વાડ્યના વૃક્ષોમાં નભી,”જનઆરોગ્ય” અને “કૃષિઆવક”ની ભેરે ચડનાર અમૃતાવેલી “ગળો”

હીરજી ભીંગરાડિયા

પંખી સમાજમાં જે પક્ષીઓ જમીનથી ઉંચેરો માળો બાંધી પોતાનાં બચ્ચાં ઉછેર કરી રહ્યાં હોય છે એ બધાં ચકલાં-હોલાં-પોપટ-પારેવાં-બગલાં જેવાં મોટાં ભાગનાં પક્ષીઓમાં ઇંડામાંથી બચ્ચું બહાર આવ્યા પછી જ્યાં સુધી એ બચ્ચું પોતે ચાલવા-ઉડવાની શારીરિક ક્ષમતા ન કેળવી લે ત્યાં સુધી બચ્ચાંઓને માફક હોય તેવો ખોરાક બહારથી શોધી લાવી તેને ખવરાવવાની ચિંતા બચ્ચાંઓના માતપિતાએ કરવી પડતી હોય છે.

જ્યારે ટીટોડી-મોર-તેતર જેવા એવાયે કેટલાક પક્ષીઓ છે કે જેના માળા ધરતીથી ઉંચેરા સ્થળો કે ઝાડવા ઉપર નહીં પણ જમીન પર જ ગોઠવાએલા હોય છે, એ બધાંના માળામાં મૂકાએલાં ઇંડાંમાંથી બચ્ચાં બહાર નીકળ્યાં ભેળાં જ પોતાના પગ વડે ચાલવા શક્તિમાન બની ગયેલાં હોવાથી તગ તગ….તગ તગ….દોડવા માંડતાં હોય છે અને સ્વયંભું રીતે જ પોતાના પગ અને ચાંચ વડે જમીન ખોતરી-ખોરાકની શોધ આદરી- આપમેળે જ ખોરાક ખાવા લાગી જતાં હોય છે. પણ આ તો થઈ પંખી સમાજની શારીરિક ક્ષમતા વાળાની વાત ! પણ આપણે તો કરવી છે વિચિત્રરીતે ખોરાક મેળવતી વનસ્પતિ “અમૃતાવેલી-ગળો” ની વાત ! તો ચાલો વનસ્પતિ જગતની એ વિચિત્રતાઓ જોઇ લઈએ.

વનસ્પતિ સૃષ્ટિમાં ?  વનસ્પતિ સૃષ્ટિમાં પણ અનેક પ્રકારના છોડવા-ઝાડવાં અને વેલીઓ આવેલાં છે. જેમાં મોટાભાગની વનસ્પતિઓનાં બીજ કે કલમ જમીનમાં રોપ્યાં પછી તેને જરૂરી ભેજ-હવા અને ગરમાવો મળતા રહેવાથી આપમેળે જ ધરતીમાં મૂળો પ્રસરાવી સ્વયંભૂ રીતે જ પોષકતત્વોનું ચૂસાણ શરૂ કરી વર્ધન અને વિકાસ કરવા લાગી જતાં હોય છે.પરંતુ  કેટલીક એવીયે “પરોપજીવી”  વનસ્પતિ હોય છે કે જે પોતે પોતાની રીતે જમીનમાંથી પોષકતત્વોનું ચૂસાણ કરવા શક્તિમાન નથી હોતી. દા.ત. “અમરવેલ”- જેને ખેડૂતો “નમૂળી” ના નામથી ઓળખતા હોય છે. એ નમૂળીને ખેડૂતોના રજકો કે અન્ય કઠોળ જેવા કોઇ પાક મળે તો ઠીક, નહીં તો વાડી ફરતેની વાડના કેટલાક વૃક્ષો પર છાઇ જઈને પોતાના બારીક મૂળો યજમાન વૃક્ષની છાલમાં ઘુસાડી દઈ, આપણા બુદ્ધિજીવી વર્ગની જેમ તૈયાર પોષકરસ તફડાવી પોતાનું ગુજરાન ચલાવતી હોય છે.

