નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૬

મારી બે બહેનો છે. મોટીએ ઘર ઉજાડ્યું ને નાનીએ ઉજાળ્યું.

નલિન શાહ

રાજુલનો બીજો પત્ર હતો.

તા.    ૧-૧૧-૧૯૭૧

        દીદી,

તને અચરજ થયું હશે કે પહેલો કાગળ લખીને આટલો મોડો કેમ મોકલ્યો. કારણ એ લખ્યા પછી મને વિચાર આવ્યો કે હું, ગામડાની સાદી-સરળ કન્યા, શહેરનાં એ અતિ સમૃદ્ધને ખ્યાતનામ કુટુંબમાં સમાઈ શકીશ? ભલે સાગરની એ દેવી જેવી માએ મને પહેલી મુલાકાતમાં જ સ્વીકારી લીધી હતી, પણ વખત જતાં જો એમને એમ થાય કે આવો મહત્ત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ થઈ ગઈ હતી તો પછી એનો શું ઉપાય? નિખાલસ થઈ જ્યારે મેં એમને મારી દુવિધા સમજાવી ત્યારે એમણે લાગણીવશ થઈ મને ગળે વળગાડી કહ્યું ‘ધન્ય છે તારી પ્રામાણિકતાને કે તું આમ વિચારે છે. હવે મને પૂરી રીતે ખાતરી થઈ ગઈ કે મારો નિર્ણય ખોટો નહોતો. તારી જગ્યાએ બીજી કોઈ હોત તો આવાં સંપન્ન કુટુંબ સાથે સંબંધ બાંધવાની તક ત્વરિત ઝડપી લેત; જ્યારે તું સામેથી અમને વિચારવા માટે ચેતવે છે! એટલે કેવળ તારા સંતોષ ખાતર, તારી શંકાનું નિવારણ કરવા આપણે મહિનો-દોઢ મહિનો થંભી જઈએ. હમણાં શશીને કશું જ ના જણાવતી. તું સમય ફાળવીને અહીં આવતી રહે, તું ને સાગર ડ્રાઈવ પર જાઓ, હળો-મળો ને તને ખાતરી થાય ત્યારે જણાવજે. હવે તો બધો આધાર તારી સ્વીકૃતિ પર છે; તારી દીદીની. તો પછી…’ અને મજાકમાં ઉમેર્યું; પણ જોં મારી હયાતિમાં નિર્ણય લેવાય તો સારું.’ હું શરમાઈને એમને વળગી પડી.

મમ્મીએ – સુનિતાબેને – સાગરને તાકીદ કરી કે હવે રાજુલ સાથે સ્કૂટર પર નથી ફરવાનું. મુંબઈના ટ્રાફિકમાં એ સલામતીભર્યું ના કહેવાય. કંઈક થયું તો શશીને હું શું જવાબ આપું? તું તારે માટે જુદી એક શેવરોલેટ ગાડી ખરીદી લે.

અમારી મળવાની માત્રા વધી ગઈ. સુનિતાબેનની સાથે કોલાબા, બ્રિચકેન્ડી, ઝવેરી બજાર, ભુલેશ્વર, ક્રોફર્ડ માર્કેટ જેવી જગ્યાએ ખરીદી માટે જતી, સાથે ખાતાં-પીતાં ને વાતો તો ના ખૂટે એટલી થતી. સાગર સાથે એની નવી ગાડીમાં લોંગ ડ્રાઈવ પર અઠવાડીયે બે વાર તો જવાનું થતું.

ગઈ કાલે એમણે હસતાં હસતાં પૂછ્યું, ‘હવે શું નક્કી કર્યું? કે હજી આઠ-દસ વરસ વાટ જોવી છે? તને ભલે ઉતાવળ ના હોય પણ મને તો છે ને તારી રજામંદી મળે પછી જ શશી, ને તારા બા-બાપુની સંમતિ લેવાનો સવાલ ઉદ્‌ભવે ને?’

મેં કહ્યું ‘કાગળ તો દીદીને લખી રાખ્યો છે. આજે જ મોકલું છું.’ તો દીદી હવે નિર્ણય તારા હાથમાં છે. સુનિતાબેન પણ તને પત્ર લખવાની વાત કરતાં હતાં. કદાચ એક બે દિવસમાં એ મળી જશે.

        તારી રાજુલ.

        બંને કાગળો વાંચીને શશી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બેબીને સંભાળતી બાઈ હેબતાઈ ગઈ, ‘શું થયું, બહેન? શેના સમાચાર છે કાગળમાં?’

‘હું આજે બહુ જ ખુશ છું. કદાચ પાગલ ના થઈ જાઉં. જાણે છે? મારી ઢીંગલી બધી રીતે મોટી થઈ ગઈ. મારી હવે કોઈ મુરાદ બાકી નથી. કાલે મરું તો પણ ચિંતા નથી; મારી દીકરીનો ભાર પણ એ ઉઠાવે એવી છે. જાણે છે તું; મારી બે બહેનો છે. મોટીએ ઘર ઉજાડ્યું ને નાનીએ ઉજાળ્યું. પ્રસંગ આવે એ મને કદી ઘરની બહાર નહીં કાઢે.’

