મારું વાર્તાઘર : ખલેલ

રજનીકુમાર પંડયા

‘એક્ઝેટલી ક્યાં દુખે છે?’ ડૉક્ટરે પૂછ્યું.‘હું એક્ઝેટ્લી કહું છું હો !’

‘અહીં’. વર્માએ છાતીના ડાબા ભાગ પર આંગળી ટેકવીને કહ્યું.

‘તમે પોલીસ ઑફિસર્સ….. જો કે, આ પોલીસ વોર્ડમાં દાખલ થતાં બધા જ દર્દીઓ…..  જવા દો…” ડૉક્ટર બોલ્યા. વર્મા એની આગળનું વાક્ય સાંભળવા ઉત્સુક થઈ ગયો. ડૉક્ટરે સિરીંજ નીચે નમાવી દીધી. અને અંજના સામે જોયું અને પૂછ્યું. ‘તમે શું માનો છો, મિસ અંજના?’

‘કઈ બાબતમાં, સર?’

‘નર્સ તરીકે તમે એ નોટ કર્યું જ હશે કે અહીં આવતા બધા જ પોલીસવાળાઓ ગમે તેટલા બહાદુર હોય, પણ હાર્ટના બહુ કમજોર હોય છે, ખરું?

વર્માએ અંજના તરફ આંખો ફેરવી, ને પછી અંજના કંઈ જવાબ આપે તે પહેલાં એના પર નજર સ્થિર કરીને પૂછ્યું.‘મને પણ બધા પોલીસવાળા જેવો જ માનો છો કે?’

ડૉક્ટરે નજીક આવીને, નમીને પ્રીક લગાવી. વર્માથી જરા સિસકારો થઈ ગયો. તરત જ એણે મનોમન ભોંઠપ અનુભવી. અંજના તરફ ફરી જોયું. કશુંક બોલી રહી હોય એમ એ સામે જોઈ રહી હતી. ડૉક્ટરે બાવડા પર માલિશ કરવા માંડ્યું. ઈન્જેક્શન એની જગ્યાએ હજુ દેખાતું હતું. છાતીમાં હજુ પેઈન થતું હતું. એણે આંખો બંધ કરીને ડૉક્ટર અને અંજનાને બહાર જતાં કલ્પી લીધાં.

ડૉક્ટર્સ અને નર્સ ચાલ્યાં ગયાં. ઓરડામાં વેરાન છવાઈ ગયું હોય તેમ એ અનુભવી રહ્યો. ચાલતી ટ્રેનમાંથી એકાએક ફેંકાઈ જવાયું હતું જાણે કે. ઈન્જેક્શનની સોયો, સફેદ સપાટ દિવાલો, સફેદ પલંગ, સફેદ ચાદર, બારીમાંથી પવનના દરેક ઝપાટે ખરતાં દેખાતાં ઝાડનાં સૂકાં પાંદડાં, વ્યસ્તતાનો બોજ લઈને પથ્થર જેવા ચહેરે ઝપાટાબંધ પસાર થતા માણસો અને અહીં પડઘા પાડતા ઓરડાના ખૂણામાં એક રોગિષ્ટ પથારી. ફાધર કહ્યા કરતા કે માણસને એના કર્મોની સજા મળતી હોય છે. ક્યાં કર્મો? વર્મા વિચારી રહ્યા. અરે, એક પણ ડાઘ તો કોઈ બતાવે? આવડી આ કેરિયરમાં એક સિંગલ સ્પોટ! ઊંઘમાંથી ઝબકી જવાયું હોય એવા આંચકાની જેમ એને યાદ આવ્યું કે કોન્ફિડન્સિયલી જાણવા મળ્યું કે શ્રેષ્ઠ સેવાઓ બદલ પુરસ્કાર માટે ગૃહપ્રધાન સુધી એના નામની ભલામણ કરવામાં આવી હતી. આથી મોટી સિદ્ધી બીજી કઈ હોઈ શકે?

