નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૧૭

હું તમારી પાસે વચન માંગું છું કે મારી કોઈ વાત તમે નહીં ઉથાપો

નલિન શાહ

શનિવારની સવારે અગિયારના સુમારે તડકામાં પણ ઠંડીનો ચમકારો લાગતો હતો. રસ્તામાં ચાલતાં કે ઘર-આંગણે બેઠેલાં લોકો તડકાનો સુખદ આનંદ માણતા હતા. તે જ વેળા શેઠ પરિવારની લાંબી ને પહોળી પ્રભાવશાળી શેવરોલેટ મોટર પાછળ ધૂળના ગોટા ઊડાડતી કશા પણ અવાજ કર્યા વગર રતિલાલના ઘરઆંગણે આવી થંભી ગઈ. ગોરી ને જાજરમાન સુનિતા, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો એનો દીકરો સાગર ને સલવાર-કમિઝ ને દુપટ્ટામાં સજ્જ રાજુલ ઉતર્યાં. રતિલાલે ઘરમાંથી જોયું ને ત્વરિત સવિતાને હાક મારી ઉતાવળાં પગલે બહાર આવી મહેમાનોને હાથ જોડી આવકાર આપ્યો. સવિતાએ પણ વિનમ્રતાનો ભાવ દર્શાવી હાથ જોડ્યા, ને રાજુલના માથે હાથ મૂક્યો ને બે ઘડી નિરખતાં રહ્યાં, કદી ન જોયેલાં એવાં કપડાંમાં શોભતી દીકરીના ગળામાં હાથ વીટાળી બોલ્યાં, ‘અરે, તું તો ઓળખાય એવી એ નથી રહી.’ રતિલાલે સુનિતાને હીંચકે બેસવા આગ્રહ કર્યો. સુનિતા કોઈ પણ પ્રકારના સંકોચ કે આડંબર વગર બોલી,‘ ના ભાઈ ના, અમને તો અહીં જ ફાવે.’ ને ચટાઈ પર ભીંતને અઢેલીને બેસવા જતાં હતાં ને રસોડામાંથી બહાર આવતી શશીને જોઈ થંભી ગયાં. બે ઘડી એ વિસ્મયથી તાકી રહ્યાં. ‘શશી’ આતુરતાથી બોલ્યાં એને ભેટી પડ્યાં, ‘મને ખાતરી હતી કે આવા મોહક દેખાવની ને લાંબી શશી જ હોઈ શકે. પણ આ શું!’ એમણે ખભેથી શશીને આગળ કરી અને બોલ્યાં, ‘તું તો બહુ નાની છે મારાથી! મને એમ કે મારાથી થોડીક નાની હશે પણ તું તો રાજુલથી એ બહુ મોટી નથી.’

‘છ વરસ મોટી છું.’ શશી બોલી

‘પણ તું તો બહુ સૌમ્ય છે. મને એમ કે વિકરાળ વાઘ જેવી હશે.’

‘એ તો રાજુલ મને વાઘ કહી વગોવે છે’ રાજુલના ગાલ પર ચૂંટી ભરી શશી હસતાં બોલી.

‘લે, એમાં ખોટું પણ શું છે? સુનિતા બોલી, ‘ગાંધીજીને મર્યાને માંડ બાવીસ-ત્રેવીસ વર્ષ થયાં છે ને કેવા કેવા લોકો સત્તામાં આવ્યા છે! એવા લોકોની સામે વાઘ થયા વગર ના જીવાય. શું દિવસો આવ્યા છે! લડાઇ ખતમ થઈ અને અસલી ઘીની જગ્યા ડાલડા જેવા નકલી ઘીએ લીધી. અને મોંઘવારીનું તો પૂછવું જ નહીં. આઝાદી વખતે જે સોનું સિત્તેર રૂપિયે તોલું હતું એ આ ચોવીસ વરસમાં બસો રૂપિયે પહોંચી ગયું છે. બધા ક્ષેત્રમાં આવું જ છે. કેમ રતિલાલભાઇ, ખોટું કહું છું? તમે તો હજી ખડતલ છો. તમારો જમાનો જ જુદો હતો, સાહિત્ય, સંગીત, ખોરાક, હવા-પાણી બધું જ નિર્ભેળ ને હવે શહેરમાં તો શ્વાસ લેવું એ જોખમકારક છે. હવે તો વીતેલા જમાનાની કેવળ યાદો બાકી છે. ભેળસેળ વગરની.’ ને બધાં ખડખડાટ હસી પડ્યાં.

શશીએ અહોભાવથી વિચાર્યું: ધન્ય છે એ મહિલાને જે હજી ઠરીને બેઠી પણ નથી ને કેટલી નિખાલસતાથી વાતાવરણને હળવું ને અનૌપચારિક બનાવી દીધું. મોટા હોવા છતાં ક્યાંય મોટાઈ દાખવી નથી. આવા સંસ્કારી ઘરમાં મારી બેન કદી દીપી ઊઠશે!