અરે ! પવિત્ર અને અતિ કીમતી ગણાય એવા ચંદન-સુખડના વૃક્ષમાં એવી તાકાત નથી હોતી કે એનું બીજ જમીનમાં ઊગ્યા ભેળું જ પોતાને જરૂરી એવો પૂરતો ખોરાક પોતાની રીતે મેળવી લે ! એટલે તો ચંદનના બાળમૂળો સ્વયંભૂ રીતે  જમીનરસ ચૂસવા લાગી જવાને  બદલે બાજુમાં ઊભેલ કોઇ અન્ય વનસ્પતિના મૂળિયાંમાં પોતાના મૂળિયાં ઘુસાડી પોતાને માટે તૈયાર ખોરાક મેળવવા ફાંફાં મારતાં હોય છે. એટલે તો એના અભ્યાસુઓએ ભલામણ કરી છે કે ચંદનના બીજ જમીનમાં વાવવાની સાથોસાથ બાજુમાં મગ-તુવેર જેવા ખેતીપાકનાં બિયાં પણ વાવવાં. જેથી શરૂ શરૂમાં ચંદનના બાળમૂળોને બાજુમાં ઉગેલ અન્ય વનસ્પતિના મૂળોમાં પોતાનાં મૂળો ભરાવી દઈ ખોરાકી ટેકો મેળવી શકે. આ વનસ્પતિ “અર્ધ પરોપજીવી”  હોઇ ચંદન ઉછેરનારા ખેડૂતોએ શરૂ શરૂના 5-7 વરસ કોઇપણ દ્વિદળ વનસ્પતિ આજુબાજુમાં રોપવી પડતી હોય છે.

તો પછી ગળો વેલીનું કેમ ?

આ બધાની સરખામણીમાં ગળો વેલી તો ત્રણગણી ત્રેવડવાળી સાબિત થઈ છે. આ ગળોની વેલી એવી  બડકમદાર છે કે

[1.]……જેનાં બીજ જમીનમાં રોપ્યા પછી જે વેલી તૈયાર થાય તે પોતાનો ખોરાક પોતાની રીતે જમીનમાંથી મેળવી લઈ, પોતાના વર્ધન-વિકાસ પૂર્ણરીતે સાધી શકે.

[2]……તે વેલીનો ફૂટેકનો કટકો જમીનમાં રોપીએ તોયે તેમાંથી મૂળો ફૂટાડી પોતાનો ખોરાક જમીનમાંથી મેળવી લેવા સક્ષમ બની રહે  અને

[3]…..ગળો વેલીનો આપણી આંગળી કે અંગુઠા જેટલી જાડાઇનો 5-7 ફૂટના ટુકડાને ઘા કરી ઝાડવા પર ફંગોલી દઈએ એટેલે સુકાઇ મરવાને બદલે ઝાડવાની ઘટામાં વિંટળાઇ જઈ, જે ભાગ ઝાડની ડાળીને સ્પર્શતો હોય ત્યાં વેલીમાંથી બારીક મૂળો ફૂટવાડી યજમાન ઝાડની છાલમાંથી પોષકરસ ચૂસવા લાગી જઈ લહેરથી જીંદગી જીવવા લાગી જાય છે. અરે માત્ર એટલું જ નહીં પણ હવામાન ભેજવાળું બનતાં જ  પોતાના શરીરમાંથી તાતણારૂપી વડવાઈઓ પ્રગટાવી, નીચે જમીન બાજુ લટકતી કરી-આગળ વધતાં વધતાં છેક જમીનને અડકી તેમાંથી મૂળિયાં મૂકાવી ધરતીમાંથી પણ જમીનરસ ચૂસવા મંડી પડતી હોય છે.

