ફિલ્મસંગીતના નકશીકારો (૧૫) – વાન શીપ્લે

પીયૂષ મ. પંડ્યા

ફિલ્મી ગીત-સંગીતના ચાહકો સને ૧૯૪૫ થી લઈને ૧૯૭૦ સુધીના સમયગાળાને સિનેસંગીતના સુવર્ણયુગ તરીકે લગભગ એકીઅવાજે સ્વીકારે છે. એ અરસામાં કેટલાક ફિલ્મનિર્માતાઓએ આ ક્ષેત્રના વિકાસમાં સિંહફાળો આપ્યો. એ યાદીમાં રાજકપૂરનું નામ મોખરે બીરાજે છે. પોતાની આગવી સૂઝ થકી એમણે ચુનંદા સંગીતનિર્દેશકો પાસેથી એમનું શ્રેષ્ઠ પ્રદાન મેળવ્યું. વળી રાજ ક્યારેય ગીતકારોને અને સંગીતકારોને કામ સોંપી અને નિશ્ચીંત થઈ જવામાં નહોતા માનતા. બલકે એ સંગીતસહાયકો, એરેન્જર્સ, વાદકો અને રેકોર્ડીસ્ટ્સની પસંદગીમાં અંગત રસ લેતા. ગીતની રચનાથી લઈને એની ધૂન બનાવવામાં, ધૂનની સાજસજાવટમાં અને રિહર્સલ્સ તેમ જ આખરી ધ્વનીમુદ્રણ થાય પછી છેવટે એની રેકોર્ડ બનાવવામાં આવે ત્યાં સુધી નિયમીત રીતે હાજર રહેતા અને ધાર્યું પરિણામ ન મળે ત્યાં સુધી સંતુષ્ટ ન થતા.

ફિલ્મ ‘બરસાત’(૧૯૪૯)માં રાજકપૂરે નાયકને કુશળ વાયોલીનવાદક તરીકે રજૂ કરવાનું નક્કી કર્યું. એ ફિલ્મના સંગીતકારો શંકર-જયકિશનની છાપ વાદ્યવૃંદમાં એકસાથે મોટી સંખ્યામાં વાગતાં વાયોલીન્સના પ્રભાવક ઉપયોગ થકી ઉપસવાની હતી. પણ આ ફિલ્મના સંગીત માટે તો વાયોલીનના એકલ અંશો / Solo Pieces વગાડવાની અવારનવાર જરૂર પડવાની હતી એ આ સંગીતકારો સુપેરે સમજતા હતા. આવા ટૂકડાઓ વગાડવા માટે રાજકપૂરે એ સમયે માંડ એકવીશ વરસના એક યુવાન ઉપર પસંદગી ઉતરી. એ હતા વાન શીપ્લે, જે થોડાં વર્ષો પહેલાં ફિલ્મસંગીતની દુનિયામાં નસીબ અજમાવવા લખનૌથી મુંબઈ આવ્યા હતા. એમણે પોતાના ગીટારવાદન તેમ જ વાયોલીનવાદનની કાબેલિયતથી એ ક્ષેત્રે આગવું સ્થાન મેળવી લીધું હતું.

ફિલ્મ બરસાતનું એ ગીત સાંભળીએ, જેમાં શરૂઆતમાં કાને પડતા વાયોલીનના એકલ અંશો વાન શીપ્લેએ વગાડ્યા છે. બિલકુલ ધીમા ઉપાડ પછી અચાનક દ્રુત ગતીએ છેડાતું વાયોલીન 0.27 સુધીમાં સાંભળનાર ઉપર ઘેરી અસર ઉભી કરી જાય છે. એ પછી પણ અવારનવાર વાયોલીનના ટહૂકા સંભળાયા કરે છે. આ કમાલ વાન શીપ્લેની છે.

