અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્રાન્ડ ટીટોન પર્વત, યલ્લો સ્ટોન લેક અને જેક્શન લેક


દર્શા કિકાણી

૧૭/૦૬/૨૦૧૭

યલ્લો સ્ટોન ગામ એટલું સરસ હતું કે  વહેલાં ઊઠી બહુ બધા ફોટા પાડ્યા. નાસ્તો કર્યા વગર જ બસમાં બેસી ગયાં. આજે એક ભારતીય યુગલ અમારી બસમાં જોડાયું. હવે અમે છ ભારતીયો થયાં! આ યુગલ દક્ષિણ ભારતીય હતું. છેલ્લાં પાંચ વર્ષથી અમેરિકામાં સેટલ થયું હતું અને બંને સોફ્ટવેર કંપનીમાં કામ કરતાં હતાં. લાંબો વિકએન્ડ હતો એટલે ફરવા નીકળ્યાં હતાં. તેમને જોઈને અને મળીને અમને બહુ આનંદ થયો.

આજે પણ સુંદર સ્થળો જોવાનાં હતાં. શરૂઆત કરી નોરીસ ગીઝરથી.

નોરીસ ગીઝર : આ ગીઝરબેસીનને ફરતી ૩ માઈલની  (૫ કિમી) ટ્રેઈલ લાકડાના બ્રિજ જેવા પગથિયાથી બની છે જે તમને ગીઝરના છેક દૂર દૂર સુધીના ભાગમાં લઈ જાય છે. ચાલતાં જવા અને જમીન પર બનેલ રંગ-ધનુષ જોવા આના જેવું રોમેન્ટિક સ્થળ દુનિયામાં ક્યાંય મળે નહીં. સવાર સવારમાં આટલું બધું ચાલવું તો ન હતું પણ એકવાર ચાલવાનું શરુ કર્યું પછી અમે જરાય થોભ્યાં નહીં. ઠંડી તો હતી જ અને વરસાદ પણ હતો. ગરમ ટોપી અને રેઈનકોટ વીંટાળી અમે ચાલતાં જ રહ્યાં. કુદરતનો નઝારો જોતાં જ રહ્યાં અને ફોટા પાડતા રહ્યાં. સલ્ફરથી થયેલ પીળા, માટી અને બેક્ટેરિયાથી થયેલ લાલ અને બ્રાઉન તથા આલ્ગીથી થયેલ લીલા રંગની આભા અલૌકિક હતી. સુંદર  રંગોની સાથે સાથે તાપમાન પણ ઘણું વધારે હતું. અમુક જગ્યાઓએ તો ૨૦૦ ફે.થી પણ ઊંચું હતું. વળી ભૂસ્તર પ્રક્રિયા માટે, જીવંત લાવા માટે અને ધરતીકંપ માટે પણ આ સ્થળ બહુ સક્રિય હતું. બહુ સુંદર અને અગત્યની જગ્યા જોયાનો આનંદ થયો.

અપર ફોલ્સ : ગ્રાન્ડ કેન્યનમાં યલ્લો સ્ટોન નદી પર આવેલ ૩ ધોધ ( Falls ) છે.

 • અપર ફોલ્સ
 • લોઅર ફોલ્સ
 • ક્રિસ્ટલ ફોલ્સ

અમે સૌથી પહેલાં અપર ફોલ્સ જોવા ગયાં. બસમાંથી 5 ઊતરી નાના ટ્રેઈલ (અંકલ ટોમ્સ ટ્રેઈલ) પર ૬૦૦ મિ. ચાલી અમે ત્યાં પહોંચ્યાં. યલ્લો સ્ટોન નેશનલ પાર્કની લગભગ મધ્યમાં આવેલ આ ધોધ પ્રચંડ તાકાત અને જોશનો પર્યાય છે. ૧૧૦ ફૂટ ઉપરથી ધસમસતું પાણી કેવું હોઈ શકે તેની કલ્પના કરી છે ? પ્રચંડ શક્તિ સાથે પડતો આવો મોટો જળ પ્રપાત સાચે જ અદ્ભુત હતો.

