મંજૂષા – ૪૬. બે શબ્દો વચ્ચેના ખાલીને સાંભળવું

વીનેશ અંતાણી

 

એક વાર કચ્છના પ્રખ્યાત નોબતવાદક સુલેમાન જુમા વાતો કરવાના મૂડમાં હતા. વાતવાતમાં લાંબા લયનાં ગીતો વિશે કહેવા લાગ્યા: “રણમાં ઊંટિયા ઉપર જાતા હો, રાત કાઢવાની હોય, ચારેકોર સૂમસામ હોય, વાવડો જોરથી વાતો હોય ને તમે કાં તો ઊંટ ઉપર એકલા બેઠા હો કે પાછળ બીજો જણ બેઠો હોય. તમે શું કરો? ગીતો જ ગાવા માંડોને? હવે જે ગીત જબાને ચડે એને તાલ કોણ દે? તાલ દે, તમે જેના ઉપર બેઠા છો એ ઊંટિયો. એનાં લાંબાં લાબાં ડગ પડતાં હોય. એક પગ પડે, પછી બીજો ઊપડે, ત્રીજો, પછી ચોથો… એમ લય રચાતો જાય. એ લય કેવો હોય? લાં…બો, ઊંટનો એક પગ પટ ઉપર પડે એનો અવાજ સંભળાય, પછી બીજા પગનો અવાજ, વચ્ચે ખાલી જગા રહી જાય… એમ લાંબો લય રચાતો રહે ને તમારું ગીત પણ એવા લાંબા લયમાં ગવાતું જાય…”

સુલેમાનબાપાની વાત સાંભળીને મારા મનમાં રણના એકલદોકલ મુસાફરની કલ્પના જાગી ઊઠી હતી. એ ગાઈ રહ્યો છે, સમય પસાર કરવા, માથામાં ભરાયેલી ઊંઘ દૂર રાખવા, એકલતાને આઘી રાખવા, રણના સૂનકારને ભેદવા… એની પાછળ બેઠેલો જણ પણ ગીતની પંક્તિઓ ઝીલતો રહે છે. રણનો પવન બે ગાયકોના હલકભેર વહેતા સૂરોને દૂર દૂર સુધી ખેંચી જાય છે. સામે છેડે સાંભળનાર કોઈ હોતું નથી, રણમાં ઊઠલા સ્વરો રણમાં જ વિલીન થતા રહે છે. બીજી જ ક્ષણે વિચાર આવ્યો હતો, સાંભળાનર કોઈ નથી એવું કેમ માની શકાય? રણવાસી ઊંટસવારનાં ગીતો સાંભળે છે રણની અફાટ ભૂમિ, રણમાં ઘેરાયેલી રાતનું અંધારું, આકાશમાં ટમટમતું સાફ તારામંડળ…

માણસ ક્યારેય એકલો હોય છે ખરો? ભરીભાદરી સૃષ્ટિનો કોઈ ને કોઈ અંશ એની સાથે હોય જ છે. જો માણસ સૃષ્ટિ સાથે અનુસંધાન કેળવી શકે તો એકલો હોય જ નહીં. રણ એની સાથે વાત કરે, મૂંગા પહાડો પણ વાતો કરે, નદી વાતો કરે, સમુદ્ર વાતો કરે, વૃક્ષ-વેલી, ફૂલ-પાંદ, ઊડતાં પતંગિયાં અને સ્તબ્ધ રાત કે સૂનો બપોર પણ વાતો કરે છે, જો આપણે એને સાંભળી શકીએ તો. હર્મન હેસની ‘સિદ્ધાર્થ’ નવલકથામાં એક હોડીવાળો નવરો બેઠો હોય ત્યારે વહેતી નદીની કેટલી બધી વાતો સાંભળતાં સાંભળતાં સાચી રીતે સાંભળવાની કળા શીખી શક્યો હતો.