તમે માનશો ? એટલે તો ગળો વેલીને કદિ મરવાનું સ્વપ્નું પણ ન આવે એવું પ્રકૃતિએ તેને વરદાન આપેલું હોય એવું લાગી રહ્યું છે !

ઓળખ :  આ વેલીને ગુજરાતીમાં “ગળો”, હિંન્દીમાં “ગિલોઇ”, સંસ્કૃતમાં “અમૃતા” અને અંગ્રેજીમાં “ટીનોસ્પોરા” કહે છે. આ વેલીના પાન મોટા ભાગે પારસ પીપળાના પાનને મળતાં ઘાટ-આકારે હોવા ઉપરાંત જે તે સ્થળ કે પર્યાવરણને અનુરૂપ તેના ઘાટ-આકારમાં થોડા ફેરફાર પણ જોવા મળતા હોય છે. ગળો વેલીના ટુકડા ઘરમાં પડ્યા હોય તો તે સાવ સુકાઇને મરી જતા નથી. ગળો વેલીના ડાંડલામાં આડો કાપ મૂકવાથી તેમાં ચક્રાકાર વર્તૂળો દેખાતા હોય છે. આ વેલી શિયાળા દરમ્યાન આરામ પર ઉતરી જતી હોવાથી પાન બધાં સૂકવી ને ખેરી નાખે છે. પણ ચૈત્ર-વૈશાખ –એટલે કે કોળામણીની ઋતુ આવતાં નવાં પાન ફૂટી નીકળતાં હોય છે. ગળો વેલીની ખાસ ખુબી એ છે કે તેની ડાંડલી ઉપર સફેદ પાતળી ફોતરીનું કવચ એવીરીતે મઢેલું હોય છે જાણે સાપના શરીર પર ચેટેલી કાંચળી જોઇ લ્યો ! આ સફેદ ફોતરી ઉતારી લઈએ એટલે તેની નીચેથી વેલીની છાલ એકદમ લીલવર્ણા રંગની દેખાતી હોય છે. ગળોની વાસ તિવ્ર અને સ્વાદે ગળો કડવી એને તૂરી હોય છે.

ગુણવત્તા ક્રમ :  આમ તો ગળો દરેક વૃક્ષ ઉપર નભી વિકસી શકે છે. પણ આરોગ્યની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ ગળો લીમડા ઉપરની ગણાય છે. બીજા નંબરની વડ ઉપરની અને તેનાથી પછી- એટલે કે ત્રીજા નંબરે ઉપયોગી આંબા ઉપરની ગણાય. તે છતાં ઉપયોગ કરનારને ઉપરોક્ત કોઇ વૃક્ષ પરની ગળો ન મળે તો પછી કોઇ પણ વૃક્ષ પરની, અરે છેવટે વાડી ફરતી વાડના “થોર” ઉપરની ગળો ભલેને હોય ! તે પણ ગુણકારી જ ગણાય છે.

ગળોની ઔષધીય ઉપયોગીતા : વૈદોનું કહેવું છે કે આપણા હાથની આંગળી જેટલી જાડાઇના ગળોવેલીના ટુકડાનું દાતણ કરી શકાય છે. જે દાંત અને પેઢાના દુ:ખાવામાં રાહત બક્ષે છે. તાજી ગળોના વેંત જેવડા ટુકડાને અધકચરો ખાંડી, તેમાં પાણી ઉમેરી, રાત્રિભર પલળવા દઈ, સવારે એનું પાણી પીવાથી કેટલાય દર્દોમાં રાહત મેળવી શકાય છે. બાળકની જીભ જલાતી હોય તો પાનનો રસ પવાય અને કોઇને કોઢના ચાંદલા નીકળ્યા હોય કે ગુમડા થયા હોય તો ગળોના પાન તેના પર બાંધવાનું શરૂ રાખવાથી ગુમડાકે કોઢના ચાંદામાં રુઝ આવી જાય છે. અરે ! માનોકે કોઇને સર્પદંશ થયો હોય તો ? તો ગળોના મૂળનો કાઢો બનાવી દંશ ઉપર લગાડાય અને દર્દીને ઉલટી કરાવવા પાણી સાથે પાવાથી ઝેર ઉતરવા લાગે છે.