આર્ટીસ્ટ પોઈન્ટ : આર્ટીસ્ટ પોઈન્ટએટલે યલ્લો સ્ટોન નેશનલ પાર્કનું સૌથી વધુ ફોટા પડેલ સ્થળ! આર્ટીસ્ટ પોઈન્ટ એટલે કેનવાસ લઈ ચિત્રો દોરવાનું મન થાય તેવું સ્થળ! આર્ટીસ્ટ પોઈન્ટ એટલે મિત્રો અને કુટુંબીઓ સાથે ભેગાં મળીને વેકેશન ઉજવવાનું સ્થળ! આર્ટીસ્ટ પોઈન્ટ એટલે એકલાં એકલાં કુદરતમાં ખોવાઈ જવાનું સ્થળ!

લાલ, પીળા, કેસરી ખડકોથી બનતા ‘V’ આકારમાં ૩૦૦ ફૂટ ઉપરથી પડતો ધોધ એક માઈલ દૂરથી શું ચમત્કૃતિ સર્જી શકે તે જોવું હોય તો આર્ટીસ્ટ પોઈન્ટ જોવું જ પડે. બે બાજુ રંગીન ખડકોની ૧૦૦૦ ફૂટથી પણ વધુ ઊંડી ગર્તામાં નજર પહોંચે ત્યાં સુધી બસ જાતજાતનાં ખડકો અને વચ્ચે પ્રચંડ ધોધ! ક્ષણે ક્ષણે રૂપરંગ બદલતા લાલ પીળા કેસરી ગુલાબી ખડકો…… પત્થરમાં પણ આટલું લાલિત્ય?  આર્ટીસ્ટ પોઈન્ટ પર આવીને જ લાગે કે કુદરતથી મોટો આર્ટીસ્ટ કોણ હોય ? અમે અસંખ્ય ફોટા પાડ્યા પણ ન અમે ધરાયા ન અમારો કેમેરા ધરાયો!

સદીઓ પહેલાં આ ખડકોનો રંગ પીળો હતો જેના પરથી આ સ્થળનું અને હવે આ નેશનલ પાર્કનું નામ યલ્લો સ્ટોન નેશનલ પાર્ક પડ્યું છે.

મડ વોલ્કેનો : આ વોલ્કેનો અત્યારે એટલો સક્રિય નથી પણ અહીં જોવા જેવું ઘણું છે. બસમાંથી ઊતરો એટલે બગડેલા ઈંડાંની વાસથી તમારું સ્વાગત થાય. દુનિયાનું સૌથી વધુ એસીડીક સ્પ્રિંગ તેનું કારણ છે. મડ વોલ્કેનોમાં ડ્રેગન માઉથ જોવા જેવું છે. ૧૮ ફૂટ પહોળા, ૩૦ ફૂટ લાંબા અને ૧૬ ફૂટ ઊંડા કાદવનું તળાવ અને તાપમાન ૧૭૦ ફે.. એક ગુફાના મોં આગળનું આ તળાવ પાણી અને વરાળને લીધે થતી ખદબદને લીધે ભયંકર રાક્ષસ કે ડ્રેગનના મોં જેવું દેખાય છે. ખડકો પર અથડાતા પાણીને લીધે અવાજ પણ એવો જ થાય છે. નજીક જ એક કાદવના તળાવમાં કિનારે સુકાઈ ગયેલો અને તડ પડેલો કાદવ છે જયારે વચમાં  કાદવ હજી ખદબદ થાય છે! ઠેર ઠેર કાદવના તળાવો દેખાય. કાદવમાં પણ સુંદરતા અને નવીનતા ! સાથે વિજ્ઞાન તો ખરું જ !