એકાએક પ્લેનની ઘરેરાટી સંભળાઈ. ડોક લંબાવીને એણે બહાર આકાશમાં જોયું ને પ્લેનનો પીછો કર્યો. એને યાદ આવ્યું કે એક વાર જ આ પ્લેનમાં બનાવટી નોટોના આરોપીને પકડવા માટે બૉમ્બે જવાનું થયું હતું. (એ વખતે માત્ર હળવી ઊધરસ અને એય પણ ક્યારેક ક્યારેક જ, આવતી હતી. બીજું કશું નહોતું) આજે પણ પ્લેન બૉમ્બે જ જતું હતું. ડેઈલી સર્વિસ છે. વિચાર કરતાં કરતાં એ ભાંગી પડ્યો હોય એમ એણે નીચે ફર્શ પર નજર ઢાળી દીધી, સ્વચ્છ, સફેદ, અને ડેટોલની ગંધવાળી ટાઈલ્સ પર થઈને એની નજર બારણાં બહાર ફંગોળાઈ અને પાળી પર જ્યાં પીળો તડકો સફેદ થઈ જતો હતો, ત્યાં સ્થિર થઈ. આરોપી અહીં આવીને વાઘ થઈ ગયો હતો. એક વાર તક મળતાં એકાંતમાં કહ્યું હતું. ‘બોલો સાહેબ,એક લાખ આપીશ. કેસ લૂલો કરી નાંખો. ન્યાલ કરી દઈશ.’ વર્માએ એ વખતે એકદમ લાલ આંખો કરીને એની સામે જોયું હતું. ‘અસ્સલ નોટો, હો સાહેબ,સોદો મોંઘો નહીં.’ કહીને આરોપી ખંધાઈને હસ્યો હતો. ‘હાર્ડ કેશ કહું છું, સમજ્યા સાહેબ.’ છેવટે વર્માએ ત્રાડ નાંખીને ‘શટ અપ’ કહ્યું હતું. અને પછી સાંજે આ વાત ડી.એસ.પી સાહેબના બંગલે જઈને મગરૂર ચહેરે જણાવી હતી. સાહેબ ખુશ ખુશ થઈ ગયા હતા. અને ‘બ્રેવો બ્રેવો’ કહ્યું હતું. વર્મા જરા ટટ્ટાર થઈને પલંગમાં બેઠો. બ્રેવો એટલે? ઈટ ઈઝ સમથીંગ ઈન્ડિડ.

જ્યારે ડૉક્ટર કહે છે કે તમે પોલિસ લોકો હૃદયના કમજોર છો. છાતીમાં ફરી થોડો દુખાવો ઉપડ્યો. વર્માએ ઓશીકું હાથમાં લીધું. જરા રાહત માટે કે તરત જ બાજુની રૂમમાંથી કોઈ (જાણે કે એ વાત પર જ) હસતું હોય એવો અવાજ આવ્યો. એ પળભર અટકી ગયો. અને છાતી સાથે ઓશીકું દબાવી જોરથી ભીંસ્યું. અંજના એક વાર ટેમ્પરેચર લેવા આવી ત્યારે એ કહેતી હતી કે તમારા જેવા માણસો(વર્માની પૂછવાની ઈચ્છા હતી કે તમારા જેવા એટલે કેવા) જ્યારે હૃદય પર દર્દ થાય ત્યારે છાતીમાં ઓશીકું દબાવી દેતા હોવ તો ! જો કે, એ આંખો ચમકાવીને પાછી એમ બોલી હતી કે યૂ માઈટ બી નોઈંગ ઈટ. વર્માએ નજર નીચી કરી લીધી હતી. એથી અંજના અધવચ્ચેથી જ હસતી બંધ થઈ ગઈ હતી. જોર જોરથી થર્મોમિટર છંટકોરવા માંડી હતી. અને પછી ટેમ્પરેચર નોટ ડાઉન કરીને ચાલી ગઈ હતી. એના ગયા પછી કળ વળી હોય તેમ એ અંજનાના હસવાના, અમુક શબ્દો બોલવાના, ચુપ થઈ જવાના અને હોઠ મરડવાના નવા નવા અર્થો બેસાડવા માંડ્યો. જો કે, એકંદરે એમ લાગતું હતું કે અંજનાનું એ બધું એક મોટી મજાકરૂપે જ હોય. સારા માણસોએ આ બધું લાઈટલી લેવું જોઈએ. દલજીત તો દોસ્તીની શરૂઆતથી જ કહેતો હતો કે ટેક એવરીથીંગ ઇઝી મેન ! એટલે વર્મા  હસીને કહેતો કે એવરીથીંગ એટલે?  ડ્યૂટી પણ? એને પણ ઇઝીલી લેવાની ? દલજીત બેફિકરપણે ધુમાડા કાઢતો કહેતો હતો કે ઓફ કોર્સ. જો કે, દલજીત બાય નેચર હતો જ એવો.

