વાત મારી, તમારી અને આપણી – ”સ્વ-આદર” અને ”અહંકાર”ને ઓળખવામાં ભૂલ ન કરશો !

સ્વઆદર અને અહંકારને સમજવામાં ક્યારેય ભેળસેળ ન કરશો કારણ એ બન્ને સાવ ભિન્ન છે.

ડૉ. મૃગેશ વૈષ્ણવ.

એમ.ડી.(મનોચિકિત્સક)

મને તમારો પરિચય આપશો ? મતલબ કે તમારા વિશે તમે જે અભિપ્રાય સમજ કે ખ્યાલ હોય તેની નિ:સંકોચ માહિતી આપશો ? ‘ગુંચવાઈ ગયા ?’

તમારા દોસ્ત કે સખીનો પરિચય મેં માંગ્યો હોત તો કદાચ તમને આટલો ગૂંચવાડો ન થાત ખરૂં ને ?

તમારો પરિચય આપવામાં તમને આટલી બધી તકલીફ કેમ થાય છે, ખબર છે તમને ?

બીજાઓએ તમારા વિશે આપેલા અભિપ્રાયોને સાચા માની લઈને તમારી સાચી ઓળખ તમે ગુમાવી બેઠા છો.

મારી વાત સમજાવવા હું તમને કુંતલનું ઉદાહરણ આપું છું.

કુંતલ બી.કોમ. ફર્સ્ટ કલાસ અને એમ.બી.એ. છે. બાળપણથી તે ભણવામાં હોંશિયાર છે પણ તેના સહાધ્યાયીઓ તેની ઠેકડી ઊડાડયા કરે છે. શિક્ષકોઅને માતા-પિતા પણ તેને પુસ્તકનો કીડો અને વ્યવહાર કુશળતામાં ઝીરો તરીકે ઓળખાવે છે.

કુંતલને એક ઓફીસમાં નોકરી મળે છે. ત્યાં તેની કેટલીક ભૂલ થાય છે. તેના સાહેબ તેને પોતાની ચેમ્બરમાં બોલાવી ખખડાવે છે.

”બુદ્ધિના લઠ્ઠ આટલી પણ સમજણ પડતી નથી ?”

સાહેબના શબ્દો કુંતલના મગજમાં ઝંઝાવાત સરજે છે. પરંતુ થોડા દિવસોમાં એ ઝંઝાવાત તો શમી જાય છે પણ એની અસર રૂપે કુંતલના મનમાં એવા વિચારો ધોળાયા કરે છે.

”હું બુદ્ધિનો સાવ લઠ્ઠ હોઈશ ?”

‘હું સાવ મુરખ હોઈશ ?’

અને કુટુંબ જાણ્યે અજાણ્યે તેના પર

બુદ્ધિ નો લઠ્ઠ.’

‘મૂરખ.’

એવાં લેબલ લગાવી લે છે અને લેબલને સાચું માની લે છે. ધીરે ધીરે એ લેબલ એના મગજમાં સજ્જડ ચોંટી જાય છે.

વ્યક્તિ એક વખત પોતાને જેવો માને છે તે મુજબ વર્તન કરવાનું શરૂ કરે છે. વ્યક્તિ પોતાને આવડત વગરનો માનશે તો તેનાં બધાં જ કામમાં આવડતનો અભાવ દેખાવા માંડશે.

કુંતલે સાહેબની તેની ભૂલ પરની તીવ્ર પ્રતિક્રિયા પછી જો એવું વિચાર્યું હોત કે કામમાં ભૂલ તો બધાની થાય. ભૂલ કરવી એ કોઈ ગુનો નથી. આ ધરતી પર એવો કોઈ માણસ જન્મ્યો જ નથી જેણે ભૂલ કરી ન હોય. માણસ એકવાર ભૂલ કરે એટલે એનો અર્થ એવો નથી થતો કે તે ‘બુદ્ધિનો લઠ્ઠ’ છે અને આખી જિંદગી ભૂલ કર્યાં જ કરશે.