યલ્લો સ્ટોન લેક : થોડી વારમાં બસ ઊભી રહી યલ્લો સ્ટોન લેક પર. યલ્લો સ્ટોન નેશનલ પાર્કનું આ મોટામાં મોટું તળાવ છે. સમુદ્ર તટથી લગભગ ૮૦૦૦ ફૂટ ઉપર આવેલું છે. ૧૩૬ ચો. માઈલનો વિસ્તાર છે. સરેરાશ ઊંડાઈ ૧૪૦ ફૂટ છે. એટલું વિશાળ લેક કે દરિયો જ લાગે! જોરદાર પવનને લીધે પાણી હિલોળા લેતું હતું. વાદળી આકાશનું પ્રતિબિંબ તળાવના પાણીમાં આબેહૂબ ઝીલતું હતું. ચારે બાજુ આવેલ બરફાચ્છાદિત પર્વતો તળાવ અને આકાશનાં વાદળી રંગમાં પોતાની હાજરી પુરાવતા હતા. પણ આકાશ, તળાવ અને પર્વતો એકમેકમાં અજબના ગૂંથાઈ ગયાં હતાં. આકાશમાં સુંદર પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. તળાવને કિનારે બેસી પક્ષીઓ સાથે ગોઠડી કરવી હતી. પણ, પવન, ઠંડી અને વરસાદનો સંગમ એમ કંઈ મન માન્યુ થોડું  કરવા દે? કિનારે સરસ મઝાની હોટલ હતી. હોટલમાંથી કૉફી લાવી કિનારે બેસવાની ઇચ્છા હતી, પણ પવન એવો હતો કે એક વાર હોટલમાં ગયાં પછી બહાર નીકળવાનું મન થયું જ નહીં. હોટલ બહુ સરસ રીતે બનાવી હતી. લગભગ બધી જગ્યાએથી લેક દેખાય તેવું હતું. કાફેમાં જઈ ગરમાગરમ કૉફી પીધી, થોડો નાસ્તો કર્યો પણ નજર તો બારીમાંથી દેખાતા હિલોળે ચઢેલ પાણી પર જ હતી.

જેક્સન લેક : યલ્લો સ્ટોન નેશનલ પાર્કમાંથી બહાર આવી અમે ટીટોન પર્વતમાળાના જેક્સન લેક આગળ આવી ઊભા. ૧૦૦ ચો. કિમી. ના વિસ્તારવાળું આ પણ સુંદર અને વિશાળ તળાવ હતું. તળાવની ત્રણે બાજુ ટીટોન પર્વતમાળાના હિમાચ્છાદિત પર્વતો દેખાયા કરે. વાતાવરણ એકદમ પિક્ચર બુક જેવું. જેક્સન લેક આમ તો કુદરતી તળાવ હતું પણ ખેતીની જરૂરિયાત પ્રમાણે બે-ત્રણ વાર તેનું વિસ્તરણ થતું ગયું અને તેના પર બંધ પણ બંધાતા રહ્યા. આ તળાવમાં અત્યારે ૧૫ જેટલા તો ટાપુઓ છે.

ગ્રાન્ડ ટેટન માઉન્ટેન : જેક્સન લેકથી થોડા જ આગળ ગયાં અને બસ પાછી ઊભી રહી. દૂરથી સુંદર, શ્વેત, હિમાચ્છાદિત ગ્રાન્ડ ટેટન માઉન્ટેન ચોખ્ખો દેખાતો હતો.આકાશના પ્રતિબિંબવાળું સરસ આસમાની પાણી અને પાછળ પર્વતોની હારમાળા. પાણીમાં પડતું હિમાચ્છાદિત ગ્રાન્ડ ટેટનનું રૂપ મનમોહક હતું. આ પર્વત માળાનું ગ્રાન્ડ ટેટન સૌથી ઊંચું શિખર છે.બધાં આ સુંદર અને મનમોહક દ્રશ્ય જોવા ધડાધડ બસમાંથી ઊતરી ગયાં. સ્નો અને વરસાદના પાણીને લીધે થોડું ચીકણું થઈ ગયું હતું પણ મનને કાબૂમાં રાખવું મુશ્કેલ હતું. બસ નજર ભરીને જોયાં જ કરીએ તેવું દ્રશ્ય હતું. અમારાં નવાં મિત્રો સાથે ઘણા ફોટા પડાવ્યા.ડ્રાઈવર અને ગાઈડ સાથે પણ યાદગાર ફોટા પડાવ્યા.