જો કે, દલજિત રંગીલો પણ હતો. આમ બ્રાઈટ હતો. પણ ડિપાર્ટમેન્ટમાં થોડા જ વખતમાં એના વિરુદ્ધ રિપોર્ટ આવવા લાગ્યા હતા. જે માણસ મોરલ્સને માન ન આપે એને માટે આવું થવું સ્વાભાવિક છે. દલજીત તો દરેક તાલુકામાં ચર્ચાઈ રહ્યો હતો. જ્યારે આપણા વિરુદ્ધ એક રિપોર્ટ તો કોઈ બતાવે?દલજીતની મોટામાં મોટી એક કમજોરી હતી. ગુંડાઓ છોકરીઓ મોકલીને એની પાસેથી કામ કઢાવી લેતા હતા. દલજીત કહેતો હતો કે કોલેજ લાઈફમાં છોકરીઓ એની પાછળ મરતી. જો કે, એ તો એ પોતે કહેતો. માણસોને વાત વધારીને કહેવાની ટેવ હોય છે.સાચી ખોટીની શી ખબર પડે?

એને જોરથી ઉધરસ આવી. ઓરડો ફરીથી ગાજી ઉઠ્યો. એણે ખુરશી પરથી થૂંકદાની લીધી. થૂંક્યો અને થૂંકમાં જોયું તો એક બે દોરા લાલ લાલ હતા. એનું મન કડવાશથી ભરાઈ ગયું. શી રીતે થયું આ બધું? એક મોરલ્સને માન આપનાર માણસને? અંજના કહેતી હતી કે નર્સ તરીકેની કેરિયર દરમિયાન આવા અનેક કેસ જોઈ નાંખ્યા છે. થોડા જ વખતમાં આ બધું પતી જશે. આમ બોલીને એણે ડોક્ટર સામે વિચિત્ર, વિચિત્ર જ કહેવાય એવી નજરે જોયું હતું. એટલે એ કહેવા શું માંગતી હશે એ વખતે? દર્દનો અંત કે દર્દીનો? નર્સની મોરલ ડ્યૂટી છે કે એણે દર્દી  હંમેશા આનંદમાં રહે તેવું બોલવું. અંજનાને લાઈફમાં તો કંઈ મોરલ્સ જેવું લાગતું નથી. ઈન્સ્પેક્ટર દલજીત અને એના ડીબોચરસ કોનસ્ટેબલો પણ પબ્લિકમાં એમના લો મોરલ્સને કારણે ગવાઈ ગયા હતા. દલજીત તો છેક રિવર્ટ થવા પર આવી ગયો હતો, પણ કેટલાક કારણોસર થતાં રહી ગયો હતો. વર્મા તો પ્રમોશન માટે ડ્યુ હતો. ડિપાર્ટમેન્ટમાં અને એઝ વેલ એઝ પબ્લિકમાં પણ એની ચાહના ખૂબ હતી. લોકો કહેતા કે કોઈ પોલીસ અધિકારીને આવો જોયો નથી. ન દારુ, ન જુગાર, ન છોકરીઓ, ન લાંચરુશ્વત, ન કોઈ બીજી આડી અવળી લાઈન, ન જગતમાં…….’ એટલે તો ઊંચા મોંએ ફરી શકાતું હતું.

