૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે…
ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે. અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.
આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ
ગોલ્ફ
દેવિકા રાહુલ ધ્રુવ
જીંદગી ગોલ્ફની રમત જેવી..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને સાત કોઠા હતાં,
અર્જુનની સામે એક આંખ..
એક પક્ષીની..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં જાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક,સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ફટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
‘પાર’ થાય તો હાશ.
‘બોગી’ થાય તો વિષાદ.
‘બર્ડી કરો’ તો શાન,
‘ઈગલ’ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા કર્યા વગર,
હસતા, રમતા,
નાનકડા શ્વેત ગોળાને,
છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો..
અંતિમ લક્ષ્ય સુધી…
આદિથી અંત સુધી.
સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
વાહ! બહુ સરસ રચના અને ગોલ્ફ વિષેની સમજની ગુંથણી. enjoyed.
સરયૂ