જેક્સન ટાઉન : કમને બસમાં બેઠાં. પછીનું સ્ટોપ હતું જેક્સન ટાઉન. કુદરતની કમાલ સાથે માણસની કમાલ જોઈ. ચારે બાજુથી પર્વતોના ઢાળની ખીણમાં આવેલ સુંદર નાનું ગામ. (ગાભુ કેરી ખીણમાં…… વાળી કવિતા યાદ આવી જાય.) કલાનગરી હોય તેવું લાગ્યું. ગામમાં ઠેરઠેર આર્ટ અને ફેશન શીખવવાની સ્કૂલો હતી અને એનાથીય વધુ કલાત્મક વસ્તુઓ વેચવાની દુકાનો હતી. ગામ આખું એક કલામંચ જેવું હતું. ઢાળવાળા સુંદર રસ્તાઓ પર દર ૫૦ મીટરે  સુંદર કલાત્મક પૂતળાં મૂકેલાં હતાં. ક્યાંક પ્રાણીઓનાં તો ક્યાંક પ્રસિદ્ધ લેખકો કે કલાકારોના પૂતળાં હતાં. પૂતળાંની આસપાસ રંગીન ફૂલોના સુંદર ક્યારાઓ તેની સુંદરતામાં વધારો કરતા હતા. દરેક પૂતળા પાસે ઊભા રહી ફોટા પડાવ્યા. નાનો એવો રસ્તો કાપતાં અમને અડધો કલાક થયો અને તો ય મન ભરાયું નહીં. ગામમાં એક સુંદર બગીચો હતો. અમે ચાલતાં ચાલતાં બગીચામાં ગયાં. અનુકૂળ જગ્યાએ બેસીને નાસ્તો કરવા નાસ્તાની થેલી સાથે જ રાખી હતી. ઝાડ નીચે છાંયડામાં એક બાંકડો સારો હતો. અમે નાસ્તાના ડબ્બા ખોલી શરૂઆત જ કરી હશે અને ત્યાં તો  ૪-૫ લોકલ રહેવાસીઓ અમારી નજીકથી પસાર થતાં હતાં તેમણે જોયું. દિલીપભાઈના હાથમાં ખાખરો હતો. એક બહેને બહુ કૌતુકભરી નજરે ખાખરા સામે જોયું. પછી તો કહેવું જ શું? એ વાનગીનું નામ, કેવી રીતે બનાવાય, કેટલાં દિવસ સારી રહે….. વગેરે માહિતીની આપલે તેમની સાથે કરી. તેમને ખાખરો ચખાડ્યો પણ ખરો! તેમને ખાખરો બહુ ભાવ્યો! ખાખારાએ તો કમાલ કરી! ગામ અને આસપાસના વિસ્તાર વિષે એ ટીમ સાથે આનંદથી બહુ વાતો કરી. ‘બગીચાનો બીજો દરવાજો બહુ કલાત્મક છે અને તે જોયાં વિના ન જશો’ એવી આગ્રહભરી માહિતી તેમણે અમને આપી. જમીને બગીચમાં થોડું ચાલ્યાં અને બીજા કલાત્મક દરવાજેથી બહાર નીકળ્યાં. લોખંડની ચીપ્સ પોલી ગોઠવી ખરેખર સુંદર દરવાજો બનાવ્યો હતો. ફોટા પડાવવાની પણ લાઈન લાગી હતી! કલાત્મક વસ્તુઓની દુકાનમાં ડોકિયા કરતાં કરતાં નીચે ઊતરતાં હતાં. હું તો દરેક દુકાનમાં રોકાઈ જતી અને રાજેશે બૂમ પાડી મને આગળ કરાવી પડતી.

બસસ્ટેન્ડ પાછાં આવ્યાં તો એક બહુ સરસ અને મોંઘી મોટરસાઇકલ નજીકમાં પાર્ક કરી હતી. અમે બધાં તેણે ગોળગોળ ફરીને જોતાં હતાં ત્યાં એક સુંદર ઘોડાગાડી નીકળી. રાજેશ તો  ઘોડાગાડી જોઈ ખુશ ખુશ થઈ ગયાં. વીસ-પચ્ચીસ ફોટા પાડી લીધા. કળા અને સુંદરતાનો પ્રેમ માત્ર ફૂલો, ચિત્રો કે પૂતળાં સુધી સીમિત ન રાખતાં વાહનો સુધી પહોંચી ગયો હતો! વાહ, ભાઈ! કહેવું પડે! જેક્સન ટાઉનનું એક અલગ જ સ્થાન દિલમાં કોતરાઈ ગયું!