આ ઉપરાંત પૂરી ફિલ્મમાં જ્યાં જ્યાં નાયકને વાયોલીનના સૂર છેડતો બતાવ્યો છે ત્યાં ત્યાં પશ્ચાદભૂમાં એ વાયોલીનવાદન શીપ્લેએ જ કર્યું છે. એક અન્ય રસપ્રદ વાત. આ ફિલ્મમાં એક દૃશ્ય એવું આવે છે જ્યાં નાયિકા દોડી આવીને નાયકના આલિંગનમાં સમાઈ જાય એ પહેલાં નાયક એને પોતાના હાથ પર ઝીલી લે છે. નાયકના એક હાથમાં વાયોલીન છે અને બીજા હાથ ઉપર નાયિકા ઝૂલી રહી છે એ દૃશ્ય એટલું યાદગાર બની ગયું કે ખૂદ રાજકપૂર એના ઉપર ફીદા થઈ ગયા. એમણે એ દ્રશ્યને પોતાની નિર્માણસંસ્થા આર.કે.ફિલ્મ્સના લોગો/ઓળખચિહ્ન તરીકે પ્રસ્થાપિત કરી દીધું. શીપ્લેના ચાહકો એ લોગોમાં એમને જોતા હોય તો નવાઈ નહીં.

આ હોનહાર કલાકારનો જન્મ તા.૩૦/૦૮/૧૯૨૭ના રોજ લખનૌ શહેરમાં થયો હતો. શીપ્લે કુટુંબમાં સંગીતનો શોખ વ્યાપક પ્રમાણમાં હતો. જો કે એ શોખને યોગ્ય રીતે વિકસાવી એમાં આગળ વધનારા એકમાત્ર વાન જ હતા. બાળવયથી જ એમણે વાયોલીન, ગીટાર અને તબલાં વગાડવાની તાલિમ લેવાનું શરૂ કર્યું. ઉપરાંત એ ઉસ્તાદ ઝંડેખાન અને ઉસ્તાદ બંદેહસન ખાન પાસે શાસ્ત્રીય સંગીત પણ શીખવા લાગ્યા. એમણે એટલી ઝડપથી કૌશલ્ય કેળવ્યું કે કુમારાવસ્થામાં પહોંચેલા વાન બંદેહસન ખાનના શાસ્ત્રીય ગાયનના જાહેર કાર્યક્રમોમાં વાયોલીન ઉપર સંગત કરતા થઈ ગયા.

એ સમયગાળામાં સુખ્યાત ગાયક તલત મહમૂદ લખનૌ રેડીઓ ઉપર પોતાનું ગાયન પ્રસ્તુત કરતા રહેતા હતા. એમણે વાનને લખનૌ રેડીઓ ઉપરથી પ્રસારિત થતા કાર્યક્રમોમાં વગાડવા માટે નિમંત્રણ આપ્યું. ત્યાં પણ વાને પ્રભાવશાળી પ્રદાન કર્યું. આ સાથે એમણે પોતાની વાદનકળાને વિકસાવવા ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું. પંડીત રવિશંકરના ગુરુ તેમ જ ઉસ્તાદ અલીઅકબર ખાનના પિતા એવા સમર્થ સંગીતજ્ઞ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે એમણે વાયોલીનવાદનની ઘનિષ્ઠ તાલિમ લેવાનું ચાલુ રાખ્યું. સાથે સાથે ગીટારવાદન પણ વિકસાવતા રહ્યા. ગીટારના બે મુખ્ય પ્રકારો – સ્પેનીશ ગીટાર અને હવાઈયન ગીટાર – ઉપર એ એકસમાન કાબુ ધરાવતા હતા. ચાહકોમાં વાનની ઓળખ મુખ્યત્વે એક અસાધારણ કક્ષાના ગીટારવાદક તરીકેની છે, પણ એ એટલા જ સક્ષમ વાયોલીનવાદક હતા. એમણે આ બન્ને વાદ્યોની પરંપરાગત રચનામાં તેમ જ વાદનની શૈલીમાં પ્રયોગશીલ ફેરફારો કર્યા હતા.

