમુક ગીતોમાં હું ટાઈશોકોટો કે માઉથ ઓર્ગન ઉપર સંગત કરતો. હવે મારી સાથે તો માત્ર તબલાંની જ સંગત હતી, જે શેખર કરવાનો હતો. કાર્યક્રમને દસેક દિવસની વાર હતી એવામાં નિશીથને એક નવો વિચાર આવ્યો. એણે સૂચવ્યું કે આ ગીતમાં અમુક અમુક જગ્યાએ જો તબલાતરંગનો ઉપયોગ કરવામાં આવે તો એ ઉચિત રહેશે. તબલાંની જોડમાં નરઘાં/બાયાં તરીકે ઓળખાતાં એકમ પાતળાં અને પ્રમાણમાં ઊંચાં હોય છે. તબલાતરંગમાં એવાં ત્રણ, પાંચ અથવા સાત નરઘાંને અલગઅલગ સૂર સાથે મેળવીને એમને વગાડવામાં આવે છે. અમે એ જ સાંજે નડિયાદની બજારમાં જઈને પાંચ નરઘાં ભાડે લઈ આવ્યા. શેખરે નિશીથની મદદથી એ પાંચેયને યોગ્ય સૂરમાં મેળવી લીધાં. આ ધીરજ માંગી લેતું કપરું કામ હતું અને રોજેરોજ નવેસરથી એમ કરવું પડતું હતું. પણ નવા ઉત્સાહથી અમે એની સાથે પ્રેક્ટીસ કરવા લાગ્યા. આમ ને આમ કાર્યક્રમની સાંજ આવી પહોંચી. ઉક્ત ગીત વગાડવાનો વારો આવતાં પહેલાં અમે સ્ટેજ ઉપર તબલાતરંગ અને મારો ટાઈશોકોટો ગોઠવી આવ્યા. ઉદ્ઘોષણા થઈ અને જેવો મેં સ્ટેજ ઉપર જઈને ટાઈશોકોટો ખોળામાં લીધો એ ભેગા મારા હોશ ઉડી ગયા. જેના પ્રહારથી એના તાર ઝંકૃત કરવાના હોય એ નખલી જ ગાયબ હતી! આંખે અંધારાં છવાઈ ગયાની લાગણી થઈ આવી. પણ, એ જ સમયે સહેજ દૂર પડેલી એક ખીલી ઉપર નજર ગઈ. ઝાઝો વિચાર કર્યા વિના મેં એને ઉપાડી લીધી અને એના વડે ટાઈશોકોટો વગાડવાનું શરૂ કરી દીધું. જમણા હાથની બે આંગળીઓ અને અંગુઠો ખાસ્સાં છોલાઈ ગયાં તેમ છતાંયે એક પણ ક્ષતિ વગર સમગ્ર રચના પૂરી આઠ મિનિટ સુધી વગાડી શકાઈ. શેખરની સંગતે એવો તો રંગ રાખ્યો કે શ્રોતાઓમાંના કેટલાકોને એવું લાગ્યું કે સમગ્ર રજૂઆત એની હતી અને હું એની સંગત કરી રહ્યો હતો! પ્રસ્તુત છબીમાં એ ક્ષણોમાંની એક ઝડપાયેલી જોઈ શકાય છે.
લેખમાળાની આખરમાં આ પ્રસંગ એટલે રજૂ કર્યો કે અમે હોસ્ટેલમાં રહીને માત્ર ટીખળ, મસ્તી અને તોફાન જ નહીં, આવું કશુંક સારું પણ કરતા રહેતા હતા. તે સમયથી લઈને આજ સુધી અમને ત્રણેયને મજબુતીથી જોડી રાખનાર પરિબળ હોય તો એ સંગીત માટેનું ઘેલછાની હદનું પાગલપણું છે.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
આ શ્રેણીની જબ્બર ખોટ સાલશે.
મારા જેવા, પછીની પેઢીના લોકોને પણ આમાં અનુસંધાન સધાતું હતું.
જે તે પાત્રની ચરિત્રરેખાઓ આબાદ ઉપસાવવાની સાથોસાથ ગદ્યની પ્રવાહિતા અને સૂક્ષ્મ રમૂજના આંતરપ્રવાહને કારણે આ શ્રેણી ખાસ યાદ રહેશે.
પિયૂષભાઈને ખાસ અભિનંદન.