ફરી ગળામાં તેને ખાજ ઉપડી, અટકાવી ન શકાય તેવી ખાજ. ફરી ઉધરસ ઉપડી. ઉધરસનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો. નર્સ અંજનાએ ખરેખર દોડીને આવવું જોઈએ આ સાંભળીને. એની ડ્યૂટી છે. પણ જરા ઉધરસ અટકતાં એને વિચાર આવ્યો કે કોઈ ડ્યૂટી સમજતું નથી આજકાલ. ડૉક્ટર સાથે ગપાટાં મારવા બેસી ગઈ હશે. શરૂ શરૂમાં બહુ કેર રાખતી, પણ પાછળથી ઉદાસીન બની ગઈ હોય તેવું લાગતું હતું. ગમે તે કારણ હોય પણ હકિકત હતી. એક વાર તો અંજનાએ પોતાની આખી લાઈફ સ્ટોરી કહી હતી. શરૂઆતમાં એને કયાં એક્ટર- એક્ટ્રેસીસ ગમે છે તે સુધ્ધાંની વાત કરી હતી. બીજી એક વાર વર્માએ પોતાની વાત કરી હતી. કેવી રીતે નાની ઉઁમરમાં ઉચ્ચ હોદ્દે પહોચ્યો  હતો અને કેવી સરસ ઈમ્પ્રેશન ડિપાર્ટમેન્ટમાં ક્રિએટ કરી હતી તેની વાત કરી હતી.  ફિલ્મોમાં રસ થોડોઘણો, પણ એક્ટર એક્ટ્રેસીસ કેવા સડેલા હોય છે અને એ લોકોને મોરેલ્સ જેવું કઈ હોતું જ નથી એની વાત ચાલતી હતી, ત્યાં ડૉક્ટરની બૂમ પાડવાથી અંજના ‘જસ્ટ કમિંગ’ કહીને જતી રહી. એના ગયા પછી અંજનાના મનમાં કેવી ઉમદા માણસ તરીકેની ઈમ્પ્રેશન પડી હશે તેનો વિચાર ફરી એક વાર એ ટેમ્પરેચર લેવા આવી ત્યાં સુધી આવ્યા કર્યો હતો. જો કે, એટલું અભિમાન સારું ન કહેવાય. પણ વાતેય ક્યાં ખોટી હતી? જિંદગીમાં એનાથી હંમેશા લાભ જ થયો હતો. કોઈને કદાચ સમજાય કે ન સમજાય, ખુદ અંજનાએ એક વાર પૂછ્યું કે શો લાભ? તો જવાબમાં વર્માએ કહયું હતું કે એ જ. પ્રમોશન, ગુડ રિપોર્ટસ, ગુડવિલ, પોપ્યુલારિટી, બેસ્ટ ઈમ્પ્રેશન્સ………

‘બીજું કંઈ?’ અંજનાએ હસીને પૂછ્યું હતું.

‘બીજું શું હોઈ શકે?’ એણે ચપળતાથી સામો સવાલ પૂછ્યો હતો.

‘બીજું એટલે લાઈફનો કોઈ ચાર્મ, કોઈ આનંદ?’ એ બોલીને એની સામે જોઈ રહી હતી.

ફરી ચપળતા વર્માની મદદે આવી હતી. ‘હું માનું છું કે જિંદગી એક સતત વર્શીપ છે. એમાં કોઈ પણ બહાને ખલેલ-ડિસ્ટર્બન્સ ન હોવું જોઈએ, યુ સી?’

અંજના બોલ્યા વગર જ ફ્લાવર વાઝમાંનાં ફૂલ સરખા ગોઠવવા માંડી હતી. ‘તમારી બુદ્ધિ સતેજ છે એ કહેવું પડશે.’ એ બોલી: ‘શરીર ભલે ને કમજોર થઈ ગયું હોય!’

‘શરીર પણ…!’ બોલતાં બોલતાં વર્માએ હાથની મુઠ્ઠીઓ અજાણતાં જ વાળી દીધી. નસો ઊપસી આવી. લોહી ધસી આવ્યું હોય એમ લાગ્યું. અંજના ચાલ્યા ગયા પછી એ અકારણ જ પલંગમાંથી ઊભો થઈને ઓરડામાં આંટા મારવા માંડ્યો. ચેન પડતું નહોતું. જિંદગીમાં કંઈ શરીર જ સર્વસ્વ નથી. જો કે મહિના પહેલાં તો શરીર પણ એટલું સારું હતું કે એક વાર એક દોસ્તે એને ‘કાં પહેલવાન?’ કહીને ખભ્ભે હાથ મૂક્યો હતો. પણ શરીર…….

શરીર ઘણી વાર માંદગી પછી પાછું ફર્સ્ટક્લાસ થઈ જતું હોય છે. એટલે એવુ્ં નથી કે કાયમ………

એ વધુ વિચાર કર્યા વગર બારી પાસે આવ્યો ને કમ્પાઉન્ડમાં નજર કરી. કેટલીક નર્સ ખડખડાટ કરતી પસાર થઈ ગઈ. ત્યાં જ પાછળ એક-બે ડૉક્ટરો નીકળ્યા અને કેન્ટીન તરફ ગયા. એક માણસ લંગડાતા પગે પાટો બંધાવીને બહાર નીકળતો હતો. ચંદ્રસિંહ જેવો લાગતો હતો કદાચ. ચોક્કસ ચંદ્રસિંહ જ હતો. ‘ચંદ્રસિંહ, અરે…..ચંદુભા!’ વર્માએ જોરથી બૂમ પાડી. ચંદ્રસિંહે પાછળ જોયું. તરત જ ઓળખાણ પડે તો સારું એમ વર્માએ ઈચ્છયું, પણ ચંદ્રસિંહે થોડી વાર લગાડીને પછી કહ્યું, ‘અરે વર્મા સાહેબ, આપ અહીં? ઘડીભર તો ઓળખાયા જ નહિં.’