વાનનો ઝૂકાવ સંગીતને વ્યવસાયિક ધોરણે અપનાવવા ઉપર હતો. એ માટે એમને ફિલ્મી સંગીતનું ક્ષેત્ર એકદમ અનુરૂપ લાગ્યું. આ કારણથી એમણે લખનૌથી પૂના ખાતે સ્થળાંતર કર્યું. ત્યાંના પ્રભાત સ્ટુડીયોમાં કાર્યરત સંગીતકાર ભાઈઓ હુશ્નલાલ-ભગતરામે વાનને સૌપ્રથમ તક આપી. આ બેલડીની પહેલવહેલી ફિલ્મ ‘ચાંદ’(૧૯૪૪)માં વાને સહાયક સંગીતકાર તરીકે ઉમદા કામ કર્યું. અલબત્ત, આ ફિલ્મની શ્રેયનામાવલીમાં સહાયકોનાં નામો આપ્યાં ન હોવાથી વાનનો ઉલ્લેખ જોવા મળતો નથી. એ સમયે વાનની મૈત્રી દેવઆનંદ અને ગુરુદત્ત જેવા સંઘર્ષરત કલાકારો સાથે કેળવાઈ. છેવટે એ મિત્રોએ મુંબઈ સ્થાયી થવાનો નિર્ણય લીધો, જે ત્રણેય માટે પૂરેપૂરો ફળદાયી નીવડ્યો.

પછી તો વાનને ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, સી.રામચંદ્ર અને ગુલામ હૈદર જેવા સંગીતકારો સાથે કામ કરવાની તકો મળતી રહી. આમ, સાવ યુવાવસ્થામાં એ એક કાબેલ વાદક અને સંગીતજ્ઞ તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. સને ૧૯૪૭માં એમણે દક્ષીણ અમેરીકા, હવાઈ ટાપુઓ અને દક્ષીણ આફ્રીકાનો લાંબો વ્યવસાયિક પ્રવાસ ખેડ્યો. આના પરિણામે એમને ખ્યાતિ પણ મળી અને પશ્ચીમી સંગીત વિશેની વાનની સૂઝ પણ વિકસી.

અભિનેત્રી નૂતન બાળવયથી જ નૃત્યમાં પારંગત હતાં ફિલ્મ અભિનયક્ષેત્રે પ્રવેશ્યાં એ પહેલાંથી જ નૃત્યના કાર્યક્રમો આપતાં હતાં. સને ૧૯૪૭ના અરસામાં માંડ કિશોરાવસ્થામાં પ્રવેશેલી એ છોકરીએ પોતાના એક કાર્યક્રમમાં વાયોલીનવાદન માટે વાનને નિમંત્ર્યા. વાને સહર્ષ એ કાર્યક્રમમાં વગાડ્યું. યોગાનુયોગે એ કાર્યક્રમમાં રાજકપૂર ઉપસ્થિત હતા. એમની પારખુ નજરે વાનનું હીર ચકાસી લીધું અને વાનને તે સમયે નિર્માણાધિન ફિલ્મ ‘બરસાત’ માટેના વાદ્યવૃંદમાં પ્રવેશ મળી ગયો. એનું પરિણામ આપણે લેખની શરૂઆતમાં જાણ્યું. આને પરિણામે વાન અને રાજકપૂર વચ્ચે મૈત્રીસંબંધ કેળવાયો, જે આજીવન ટકી રહ્યો.

સને ૧૯૫૬માં વાને એકોર્ડીયનવાદક એનોક ડેનીયલ્સ અને તલત મહમૂદ સાથે પૂર્વ આફ્રીકાનો પ્રવાસ ખેડ્યો, જે વ્યવસાયિકરૂપે ખુબ જ સફળ નીવડ્યો. પછી તો વાન નિયમીત સમયાંતરે વ્યવસાયિક ધોરણે વિદેશ પ્રવાસો કરતા રહ્યા.