સાચી રીતે સાંભળવું એટલે શું? ચારેકોર વેડફાતા શબ્દોના ખખડાટને કાન સુધી પહોંચવા દઈએ એ જ સાચું સાંભળવું નથી હોતું. ઘણી વાર તો જે સાંભળતા હોઈએ એવું લાગે તે પણ આપણે સાંભળતા હોતા નથી. ન સાંભળવા જેવું સાંભળવાનો પણ કોઈ અર્થ નથી. ચારે બાજુનો ઘોંઘાટ મોટા ભાગે અર્થહીન હોય છે, અર્થ તો હોય છે નીરવ શાંતિમાં સંભળાતા ઝીણાઝીણા સૂનકારનો. સૂનકાર માણસને જેટલું શીખવે છે, કોલાહલ શીખવતો નથી.

કોઈ પણ કળાકૃતિમાં જે પ્રત્યક્ષ હોય એનાથી વિશેષ એમાં છુપાયેલું દેખાવા લાગે ત્યારે એ શ્રેષ્ઠ કળાનો નમૂનો બને છે. લિઓનાર્દો દ વિન્ચીના પ્રખ્યાત ચિત્ર મોનાલિસાનું સ્મિત આટલાં વરસો પછી પણ રહસ્યમય રહ્યું છે. એનાં જુદાં જુદાં અર્થઘટનો થતાં રહ્યાં છે. કહેવાયું છે કે કળાકૃતિમાં તમને જે દેખાતું નથી એ વધારે મહત્ત્વનું હોય છે. કવિતા, વાર્તા, નવલકથાનું વાંચન કરનાર સુજ્ઞ ભાવક લખાયેલા શબ્દો વચ્ચેના અવકાશમાં છુપાયેલા અર્થોને પામતો હોય છે. ઉત્તમ કળાકાર શું કહે છે એ કરતાં શું નથી કહેતો એના પર ધ્યાન આપે છે. કોઈએ કહ્યું છે: “વાંચન લેખક અને વાંચક વચ્ચેની ભાગીદારી છે, જેમાં લેખક મકાન બાંધે છે અને વાંચક એમાંથી ઘર બનાવે છે.”

કોઈ પણ પ્રેમીને એની પ્રિયતમાના સંદર્ભમાં પૂછી શકાય: “પ્રશ્ર્ન તું એના માટે જાન દેવા તૈયાર છે એનો નથી, પ્રશ્ર્ન છે, તું એના વિના જીવી શકે તેમ છે?” વાક્ય ચબરાકિયું છે, પરંતુ એમાં છુપાયેલો અર્થ વિચારપ્રેરક છે. કોઈએ સંગીત માટે કહ્યું છે: “કેટલીક લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ હોતી નથી, સંગીતનો જન્મ એ કારણે જ થયો છે.”  ફિલ્મ જોઈએ છીએ ત્યારે પરદા પર દેખાતાં દ્દશ્યો કે સંવાદો  અને કળાકારના અભિનય પર જ વધારે ધ્યાન આપીએ છીએ. કળાત્મક ફિલ્મમાં દ્દશ્યો જે વાતાવરણમાં કંડારાયાં હોય છે એ વાતાવરણ કે પ્રકાશ-આયોજન કે સંવાદની વચ્ચે આવી જતો મૌન વિરામ હેતુપૂર્વક મુકાયાં હોય છે અને અર્થસભર હોય છે.

વાત જે અર્થ આપણા પર ઠોકી બેસાડવામાં આવે એ નહીં, જેનું અર્થઘટન આપણે જાતે કરી શકીએ, આપણે માની લીધેલી આપણી સમજ પ્રમાણે નહીં – સાચી સમજ કેળવીને, એ જ સાચું સાંભળવું કે જોવું હોય છે. ઊંટની લયાત્મક ગતિના દ્દશ્યમાં સંગીત સાંભળી શકાય અને ઊંટનો એક પગ જમીન પર અથડાય અને બીજો ઊંચકાઈને જમીન પર પડે તે વચ્ચેનું “ખાલી” સાંભળવા જેવું હોય છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

1 thought on “મંજૂષા – ૪૬. બે શબ્દો વચ્ચેના ખાલીને સાંભળવું

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.