વર્માએ શર્ટનો કોલર બરાબર ઠીક કરતાં કહ્યું: ‘આવો, આવો. અંદર આવો…..’

‘આવું તો ખરો, સાહેબ.’ ચંદ્રસિંહે જરા અટકીને કીધું. ‘બહુ રોકાઈશ નહીં હો. બાર વાગે ડ્યૂટી છે.’

‘અરે આવો તો ખરા..’ વર્મા બોલ્યો, ‘ડ્યૂટી પહેલાં પાંચ મિનિટે તમે નહીં જાઓ તો હું જાતે જ તમને બારીની બહાર ફેંકી દઈશ. હજી આટલી તાકાત છે હો બોડીમાં.’ પછી મજાકના ભાવથી એ ખડખડાટ હસ્યો. શરીરમાં સ્ફૂર્તી લાગતી હતી. ચંદ્રસિંહ અંદર આવ્યો અને પરેડમાં ભરે એવી સલામ ભરીને ઊભો રહી ગયો. અંજના એ વખતે નવી ચાદર લઈને ઓરડામાં દાખલ થતી હતી. વર્માએ તરત જ કહ્યું: ‘જોઈ અમારા ખાતાની ડિસીપ્લિન?’

અંજના ડોકું હલાવીને મરકી. ચંદ્રસિંહ ‘અમારા પોલીસ ખાતામાં તો એવું કે…’ કહીને કશીક વાત કરવા માંડ્યો. અને એક રેડ પાડવા જતાં પગ શી રીતે મચકોડાઈ ગયો હતો તેની વિગતો કહેવા માંડ્યો. અંજના અધવચ્ચે જ બોલી. ‘તમારા સાહેબને પણ હવે અહીંથી જલદી છૂટા કરી દેવા છે, સમજ્યા? તમારા ખાતામાં એમના જેવા જ અમલદારોની બહુ જરૂર છે.’ એણે વર્મા સામે આંખ મિચકારી. ‘ખરું ને?’  ‘જરૂર, જરૂર.’ ચંદ્રસિંહ બોલ્યો. ‘વર્માસાહેબ જેવો ઈનસ્પેક્ટર થાવો નથી પોલીસ ખાતામાં. સમજ્યા, બેન?  આમ પોતે બહુ સીધી લેનના, પણ ભલભલા ગુંડાય એમનાથી પીચ મેલે.’

અંજના કશું જ ન માનતી હોય એમ વર્મા સામે જોઈ રહી અને પછી કહ્યું ‘એમ?’

‘તયેં?’ ચંદ્રસિંહ બોલ્યો. ‘પોતે પાછા નિતીમાં માનવાવારા ને? કાયમ ક્યેને કે ડ્યૂટી ઈજ ડ્યૂટી…’

વર્માએ કશુંક વિચારીને ઘડીયાળ સામે જોયું અને પછી અંજના તરફ જોઈને કહ્યું, ‘નવી ચાદર બદલવાનો ટાઈમ થઈ ગયો કે?’

‘ઠીક ત્યારે, સાહેબ.’ ચંદ્રસિંહે ફરી ઊભા થઈને સલામ કરી. ‘હું જાઉં ત્યારે. ડ્યૂટીનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ કામકાજ હોય તો કહેજો. હું પાછો ખબર કાઢીશ.’