ત્યાં જ રતિલાલ સાથે હીંચકા પર છેઠેલા દીકરાને સંબોધી સુનિતાએ ઊંચે અવાજે પૂછયું, ‘અરે સાગર, આપણે જમશું ક્યાં?, જમવાનું આમંત્રણ તો કોઈએ આપ્યું નથી!’

‘હાય હાય બેન, શું વાત કરો છો?’ સવિતા હેબતાઈ ગઈ, ‘તમારા સ્વાગતની તો તૈયારી કરી છે બધી.’

સુનિતા કશું કહે એ પહેલાં જ શશીએ કૃત્રિમ ગંભીરતાથી કહ્યું, ‘ભાઈ, આમંત્રણ આપવાનું તો ભૂલી ગયાં, પણ હવે તમે આવી જ ગયાં છો તો જમાડવાં તો પડશે જ ને? ‘હાશ! શું બનાવ્યું છે? ભૂખ તો બહુ લાગી છે.’ સુનિતા બોલી. ‘બનાવવું હતું તો કઢી, ભાત, શાક ને ચોખાના રોટલા.’ શશીએ ઠાવકાઈથી જવાબ આપ્યો, ‘પછી થયું કે મુંબઈવાળા તો ઘઉંની રોટલી ખાય એટલે એ બનાવી, શાક તો ખબર નહીં કે તમને શું ભાવે એટલે સાવચેતી માટે બે શાક રાંધ્યાં, ને મુંબઈવાળાને સ્વીટ ડીશની પણ આદત હોય એટલે લાપસી બનાવી, ઘરના ઘીની. મુંબઈની હોટલોની જેમ બટર કે ડાલડા ઘીની નહીં. બીજી કોઈ ફરમાઈશ હોય તો કહી દેજો, બનતાં વાર નહીં લાગે.’

સુનિતા ખડખડાટ હસી પડી, ‘રતિલાલભાઈ, મને એમ કે હું જ બહુ હોશિયાર છું, પણ તમારી આ મોટી દીકરીએ તો મને માત કરી દીધી. શશી, જો જે આ બધાં તો સાંજ પહેલા ચાલી જશે પણ હું તો બે દિવસ તારે માથે પડવાની છું તારે ઘેર આવીને.’

‘શું વાત કરો છો?’ શશીએ વિસ્મયથી પૂછયું, ‘સાચું કહો છો?’

‘સાચે જ, શશી. મારે ઘણું જોવું ને જાણવું છે તારા કામ વિશે, ચોખાના રોટલા ખવડાવીશ ને?’

‘તમને જે ભાવે તે ખવડાવીશ.’ શશીએ ખુશ થઈને કહ્યું, ‘આ ઠંડીના દિવસોમાં તો બાજરાના રોટલા, લસણની ચટણી, રીંગણાનું ભડથું, કઢીને ઉંધિયાની પણ સીઝન છે ને તે પણ બાફેલું, તેલવાળું નહીં, જે તબિયત બગાડે નહીં, ને મેથીના બે લાડવા પણ ખવડાવીશ. પણ બે દિવસ બહુ ઓછા કહેવાય. ઓછામાં ઓછું અઠવાડિયું રહો તો ગ્રામ્યજીવન માણી શકો.’

‘અરે શશી, આ તો શરૂઆત છે. અરે, એક વાર ઘરની જવાબદારી ઓછી થાય પછી તો હું વારે- વારે આવતી રહીશ. અહીં પણ ને તારે ત્યાં પણ. ગામડાની વીસરાયેલી યાદો તાજી કરવી છે.

‘સાચું કહું છું, શશી. જે કામ ગાંધીજી, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજે કર્યું, એને આગળ ધપાવવા માટે તારા જેવાની આવશ્યકતા છે. મારે એ બધું પ્રત્યક્ષ જોવું છે ને સમજવું છે. અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે તારે; કેટલી હતાશા અનુભવી હશે! ને સફળતાનો આનંદ પણ એટલો જ થયો હશે. આપણે પછી વિસ્તારથી વાતો કરશું. જે કામ માટે આવ્યાં છીએ એ પહેલાં પાર પડે પછી બીજું હાથમાં લઈએ. તારા વર નથી આવ્યા?’ ‘જરા મુશ્કેલ હતું કામ છોડીને બંનેએ સાથે નીકળવાનું, ત્યાં આપણે બધાં સાથે જ ફરીશું.’

‘આજે સાંજે જ જઈશું. અહીં બીજું તો કાંઈ કામ નથી.’ ‘જેવી આપની મરજી. હવે જમી લઈશું?’

જમતાં જમતાં સુનિતાની વાતો ને વર્તન એટલા બધાં અનૌપચારિક હતાં કે કોઈને જરાયે લાગવા ના દીધું કે એમને કોઈ મહેમાનગતિની આવશ્યકતા હોય. એમની કોઈ પણ વાતમાં ક્યાંય મોટાઈનો ડોળ નહોતો. શશીને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે રાજુલ સંસ્કારી કુટુંબમાં જઈ રહી હતી.