ભૂલ થાય તો તેનો સ્વીકાર કરી લેવો. તેના પરિણામો ભોગવવાની તૈયારી રાખવી અને આવી ભૂલ ફરીથી ન થાય તેની તકેદારી રાખવી. ભૂલ ક્યારેય કોઈ જાણી જોઈને કરતું નથી.

જો કુંતલે આવું બધું વિચાર્યું હોત તો સાહેબે આપેલાં બુદ્ધિના લઠ્ઠ લેબલને સહેલાઈથી સ્વીકારી લીધું ન હોત.

યાદ રાખો બીજાઓએ આપેલા તમારા વિશે આપેલા અભિપ્રાયોને આધારે જ તમારે તમારો પરિચય નક્કી કરવાનો હોત તો આ દુનિયામાં એકેય ડાહ્યો માણસ પાક્યો જ ન હોત. મહાત્મા ગાંધી, ઇસુ ખ્રિસ્ત કે ભગવાન રામ વિશે પણ હલકા અભિપ્રાયો ઉચ્ચારાયા હતા.

બીજાઓએ તમારા પર લગાવેલા લેબલોના આધારે જો તમે તમારી જાતનું મૂલ્યાંકન આંકતા થઈ જશો તો તમારૂં આત્મસન્માન ઘણું નીચું જવાનું જેથી તમારી જાતને તમે ધિક્કારવા લાગશો. તમારી નજરમાં તમે નીચા પડતા જશો. આવા સંજોગોમાં તમારા હિતની રક્ષા કરવી તમારા માટે શક્ય નહીં બને.

જો તમને તમારી જાત પ્રત્યે આદર નહીં હોય તો.

૧. તમારી સિદ્ધિ બદલ સહજપણે અભિનંદન સ્વીકારી નહીં શકો.

૨. તમારા વિધાનના વાજબીપણા વિશે સામેની વ્યક્તિનો સતત ટેકો ઝંખશો. દા.ત. ”કેમ મારી વાત બરાબર ને ?” ”તું બીજાને પૂછીશ તો એ પણ એમ જ કહેશે.”

૩. તમારા વિધાનને મહત્ત્વ આપતાં તમે કંઈક આમ કહેશો….”મારા પપ્પા કહે છે કે….” નિકેશને એમ લાગે છે કે….

પણ તમને શું લાગે છે એ વાત રજુ કરતાં મન અચકાયા કરશે.

૪. તમારા દેખાવ કે આવડત પર ખુશ થઈ કોઈ એમ કહે કે

”તું હેન્ડસમ લાગે છે હોં….”

”તારામાં તો ભઈ જબરી આવડત છે.”

તો તમે મનોમન વિચારશો હું ક્યાં હેન્ડસમ લાગું છું? મારામાં ક્યાં કંઈ જ આવડત છે ? આ બધા લોકો તો મને સારું લગાડવા જ કહે છે.

૫. તમને કોઈ માનથી બોલાવે તો એવું માનશો કે આ તો મને બરાબર ઓળખતો નથી એટલે માનથી બોલાવે છે.

આમ તમે જ જો તમારું મૂલ્ય ઓછું આંક્યું હશે તો તમારી જાતને ઉતારી પાડવાની એક પણ તક તમે છોડશો નહીં.

તમારા હિતની રક્ષા કરી સ્વાગ્રહી બનવા માટે તમારે તમારા વિશે ઉચ્ચ અભિપ્રાય ઘડવો પડશે.

આ માટે તમારી જાતને ઉતારી પાડતા વિચારોને મનમાંથી કાઢી નાંખી તમારી એક સ્વસ્થ વિચાર સરણી ઘડો.

સામેની વ્યક્તિ તમારો આભાર માને કે અભિનંદન આપે તો તેને લાયક તમે છો તેવું ગણો અને તેને યોગ્ય પ્રતિભાવ આપો.

તમને સૌથી પ્રિય વ્યક્તિ માટે તમે જે ખર્ચ કરી શકતા હો તે તમારા માટે કરો.