ડાયાબીટીસ, કમળો, તાવ, કૃમિ કે માથાના વાળ ખરતા હોય, રતવા-તજાગરમી-મંદાગ્નિ-અરૂચી જેવાની શરીર પર અસર હોય, અરે ! પ્રોસ્ટેટનું દર્દ કે ઉનવા, અમ્લપીત્ત, શુક્રમેહ તો શું ? કેન્સર કે સંગહણી જેવા જીવલેણ એવા અનેક દર્દોમાં ગળોથી રાહત મેળવી શકાય છે. ગળોના તાજાપાનના ઉકાળાની તાવ અને મધુપ્રમેહ માટે તો વૈદો ખાસ ભલામણ કરે છે. અને સૂકી ગળોમાંથી બનાવેલ ગળોસત્વ અને ગળો ઘનવટીથી તો ચીકનગુનિયા, પ્રદર અને પાંડુરોગ પણ મટી શકે છે.    

ખાસ ભલામણ; અરે ! તમે માનશો ? આપણે ત્યાં માત્ર ગુજરાતમાં જ નહીં પણ સારાએ ભારત દેશમાં, અરે, કહોને દુનિયાભરના દેશોમાં માર્ચ-2020થી પ્રવેશી ગયેલ “કોરોના-કોવિડ-19” નામક વાયરસ મહામારી દિવસોના દિવસો સુધી કરફ્યુ અને લોકડાઉન જેવાં આકરાં પગલાં ભરવા છતાંયે વરસ દહાડા પછીયે હઠવાનું નામ લેતી નથી-કાબુમાં લેવા બાબતે સર્વત્ર સરકારોને પણ હાથજીભ કઢાવી દીધી છે. અને બાળક-બુઢ્ઢા-જવાન કે સ્ત્રી-પુરૂષ કશાના ભેદભાવ વગર એના ખપ્પરમાં એવી રીતે હોમાઇ રહ્યા છે કે, મૃત્યું બાદની અંતિમ ક્રિયા અર્થેના સ્મશાનપ્રવેશ બાબતે લાંબી લાઇનો લાગી જઈ, જનજીવનમાં હાહાકાર મચાવી દીધો છે, એવા ખૌફનાક દર્દના મુખમાં ન ધકેલાવું હોય તો-કહોને કોરોનાને આપણાથી છેટો જ રાખવો હોય તો “ગળો” સાથેના અન્ય પદાર્થોના ઉકાળાના સેવનથી આ કામ બની શકે છે એવું ભાવનર-દિહોરના સરકારી દવાખાનાના ડૉક્ટર શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું  કહેવાનું છે. એક માણસના ઉકાળા માટે- એક કપ પાણીમાં 4 પાન તુલસીના,4 ચપટી હળદર પાવડર, 4 ચપટી સુંઠ પાવડર અને આંગળી જેટલી જાડાઇની લીલી ગળોવેલીનો અરધા ઇંચનો ટુકડો નાખી પાણીને ગરમ કરતાં જ્યારે 25 % પાણી બળી જાય ત્યારે નીચે ઉતારી લઈ, કપડાથી ગાળી લઈ, ઠરવા દીધા પછી સવાર-સાંજ બે વખત [શિયાળો ઉતરતાં અને ઉનાળાની શરૂઆતના સંધિકાળના પંદર-વીસ દિવસ] પીવાનું શરુ રખાય તો કોરોના કદિ ઢુંકડો જ આવશે નહીં ! કહેવાયને આ ગળોની કમાલનું કામ !