‘જરૂર આવજો.’ વર્માએ કહ્યું. અને ચંદ્રસિંહને વળાવવા બારણાં સુધી ગયો. ઓસરીમાં નજર લંબાવી તો છેક છેલ્લા ઓરડા સુધી લસરી ગઈ. બાજુનો રૂમ પણ બંધ હતો. એ અંદર આવ્યો. આજ જરા સ્ફૂર્તીથી ચાલી શકાતું હતું. ફૂલોમાંથી એક લઈને સૂંઘ્યું. અંજના કહેતી કે તમારા માટે ફૂલો નકામા છે, કારણ કે  તમને સુગંધની એલર્જી લાગે છે. મનોમન હસીને આખો ગુચ્છો વર્માએ નાકે લગાડ્યો ને અંજના તરફ નજર કરી. એ પીઠ ફરીને ચાદર બદલાવ્યા પછી ઓશીકાના ગલેફ બદલાવતી હતી. છાતી પર ભીંસવાને કારણે ગલેફ જલદી ચૂંથાઈ જતા હતા. નવા ગલેફમાં ઓશીકાને અંજના આંચકા આપીને અંદર નાંખતી હતી. ઊછળતા ખભાને કારણે બ્રેસિયરની પટ્ટી પીઠમાં ઉપસઉપસ થયા કરતી હતી. એકાએક એ તદ્દન નજીક આવ્યો ને પટ્ટી તરફ તાકી રહ્યો. પછી આગળ વધ્યો અને બન્ને હાથે મુઠ્ઠીઓ વાળીને અંજનાનાં બાવડાં પકડી લીધાં. એકદમ ચોંકીને અંજનાએ પાછળ જોયું. જોરથી ચીસ પાડી. બાજુના ઓરડામાંથી ફૂટી નીકળ્યા હોય એમ ચાર-છ માણસો ધસી આવ્યા.વર્મા કશુંક બોલવા કરતો હતો. ‘મેં……હું ક્યારેય પણ નેવર……’

એણે જોરથી પોતાની હડપચી અંજનાના ખભ્ભા પર પટ્ટીઓ દેખાતી હતી ત્યાં ધસી. અંજના છટકીને બારી પાસે ગઈ. વર્મા એ તરફ ગયો અને અચાનક એની નજર બહાર ગઈ તો ચંદ્રસિંહ ચાલતાં ચાલતાં અટકીને એકીટશે બારી તરફ જોઈ રહ્યો હતો. એ બૂમ મારીને બોલ્યો, ‘સાહેબ, શું થયું?’

વર્માની મુઠ્ઠીઓ ઢીલી થઈ ગઈ. એ પલંગમાં બેસી પડ્યો. અંજના ફાટી આંખે એના તરફ તાકી રહી. ફરી એના કાને બહારથી અવાજ પડ્યો. ‘સાહેબ….સાહેબ?’ એણે અત્યંત ભોંઠી નજરે એકઠા થતા જતા માણસો તરફ જોયું. જોઈ જ રહ્યો. ને પછી એકાએક એનું હ્રદય બંધ પડી ગયું.


આ વાર્તાની સર્જનપ્રક્રિયા

મારા પહેલા વાર્તાસંગ્રહ ‘ખલેલ’(1975 અને 1992)નું નામકરણ જેના પરથી થયું છે, એવી આ વાર્તા ‘ખલેલ’ની બીજસગાઇ ચેખોવની એક મશહૂર વાર્તા ‘ડેથ ઓફ અ ક્લાર્ક’ સાથે અવશ્ય છે, પણ તેની આ નકલ હરગીજ નથી. જાતની ઉમદા છાપ જાળવી રાખવા પરત્વે અત્યંત સભાન રહેતા એક પોલીસ ઓફિસરની એક મનોવૈજ્ઞાનિક લીલાની આ વાત છે.

આ વાર્તાસંગ્રહને ગુજરાત સરકારના ક્યુરેટર ઓફ લાયબ્રેરીઝ તરફથી બીજા ક્રમનું ઇનામ મળેલું.


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com


Author: Web Gurjari

3 thoughts on “મારું વાર્તાઘર : ખલેલ

  1. સાચું કહ્યું રજનીભાઈ, મન અંદર ક્યારેક એવી આંટીઘુટીઓ લઈને બેઠું હોય છે કે ક્યારેક માણસને પોતાને એને પકડતાં વાર લાગે ! સરસ વાર્તા.

  2. વાર્તાનું સરસ આલેખન. આ વાર્તા નથી પણ એક સાચો બનાવ પણ હૉય શકે. સતત ફરજ ,નિષ્ટા અને વધારાના ફરજના કલાકો. બીજું વિચારવાના સમયનો અભાવ. અભિનંદન રજનીભાઇ.

Leave a Reply

Your email address will not be published.