તમારી ખામીઓને શોધી કાઢી તમારી જાતને ઉતારી પાડવાની તથા બીજાની ખૂબીઓથી અંજાઈ જઈ બીજાઓને તમારાથી ઊંચું સ્થાન આપવાનું બંધ કરો.

તમારા વિશે નીચે મુજબની ઘાતક ભ્રમણાઓથી દૂર રહેજો.

૧. હું રહ્યો સાવ નાનો માણસ.

૨. સામેની વ્યક્તિને મારાથી આમ ન કહેવાય એ કંઈક વિચિત્ર સમજશે.

૩. હું જાણું છું કે એમાં મારું કંઈ જ ઉપજવાનું નથી.

૪. હું એને આવી વાત કરીશ તો એનું મન દુ:ભાશે.

૫. હું રૂપાળી/દેખાવડો નથી. મારૂં નાક લાંબું/બૂંચું છે. મારા દાંત સહેજ આગળ પડતા છે.

૬. હું ભૂલકણો, બેજવાબદાર, બેદરકાર વ્યક્તિ છું.

૭. હું વૃદ્ધ, થાકેલો, હતાશ છું.

૮. હું ઉંમરમાં હજી ઘણો નાનો/નાસમજ છું.

ઉપરોક્ત જણાવેલી ઘાતક ભ્રમણાઓથી મોટા ભાગના લોકો પીડાય છે જેથી પોતાના હિતની રક્ષા કરી સ્વાગ્રહી બની શકતા નથી.

યાદ રાખો તમે તમારા પ્રત્યે માનની લાગણી ધરાવો તેથી અભિમાની બની જતાં નથી.

સ્વઆદર અને અહંકારને સમજવામાં ક્યારેય ભેળસેળ ન કરશો કારણ એ બન્ને સાવ ભિન્ન છે. ઘણા લોકો અહંકારી હોય છે. પોતે કેટલું ભણ્યા છે. કેટલા હોંશિયાર છે. કેટલા પૈસાવાળા છે, કઈ ગાડી રાખે છે, ક્યા એરીયામાં રહે છે વગેરે વસ્તુ વારંવાર કહ્યા કરે છે. આ પ્રકારની ડંફાશ મારતા લોકો બીજાઓનું ધ્યાન ખેંચવા અને પોતાની જાતની સ્વીકૃતિ મેળવવા સતત ફાંફા મારતાં રહે છે. તેમને પોતાની જાતમાં શંકા હોય છે તેથી જ બીજાઓ પાસે પોતાનું મૂલ્યાંકન વધારવા ડંફાશ મારતા રહે છે. તેઓ સ્વ-આદરના અભાવથી પીડાય છે. એટલે જ એમને બીજાઓના અનુમોદનની તથા સર્ટીફીકેટ્સની જરૂર પડે છે.

ન્યુરોગ્રાફ: સ્વ-આદર ધરાવતો માણસ પોતાની જાત પ્રત્યે આદર, માન અને પ્રેમની લાગણી ધરાવે છે. એટલે એને બીજાઓના અનુમોદનની ભૂખ નથી. તેને પોતાની જાતમાં શ્રદ્ધા છે. પોતાની જાતની આંતરિક સ્વીકૃતિ મળી ગઈ છે. પોતાની જાતને લાયક ગણી લીધી છે પછી બીજાના અભિપ્રાયો પર આધાર રાખવાની જરૂર નથી રહેતી.

સ્વ-આદરની ખીલવણી એ સ્વાગ્રહી બનવા માટેની અનિવાર્ય આવશ્યકતા છે.


Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

3 thoughts on “વાત મારી, તમારી અને આપણી – ”સ્વ-આદર” અને ”અહંકાર”ને ઓળખવામાં ભૂલ ન કરશો !

  1. Nice article on human psychology. What you think that starts and happens as your thinking process brings the same back on you. It is a good write up in the sense one shouldn’t think too much about blundrs or mistakes commited and punish his/her self. Otherwise, it can damage one’s self. A good lesson to all especially to those who think beyond a limit on certain hapening. I would dare to state that my wife leaves matter soon than me and gets her self detached from the hurting event or hapening.

Leave a Reply

Your email address will not be published.