‘તમને ઘરની બહાર?’ બાઈ કાંઈ સમજી નહીં.

‘એ તું નહીં સમજે’ શશીએ કાગળને છાતીએ ચાંપીને ધીમેથી બડબડી ‘એ પણ એક ઇતિહાસ છે જે ભૂલી જવો સારો.’

જે પત્રની શશીને આતુરતા હતી એ બીજા જ દિવસે ટપાલમાં આવ્યો. સુનિતાએ લખ્યું હતું.

તા. ૧૬-૧૧-૭૧

        પ્રિય શશી,

આપણે કદી પ્રત્યક્ષ ન મળ્યાં હોવા છતાં આપણા વચ્ચે કોઈ અતૂટ બંધનનો ભાસ થાય છે. તારી બેન રાજુલ અઢી-ત્રણ વરસથી અહીં હોવા છતાં પ્રત્યક્ષ મળવાનો સંજોગ ઊભો ના થયો. હા, ટેલિફોનથી સંપર્કમાં રહ્યાં હતાં. ફુરસદનો અભાવ, ખાસ કરીને મારા તરફથી વધારે, એની હોસ્ટેલ ને અમારા ઘર વચ્ચેનું લાંબુ અંતર અને સમયે સમયે થતાં મારા પરદેશના પ્રવાસો એમાં કારણભૂત હોઈ શકે. માફી માંગુ છું, અને મળવાનું એ થયું તો કેવી રીતે!

જ્યારે મારો દીકરો સાગર એના પ્રિય પાત્રને લઈ ઘેર આવ્યો ત્યારે મને અણસાર પણ નહોતો કે એ તારી બહેન છે. ન એ જાણતી હતી કે હું એ જ સુનિતા છું, જેની સાથે એ ટેલિફોન પર સંપર્કમાં હતી. એણે પહેલી મુલાકાતમાં જ મારા પર એવું વશીકરણ કર્યું કે મને લાગવા માંડ્યું કે આવી સહભાગીની પામવા માટે માણસે કેટલા જન્મોનાં પુણ્ય ભેગા કરવા પડતાં હશે. શક્ય છે કે મારા દીકરાએ એ પ્રાપ્ત કર્યા હોય તો જ એવી આશા સેવી શકે. હું તો અત્યારે કેવળ આશા સેવવાની વાત જ કરી શકું એમ છું – કારણ કે તારી એ લાડલી બહેન કહે છે કે એની દીદી કહે તો એ ભિખારીને પણ પરણે ને એ ના કહે તો કોઈ રાજકુમારને પણ ઠુકરાવી દે. તમે બંને નસીબદાર છો કે એકબીજાને પામ્યાં છો.

ભગવાને મને જિંદગીમાં જે સુખની પળો આપી છે એ વગર માંગે આપી છે. આજે હું પહેલીવાર ખોળો પાથરી વિનંતી કરું છું કે તારી એ આજ્ઞાંકિત બહેનને મારા ઘરનો મોભો કરવાનું સદ્‌ભાગ્ય મને આપ. એ કહે છે કે સમય આવે તો બંડખોર પણ બની શકે છે! આખરે છે તો તારી જ બહેન. સમાજમાં ક્રાંતિ સર્જવા આવી બંડખોર સ્ત્રીઓની અતિ આવશ્યકતા છે.

આપણે મળીએ ત્યારે તારી હકારાત્મક પ્રતિક્રિયાની આતુરતાથી વાટ જોઉં છું. જવાબ આપતાં પહેલાં જરૂરી છે કે તું અને તારાં માતા-પિતા મારા દીકરાને જુઓ અને ચકાસો.

હું અને મારો દીકરો સાગર એ જરૂરી મુલાકાત કરવા આવતા શનિવારે પાલણ આવીએ છીએ. કહેવાની જરૂર નથી કે તારી હાજરી વગર કશું પાર પડવાની શક્યતા નથી. રાજુલને પણ સાથે આવવા મનાવી છે, કારણ એની હાજરી જરૂરી છે. હું માની લઉં છું કે તું કોઈ પણ ભોગે હાજર રહીશ. સહેલાઈથી આવવાજવાની છૂટ રહે એટલે અમે કારમાં આવવાનું નક્કી કર્યું છે.

આખરે આપણી મુલાકાતનો મોકો આવ્યો ખરો. આ કામ સિવાય મારે ઘણું ઘણું પૂછવું છે ને જાણવું છે.

તારાં માતા-પિતાનો પરિચય હજી થયો નથી એટલે આપણી શનિવારની વિગત એમને આપવાની જવાબદારી તું સ્વીકારીશ એમ માની લઉં છું.

        લિ. સુનિતાના આશીર્વાદ

        પત્ર વાંચીને શશીની આંખમાં આંસું ઊભરાઈ આવ્યાં. ‘કેમ આજ કાલ બહુ આંસું સારે છે?’ એના પતિ સુધાકરે વિસ્મયથી પૂછ્યું. જો કે એ કારણ કલ્પી ગયો હતો. શશીએ સુનિતાનો કાગળ એની સામે ધર્યો.