પાણીનું  સ્પ્રીન્ક્લર : એક અજબના આનંદ સાથે અમે બસમાં બેઠાં. બસ સરસ હરિયાળા પ્રદેશમાંથી જઈ રહી હતી. આટલા વિશાળ પ્રદેશમાં ખેતીવાડી અને પાણીની વ્યવસ્થા કેવી રીતે થતી હતી તેની સમજણ અમારા ગાઈડે અમને આપી. તેણે બસ થોડી ધીમી પાડી અને પાઈપોનું એક માળખું અમને બતાવ્યું. એક મોટી પાઈપલાઈન અને તેમાં થોડે થોડે અંતરે કાટખૂણે બીજી પાતળી પાઈપો હોય જેમાંથી જમીનને પાણી  પહોંચાડવામાં આવે. આખું માળખું ધીમે ધીમે સ્થળાંતર કરે  અને એકસાથે મોટા ખેતરોમાં યાંત્રિક મદદથી પાણી પૂરું પડે. બહુ મઝા આવી સ્પ્રીન્ક્લર જોવાની. પછી તો લગભગ આખા રસ્તે અમે ઠેર ઠેર સ્પ્રીન્ક્લર જોયાં. જોવાલાયક સ્થળોમાં મને આ પણ એક જોવાલાયક અને વખાણવાલાયક વસ્તુ લાગી. એક બાજુ કળા, બીજી બાજુ વિજ્ઞાન અને ત્રીજી બાજુ રોજબરોજના જીવનમાં તેનો ઉપયોગ જોયો ત્યારે અમેરિકાના વિકાસનું રહસ્ય થોડું સમજાયું!

સોલ્ટ લેક સીટી : રસ્તો લાંબો હતો. સોલ્ટ લેક સીટી જતાં સુધીમાં ત્રણ વાર બસ ઊભી રાખી. બધાં થાક્યાં હતાં. હવે તો હોટલ આવે તો સારું એમ વિચારતાં હતાં. આખરે સોલ્ટ લેક સીટીમાં રામદા હોટલ પાસે આવીને બસ ઊભી રહી. જો કે આ હોટલ બીજી હતી. અઠવાડિયા પહેલાં રહ્યાં હતાં તે પ્રોપર્ટીમાં નહીં પણ બીજી પ્રોપર્ટીમાં અમને ઊતાર્યાં. સારી હોટલ હતી. રૂમો પણ હંમેશની જેમ સ્વચ્છ અને સગવડભરી હતી. સામાન રૂમ પર મૂકી અમે તો ગામમાં ફરવા નીકળી પડ્યા. હોટલ હાઇવે પર હતી અને રસ્તો સાવ નિર્જન હતો. થોડાં વાહનોની અવરજવર હતી, પણ આમ સૂમસામ રસ્તા પર ચાલવામાં અમને જરા સલામતી ઓછી લાગી એટલે રૂમ પર આવી ગયાં. અમદાવાદ અને દુબઈ વાત તો લગભગ રોજ જ થતી હતી પણ આજે લાંબી વાતો કરી. આજનો દિવસ બહુ ભર્યોભર્યો રહ્યો હતો. આખા દિવસની દિનચર્યા વાગોળતાં વાગોળતાં અમે સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્રાન્ડ ટીટોન પર્વત, યલ્લો સ્ટોન લેક અને જેક્શન લેક

 1. બહુ આબેહૂબ વર્ણન કર્યું છે. વાંચીને મજા આવી.

 2. યલો સ્ટોન નેશનલ પાર્ક વિશે ઘણું બધું વાંચ્યું/સાંભળ્યું હતું પરંતુ આજે તો ‘ફરવાની’ ખરેખર મજા આવી.
  પ્રક્રૃત્તિ ના લગભગ બધાજ પાસા (પર્વત, સરોવર, લાવા, જંગલ, નદી, ધોધ, વિગેરે) આ વિશાળકાય પાર્કમાં માણી શકાયા.
  અને…… વર્ણનાત્મક લેખનશૈલી ના વખાણ તો કરવાજ પડે !

 3. Thanks, Ketan!
  Yellow stone is a very big and wonderful national park. People like us can spend weeks and months in the park!😹 Absolutely fabulous!

Leave a Reply

Your email address will not be published.