ડાબેથી…. વાન શીપ્લે, તલત મહમૂદ, એનોક ડેનીયલ્સ

વાન ખાસ્સા દેખાવડા હતા. આથી એમને ક્યારેક ક્યારેક પરદા ઉપર ચમકવાની તક પણ મળી. એમણે ‘ફરેબ’(૧૯૫૩), ‘ધરમપત્નિ(૧૯૫૫) અને ‘કાર્નીવાલ ક્વીન’(૧૯૫૫) જેવી ફિલ્મોમાં નાનામોટા કિરદારો નિભાવ્યા. ફિલ્મ ‘ફરેબ’ માટે તો વાને પાર્શ્વસંગીત પણ તૈયાર કર્યું હતું. પણ પછી પોતાની પ્રાથમિકતાઓ સમજીને એ દિશામાં આગળ વધવાના પ્રયત્નો ન કર્યા. પ્રસ્તુત ક્લીપ ફિલ્મ ‘ચા ચા ચા’(૧૯૬૪)ની છે, જેમાં નૃત્યાંગનાઓ હેલન અને બેલા બોઝના નૃત્ય સાથે ગીટાર વગાડી રહેલા વાનને આસાનીથી ઓળખી શકાય છે.

ફિલ્મોમાં અને સ્ટેજ કાર્યક્રમોમાં વગાડતા રહેવા ઉપરાંત વાને ૧૯૬૨થી ૧૯૮૨ સુધી દર વર્ષે કમ સે કમ એકના ધોરણે ગીટાર તેમ જ વાયોલીન ઉપર લોકપ્રિય ફિલ્મી ગીતોના વાદનની રેકોર્ડ્સ બહાર પાડી. એ રેકોર્ડ્સ ચાહકોમાં ધૂમ વેચાતી રહી.

આટલા પરિચય પછી વાન શીપ્લેનું વાદન સમાવિષ્ટ હોય એવાં કેટલાંક યાદગાર ગીતો સાંભળીએ.

૧૯૪૭ની ફિલ્મ ‘દો ભાઈ’માં સચીન દેવ બર્મનના સ્વરનિયોજનમાં ગીતા દત્તે ગાયેલા અતિશય લોકપ્રિય ગીતમાં વાન શીપ્લેનું હવાઈયન ગીટારવાદન છે.

ખેમચંદ પ્રકાશ જેવા સમર્થ સંગીતનિર્દેશકે ફિલ્મ ‘મહલ’(૧૯૪૯)માં એક કરતાં બહેતર એક ગીતો આપ્યાં. એમાંનાં બે ગીતો સાંભળીએ, જે બન્નેમાં શીપ્લેનું હવાઈયન ગીટારવાદન સાંભળવા મળે છે. અહીં નોંધનીય છે કે આ ફિલ્મ અને એનાં ગીતો રજૂઆત પામે એ પહેલાં જ ખેમચંદ અવસાન પામી ચૂક્યા હતા.

ફિલ્મ ‘બાવરે નૈન’ (૧૯૫૦)ના અનિલ બિશ્વાસના નિર્દેશનમાં બનેલા ગીત ‘દિલ જલતા હૈ તો જલને દે’માં ગાયક મુકેશના સ્વરનો પીછો કરતું હોય એવું વાનનું વાયોલીનવાદન છે.

શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં લતા મંગેશકરે ગાયેલા ફિલ્મ ‘આહ’(૧૯૫૩)ના ગીતમાં વાને હવાઈયન ગીટાર વગાડી હતી.

આ યાદી અત્યંત લાંબી થઈ શકે, કારણ કે એવું માનવામાં આવે છે કે વાને દાયકાઓમાં પથરાયેલી કારકીર્દિ દરમિયાન અંદાજે ૧૫૦૦ કરતાં વધુ ગીતોમાં ગીટારવાદન અથવા વાયોલીનવાદન કર્યું છે.

હવે શીપ્લેએ જે લોકપ્રિય ફિલ્મી ગીતો ગીટાર ઉપર અથવા વાયોલીન ઉપર વગાડ્યાં છે, એમાંનાં કેટલાંક માણીએ. અહીં ઉલ્લેખનીય છે કે એમણે જે તે ગીતનાં મૂળભૂત અંગોને જેમનાં તેમ રાખીને વિશિષ્ટ શૈલીમાં કેટલાક ફેરફારો વડે વધારાની અસર ઉભી કરી છે.