શનિવારને ત્રણ દિવસની વાર હતી પણ એણે તુરંત જવાની તૈયારી કરવા માંડી. કારણ એ બે દિવસ વહેલાં જવા માગતી હતી. ઘરમાં સાફસફાઈની જરૂર હોય, કદાચ કાંઈ લાવવામૂકવાનું હોય, માતા-પિતાને આ સુખદ આઘાત માટે માનસિક રીતે તૈયાર કરવાની પણ આવશ્યકતા હતી. એનું પોતાનું ઘર તો બાઈ સંભાળતી હતી એટલે સુધાકરની ખાવાપીવાની તો કોઈ ચિંતા નહોતી. બેબીનાં ને એનાં કપડાં થેલીમાં નાખી દીધા ને બીજે દિવસે પ્રયાણ કર્યું.

શશીનું આગમન કોઈ અચરજની વાત નહોતી. બે ગામો વચ્ચે અંતર એટલું ઓછું હતું કે શશી ક્યારેક ક્યારેક જણાવ્યા વગર જ ટપકી પડતી હતી.

‘બા, થોડું ઘરનું ઘી ને શાકભાજી લાવી છું.’ આવતાંવેંત એણે સવિતાના હાથમાં થેલી આપતાં કહ્યું.

‘તે કેમ આઈ નથી?’ બાએ પૂછ્યું.

‘મને એમ કે કદાચ ઓછું પડે.’

‘કેમ?’ બા વિસ્મય પામ્યા ‘કોઈ આવવાનું છે?’

‘હા’, કહી શશી રસોડા તરફ વળી.

બાએ વધારે ના પૂછ્યું. મનમાં સમજતાં હતાં કે દીકરી સામે ચઢીને વાત ના કરે ત્યાં સુધી વતાવવા જેવી નહોતી. રાત્રે વાળુ પતાવ્યા પછી શશીએ વિસ્તારથી વાત માંડી.

સાંભળીને મા-બાપને કાને વિશ્વાસ ના બેઠો. હકીકતમાં શશી પોતે પણ નહોતી જાણતી કે સુનિતાબેન કેટલા સમૃદ્ધ હતાં. પણ એમનાં તરફથી એના ગ્રામસુધારના કાર્ય માટે સમયે સમયે મળતી આર્થિક મદદના કારણે એ સાધનસંપન્ન હોવાનો ખ્યાલ જરૂર હતો. પણ એને એ કલ્પના નહોતી કે એની અતિ સમૃદ્ધ કહેવાતી તુમાખીથી ભરેલી બહેન ધનલક્ષ્મી સુનિતાની સામે કોઈ વિસાતમાં નહોતી.

‘બેટા, મને ચિંતા એ વાતની થાય કે આટલા મોટા માણસો હોય તો એની દહેજની માંગણી પણ મોટી હોય. આપણું શું ગજું?’ બાપુએ ચિંતાતુર વદને ઉચ્ચાર્યું.

‘બાપુ, હું જેટલું સુનિતાબેનની સામાજિક પ્રવૃત્તિઓ બાબત જાણું છું એના પરથી તો લાગતું નથી કે એ દહેજની તરફેણમાં હોય.’

‘દીકરા, જ્યારે પોતાના લાભની વાત આવે ત્યારે ભલભલા લોકો એમનું મંતવ્ય બદલતાં હોય છે.’

‘શક્ય છે. પણ સુનિતાબેન આપણી પરિસ્થિતિથી પૂરા વાકેફ હોવા જોઈએ. શું રાજુલે કહ્યું ના હોય? અને છતાં રાજુલની માંગણી કરી છે એટલે એમાં કોઈ લોભની ભાવના હોવાની શક્યતા નથી. એ ધારે તો કોઈ પૈસાપ્રાપ્ત કન્યા સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. પણ અહીં તો એમણે ખોળો પાથરીને રાજુલની ભીખ માંગી છે. એમ કહીને એણે સુનિતાનો પત્ર બાપુના હાથમાં આપ્યો.’

વાંચીને બાપુ બોલ્યા ‘ધન્ય છે એ બાઈને. આપણી રાજુલના ભાગ ખૂલી જશે, પણ છતાં બેન, એમના મોભાને સાચવવા આપણે કાંક તો કરવું પડશે ને! છતાં હું શેઠને વાત કરીશ. આટલાં વરસ એમની સેવા કરી છે તો શું ભીડમાં પૈસા ના ધીરે?’

‘બાપુ, હમણાં એવું કશું ના કરતા. એ લોકોને આવવા દ્યો પછી વાત. દેવાનો બોજો માથા પર નથી લેવો. ધારો કે એ લોકોની માંગણી આપણા ગજાની બહાર હોય તો ચોખ્ખી ના ભણી દઈશું. રાજુલ તેજસ્વી છે, એને યોગ્ય પાત્ર શોધવા જવું નહીં પડે. હાલ પૂરતું એ લોકોની સરભરાનો વિચાર કરો. પછીની વાત પછી જોઈ લેવાશે.’

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.