પીયૂષ, તને અને તારી શ્રેણીને બંને હાથવડે સલામ! બહુ શરૂઆતથી જ કહેતો આવ્યો છું તેમ, તારી દૈહિક હાર્ડડિસ્કની ક્ષમતા તો અભૂતપૂર્વ છે જ. સાથેસાથે, શ્રેણીના પાત્રો પણ વાંચવાનો જે આહ્લલાદ અનુભવી શકે છે તેવી તારી લેખનીને અંગત પણે હું અપ્રતિમ ગણું છું.
આવા જૂની યાદોના પ્રસંગો થી સજેલી લેખમાળા ઉત્સાહ પ્રેરક બની રહેતી હોય છે.પછી વિનું ચપટી કે ભરત દેસાઇ અમારો કાંઈ ન થતાં હોય.મને પણ મારી ઓલ્ડ ssc ની પરિક્ષાની યાદી આવી ગઈ.અમારા મહેમદાવાદ માં સેવાદળ એકેડમીમાં રૂમ ભાડે રાખેલો.ગામ માં હોવા છતાં.બિરેન ભાઈ પણ આવી કોઈ વાતો ખોલે ત્યારે દોસ્તો એમના અને દિલ થી તાદાત્મ્ય અમે અનુભવીએ એવો રોમાંચ લાવે,જેમ આ લેખમાં તમે નાસ્તા ચોરવાની દિલધડક વાત નિખાલસ થઈ લખી.જોરદાર.ખુબ ગમ્યું.
‘ગુજરે હૈ હમ કહં કહાંસે’ માત્ર પિયૂષભાઈ નહીં, પણ દરેક વાંચક માટે પોતપોતાના એ સમયને તાજી કરનારી બની રહી.
દરેક પ્રસંગ અને દરેક પાત્ર પીયૂષભાઈ સદેહ જીવંત કરી આપ્યાં. પિયૂષભાઈની ફોટોગ્રાફિક મેમરી અને સંજીવનીસભર શૈલીનાં વખાણ કરી એટલાં ઓછાં જ પડે.
દર મહિને આ લેખંઆળાનો મણકો વાંચવાનો ઈંતઝાર હવે નહીં હોય તેની ખોટ બહુ સાલસે.
શ્રી પિયુશ ભાઇ સમગ્ર લેખ માળા ખુબ જ મનોરંજક રહી. મારા પોતાના અમદાવાદ કોલેજ મા વીતેલ દિવસો ની યાદ અપાવી ગઈ જે ગાળો 1986-90 નો હતો પણ મહદ અંશે તમારા જમાના ની વધારે નજીક હતો.
નડિયાદ ના વતની અને તમારી જૂની હોસ્ટેલ થી માત્ર 500 મીટર પર મારુ ઘર આવેલ છે માટે મારા માટે થોડી વધારે રસપ્રદ બની ગઈ.j એન્ડ J કોલેજ માં બહાર થી વિદ્યાર્થી ઓ ભણવા આવતા હશે તે સમયે તેવો ક્યારેય ખ્યાલ ન હતો .મારા પિતાશ્રી ,બ્હેન અને પત્ની બધા આ જ કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.માઇક્રો બાયોલોજી વિભાગ ના તે સમય ના બે જાણીતા પ્રાધ્યાપક શ્રી વિનોદ ભાઈ શાહ જેઓ પછી થી અમેરિકા માં સેટલ થઇ ગયા હતા તેઓ અમારા પડોસી હતા અને બીજા શ્રી શુક્લ સાહેબ પણ અમારી પોળ માં રહેતા હતા.તમારી લેખ માળા ચોક્કસ મિસ થશે.
હજુ આગળ ચલાવ ભાઈ. દા.ત. આપણે યુથ ફેસ્ટિવલમાં ગયેલા એમાં લખી શકાય એવાય પ્રસંગો ઘણા છે. બાકી અત્યાર સુધી ની યાદો મમળાવતા મમળાવતા દાંત કાઢીને ઢગલા થઇ ગયા !
પિયૂષકાકા, ખુબ જ સુંદર લેખ.. આજે અચાનક મન થયું fb માં ડોકિયું કરતાં કુતૂહલવશ આમતેમ નજર દોડાવી ત્યાં જ તમારી લેખમાળા વિશે જાણી તેને શોધી. તેનો અંતિમ મણકો વાંચી આનંદ થયો સાથે ખેદ થયો કે આ શરૂથી કેમ મારી નજરે ન ચડ્યું. બિલકુલ પ્રવાહી શૈલીમાં તમારું વર્ણન વાંચી મને પણ મારી હોસ્ટેલના સંભારણા થયાં… આવું જ સુંદર ભૂતકાળનું ભવ્ય નજરાણું બહાર લાવી અમને સહુને પીરસો તેવી અપેક્ષા સહ…