હવાઈયન ગીટાર ઉપર ફિલ્મ ‘અનમોલ ઘડી’(૧૯૪૬)ના લોકપ્રિય ગીતથી શરૂઆત કરીએ.

ફિલ્મ ‘બાવરે નૈન’નું ગીત આપણે ઉપર માણ્યું છે, જેમાં ગાયક મુકેશનો સાથ વાને વાયોલીન ઉપર આપ્યો હતો. હવે એ જ ગીત વાને વાયોલીન ઉપર વગાડ્યું છે તે સાંભળીએ.

હવેનું ગીત ફિલ્મ ‘દીલ અપના ઔર પ્રીત પરાયી’(૧૯૬૦)નું છે, જે વાને સ્પેનીશ ગીટાર ઉપર વગાડ્યું છે.

ફિલ્મ ‘દુલારી’(૧૯૪૯)નું અતિશય મધુરું ગીત હવાઈયન ગીટાર ઉપર સાંભળીએ.

હવે પછી વાને વાયોલીન ઉપર વગાડેલું ફિલ્મ ‘સઝા”(૧૯૫૧)નું ગીત માણીએ.

આખરમાં એક કાર્યક્રમમાં ફિલ્મ ‘મેરા નામ જોકર’(૧૯૭૧)નું અતિશય લોકપ્રિય બની ચૂકેલું ગીત વગાડી રહેલા વાનને નિહાળવાનો લહાવો લઈએ. આ વિડીઓમાં હવાઈયન ગીટારની રચના અને એને વગાડવાની પધ્ધતિ સુપેરે જોઈ-જાણી શકાય છે.

સમગ્રપણે જોતાં વાન શીપ્લેની કારકીર્દિ ખાસ્સી ભાતિગળ રહી. એમણે અગણિત ફિલ્મી ગીતોમાં વાયોલીન અથવા ગીટાર ઉપર સંગત કરી. તે ઉપરાંત સહાયક સંગીતકાર તરીકે પણ કામ કર્યું. વળી ખુબ જ લોકપ્રિય બની ચૂક્યાં હોય એવાં ફિલ્મી ગીતોની ધૂનની રેકોર્ડ્સ બહાર પાડી. સ્ટેજ કાર્યક્રમો માટે દેશ-વિદેશના પ્રવાસો ખેડ્યા. આટલું ઓછું હોય એમ એમણે ફિલ્મોમાં કામ કરવાના અખતરા પણ કરી જોયા. સને ૨૦૦૮ની તા. ૮ માર્ચના રોજ અવસાન પામેલા વાન શીપ્લેને એમના ચાહકો એક અસાધારણ સ્તરના ગીટારવાદક તરીકે અને આર.કે.ફિલ્મ્સના ઓળખચિહ્નમાં સમાવિષ્ટ વાયોલીનવાદક તરીકે હંમેશાં યાદ કરતા રહે છે અને રહેશે.


નોંધ…… તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
સંદર્ભ…. સાભાર, vanshipleyblogspot.com


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

2 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૧૫) – વાન શીપ્લે

  1. ‘૭૦ અને ‘૮૦ના દાયકામાં જ્યારે રેકર્ડ્સ ખરીદીને સાંભળવાનો શોખ પુરબહારમાં હતો ત્યારે વાન શીપ્લેની રેકર્ડ્સ સાંભળવાનો લ્હાવો લેતા.

    વાન શીપ્લે એ જે ગીતોમાં સક્રિય ભાગ લીધો છે તે ગીતો હવે હજુ વધારે ગમશે.

    આજના લેખમાં પિયુષભાઈએ એ યાદો તજી કરાવવાની સાથે વાન શીપ્લે વિશે ખુબ રસભરી જાણકારી પણ પુરી પાડી છે. લેખ ત્રણ ચાર વાંચીએ તો પણ ધરવ નથી વળતો.

  2. ખૂબ સુંદર માહિતીસભર

    લેખ!

Leave a Reply

Your email address will not be published.