ગળોમાંથી બનાવાતી આયુર્વેદીક ઔષધીઓ :  ગળોમાંથી વૈદો શાસ્ત્રીયરીતે ઘણી બધી ઔષધીઓ બનાવી જે તે દર્દને અનુરૂપ તેનો ઉપયોગ કરવાનું ચીંધતા હોય છે. દા.ત. ગળોરસ, ગળોઉકાળો, ગળોહીમ, ગળોઘન, અમૃતાસવ, ગળોસત્વ, રસાયણચૂર્ણ. આ પૈકી અમૂકને આપણે ઘેર બનાવવી હોય તો કેમ બનાવાય-એની વાત કરું તો………

[1] ગળોસત્વ……ગળોવેલીના નાના ટ્કડા કરી, તેનો છુંદો કરી, પાણીમાં પલાળી, હાથથી મસળી, ગળણીથી ગાળી, અંદરથી કુચો કાઢી નાખ્યા બાદ વાસણમાં આછરવા દીધા પછી ઉપરથી આછરી ગયેલ પાણી ધીમે ધીમે નિતારી લીધા પછી, તળિયે બેઠેલ સફેદ પદાર્થને સૂર્યતાપમાં સૂકવી, જે પાવડર મળે તે બોટલમાં ભરી લેવાય અને જરૂર પડ્યે ઉપયોગ કરી લેવાય.

[2] ગળોચૂર્ણ……. ગળોની ડાંડલી ઉપરથી તેની કાંચળી સમાન સફેદ ફોતરી ઉખાડી લીધાબાદ તેના નાના ટુકડા કરી, સૂર્યતાપમાં સાવ સૂકાઈ ગયા પછી ખાંડણિયામાં ખાંડી-ઝીણી ચારણીમાં ચાળી લઈ, હવાચૂસ્ત બરણીમાં ભરી રખાય.અને જરૂર પડ્યે ઉપયોગ કરી શકાય.

[3]રસાયણચૂર્ણ……… 100 ગ્રામ ગળોનું ચૂર્ણ, 100 ગ્રામ ગોખરુંનું ચૂર્ણ અને 100 ગ્રામ આમળાંનું ચૂર્ણ-ત્રણેયનું મિશ્રણ એટલે તૈયાર થઈ ગયું રસાયણચૂર્ણ !

ગળો અને ખેતી :  આજે અન્ય વૃક્ષો કે વેલીઓ ઉછેરવા એટલે એમની કેટકેટલીય જમીન-પાણી અને સંરક્ષણ બાબતેની માગણીઓનો સ્વિકાર ખેડૂતે કરવો પડતો હોય છે. જ્યારે ગળોની ખેતી કરવી સાવ જ સહેલી છે. એને માટે નથી રોકવી પડતી ખાસ જમીન કે નથી પિયત માટે કરવી જોઇતી આધુનિક સિંચાઇ પદ્ધતિ “ટપક” જેવી કોઇ ખાસ સગવડ ! નથી એને માટેના પોષણ અર્થેના કોઇ સેંદ્રીય કે રાસાયણિક ખાતરોની આવશક્યતા કે નથી જરૂર એને કનડતા કોઇ જીવજંતુથી રક્ષણ અર્થેના કોઇ રક્ષણાત્મક પ્રયત્નોની ! ખેડૂત હોઇએ એટલે આપણી પાસે ખેતર કે વાડી તો હોવાનાં જ ! એ વાડીની વાડમાં આપણે ઘણાબધાં જંગલી-કાંટાળાં વૃક્ષો ઉછેરતા હોઇએ છીએને ? બસ, એમાં વધારાનું એટલું કરવાનું કે એ વાડમાં ભેળાં લીમડાના વૃક્ષો પણ ઉછેરી દેવાનાં ! અને એ લીમડાના વૃક્ષો પર ગળોવેલીના આંગળી-અંગુઠાની જાડાઇના 5-7 ફૂટ લંબાઇના ટુકડા ફંગોળી એની ઘટામાં ગુંચવાડી દઈએ એટલે એ કટકા સુકાઇને મરી જશે નહીં, પણ પોતે લીલા ને લીલા ટકી રહી, તેને જ્યાં જ્યાં લીમડાનો સ્પર્શ થયો હશે ત્યાં એ ગળોના કટકામાંથી મૂળો નીકળી, લીમડાની છાલમાં પ્રવેશી, લીમડાના શરીરમાં વહેતા જીવનરસમાંથી પોતે ચૂસવા લાગી જઈ, કહોને “બળ કરે લીમડો અને લોહી પીવે ગળોડી” કહેવત સાચી પાડી પોતાનો વિકાસ કરવા લાગી જાય છે. અરે ! ચૈતર-વૈશાખની ઋતુ અને પછી તો ચોમાસું બેસી જતાં વેલીમાંથી વડવાઇરૂપી પાતળા તાતણા નીચે લબડાવી, જમીનને અડકતાં તેમાંથી મૂળિયાં મૂકી જમીનમાંથી પણ વધારાનો જમીનરસ ચૂસી ઉપર મોકલવા મંડી પડે છે. કંઇક “દાદાગીરી” થી તફડાવીને લીમડામાંથી, અને કંઇક વડવાઇઓના પ્રેમ થકી ધરતીમાંથી-એમ બે બાજુથી ખોરાક મેળવી લેવાવાળી કીમિયાગર છે આ ગળોની વેલી હો ખેડૂતભાઇઓ !