બધાંએ જમી લીધા પછી ડ્રાઇવરને થાળી પીરસી જમવા બેસાડ્યો. ને બધા ઓસરીમાં આવી બેઠાં. સાગરે રતિલાલ સાથે થોડી ઔપચારિક વાતો કરી ને ગામડામાં પહેલીવાર આવ્યો હતો; ઘરમાં એની હાજરીની કોઈ જરૂર ના હોવાથી એ કુતૂહલવશ બહાર લટાર મારવા નીકળી ગયો હતો.

વાતચીતનો દૌર કોણ શરૂ કરે એ દુવિધામાં બધાં થોડી વાર ચૂપચાપ બેસી રહ્યાં. છેવટે સુનિતાએ જ વાતની શરૂઆત કરી, ‘રતિલાલભાઈ, તમે મારા બાપની ઉંમરના કહેવાઓ એટલે હું તમને બાપુ જ કહીશ; તમને વાંધો ના હોય તો..’

‘બેન ઉંમર તો મારી મોટી દીકરીથી સાત આઠ વરસ મોટી હશે, વધારે નહીં.’

‘તો પછી માનાર્થે કેમ બોલાવો છો?’

‘એ તો એવું છે ને કે જરા જીભે ચઢતાં વાર લાગશે.’

‘તો અત્યારથી ટેવ પાડો. ટેવાઈ જશો. મને ગમશે.’

‘તમને -તને ગમશે તો એનાથી વધારે રૂડું શું હોય?’

ડ્રાઇવર જમવા બેસતાં પહેલાં ચમકતા રંગીન કાગળોમાં લપેટેલાં કેટલાંક પેકેટો ગાડીમાંથી ઉતારી ઓસરીના એક ખૂણામાં મૂકી ગયો હતો. કોઈને એ પૂછવાનો વિચાર ના આવ્યો કે એ બધું શું હતું?

થોડી વારની ચુપકીદી બાદ સુનિતાએ ગંભીરતાથી પૂછયું, ‘પહેલાં તમે ત્રણે જણાએ મારા દીકરાની બાબતમાં શું નિર્ણય કર્યો છે એ જણાવો તો વાત આગળ વધે.’

મા-દીકરીએ રતિલાલની સામે જોઈ એમને જ બોલવાનો મૂક ઇશારો કર્યો. રતિલાલ ગદ્‌ગદ્‌ થઈ ગયા,

‘સુનિતાબેન…..’

‘મને દીકરી માની હોય તો કેવળ સુનિતા કહો.’ સુનિતાએ થોડી સખ્તાઈથી કહ્યું, ‘તમારા…’

‘મને તુંકારે બોલાવો તો જ હું તમારી વાત સાંભળીશ.’

રતિલાલ અચકાઈને બોલ્યા, ‘તમારો……તારો દીકરો તો……શું કહું; મારી દીકરીના ભાગમાં તો આવું પાત્ર અમે સપનામાં પણ નહોતું કલ્પ્યું. એટલે જીભ જરા લથડે છે; બાકી એમાં કહેવાપણું શું હોય….અમારા તો ભાગ્ય ખુલી ગયાં છે. હવે તો તું જ બોલજે ને અમે સાંભળીશું.’

‘સરસ’ સુનિતાએ કહ્યું, ‘મને દીકરી માની છે તો મને વચન આપો કે મારી કોઈ પણ વાત…..કે માંગણી…..કે વિનંતીનો વિરોધ નહીં કરો. ને શશી હું તારાથી લગભગ વીસ વરસ મોટી છું ને રાજુલની જેમ તારાથી ડરું પણ છું. આખરે વાઘણનું બિરુદ જે પામી છે તે સાવ ખોટું તો ના હોય. પણ આપણો એક અલગ સંબંધ પણ છે, રાજુલને જાણ્યા પહેલાંનો, એટલે સાવચેતી માટે હું તને મધ્યસ્થના સ્થાને જોઉં છું. જેમ તું તારા પરિવારની પ્રતિનિધિ છે એમ મારૂં પણ પ્રતિનિધિત્વ કરી મારી વાતનું સમર્થન કરે એટલી આશા તારી પાસે રાખું છું.’ શશી ચુપ રહી સાંભળતી રહી.

‘હું રૂઢિરિવાજોમાં નથી માનતી એનો અર્થ એ નથી કે બધા જ રિવાજો ખોટા છે.’ સુનિતાએ ગંભીર વદને કહ્યું, ‘અમુક રિવાજો હું પણ અનુસરું છું ને અમુક રિવાજો પરિવારના કલ્યાણ માટે ને અમુક રિવાજો સમાજની સ્વીકૃતિ માટે સ્વીકારવા રહ્યા. રહી વાત આપવા-લેવાની, જે દહેજના નામથી વગોવાઈ ગઈ છે, તો હું તમારી પાસે વચન માંગું છું કે મારી કોઈ વાત તમે નહીં ઉથાપો. તમે એને ધારો તો માંગણીનું રૂપ આપી શકો છો.’

રતિલાલનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સવિતાના દિલની ધડકન તેજ થઈ ગઈ. શશી દિગ્મૂઢ થઈ સાંભળી રહી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.