“ફૂલછાબ”ની ‘હેલ્થવેલ્થ’ કોલમના લેખક શ્રી અશોકભાઇ વૈદના જણાવ્યા અનુસાર “આજ કાલ શુદ્ધ ગળોસત્વ મળતો નથી. જે મળે છે તે મોટાભાગે બનાવટી અને ભેળસેળ વાળો હોય છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બનાવેલ ગળોસત્વ મધુપ્રમેહમાં તો ખાસ, ઉપરાંત અનેક દર્દોમાં ખુબ જ ઉપયોગી છે. ગળોનો વેલો આખું વરસ એમનોએમ પડ્યો રહે, પણ જ્યારે વરસાદની ઋતુ આવતાં તરત જ વેલામાંથી અંકુરો ફૂટે છે અને વેલીનું રૂપ ધારણ કરે છે. એ જ રીતે શરીરમાં રહેલા મૃતપ્રાય કોષોને જીવંત કરે છે, તેથી તે રસાયણ દ્રવ્ય છે. – કહોને ગળોવેલી પોતે મરતી નથી અને મરતાને જીવાડનારી છે. એટલે તો ગળોને “અમૃતા” કહી છે !

ઉત્પાદન : લીમડા ઉપરથી આંગળી-અંગુઠા જેવી જાડાઇના વેલા ને ઉતાર્યા કરવા એજ એનું ઉત્પાદન છે મિત્રો ! આવા ગળોના વેલાની આજે ખુબ જ માગ છે. અને એમાંયે લીમડા ઉપરની ગળોની તો અતિ માગ એટલા માટે છે કે અન્ય વૃક્ષો ઉપરની ગળો કરતાં આ ગળો આયુર્વેદીક ઔષધીઓ બનાવવામાં વધુ ગુણકારી ગણાય છે. એટલે ખેડૂતને વગર રોકાણે, વગર ખર્ચે, વગર મહેનતે, વાડીની વાડ પરના લીમડાઓ ઉપર તેના વેલાને ફગોળી દેવા માત્રથી બળિયાવર એવી પૂરક આવક રળાવી આપવા આ વેલી સક્ષમ છે-જો આપણામાં તે મેળવી લેવાની આવડત હોય તો ! અમે પંચવટીબાગમાં ઘણાબધા લીમડાના વૃક્ષો ઉપર ગળોનો ઉછેર કર્યો છે. જેમને પોતાના દર્દની સારવાર અર્થે જરૂર હોય એમણે આવી ફ્રીઓફમાં લઈ જવાની છૂટ છે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com


સંપાદકીય નોંધ – લેખમાંની તસવીર નેટ પરથી લીધી છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.